Mann Woman

જો જીતા વો સિકંદર

20140423-002409.jpg

નામમાં શું રાખ્યું છે? આવું શેક્સપિયર ભલે કહી ગયા હોય પણ સૌ જાણે છે કે નામમાં જ રામ છે. જો એવું ન હોત તો બ્રાન્ડનેમ બનાવવા કે પછી પોતાના નામ માટે દુનિયા આખી મચી પડતે?

ઘણી વાર મેગેઝિન્સના વાનગી વિભાગમાં આ નામ શું કરામત કરે છે તેનો પરચો જોવા મળે છે. ગરમીની સીઝન આવે એટલે આઇસક્રીમ ચોકલેટનો હોય કે મિક્સ ફ્રૂટનો, અવનવાં નામ આપીને રીત છાપી નાખવાની. વાચકોને મજા ને લખનારને પણ મજા. ચાર્લી ચેપ્લિન આઇસક્રીમ, મેડોના આઇસ ટી એવાં બધાં નામ વિદેશોનાં મેગેઝિનમાં પણ છપાય, એટલે આપણે ત્યાં સ્વીકાર્ય થયે જ છૂટકો.

વાત આઇસક્રીમ, સોડા કે કેન્ડી સુધી સીમિત હોય તો તો સમજ્યા પણ ચૂંટણીના ગરમાગરમ માહોલમાં પણ ચૂંટણીમાં ઊતરેલા મુરતિયાઓ કે મુરતિયણ આવા અવનવાં નામનાં ગતકડાં કરે છે. એટલે કે રમૂજ તો થાય પણ તેને કારણે મતદારના માનસ પર તેમની હાજરી વધુ લાંબા સમય સુધી ટકે.

માનવામાં આવે તેવી વાત નથી લાગતી?

તો મળો ગુલકીરત કૌરને. ચંદીગઢથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર, હા, ગુલકીરત કૌર એટલે આપણી ગુલ પનાગ. લોકો એને ગુલ પનાગ તરીકે ઓળખે પણ તેનાં હોર્ડિંગ, રેલી, મુલાકાતો દરમિયાન ફિલ્મીસ્તાનની ઓળખ કોરાણે મૂકી ગુલ પનાગ ગુલકીરત કૌર તરીકે જ મતદારોને મળે છે ને વાત હિન્દી કે અંગ્રેજીમાં ન કરતાં શુદ્ધ પંજાબીમાં જ કરવાનો આગ્રહ રાખે છે, પત્રકારો સાથે પણ…

મોડેલિંગ અને ફિલ્મથી જાણીતી ગુલ પનાગને ગુલકીરત કૌર નામ એટલું ભાવી રહ્યું છે કે એણે હાલ તો પોતાની તમામ શક્તિ કેન્દ્રિત કરવા ચંદીગઢ સ્થાયી થવાનું વચન મતદારોને આપી દીધું છે, પણ પત્રકારોને કહે છે કે જો જીતી તો… એટલે ચૂંટણી ન જીતી તો એમપી થવાનું સ્વપ્નભંગ થશે તો ગુલકીરત કૌર ફરી ગુલ પનાગ થઈ જશે ને કદાચ બેક ટુ બોમ્બે…

ગુલ પનાગની જેમ નવાં નામ, નવી ઓળખ સાથે મેદાનમાં કૂદેલાં ઘણાં મુરતિયાઓ છે પણ વાત માત્ર થોડા નામાંકિતની જ કરવી છે. આવું એક બીજું નામ છે શ્રીમતી દેવ વર્મા. તમે કદાચ ફોટો જુઓ તો ઓળખો પણ નામથી નહીં. આ શ્રીમતી દેવ વર્મા તૃણમૂલના પશ્ચિમ બંગાળની બાંકુરા બેઠકનાં ઉમેદવાર છે. તેમનાં તમામ હોર્ડિંગ, બેનર પર ફોટો છે સુચિત્રા સેનનો હા, આ શ્રીમતી દેવ વર્મા એટલે અન્ય કોઈ નહીં પણ સુચિત્રા સેનની દીકરી, મુન મુન સેન. પહેલી વાર લોકસભાની ચૂંટણી લડી રહેલી મુનમુનના આ નામ માત્રથી સૌને અચરજ થયેલું. તમામ હોર્ડિંગ, બેનર્સ પર ‘શ્રીમતી દેવ વર્મા કે વોટ દિનતે’ એવા લખાણ માટે સ્પષ્ટીકરણ મુનમુને તેની પહેલી પ્રચારસભામાં એવું કર્યું કે મારું સાચું નામ શ્રીમતી છે અને મારા પતિનું નામ છે ભરત દેવ વર્મા એટલે હું શ્રીમતી દેવ વર્મા થઈ કે નહીં?

પ્રશ્ન એ થાય કે જિંદગી આખી ગ્લેમર વર્લ્ડમાં પોતાની માતાની સરનેમથી ઓળખાતાં રહેલાં, બાકી હોય તેમ પોતાની દીકરીઓ પણ માતાની જ સરનેમથી ઓળખાય તેવો આગ્રહ રાખનારાં મુનમુન સેનને હવે રહી રહીને પતિ ભરત દેવ વર્માની સરનેમ ને ઓળખથી ઓળખાવાનું કેમ સૂઝ્યું? આ પ્રશ્નનો ઉત્તર સીધો છે, રાજકારણ. લોકો ભલે કહે નામમાં શું રાખ્યું છે? પણ નામ છે તો દામ છે. મુનમુન સેનના પતિ ભરત દેવ વર્મા જનજાતિના છે. આમ તો ત્રિપુરાના રાજવી પરિવારના સભ્ય પણ જનજાતિના, અને જે વિસ્તારમાંથી મુનમુન ચૂંટણી લડે છે તે મતવિસ્તારમાં જનજાતિના મતદારોની સંખ્યા વધુ છે. એટલું જ નહીં મુનમુનના પતિ ભરત દેવ વર્માની આ સમૂહગણ પર પક્કડ પણ સારી છે. હવે આ નામને કનેક્શન રોકડું કરવા જેવું ખરું કે નહીં?

હા, જે જનજાતિના નથી તેવા મતદારો માટે મુનમુન મહાનાયિકા સુચિત્રા સેનની દીકરી છે. એટલે નામ પાછળ પતિનું નામ, સરનેમ અને સભાઓમાં મંચના બેકડ્રોપ પર સુચિત્રા સેન અને છોગામાં આ અભિનેત્રી મુનમુન (?) કહે છે કે હું આ જનજાતિની પુત્રવધૂ છું અને મહાનાયિકા સુચિત્રા સેનની દીકરી છું. હું અહીં ઊભી છું તો સમજો કે એ (સુચિત્રા સેન) અહીં જ ઊભી છે. અલબત્ત, જો આ વાતો પરથી એમ માની લઈએ કે સ્ત્રીઓ જ આવાં ચેટક કરી શકે તો એ વાત સાવ ખોટી છે. નામની વાત આવે ત્યાં સ્ત્રી હોય કે પુરુષ, સ્વાર્થ સર્વોપરી થઈ જાય છે.

એ પછી ગુલ પનાગ હોય કે મુનમુન સેન કે પછી આપના (આમ આદમી પાર્ટી)ના યોગેન્દ્ર યાદવ. યોગેન્દ્ર યાદવ આમ તો હિન્દુ છે પણ જેવા મુસ્લિમ મતવિસ્તારોમાં જાય છે અચાનક જ તેમનું નામપરિવર્તન થઈ જાય છે, તેમની ઓળખ છે સલીમ. કારણ એવું અપાય છે કે યોગેન્દ્ર યાદવના પિતા દેવેન્દ્ર સિંહે યોગેન્દ્ર નાના હતા ત્યારે તેમનું નામ સલીમ અને તેમની બહેનનું નામ નજમા રાખ્યું હતું. એટલે કે જનજીવનમાં પ્રવૃત્ત યોગેન્દ્ર યાદવ સામાન્ય સંજોગોમાં યોગેન્દ્ર જ હોય છે પણ જ્યાં વાત મુસ્લિમ મતવિસ્તારની આવે છે ત્યાં તેમનું તુરંત જ સલીમમાં ટ્રાન્સફર્મેશન થઈ જાય છે.

આમ તો ચૂંટણીમાં બધો ખેલ બ્રાન્ડિંગ પર હોય છે. પક્ષનું, યુતિનું, ઉમેદવારનું નામ ખૂબ મહત્ત્વના હોય છે પણ આ વખતે નવી લહેર જોવા મળી છે.

કદાચ શેક્સપિયરને સાચા પાડવાની લહેર. નામમાં છે શું આખરે? જો જીતા વો સિકંદરના ન્યાયે, જાન હૈ તો જહાં હૈ, જીત હૈ વહાં નામ હૈ…

છેલ્લે છેલ્લે
રંગ લે આયેંગે, રૂપ લે આયેંગે
કાગઝ કે ફૂલ, ખુશબૂ કહાં સે લાયેંગે?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s