Mann Woman

કોણ સાચું? ઉપનિષદ કે તુલસીદાસ?

20140513-135400.jpg
તાજેતરમાં જ ચૂંટણી દરમિયાન વિરોધ કરવાના આશયથી ચૂંટણી બહિષ્કારની ઘણી ઘટના બની. ક્યાંક પાણી, ક્યાંક વીજળી, ક્યાક ગંદકીના મુદ્દે પણ, સૌથી રસપ્રદ મુદ્દો હતો હરિયાણાનો.
હરિયાણાના અપરિણીત યુવાનોએ એક મોરચો કાઢી ચૂંટણીનો બહિષ્કાર એટલે કર્યો હતો કે જેમ બીજાંઓ પાણી, વીજળી કે ગંદકીની સમસ્યાથી પીડિત છે તેનાથી કંઈ વિકટ સમસ્યા છે આ કુંવારાઓની. એમને લગ્ન કરવા છોકરી જ નથી મળતી અને પહેલી નજરે રમૂજ પમાડતી વાત ભારે વિકટ અને અમાનવીય સમસ્યાઓને જન્મ આપે છે.

હરિયાણા અને કંઈક અંશે પંજાબ પણ આ સમસ્યાનો સામનો કરે છે. કારણ છે દીકરી જન્મનો ઊતરતો જતો ગ્રાફ. હરિયાણામાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. હજાર પુરુષની સરખામણીમાં સ્ત્રીઓનું વસ્તીપ્રમાણ છે ૭૬૧. આ આંકડા તો હજી રાહતભર્યા લાગે જો ત્યાંની ખરેખરી સમસ્યા જોવાય તો! પરંતુ આ આંકડા સાચા નહીં હોય,કારણ કે હરિયાણાના કોઈ પણ નાનાં મોટાં ગામ-કસબામાં સ્ત્રીઓ જ અદૃશ્ય થઈ ગઈ છે. જે હરિયાણાનું મહેન્દ્રગઢ બાબા રામદેવથી મશહૂર છે ત્યાં પરિસ્થિતિ એવી છે કે દસ લાખની વસ્તીવાળા આ જિલ્લામાં બે લાખથી વધુ સ્ત્રીઓ ગાયબ છે. જેમની જગ્યા પૂરવા માટે જે અવર્ણનીય અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે તે રોકવા માટે કોઈ રણીધણી જ નથી.

આ જ સમસ્યા પર થોડાં વર્ષ પૂર્વે (૨૦૦૩ની આસપાસ) એક હૃદયદ્રાવક ફિલ્મ આવી હતી. ‘માતૃભૂમિ’. આ ફિલ્મને જોઈને તો એમ લાગતું હોય કે આ જો ફિલ્મની સ્ટોરી હશે તો વાત ખોટી છે. આ ફિલ્મ કરતાંય વધુ બદતર હાલતમાં સ્ત્રીઓ જીવે છે.

આ હરિયાણામાં મોટે ભાગે જાટ કોમની વસ્તી છે અને ત્યાં ખાપ પંચાયત મસીહાની ભૂમિકા ભજવે છે. ત્યાં જ ખોદાઈ છે માનવતાની ઘોર. ગામની, સગોત્રની દીકરી સાથે વિવાહ ન થાય અને દીકરીને દહેજ સમસ્યાના નિવારણ માટે ગર્ભમાં જ મારી નાખવાની પશુતાએ હવે નવી પાશવતાને જન્મ આપ્યો છે, તે છે બીજાં રાજ્યોમાંથી સ્ત્રીને લગ્ન કરીને લાવવાનો.

જો કે આ લગ્ન શબ્દ તમે ધારો તેવો પવિત્ર નથી. આ લગ્નને બદલે ખરેખર તો શબ્દ વપરાવો જોઈએ ‘વિક્રય’.

નજીકના રાજ્યનાં ગરીબ ગામડાં એટલે કે હિમાચલની પહાડીમાંથી કે પછી પશ્ચિમ બંગાળ કે ઓરિસ્સા, છત્તીસગઢ, ઉત્તર-પૂર્વનાં દૂર રાજ્યોના અંતરિયાળ ગામમાંથી પારાવાર ગરીબીમાં સબડતાં કુટુંબને ખરીદી લાવી તેને આ હરિયાણવીઓ લગ્ન કરે છે. એ લગ્ન એટલે કે પાંચ ભાઈઓ કે પાંચ ભાગીદારો વચ્ચે થયેલી એક સ્ત્રી માટેનું સમજૂતીભર્યું આર્િથક રોકાણ. ગ્રામ્ય વિસ્તારોમાં જેમ ઘર ખાતે એક કાર કે એક ટ્રેક્ટર સામૂહિક રીતે,તમામ સભ્યો માટે વસાવાય તે જ રીતે એક સ્ત્રી વસાવી લેવાય છે. એનો જેમ ચાહો ઉપયોગ કરો. ઘરના પુરુષવર્ગ જેમાં ભાઈઓ, પિતા, કાકા જેવી જૈફ વ્યક્તિઓ પણ શામેલ. તે તમામની શારીરિક જરૂરિયાત સંતોષવા ઉપરાંત ઘરકામ, ખેતરમાં મજૂરી અને હા, ક્યારેક કોઈ વિશેષ જરૂરિયાત રૂપે કોઈ લેણદાર કે અમલદારની સ્પેશિયલ ખાતર બરદાસ્ત કરવાની જવાબદારી આ સ્ત્રી પર હોય છે.

આ તમામ પાશવીય અત્યાચાર સહન કરવાની આ સ્ત્રીની નિયતિ હોય છે કારણ? કારણ કે એ ખરીદેલી ચીજ છે. આ દરમિયાન આ સ્ત્રીને સંતતિ પણ થઈ જાય છે,છતાંય નથી બદલાતું તો એનું તકદીર.

સંતતિમાં વળી દીકરી જણે તો તો એની હાલત પરિવારનાં ઢોરઢાંખર કરતાં પણ બૂરી થઈ જાય.

તાજેતરમાં જ એક વિદેશી પત્રકારે કરેલા અહેવાલ પ્રમાણે ભારતની કહેવાતી સભ્યતા અને સંસ્કૃતિ પર ઘણો પ્રકાશ પાડયો છે.

આ વિષે હરિયાણાની સરકાર તો મોઢામાં મગ ભરીને બેસી જાય છે. બાકી રહી પોલીસની રેઢિયાળ કામગીરી. જ્યાં જે સમાજ પોતાની જ બાળકીને જન્મતાં પહેલાં ભક્ષી જતો હોય ત્યાં પરાપૂર્વથી દીકરીને ન્યાય મળવાની કોઈ આશા પણ રાખી શકાય?

20140513-140034.jpg

ખરેખર તો હરિયાણામાં સ્ત્રીઓને હંમેશ સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે જ જોવામાં આવતી રહી છે. આજે જ્યારે ભારતમાં પુરુષ-સ્ત્રીનું વસ્તીપ્રમાણ ૧૦૦૦ :૯૪૦ છે ત્યારે હરિયાણાની સ્થિતિ સૌથી ખરાબ છે. ૨૦૧૧ની સાલમાં હરિયાણામાં હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા હતી ૮૭૯. આ આંકડા જાણ્યા પછી પણ પરિસ્થિતિમાં સુધારો કરવા અંગે કોઈ પગલાં ભરાયાં નહીં એટલે આજે, ૨૦૧૪માં ગયા વર્ષના છેલ્લા આકલન પ્રમાણે ૧૦૦૦ પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા છે ૭૬૧.

આ આંકડાથી ચોંક્યા ન હો તો આ કારણથી ઉદ્ભવતાં ક્રાઇમરેટને ધ્યાનમાં લેવો પડે. ગરીબ રાજ્યોમાંથી ખરીદી લવાતી, ઉઠાવાઈ લવાતી યુવતીઓ માટે તેમના ગરીબડાં મુખ્ય પ્રધાનો પણ કાયદાકીય રીતે કશુંય કરવા અશક્તિમાન હોય એમ કહી હાથ ઊંચા કરી દે છે અને કેન્દ્ર સરકારને તો આ આખો મુદ્દો ધ્યાન આપવા જેવો પણ લાગ્યો નથી.

આજે પણ હરિયાણામાં ગર્ભમાં થતા જાતિ પરીક્ષણ અલ્ટ્રાસાઉન્ડ ધીખતો ધંધો છે. આખા દેશમાં અલ્ટ્રાસાઉન્ડ કે કોઈ પણ રીતે જાતિ (ભ્રૂણ) પરીક્ષણ માટે એક લાખ રૂપિયાનો દંડ કે પાંચ વર્ષની કેદની સજા છે. છતાં આ ધંધો વિના રોકટોક બેફામ રીતે ચાલે છે. જે મિનિટે ગર્ભમાં દીકરી છે તેવી ખબર પડી કે તાત્કાલિક નિકાલ. આ પરિસ્થિતિમાં કયા ચમત્કારની અપેક્ષા કરી શકાય?

આ સમસ્યાની ધાર હજી ન ચચરાટી જગાવી શકી હોય તો આ વિષય પર બનેલી ફિલ્મ તો જોવા જેવી ખરી.

તુલસીદાસ કહી ગયા છે પશુ ઔર નાર, તાડન કે અધિકારી, પણ હવે તો નારીની સ્થિતિ પશુથી પણ બદતર થઈ રહી છે, તો તેના ઉદ્ધાર માટે કોઈ વિષ્ણુ અવતાર સંભવ હશે કે નહીં?

છેલ્લે છેલ્લે

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે

રમન્તે તત્ર દેવતાઃ

(જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં પ્રભુનો વાસ રહે છે.)

20140513-140129.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s