Mann Woman, WOW ( world of woman)

વડીલોના વાંકે?

image

રોજ ઇવનિંગ વોકમાં સુલક્ષણાબહેન અચૂક મળે. આમ તો એ હંમેશ સિલ્ક કે શિફોનની સાડીમાં જ હોય, પરંતુ વોક દરમિયાન સલવાર કુરતાં અને મોંઘાંદાટ સ્નીકર્સ પહેરીને ત્રીસ વર્ષના યુવાનને શરમાવે એ ગતિથી ચાલતાં હોય.

એમની પાસે વાતોનો ખજાનો અઢળક. માત્ર અખબાર, મેગેઝિનો વાંચતાં નહીં ચાવી જતાં હશે તેવું ક્યારેક લાગે. એમને કોઈ પરાંમાં લાગેલા નાનકડા સેલથી માંડીને સહારાના સુબ્રતો રોયના સ્કેમ કે વિજય માલ્યા વિષે ચર્ચા કરવાનું ફાવે અને હા, વોક પછી એ એવી રાહ જ જોતાં હોય કે કોઈક ઓળખીતું મળે કે વાત કરે. સુલક્ષણાબહેન અતિશય શ્રીમંત કુટુંબના સંયુક્ત પરિવારમાંથી છૂટા થયા પછી માત્ર દીકરો-દીકરી, પતિ-પત્ની એમ ચાર માણસનું કુટુંબ, પણ નોકર-ચાકરોનો રસાલો લગભગ છ માણસોનો.ળસુલક્ષણાબહેનનો દીકરો વેદાંત માસ્ટર્સ કરવા યુએસ ગયો તે ગયો, પારકો જ થઈ ગયો. ત્યાં જ એક ઇન્ડિયન ઓરિજિનની છોકરીના પ્રેમમાં પડયો ને તેને મંજૂરી આપ્યા વિના છૂટકો જ નહોતો. હવે વારો હતો દેવાંશીનો. દીકરી ભણતી હતી. એના એજ્યુકેશનની આડે નથી આવવું એવો સુલક્ષણાબહેનનો દૃઢ નિર્ધાર. વાત જાણે વાજબી પણ ખરી. દીકરો હોય કે દીકરી સારું ક્વોલિફિકેશન તો આજે મસ્ટ છે. દેવાંશી ક્વોલિફાઇડ ડાયટિશિયન થઈ. સારી હોસ્પિટલ અને એક નામાંકિત ડાયટિશિયન સાથે પાર્ટટાઇમ કામ કરતી હતી.

હવે ઠેકાણું શોધવાનું હતું દેવાંશીનું. દેવાંશીની ઇચ્છા પછી તો ભાઈની જેમ વિદેશ જ સેટલ થવાની હતી. પણ હવે એ શક્ય નહોતું. સુલક્ષણાબહેનનો મત એવો કે બંને સંતાન વિદેશ જાય તો કેમ ચાલે? પણ જોગાનુજોગ દેવાંશી માટે આવનારા તમામ મુરતિયા વિદેશથી જ આવતા રહ્યા. એક તો હતો જાપાનથી, પોતાની જ જ્ઞાાતિનો, અલબત્ત, ત્રણ પેઢીથી જાપાનમાં સ્થાયી. જાપાનમાં મોતીનો બિઝનેસ કરનાર એકમાત્ર ભારતીય પેઢી. છોકરો વળી એકનો એક પણ, સુલક્ષણાબહેનને ચિંતા થઈ જાપાનની લાઇફસ્ટાઇલની. “અરે! હું ને દેવાંશીના પપ્પા બે વાર જાપાન જઈ આવ્યા ને જોઈ લીધું. ત્યાં કોઈ ઇન્ડિયનની ખાસ વસતી જ નહીં, આપણા જેવું આઉટિંગ ને પાર્ટી, સોશિયલ લાઇફ જેવું કંઈ નહીં. છોકરી તો સાવ ગામડામાં ગઈ હોય તેવું ફિલ કરશે.” “સારું,” સુલક્ષણાબહેનના કહ્યાગરા કંથ એવા નરેનભાઈએ ના કહેવડાવી દીધી. પછી આવ્યો કોઈક મુરતિયો અમેરિકાથી. નરેનભાઈ હજી કંઈ માહિતી આપે તે પહેલાં જ સુલક્ષણાબહેને કહ્યું, “પહેલાં એ           

કહો કે એ ઇસ્ટ કોસ્ટનો છે કે વેસ્ટનો? જુઓ ન્યૂ જર્સી બાજુ દીકરી ન દેવાય. લોકો કેટલાં દેશી. રોજ નોકરીએ જવાનું, ઘરે આવી રાંધવાનું ને ટીવી જોવાનું. મશીન જેવી જિંદગી, મારી દીકરી વધારાની નથી. દેવાંશીને પોતાનું વિદેશ જવાનું સ્વપ્ન તો હવાઈ ગયેલું જ લાગતું, પરંતુ ક્યારેક તો પોતાની માતા ઘર માંડવા દેશે કે કેમ તેનો પણ ઉચાટ થઈ આવતો.

દેવાંશીને ગમતો હતો તેની સાથે ભણતો શશાંક. શશાંક ડેન્ટિસ્ટ બન્યો એટલે દેવાંશીને લાગતું કે હવે તો મંજૂરી મેળવવામાં કોઈ સમસ્યા નથી.

પણ બિચ્ચારી દેવાંશી. એ માને જાણતી હતી પણ સુલક્ષણાબહેનના સર્વગુણસંપન્ન મિ. રાઇટના વળગણને જાણતી નહોતી.

“શશાંક… કોણ પેલો તારી સાથે સ્કૂલમાં ભણતો હતો તે?” દેવાંશીની ઝિઝકભરી રજૂઆત પર સુલક્ષણાબહેનનો જ્વાળામુખી ફાટયો હતો.

“અરે, એને બે બહેનો છે ને એક ભાઈ. બધાં પાંચ જણ બે બેડરૃમ, હોલ કે કિચનના ફ્લેટમાં રહે છે તે ખબર છે?” સુલક્ષણાબહેનને તો દેવાંશીની પસંદગી માટે ગુસ્સો કરવો કે હસવું તે જ સમજાતું નહોતું.

“ડેન્ટિસ્ટ ખરો, પણ પોતાની ડેન્ટલ ક્લિનિક ઊભી કરવાની છે તાકાત એનામાં? ને એનો બાપ એક મામૂલી કારકુન છે. આપણે ત્યાં એવા ત્રીસ માણસોનો તો સ્ટાફ છે…” સુલક્ષણાબહેનને એટલી બધી ઝાળ લાગી ગઈ હતી કે પોતાની દીકરી થઈને દેવાંશીને ગમી ગમીને આવો મામૂલી છોકરો ગમ્યો?

દેવાંશી સુશિક્ષિત તો ખરી પણ સમજુ પણ હતી. હવે એને લાગી રહ્યું હતું કે આમ ને આમ સમય વહી જશે ને પોતે રહી જશે પણ એ કરે પણ શું? નરેનભાઈ પોતાનાં ધર્મપત્નીનો પરિતાપ સહેવા ટેવાઈ ગયેલા એટલે ચૂપ રહેવામાં જ ગુણ સમજે.

સુલક્ષણાબહેને એક-બે પાંચ નહીં પૂરા તેર મેરેજબ્યુરોમાં દેવાંશીનું નામ નોંધાયેલું.

કોઈ મુરતિયો મિડલક્લાસ હોય એટલે નકામો, કોઈક પૈસાપાત્ર હોય તો ક્લાસી સોફિસ્ટિકેટેડ ન હોય એટલે નકામો. એવી જ કોઈક મિટિંગ માટે મળવાનું થયું ત્યારે સુલક્ષણાબહેનને મુરતિયા કરતાં એની મા વધુ ગમી. એટલે કે તેના કાનમાં ને હાથની રીંગના સોલીટેર. ખાનદાની પૈસાપાત્ર કુટુંબ, રહેવાનું પણ નજીક નજીકમાં. આમ તો બધું સારું લાગતું હતું. બસ, હવે વાર્તાનો ધી એન્ડ સામે દેખાતો હતો ત્યાં સુલક્ષણાબહેને ફટાકડો ફોડયો, “તમારે ત્યાં માણસો કેટલાં?” “અમે ત્રણ જ, હું, એના પપ્પા ને અમીત…” ખાનદાન મુરતિયાની માએ જવાબ આપ્યો, “ના, ના, હું પૂછું છું કે તમારે ત્યાં સ્ટાફ કેટલો? નોકરોનો?” સુલક્ષણાબહેને સાહજિકતાથી પૂછી લીધું પણ આ પ્રશ્ન દેવાંશીનાં થનાર સાસુજીને ગમ્યો નહીં.

એમણે જરા મોઢું બગાડીને કહ્યું કે, “અમારે ત્યાં એક ફુલટાઇમ બાઈ છે ને છૂટક મહારાજ છે.”

બસ, ખલ્લાસ.
સુલક્ષણાબહેનનું મોઢું પડી ગયું. ઘરે આવીને તેમનાં ફેવરિટ ગીત શરૃ થયાં.

“આટલા પૈસાવાળા માણસો ને મહારાજ છુટ્ટક… લો બોલો, એટલે કાલે આપણી દીકરી પરણીને જાય તો મહારાજને છૂટો કરી દે… એટલે મારી આટલી ભણેલી ગણેલી દીકરી એ લોકોની વગર પૈસે કામવાળી બને. વાહ! ના કહી દો તમે તમારે…”

બસ ફતવો જારી થઈ ગયો. ન કોઇએ દેવાંશીને પૂછવાની દરકાર કરી, ન નરેનભાઈએ પોતાની ધર્મપત્નીને સમજાવવાની ચેષ્ટા કરી. સિલસિલો વર્ષો ચાલુ રહ્યો. હવે મેરેજબ્યુરોમાં દર વર્ષે નામ રિન્યૂઅલ કરાવવા છતાં દેવાંશી માટે ન કોઈ ઇન્ક્વાયરી આવે છે ન કોઈ મિટિંગ ગોઠવાય છે.

છેલ્લે જાણવા મળ્યું તેમ એક બિલ્ડર ફેમિલીનો દીકરો સુલક્ષણાબહેનના મનમાં જચ્યો હતો. પહેલી વાર એવું થયું કે સુલુબહેને મનથી હા ભણી પણ ત્યારે છોકરાવાળાઓએ ના ભણી. કહ્યું, છોકરીની ઉંમર વધુ છે.

આજકાલ ઇવનિંગ વોક દરમિયાન સુલક્ષણાબહેન સામે તો મળી જાય છે પણ તેમના ચહેરા પરની પેલી રોનક ગાયબ છે. દેવાંશીને હું જ્યારે જ્યારે જોઉં છું ત્યારે અને એ અંદરોઅંદર ઘૂંટાતી હશે તેવી જ પ્રતીતિ થાય છે.

ઘણી વાર સંતાનોના હિતની અસાધારણભરી ખેવના કેવી ઘેલછામાં પરિણમે તેનું આ સચોટ ઉદાહરણ છે. દેવાંશીને સુખી કરવાની લાયમાં કેટલી દુઃખી કરી છે તેનો ખ્યાલ હવે સુલક્ષણાબહેનને છે, પરંતુ હવે ઘણું મોડું થઈ ચૂક્યું છે.

છેલ્લે છેલ્લે
સંતાનોનું ભવિષ્ય કદાચ નિર્માણ ન કરી શકાય, પરંતુ ભવિષ્યના સંજોગો માટે સંતાનોને તૈયાર તો કરી જ શકાયને!

– ફ્રેન્કલીન રૃઝવેલ્ટ

(અમેરિકન રાજકારણી, અમેરિકાના ૩૨મા પ્રેસિડેન્ટ)
( column published in Sandesh 21 May 2014) પ્રસ્તુત ફોટોગ્રાફ માત્ર પ્રતીકાત્મક છે

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s