Mann Woman, WOW ( world of woman)

‘આદર્શ’ હોવું એટલે શું ?

image

થોડાં વર્ષો પહેલાં કે દાયકા પૂર્વે, માત્ર નાનાં શહેરો કે ગામડાંઓમાં જ નહીં, મોટાં શહેર, મહાનગરમાં પણ લગ્નોત્સુક યુવક-યુવતીઓની લગ્નસંબંધી મિટિંગનો એક માહોલ ગોઠવાતો હતો, જે પ્રથા કદાચ હજી ઘણી જાતિઓમાં, ગામ, શહેરોમાં હજી ચાલતી હશે. એટલે કે લગ્નોત્સુક મુરતિયો તેના બે-પાંચ સ્વજન, વડીલ સાથે કન્યા જોવા આવે. કન્યા જાણે કોઈ મ્યુઝિયમમાં મૂકેલું પૂતળું કે શો-કેસમાં મૂકેલી ઢીંગલી. પછી એ કન્યા એસએસસી પાસ હોય કે માઇક્રો બાયોલોજી કરી ક્વોલિફાઇડ પેથોલોજિસ્ટ હોય, ડોક્ટર હોય, વકીલ હોય, પણ એણે હાઈફાઈ કે મિડિયોકર મુરતિયાના કુટુંબીઓને વાતના તમામ જવાબ આપવાના રહેતા.

પ્રશ્નો પાછા જાણે ઝેરોક્સ કોપી વહેંચી હોય તેવા…

રસોઈ આવડે છે? બધી જ કે પછી રોજની? સંયુક્ત કુટુંબમાં ફાવે? મનથી રહેવું ગમે કે પછી સંજોગ અનુસરીને? બાંધછોડ કરવી પડે તો કેવું લાગે?

આપણે માની લઈએ કે ચાલો આ તો ઠીક પાણી પહેલાંની પાળ જેવું થતું, પણ મુખ્ય વળાંક તો હળવેકથી આવે. નોકરી સાથે ઘરકામ કરતા ફાવેને! નોકરીનો પગાર ઘરમાં આપવો ગમે કે નહીં?

આ બે-ચાર પ્રશ્નોત્તરીમાં સાક્ષી બનવાનું થયેલું એટલે ખબર છે, પણ ઘણી વાર તો મુરતિયાની માએ કે બહેને પાપડ શેકતા આવડે છે? શેકીને બતાવો જોઉં એવી અભદ્ર હરકતનું ડેમોસ્ટ્રેશન પણ આપેલું.

પ્રશ્ન એ છે કે આપણી કોર્ટમાં જે રીતે હવે છૂટાછેડાના કેસનો જુમલો વધતો જાય છે તેમાં મૂળભૂત સમસ્યા એવી છે કે ખરેખર જુઓ તો એમાં હિંગનો વઘાર જ ન હોય.

ઘરમાં લાલ મરચાંની જ રસોઈ બને એ જાણે બ્રહ્મંાડનો નિયમ હોય એમ જ માન્ય રાખવાનું. લીલાં મરચાં ખાનારી વહુએ એડજસ્ટ કરવાનું જ. એ જ રીતે કોફી પીનારે ‘જતું કરવાનું’, કારણ? કારણ કે ઘરના બાકીના તમામ સભ્યો ચા પીનારા હોય તેનું શું?

લીલાં મરચાંવાળી રસોઈ જુદી કાઢવાથી કે ચાના બદલે કોફી પીવાથી કોઈ કયામત સર્જાવાની હોય તેવું વર્તન ખાસ કરીને સાસરિયાંના સ્ત્રીવર્ગનું હોય છે. એમની હામાં હા ભણવામાં આવે તો તે વહુ ગુણિયલ, આદર્શ, સંસ્કારી. તેમની સાથે અસહમત થનારી વહુ આપોઆપ સ્વંચ્છંદી, અસંસ્કારી કેટેગરીમાં આવી જાય. એટલે આવી નાની વાતો માટે ક્યાં મોટી અશાંતિ સર્જવી, તે ન્યાયે મોટાભાગની નવી પરણેલી વહુઓ ના શબ્દ ભૂલી જાય. તેમાં પણ સાસરવાટે સિધાવતાં ગાંઠે શિખામણ બંધાઈને અપાયેલી હોયઃ ચાલશે, ભાવશે ને ફાવશે એ ત્રણ મેજિક શબ્દો આત્મસાત્ કરવાની.

આ સમયગાળો એટલે અત્યારે મિડલ એજમાં પ્રવેશેલી બહેનોનો. પહેલાં સાસુના સામ્રાજ્યમાં સહેમાઈને રહેવાનું, હવે વહુની ફડકમાં જીવવાનું. વર્ષો સુધી ના બોલતા શીખો નહીં ત્યારે આવી વલે થાય.

એવું જ હમણાં સાધના સાથે થયું. સાધનાનાં લગ્નને પણ અઢાર વર્ષ થવા આવ્યાં ત્યાં સુધી ઘરમાં હરફ કાઢવાની હિંમત નહીં. પતિનાં માતા-પિતા, વડીલોનું માન, આમન્યા રાખવી જ જોઈએ તે વાત શિરોમાન્ય, પણ તમામ ખોટાં ફિતૂર અને તાનાશાહી ચલાવી લેવી તે તો ક્યાંનો ન્યાય! સાધના રહે સંયુક્ત કુટુંબમાં. સસરાનો બહોળો વેપાર ઇલેક્ટ્રિક અપ્લાયન્સીસનો. સાધનાનો પતિ અનંત બાપના વેપારમાં. આમ જુઓ તો ઘરમાં પૈસાની કોઈ એવી ખેંચ નહીં કે સાધનાએ નોકરી કરવી પડે, પણ પ્રાઇવેટ એરલાઇન્સમાં સેલરી એટલી તગડી કે સાધનાનો જ નહીં,

બલકે અનંતનો જીવ જ ન ચાલ્યો કે સાધના નોકરી મૂકી દે, પણ સમસ્યા સાસુજીને થઈ. એરહોસ્ટેસ તરીકે કામકાજના કલાકો કેવા ખરાબ! બાળકો થશે ત્યારે શું? ચાલો સારું, થોડા સમયમાં સાધનાની વિનંતીના જવાબરૂપે-ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે વરણી થઈ ગઈ. ખરેખર તો જવાબદારી વધી ગઈ. કામના કલાકો એવા જ અનિયમિત. સાધનાના સસરા પાક્કા વેપારી. એમનો મત એવો કે સાધના નોકરી કરે તેનો

વાંંધો નહીં, પણ રજાના દિવસે રસોઈપાણી, શાકભાજી-કરિયાણાંની ખરીદી, ઘરની સાફસૂફી તો સાધનાએ કરવી રહીને. બિચારી સાસુએ બહુ ખેંચ્યું. સસરાની એ વાત સાચી કે વહુ આવે ત્યારે દરેક સાસુને જવાબદારીમાંથી મુક્ત થવાનો શ્વાસ ખેંચવો હોય છે, પણ માત્ર કામકાજની જ વાતમાં? ઘરના ખર્ચ, વહીવટમાંથી નહીં? અને અઠવાડિયાના છ દિવસ ઘરના (પુરુષવર્ગની જેમ જ) કામ કરતી વહુને થાક ન લાગે? ઘરની વહુ શું વિના પગારની કામવાળી હોય છે? આ પ્રશ્ન દરેક સાસુ-સસરા થયેલી વ્યક્તિએ પોતાની જાતને પૂછવા જેવો છે. અઢાર વર્ષનાં લગ્નજીવન દરમિયાન એડજસ્ટમેન્ટના પ્રયાસરૂપે ચોકઠાં ગોઠવતાં ગોઠવતાં સાધના થાકી ગઈ એટલે એણે પતિને પરખાવ્યું કે ક્યાં એ નોકરી કરશે કે ઘર સંભાળશે, પણ બેઉ ચીજ નહીં કરી શકે.

આ વાતથી વર્મા કુટુંબમાં ભારે ભૂકંપ થઈ ગયો છે. ઘરની વહુ આમ બોલી શકે ખરી? આ ભૂકંપનું એપિસેન્ટર સામે પાડોશીને ત્યાં નવી પરણીને આવેલી વહુ યેશા છે તે વર્મા કુટુંબને ખબર નથી. આવનારી યેશા આજના જમાનાની છોકરી છે. વ્યવસાયે ઇન્ટીરિયર ડેકોરેટર છે. વર્મા ફેમિલીમાં અવરજવર શરૂ થઈ ત્યારથી એ સાધનાની પરિસ્થિતિની સાક્ષી છે. એણે આ સમાધાનનો તોડ બે ઘડીમાં કાઢી આપ્યો છે પોતાના

દૃષ્ટાંતથી. ઇન્ટીરિયર ડેકોરેટર હોવાથી તેના પણ કામના કલાકો અનિયમિત જ હોય છે, એટલે એણે લગ્ન પહેલાં જ તમામ ગોઠવણો કરી લીધી. તે પૈકી એક હતી ઘરમાં રસોઈથી માંડી રોજબરોજના કામકાજ માટે રોકેલી ફુલટાઇમ બાઈ. ન સાસુએ જતી જિંદગીએ કોઈ ભાર વેંઢારવાનો ન વહુએ સુપરવુમનની જેમ ડૂચો થઈ જવાનું. આખરે દીકરીઓને આપણે આટલું બધું હાયર એજ્યુકેશન શા માટે આપીએ છીએ? ઘરમાં ઘરકામ કરવા માટે? આ જ શિક્ષણનો ઉપયોગ અર્થોપાર્જન માટે થાય અને સાથે સાથે જરૂરિયાતમંદ વ્યક્તિને પણ આજીવિકાનું એક સાધન મળે તો એ સારી સેન્સ ઓફ ઇકોનોમી નથી?

એવું નથી કે આટલી સરળ વાત વડીલ બનીને બેઠેલાં લોકો સમજતાં નથી. ‘સાસ ભી કભી બહૂ થી’વાળી વાત અહીં લાગુ પડે છે. અમારા જમાનામાં…, અમારી સાસુ તો…, અમારા સસરા તો…, અમારા એ તો… આવું બધું બોલી બોલીને આ બહેનો અવ્યક્તપણે એવું જાણે કહેવા માગે છે કે અમે તો ભોગવ્યું તો તમે કેમ છૂટી જઈ શકો?

સામેની વ્યક્તિ એ પછી પુત્રવધૂ હોય કે ભાભી, દેરાણી કે કોઈ પણ… તેને કંટ્રોલમાં રાખવાની, એને વારે વારે આ ઘરમાં નવી છે, અણઘડ છે, નીતિનિયમોનું જ્ઞાાન નથી તેવું બધું દર્શાવવાની ચેષ્ટા તદ્દન બાલીશ જ નહીં આત્મઘાતી છે.

વર્ષો સુધી પોતાનાં સાસુ-સસરાના કે વડીલોના પાશમાંથી માંડ છૂટેલી મહિલાઓ પોતે સાસુ બને ત્યારે મળેલી મુક્તિનો શ્વાસ લે તે બિલકુલ યોગ્ય. આખરે એણે દાયકાઓ સુધી ઘરને ‘પોતાનું’ કહી શકે તે અવસરની રાહ જોઈ છે, પરંતુ તેનો અર્થ એવો તો હરગિઝ નથી થતો કે પોતાને ડંખતા અનુભવોનો શિકાર નવી આવનારી બને તો જ જીવવાની લિજ્જત આવે!

આજે જે રીતે કોર્ટમાં છૂટાછેડાના કેસથી રેક્સ ઊભરાય છે તેનાં કારણોમાં મોટાભાગે આવાં બધાં ક્ષુલ્લક કારણો જ જોવા મળે છે. લગ્ન પછી દીકરો જુદો થઈ જાય તે પણ મંજૂર ન હોય, લગ્ન પછી સાથે રહેનાર દીકરો પોતાના જીવનસાથીની ગમતી વાત આચરણમાં મૂકે તો તેમને કોઈ ગરાસ લૂંટાઈ જતો હોય તેવી અસલામતી ઘેરી વળે છે.

આ ભાવના શું પછેડી ઓઢીને આવે છે તે જાણવાની દરકાર જ આપણે કરતા નથી. માન, સાર-સંભાળ, વ્યવહાર, રીતિરિવાજ આ બધાં નામે પછી ખેલાય છે શતરંજના આટાપાટા ને ઘર બિચારું રણમેદાન થઈ આખા તમાશાનું મૂક સાક્ષી બની રહે છે.

આખરે ઘરને ઘર રાખવાની, એને નંદનવન કે સમરાંગણ બનાવવાની જવાબદારી રહેનારા પર હોય છે, તે સત્યથી કોણ અજાણ જ છે?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s