વિશ્વમાં ફેલાયેલાં રાષ્ટ્રોમાં કદાચ ભારતીય સંસ્કૃતિ જ એવી છે જ્યાં સ્ત્રીને દેવી સાથે સરખાવાય છે. દેવીની જેમ પૂજાય છે અને દાસીની જેમ રખાય છે. જો એમ ન હોય તો સ્ત્રીઓની સુરક્ષા, સ્વમાન અને સૌજન્યતા ક્ષેત્રે આવી ઘોર અવહેલના ને શૂન્યાવકાશ ન હોઈ શકે.
એક તરફ સ્ત્રીને દેવી તરીકે પૂજાય તે જ સ્ત્રી જ્યારે દીકરી તરીકે પેટમાં આકાર પામતી હોય ત્યારે તેને મળે સજા, આ ધરતી પર અવતરવાની પરવાનગી પણ ન મળે. તેનું અવતરણ થાય ર્નિંસગહોમના ઓપરેશન થિયેટરની કિડની ટ્રેમ અને એટલે જ આજે પાશવી બળાત્કાર ભારતની રાષ્ટ્રીય સમસ્યાઓની હરોળમાં આવે તેટલાં ક્રૂરતાપૂર્ણ બની રહ્યા છે.
જો એમ ન હોય તો સવારે અખબાર ખોલતાંની સાથે બળાત્કારના સમાચાર વિના કોઈ અખબાર પૂરૂ ન થાય. પણ તાજેતરમાં જે ઉત્તરપ્રદેશમાં થયું તેનાથી સરેરાશ નાગરિક હલબલી ગયો છે.
દિલ્હીનો કરપીણ નિર્ભયા રેપ કેસ, એ પછી મુંબઈની પત્રકાર પર થયેલા બળાત્કારની યાદ તાજી કરાવે અને સ્ત્રીઓની સુરક્ષાવ્યવસ્થાનાં છીંડાં બતાવતાં વધુ બનાવ એટલે ઉત્તરપ્રદેશમાં બદાયુંની બે દીકરીઓ પરની પાશવતાએ ભારતભરના નાગરિકોને ઝટકો આપ્યો છે. બે દલિત દીકરીઓનો અપરાધ એટલો કે એ મોડી સાંજે, વહેલી રાત્રે ઘરની બહાર નીકળી અને તે જ દિવસમાં ઊઠેલી સનસનાટી શમે પહેલાં વધુ એક છોકરી પર હેવાનિયતની પરાકાષ્ઠારૂપે બળાત્કારીઓ પોતાની મેલી મુરાદમાં કામિયાબ ન થઈ શક્યા એટલે છોકરીને જીવતી ભૂંજી નાંખી. બે દલિત છોકરીઓને બળાત્કાર ગુજારી ફાંસી આપી ને બીજીને બળાત્કારમાં કામિયાબ ન થવાથી જીવતી ભૂંજી નાખી. વિચારશૂન્યતા, લાગણીહીનતા માત્ર રાજકારણીઓમાં હોય એ જરૂરી નથી. એ લોકો તો પાશવતાનાં સાક્ષાત્ પ્રતીક હોય તેમ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ અખિલેશ અને દીકરાથી વીસગણી વધુ જાડી ચામડી ધરાવતાં બાપ મુલાયમે ફરિયાદી માને કહ્યું તું તો સુરક્ષિત છે, પછી શું? પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્નો પૂછતી પત્રકારને પણ આવી જ કંઈક નફ્ફટાઈભર્યો જવાબ આપ્યો. પણ આ તો રાજકારણી પોતાની ખાલ બચાવવા કંઈ પણ લાળાં ચાવે પણ કેટલાંક ગામડાહ્યાં કે ગામડાહીઓ ટીવી પર ને અખબારોમાં પોતાનું ડહાપણ ખાંડવા બેઠાં. છોકરીઓએ રાત્રે બહાર નીકળવું જ ન જોઈએ! લો બોલો, ને તે દલીલો સામે પોતાની બુદ્ધિ પર સવામણનું તાળું લટકાવી ચૂકેલાં લોકોએ બળદની જેમ માથાં પણ ધુણાવ્યાં.
સૌથી દયનીય, શોચનીય પરિસ્થિતિ તો એ છે કે આપણે આ ભારતને, ત્યાં જીવતાં નાગરિકોના સામાજિક, આર્િથક પરિમાણ વિષે સહેજે જાગૃત જ નથી.
જે ભાઈઓ ને બહેનો પોતાના ડહાપણના વટાણાં વેરી રહ્યાં હતાં તેમને એરકંડિશનર ઓફિસો, આવાસો અને કારમાંથી બહાર નીકળવું પડતું હોય તો ખ્યાલ આવેને કે ભારતની ૪૦ ટકાથી વધુ વસતી આજે પણ શૌચાલય અને પીવાના પાણી જેવી સામાન્ય સુવિધાથી વંચિત છે.
આ છોકરીઓ ઘરની બહાર સાંજના સુમારે ગઈ, કારણ કે ઉત્તરપ્રદેશ, બિહાર અને ઘણાં પછાત રાજ્યોમાં આજે પણ ઘરમાં શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી સ્ત્રીવર્ગને શૌચક્રિયા માટે પણ અંધારૂ થવાની રાહ જોવી પડે છે. એ જ રીતે આ બે દલિત છોકરી સાંજે પેજ થ્રી પર્સનાલિટી તરીકે છાકો પાડવા નીકળી નહોતી.
આ તો એક કારણ એવું છે જેની બુનિયાદ સ્વીકારવા કોઈ તૈયાર જ નથી. જો એક નજર આંકડાની વરવી વાસ્તવિકતા પર નાખીએ તો મગજ બહેર મારી જશે. આજની તારીખે દેશના માત્ર દસ ટકા લોકો પોતીકા શૌચાલયની સુવિધા ભોગવે છે. પીવાનું પાણી આસાનીથી પ્રાપ્ત થાય તેવું ભાગ્ય કુલ આઝાદીના માત્ર ૩૦ ટકા લોકો પાસે છે અને હા, ૬૦ ટકા વસ્તી માત્ર ભાગ્યશાળી છે. મોબાઇલ કનેક્શન ધરાવવામાં આબાદ ભારતના આ પ્રગતિચિહ્ન માનીને ખુશ થવું હોય તો વાંધો નહીં. જ્યાં અડધા કલાકમાં પીઝા ઓર્ડરથી હોમ ડિલિવરી મળે, જ્યાં ડ્રોન વિમાન પીઝાની ડિલિવરી કરે તેવી સ્થિતિમાં ૧૨૫ કરોડ લોકોમાં ભલે ૬૦ ટકા લોકો મોબાઇલધારક હોય પણ પેટ ભરીને એક ટંકનું જમી શકનારની વસતી ૫૦ ટકા છે. ૩૦ ટકા લોકો જ શૌચાલયની સુવિધા ધરાવે છે અને હા, મોબાઇલ ટાવર ને કનેક્ટિવિટીનાં જાળાં ભલે જાલીમ હોય પણ મોટાભાગના હિન્દુસ્તાનનાં ગામ અંધારામાં ડૂબેલાં હોય છે. આ છે સૌથી મોટાં કારણો પૈકીનું એક એવું ઠોસ કારણ જેને કારણે બળાત્કારીઓને ખુદ પીડિતા પણ ઓળખી ન શકે.
જ્યારે જ્યારે આવા હિચકારા બનાવ બને છે તે માટે, તે પાછળનાં કારણો અને સંજોગો વિષે આપણે ત્યાં ભારે ઝીણું કંતાય છે પણ એ પરિસ્થિતિ, એ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટેના સજ્જડ કાયદા, વ્યવસ્થા અને સામાજિક ઢાંચામાં પરિવર્તન વિષેની તો વિચારણા સુધ્ધાં થતી નથી.
બે વર્ષ પૂર્વે દિલ્હીમાં થયેલા દેશના સૌથી ક્રૂર અને હીચકારા રેપકેસમાં ત્યારની સત્તારૂઢ યુપીએ સરકારે કરોડો રૂપિયાનું બજેટ સ્ત્રીઓની સુરક્ષા માટે બનાવ્યું તો હતું પણ કાગળ પર. તેમાં ફાળવાયેલાં કરોડો રૂપિયામાંથી ફદિયું ક્યારેય વપરાયું નહીં. એ જ રીતે શૌચાલય કે મંદિર? એવી બધી રાજકીય ગરમાગરમીભર્યા વિવાદો સતત ચાલતાં રહ્યા પણ આઝાદીના સાડા છ દાયકા પછી પણ આમ માણસને શૌચાલય જેવી મૂળભૂત સુવિધા પ્રાપ્ત ન કરાવી આપવી એના જેવી વૈચારિક કંગાળિયત કઈ હોઈ શકે?
દલીલ કરનારાઓ પાસે અનેક દલીલો હશે. આકાશમાં ઉડાડેલાં રોકેટથી લઈને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા સુધીની સિદ્ધિઓ ગણાવશે પણ અંતે તો વાત ફરી ફરીને મૂળભૂત સમસ્યા અને નાગરિક હક્ક પર આવીને અટકી જાય છે.
આજે પણ ભારતમાં કન્યા કેળવણી ક્ષેત્રે જોઈએ એટલી પ્રગતિ સાધી શકાઈ નથી. વિદેશી જ્ઞાાન લઈને સ્વદેશ પાછાં ફરતાં વિદ્વાનોની સમજ બહારનો આ મુદ્દો છે પણ સાવ સીધીસાદી વાત જ નજરમાંથી નીકળી જાય છે.
છોકરીઓ શા માટે સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ માટે આવતી નથી? શા માટે આ ડ્રોપઆઉટ રેટ માધ્યમિક સ્કૂલમાં જ હોય છે તેનાં કારણો તપાસાય તો ફરી એ જ કારણ મળે. શૌચાલયની ગેરહાજરી. સ્કૂલમાં કન્યાઓ માટે આ અંગે જરૂરી એવી વિશેષતમ જોગવાઈઓ થતી જ નથી. છોકરાઓને આ માટે કોઈ સમસ્યા નડતી નથી પણ,કુદરતી બંધારણને કારણે છોકરીઓ આ જ કારણે સ્કૂલ આવવાનું બંધ કરી દે છે. અભ્યાસ વચ્ચેથી જ છૂટી જાય છે. એટલે તે કેટલીય સમસ્યાને જન્મ આપે છે તે ખરેખર અચરજ પમાડે તેવી વાત છે.
સ્કૂલમાં શૌચાલય ન હોવાના એકમાત્ર કારણને લીધે છોકરીઓનો ડ્રોપઆઉટ રેટ તો ઉપર જાય છે પણ નાની ઉંમરમાં લગ્ન લેવાની બદી પણ આ જ કારણોમાં છુપાયેલી છે. નાની ઉંમરમાં લગ્ન એટલે નાની, કુમળી ઉંમરમાં જ સંતતિ, કુપોષણ અને અન્ય સામાજિક સમસ્યાઓ, જેવી કે દીકરી હોય તો ભ્રૂણહત્યા. સ્ત્રીઓનું ઘટતું જતું પ્રમાણ. બળાત્કાર જેવી ગુનાખોરીમાં પારાવાર વધારો.
આ તો માત્ર ઉપચ્છલ્લાં છતાં દેખીતાં કારણો છે પણ આ ભારે વિકટ સમસ્યા છે. જેની અસર સામાજિક ધોરણે અસાધારણ અને અતિશય ઘાતક છે.
૨૧મી સદીમાં પ્રવેશેલું ભારત ભલે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું, સૌથી વધુ આબાદી ધરાવતાં રાષ્ટ્રનું બિરુદ ધરાવે પણ જ્યાં વાત જાતિ (જેન્ડર)ની આવે છે તેનાં તમામ ગૌરવપ્રતીકો, મેડલ, ચંદ્રક હેઠાં પડી જાય છે.
ભારતીયો ભલે દેવીભક્ત, સ્ત્રીને દેવી તરીકે માનતા હોવાની શેખી મારે પણ સરેરાશ ભારતીય પુરુષ બોલે છે કંઈ, વિચારે છે કંઈક જુદું અને આચરણ તો વળી તદ્દન જુદું ને વિચિત્ર. આ પુરુષોને ખબર જ નથી કે સ્ત્રીને વળી ક્યાં દેવી થઈ પૂજાવું જ છે? સ્ત્રીને દેવી બનાવવાની સ્વાર્થીલી હરકતો બંધ કરીને માત્ર સ્ત્રી રહેવા દઈ સ્ત્રીદાક્ષિણ્ય જ દર્શાવોને! એ જ ઘણું મોટું કામ છે.