Mann Woman

જયા હો યા સુષમા, માયા હો યા મમતા, સબ કી પસંદ રૂઠના…

20140624-114847-42527866.jpg

રામાયણ કાળની વાત કરીએ તો રાજા દશરથે તેની માનીતી રાણી કૈકેયી માટે એક અલાયદું ભવન બનાવડાવેલું. નામ હતું રીસભવન, એટલે કે વહાલી રાણીને જો કંઈ દુઃખ થાય, મન દુભાય, ગુસ્સો આવે, રીસ ચઢે તો આ કોપભવનમાં ભરાઈ જાય. આ વાતનો ઉલ્લેખ ઘણાં રામાયણ વર્ણનમાં છે અને અછડતો ઉલ્લેખ રામાનંદ સાગરે પણ પોતાની ઐતિહાસિક લોકપ્રિયતાને વરેલી સિરિયલ ‘રામાયણ’માં કર્યો હતો. આ સ્પષ્ટતા એટલા માટે જરૂરી લાગી કારણ કે અહીં આ કોલમમાં ઉપનિષદ કે રામાયણના કોઈ પણ સંદર્ભ તંદુરસ્ત મૂલ્યાંકન તરીકે પણ ટાંકવાથી ઘણાં મિત્રોની લાગણી દુભાઈ હોય તેવા મેઇલ મળ્યા છે, જેનો વ્યક્તિગત ખુલાસો કરવો થોડું મુશ્કેલ બને છે.

હા, એટલે વાત હતી રીસની. મનોમન ધૂંધવાવાની એ પ્રક્રિયા જે કદાચ સ્ત્રીજાતિનું આગવું શસ્ત્ર કહો તો શસ્ત્ર કે પછી નબળાઈ રહી છે. થોડા મહિનાઓ પૂર્વે આ ‘સલ્કિંગ’ના જાતજાતનાં, ભાતભાતનાં અવનવાં રૂપ આપણને લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે, તે પૂર્વે અને ચૂંટણી પત્યા પછી પરિણામોની રાહ જોવાતી હતી કે સમયે જોવા મળ્યાં હતાં. એ વાત જુદી છે કે આપણે હવે ૨૧મી સદીમાં જીવી રહ્યાં છીએ. રામાયણ કાળની જેમ બહેનોને કોપભવનમાં દિવસો સુધી અન્નજળનો ત્યાગ કરી બેસવું તો પાલવે નહીં એટલે નવા યુગ માટે નવી રીતિ-નીતિઓ.

શરૂઆત થઈ મમતા બેનર્જીથી. પશ્ચિમ બંગાળને પોતાની જાગીર સમજતાં મમતાબહેનના સ્વભાવમાં રીસ એવી વણાઈ ગઈ છે કે એમના ચહેરાના હાવભાવ હવે એ જ રીતે આકૃત થઈ ચૂક્યા છે. જેને કારણે એ ખુશમિજાજમાં હોય તો પણ ગંભીર હોય તેવું લાગે ને ગંભીર હોય તો ક્રોધિત જેવી છાપ પડે. બાકી હોય તેમ તેમની ભાષા, આચરણ,તમામનો સરવાળો કરો તો લાગે કે મમતાજીનો ઘણો બધો સમય પોતાની જાતને ધૂંધવાટમુક્ત કરવામાં જતો હશે. એ પછી દક્ષિણ ભારતનાં ગજગામિની એવાં જયલલિતા. મોઢા પર ચિરપરિચિત શાંતિ અને પ્રગલ્લભતા તેમને જાજરમાન બનાવી રાખે, વળી એક સમયે લાખો હૃદયનાં સમ્રાજ્ઞાી રહ્યાં હતાં તેની પ્રતીતિ તો આજે પણ કલ્પી શકાય. હંમેશાં શાંત, પ્રસન્ન ચહેરો તે જયલલિતાના વ્યક્તિત્વનો અવિભાજ્ય અંશ છે. છતાં એ ‘સલ્કિંગ ફ્રી’ માનસિકતા ધરાવતાં હશે તેવું માની લેવું બેબુનિયાદ. ફરક માત્ર એટલો કે જયલલિતાજીનું સલ્કિંગ એટલે કે ‘મનોધૂંધવાટ’ પ્રગટ કરવાની શૈલી એકદમ આગળ. એની અડફેટમાં જે કોઈ આવ્યું તેના બાર વાગ્યા જ સમજો. જેનો પ્રત્યક્ષ પરચો જોવા મળ્યો ચૂંટણીનાં પરિણામના થોડાં કલાકો પૂર્વે. જયલલિતાના આમ પણ ભાજપના અને મોદીના મિત્રતાભર્યા સંબંધને કારણે તેમના એક મંત્રીએ જયલલિતા એનડીએની સાથે રહેશે તેવી જાહેરાત મેડમને પૂછયા વિના કરી દીધી. મેડમનો ગુસ્સો, કોપ, રીસ જે કહો તે એવા સાતમા આસમાને પહોંચ્યા કે જ્યાંથી મંત્રીમહોદયનું માફીનામું નજરે જ ન ચડયું. મેડમ તો જિદ્દ પર અણનમ, રાજીનામું જ ખપે… એટલે કે ભલે ચહેરા પર કાંતિ, શાંતિ હોય, હૃદયનો વલોપાત તો એ જ. આવી જ વાત બહેનજી માયાવતી અને ભાજપનાં ભારેખમ મહિલા રાજકારણી સુષમા સ્વરાજની. ચૂંટણી દરમિયાનના લાંબા સમયગાળામાં સમ ખાવા પૂરતાં પણ સુષમાજીનાં ટીવીના પડદે દર્શન ન થયાં તે ન જ થયાં. હવે આ પ્રતિબંધ સુષમાજીનો આપખુદ હતો કે પછી કોઈ દોરીસંચાર?એ વાત પાછી ચર્ચાનો વિષય છે પણ એક સમાચારમાં છપાયેલી વાત સાચી માનીએ તો સુષમા સ્વરાજ પક્ષના કાર્યકરોથી એટલાં બધાં નારાજ હતા કે એક વાર તેમણે પોતાની જાહેરસભા ૨દ કરી ને વળતી ફ્લાઇટે ઘરભેગાં થઈ ગયેલાં. પણ આવું કરવાનું કારણ શું? કારણ એટલું જ હતું કે તેમને એરપોર્ટ પર રિસીવ કરવા જનારાં કાર્યકરો સમયસર એરપોર્ટ પર હાજર નહોતા. એ વાતનું સુષમાજીનું એટલું માઠું લાગ્યું કે તેમણે કોઈને કશું કહ્યા વિના મનોમન ચાલતાં ધૂંધવાટને કારણે સીધી ઘરની જ વાટ પકડી.

આ તમામ માનુનીઓ જાહેરજીવનમાં છે એટલે તેમની આ વાત પ્રચારમાધ્યમો સુધી પહોંચી. જરૂરી નથી કે આ સ્ત્રીઓનું આવું વર્તન તેમના રાજકીય પાવરને અનુલક્ષીને હતું. મહિલા રાજકારણીઓની વાત જવા દો, મહિલા રાજકારણી હોય કે ફિલ્મસ્ટાર, અવકાશયાત્રી હોય કે લેખિકા કે પછી ઘરમાં કામ કરતી કામવાળી બહેનો. સામાજિક, આર્િથક, શૈક્ષણિક પાત્રતા જે હોય તે પણ આ તમામમાં એક સામ્યતા છે આ સ્ત્રીસહજ સ્વભાવની.

નાની નાની વાતે મનદુઃખ થઈ જવું, દુભાઇ જવું, ઘવાઇ જવું, રીસાઈ જવું, ગુસ્સે થઈ જવું. આ તમામ વાતોનો સરવાળો એક જ પરિણામ દર્શાવે છેઃ ભાવાત્મક નબળાઈ, ઇમોશનલ વીકનેસ અને કદાચ સૌથી મોટું કારણ છે સ્ત્રી અને પુરુષની રેસમાં સ્ત્રીની હારનું.

આજે સમય બરાબરીનો છે. ઓફિસોમાં, ઘરમાં જ્યાં જુઓ ત્યાં સ્ત્રી અને પુરુષ ખભેખભા મેળવીને કામ કરે છે. છતાં સ્ત્રીને સેકન્ડક્લાસ સ્ટેટ્સ આપવામાં આવે છે. જ્યાં બંનેનાં સ્ટેટ્સ, પગાર સમાન હોય છે ત્યાં વળી સ્ત્રીઓ પોતે જ પોતાના અબળા, નિર્બળતાના ઢોલ પીટી વિશેષ લાભ મેળવવાની લાલચમાં બરાબરી કરવા મળેલી એક તકને રોળી નાખે છે અને આ જોવા મળે છે ઓફિસવર્કમાં. જેની સામે લેબરક્લાસમાં આવતી મહિલાઓને સુપરવુમન બની કામ કરવામાં વાંધો હોતો નથી,તે પણ ઓછી મજૂરીએ.

માનવામાં ન આવે તેવી આ પક્ષપાતી વર્તણૂક આજે પણ સરકારી, બિનસરકારી, ખાનગી લેબર કોન્ટ્રાક્ટરો કરે છે. આખા દિવસની મજૂરી પુરુષ કરે તો તેને માટે એક ચોક્કસ રકમ. એ જ કામ, એટલા જ કલાક સ્ત્રી કરે તો તે રકમથી ૨૦% ઓછી રકમ સ્ત્રી માટે. આવા અન્યાયી વર્તન સામે અવાજ ઊંચકવા માટેની જરૂરી પાત્રતા, વિશેષ કરીને શૈક્ષણિક પાત્રતા આ સ્ત્રીઓમાં હોતી નથી એટલે શોષણનો એ સિલસિલો ચાલુ જ રહે છે, પણ શિક્ષિત બહેનો? એ તમામ પરિસ્થિતિ જાણવા, સમજતાં છતાં અજાણ થઈ પોતાનો અવાજ બુલંદ કરવા ચાહતી નથી, પરંતુ તે માટે હૃદયમાં સર્જાતાં ધૂંધવાટને કઈ રીતે કાઢી નાખવો? તેની કોઈ તરકીબ હાથવગી નથી.

આ પક્ષપાત, અન્યાયી વર્તણૂકનું પરિણામ વિશેષરૂષે સ્ત્રીઓમાં ધૂંધવાટ તરીકે જોવા મળે છે. અલબત્ત, જરૂરી નથી કે આ પ્રકારના ‘સલ્કિંગ’ પર માત્ર બહેનોનો જ જન્મસિદ્ધ અધિકાર હોય છે. આજકાલ તો આવા બહેનજી સિન્ડ્રોમ ધરાવનારા ભાઈઓ પણ જોવા મળે જ છે.

વાત માત્ર સ્ત્રી, પુરુષની કે એટિટયુડની નથી. વાત છે તેને કારણે ઉદ્ભવતાં પરિણામોની. એ ધૂંધવાટ જો માત્ર તમારું કામ બગાડી શકે છે તેવું તમે માનતાં હો તો સાવ ખોટું છે. આ ધૂંધવાટ કામ તો ચોક્કસપણે બગાડે છે, તેમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી, પરંતુ આ ધૂંધવાટ તમારા હૃદયની ધમનીઓને બ્લોક કરવા પૂરતું જોર લગાવે છે.

અત્યાર સુધી એવું મનાતું હતું કે હૃદયરોગ પર ખાસ કરીને ર્કાિડયાક અરેસ્ટ પર માત્ર પુરુષોની મોનોપોલી હતી, કારણ કે પુરુષોની જિંદગી સ્ત્રીઓના પ્રમાણમાં વધુ તણાવયુક્ત, અશાંત અને અનિયમિત મનાતી, પરંતુ હવે અહીં પણ સ્ત્રીઓ અગ્રેસર બની રહી છે. જેના મૂળમાં પડેલાં કારણો આવાં ક્ષુલ્લક અને અર્થવિહીન છે. એટલે જ હવે પછી ક્ષુલ્લક કારણ પર રુસણું લઈને બેસી જવા પૂર્વે એક વાર દિલને પૂછી લેજો, રુસણે બેસવું, બીજાને દુઃખી કરવા દુઃખી થવું… આ બધું ખરેખર વર્થ છે ખરું!

છેલ્લે છેલ્લે:
કેળવણી, વાવણી, ઘી તારવણી ને સંબંધોની જાળવણીમાં જરાય આળસ ન કરવી.
– કહેવત

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s