Mann Woman

અમારે શું પંચાત?

20140715-190048-68448870.jpg

અમિતાભ બચ્ચન જે પ્રદેશને ઉત્તમપ્રદેશ તરીકે ઓળખાવી માર્કેટિંગ કરતા હતા તે ઉત્તરપ્રદેશ આજે ભારે ચર્ચામાં છે બર્બરપ્રદેશ તરીકે. બળાત્કાર, બળાત્કાર ને બળાત્કાર… એ માટે બાપ-દીકરા યાદવ પર ભારે માછલાં પણ ધોવાઈ રહ્યાં છે ત્યારે હવે પ્રચાર માધ્યમોના ઉજાસમાં આવવાનું ચૂકી ગયેલી એવી માહિતીઓ ઉજાગર થઈ રહી છે જે જાણીને ભારતીય હોવાનો ગર્વ થવો તો બાજુએ રહે બલકે મનમાં જરા ક્ષોભ અનુભવે.

એ વાત બિલકુલ સાચી કે ઉત્તરપ્રદેશ હોય કે દિલ્હી, ઉત્તર ભારતનાં રાજ્યોમાં લો એન્ડ ઓર્ડર વ્યવસ્થા સાવ ખાડે ગયેલી છે, પરંતુ બળાત્કાર પછી ઝાડ પર અપાયેલી ફાંસી! એ આખા બનાવે જે પ્રત્યાઘાત આખા રાષ્ટ્રમાં જગાવ્યા તે પછી સઘન તપાસ માત્ર સુરક્ષા કર્મચારી, પોલીસ, સીબીઆઈ જેવી એજન્સીઓએ જ નહીં,મીડિયાએ પણ પોતપોતાની ટીમ ત્યાં ઉતારી દીધી અને પરિણામે હાથમાં આવી એવી કડીઓ કે જે ખરેખર તો ભારતીય સંસ્કૃતિને નામે પડેલાં નાત, જાત, વાડા, કુંડાળાં ને તેને નામે થતાં અત્યાચારનો પર્દાફાશ કરી આઘાત આપે તેવી છે.

એક અતિ જાણીતી વિદેશી ન્યૂઝ એજન્સીએ આ વિષે સ્પેશિયલ સ્ટોરી કરાવવા પોતાના પત્રકારોને ત્યાં મોકલ્યા ત્યારે આ વાત બહાર આવી.થયું એવું કે આ પત્રકારોને ગામમાંથી એકેય વ્યક્તિ કોઈ માહિતી આપવા તૈયાર નહોતી. તમામ ગામલોકોનાં મોઢે સવા મણનું તાળું. જે માટે ખૂબ પ્રયત્ન થાય તો બે જ વાક્ય સંભળાય, ‘અમને કંઈ ખબર નથી. અમે ન તો કંઈ જોયું છે, ન સાંભળ્યું છે. એ બધા સાથે અમને શું પંચાત?’ ગામલોકોનાં ઘર ગણી ચૂકેલાં પત્રકારો આ જવાબથી થાકીને એ ઝાડ પાસે પહોંચ્યા જ્યાં બળાત્કાર કરીને છોકરીને લટકાવાઈ હતી તેવા સમાચાર હતા. (આ બદાયું પછી થયેલા કેસની વાત છે.) સૌથી વિસ્મયકારક વાત તો હવે બની. પત્રકાર ટીમે જોયું કે ગામલોકોએ જ્યાં લાશ લટકતી મળી આવેલી તેમ જણાવેલું, પોલીસમાં જે લોકેશન તરીકે રિપોર્ટ થયેલું તે ઝાડ તો બિચ્ચારું એટલું નાનું ને કમજોર કે તેની પર ૫૦ કિલોની બોડી લટકી જ ન શકે, તો પછી? આ પત્રકારોએ પોતાના ખણખોદિયા ધર્મની લાજ રાખતાં હોય તેમ કામગીરી શરૂ કરી ત્યારે થોડા દિવસો પછી જરાતરા થતી કાનફૂસી હાથ લાગી. મરનાર છોકરી બળાત્કારનો ભોગ બની અને ફાંસીએ લટકાવાઈ તેમ બધે ગાજતું હતું પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કંઈક જુદું જ કહેતો હતો. એ રિપોર્ટ પ્રમાણે આ છોકરી પર બળાત્કાર થયો જ નહોતો પણ હા, તેનું મોત ગળું ઘૂંટાવાથી થયું હતું. જેને માટે પોલીસોએ એક શકમંદ છોકરાની ધરપકડ કરી હતી. રિપોર્ટરે થોડી વધુ મહેનત કરી ત્યારે થોડી વધુ ચોંકાવનારી માહિતી મળી, જે આપનાર હતો ગામનો જ એક વૃદ્ધ. જેણે ડરતાં ડરતાં થોડી લાલચમાં આંશિક માહિતી આપેલી. આ છોકરીનું ઘર ગામમાં સૌથી મોટું અને વ્યવસ્થિત કહી શકાય તેવું હતું. એટલું જ નહીં જાતિ યાદવની, ભાઈ સીઆરપીએફમાં તહેનાત. ઘરની આર્િથક પરિસ્થિતિ ગામલોકો કરતાં કંઈ ગણી સારી. તો પછી આ આખો મામલો ઇર્ષ્યા કે દુશ્મનાવટનો હોય તેવી અટકળ થાય પણ વાત કંઈક જુદી હતી. યાદવની છોકરીને પ્રેમ થયેલો દલિત છોકરા સાથે. ગામમાં વસ્તી યાદવ, દલિત અને મુસ્લિમની. તેમાં સૌથી વધુ કોઈનું ઉપજે તો યાદવોનું. આ વાંક હતો છોકરી ને છોકરાનો. યાદવ છોકરી અને દલિત છોકરો પ્રેમમાં પડી જ કઈ રીતે શકે? અલબત્ત, આ પણ થિયરી પોલીસે હવે માન્ય રાખી છે. સાથે સાથે પેલો ગરીબ દલિત છોકરો હવાલાતમાં હવા ખાય છે. હવે સમય સૌથી મોટો ન્યાયાધીશ છે, પરંતુ પ્રશ્ન એ છે કે જો પોસ્ટમોર્ટમમાં જ્યારે બળાત્કાર થયો હોવાની કોઈ સાબિતી જ નથી મળી તો છોકરીનાં મા-બાપ, કુટુંબે આ બળાત્કાર અને હત્યાનો બનાવ છે તેમ કહી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન શા માટે કર્યો? અને તે પણ બદાયુંમાં થયેલા બે છોકરીના બળાત્કારના અપમૃત્યુ પછી તરત જ? તપાસ એજન્સીઓ હવે આ મામલે એક નવો જ એન્ગલ વિચારી રહી છે. હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં ઓનરકિલિંગનો જે અભિગમ છે તે ઉપર જ. સૌથી દુઃખદ વાત એ છે કે જે યુવક, હજી જેણે પોતાની જિંદગીના સોનેરી પ્રકરણમાં પગ મૂક્યો છે તેને પોતે ન કરેલા ગુના હેઠળ જેલવાસ ભોગવવો પડશે. શક્ય છે એ નિર્દોષ પણ સાબિત થાય પણ જેલમાં એના

યુવાનીના વહી ગયેલાં દિવસો કદીય પાછા આવવાના નથી.વિના ગુનાની સજા આથી વધુ ક્રૂર હોઈ શકે?

વાત નિર્દોષને થતી સજાની હોય ત્યારે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં થયેલાં તોફાનોએ કેટલીય કોડીલી કન્યાઓની જિંદગી ઝેર બનાવી દીધી છે તે વાત પણ મીડિયાને ચલાવવા જેવી લાગતી નથી. મુઝફ્ફરનગરમાં જે કોમી રમખાણ થયાં તે પછી ઉત્તરપ્રદેશ સરકારે રાતોરાત ફેસ-સેવિંગ એકસરસાઇઝ રૂપે રમખાણના ભોગ બનેલાં લોકો માટે રાહતશિબિરો ખોલી નાખી. એટલું જ નહીં, આ વાત ગયા વર્ષની છે, જ્યારે સામે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી આવી રહી હતી એટલે મતદાતાને રીઝવવાના પ્રયાસ રૂપે અખિલેશ સરકારે વધુ એક નાટક કર્યું રમખાણપીડિતોને રાહતશિબિરમાં લગ્ન થાય તો રૂ.એક લાખની સહાય.

પછી થાય શું?

લગ્નમાં સરકાર જ રૂ. એક લાખનો ચાંલ્લો કરતી હોય તો કોઈ બાકી રહે? રાહતશિબિરમાંથી ઘર ફરી ઊભાં કરવાની મથામણમાં પડવા કરતાં મા-બાપ પુત્રો માટે છોકરીશોધ અભિયાનમાં લાગી ગયાં. પુત્ર ૧૫નો હોય કે ૧૭નો. સામે છોકરી સત્તરની હોય કે બારની… આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે. ઢાળથી દોડવાનું જ હતું. રખેને સરકાર પાછું સંગીત ખુરશીમાં વાગતાં મ્યુઝિકની જેમ સહાય બંધ કરી દે તો? એટલે માત્ર ને માત્ર રૂ. એક લાખની સહાયને રોકડી કરવા કેટલાંય ઘડિયાં લગ્નો રાહતશિબિરમાં લેવાયાં. વાત ત્યાંથી પતતી નથી, શરૂ થાય છે. લગ્ન તો લેવાયાં, લાડી ઘરમાં પણ આવી (શિબિરમાં) પણ પેલા લાખ રૂપિયા ન મળ્યા. આ તો અખિલેશની સરકાર હતી. પેલાં લેપટોપની વહેંચણી થયેલી ને અચાનક બંધ કરી દીધી હતી તેમ અહીં પણ થયું. કેટલાંકને લાખ રૂપિયા મળ્યા, બાકીના સરકારી ધોરણે ચાઉં થઈ ગયા. ખાધું પીધું ને તારાજ કર્યું તેવો ઘાટ પણ, દુઃખના દહાડા પેલી નવી પરણેતરને માથે આવી ગયા.

મોટાભાગનાં લગભગ ૨૦૦ કુટુંબોને પોતાના પુત્રોનાં આ હડબડાટીમાં કરેલાં લગ્ન માન્ય નથી. સેલમાંથી કોઈ સસ્તી વસ્તુ ઉપાડી લાવ્યા હોઈએ તે ન ગમે એટલે ઊંચકીને ફેંકી દેવાય તે જ રીતે આ ૧૫.૧૭.૧૯ વર્ષની દીકરીઓને કહી દેવાયું કે તેમની હવે કોઈ જરૂર નથી.

હવે કન્યાઓનાં મા-બાપ, વેવાઈ-વેવાણના પગ પકડે છે કે તેમની જિંદગી આમ બરબાદ ન કરો પણ તેની કોઈ અસર નથી. હાયધૂસમાં પુત્રોનાં લગ્ન કરનાર મા-બાપ કહે છે અમને રૂ. લાખ મળવા જોઈએ તે મળ્યા નહીં તો હવે અમારે શું કરવું?

આખા આ પ્રકરણમાં જો કોઈએ ભોગવવાનું હોય તો આ કમનસીબ છોકરીઓએ ભોગવવાનું છે.

નાત-જાત, જ્ઞાાતિ-જાતિ, ધર્મ-સંપ્રદાય, કુંડાળાં-ચોકઠાંનાં આ ગણિત-અંકગણિત પછી લાગે કે આ સમાજને કોઈ રીતે સભ્ય કે સુસંસ્કૃત કહી શકાય?

પોતાની મરજી પ્રમાણે લગ્ન ન કરનાર પેટનાં જણેલાં સંતાનોને રહેંસી નાખવાં એ કયા ધર્મગ્રંથમાં લખેલું છે?

સમાજના બની બેઠેલાં ઠેકેદારો જે સમાજ અને સંસ્કૃતિના ચીપિયા પછાડે છે તેમના માટે હવે માથાં ભાંગી કાઢે તેવા કાયદાઓ જરૂરી બની જાય છે.

છેલ્લે છેલ્લે
ચલો ચલતેં હૈં, મિલઝૂલ કર વતન પે જાન દેતેં હૈ.

બહુત આસાન હૈ કમરે મેં વંદે માતરમ્ કહેના

– મુનાવર રાણા

20140715-194612-71172644.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s