Mann Woman, WOW ( world of woman)

ના પાડતાં આવડે છે?

20140718-015732-7052388.jpg

તાજેતરમાં એક અજબ સીન જોવા મળ્યો. આવાં દૃશ્યો હવે ભાગ્યે જ જોવા મળે છે, એટલે થયું હતું કે હાઈફાઈ મોલમાં યંગ કપલ વચ્ચે છમકલું લાગતું હતું કે લગ્નને ઝાઝો સમય નહીં થયો હોય,કારણ કે યુવાન પતિદેવના બંને હાથમાં શોપિંગ બેગ હતી. બે પાંચ નહીં, તેથી ઘણી અધિક અને તે છતાં કદાચ શ્રીમતીજીની શોપિંગ યાદી પૂરી થઈ નહોતી એટલે કદાચ ફાઈનલી આ ‘કૂલ’ દેખાતાં પતિદેવ કોપાયમાન થયા હતા. સૌથી રસપ્રદ વાત હતી તેમની વચ્ચે થતાં સંવાદની. જેના પરથી લાગતું હતું કે પત્નીની મગજની ફેક્ટરીમાં ધુમાડો ઊડી રહ્યો હતો ને પતિ, જેને ખરેખર આ ભાવના થવી જોઈએ તે કેશ કાઉન્ટર પર શાંતિથી ઊભા રહીને ઠંડા, ધીમા સ્વરે તેની પત્નીને કહી રહ્યો હતો.

બસ, આજ પૂરતું બરોબર છે. હવે નહીં. આપણે ત્રણ કલાકથી અહીં છીએ. કોઈ પણ ચીજની હદ હોય કે નહીં. મને થયું કે કદાચ આ યંગ જેન્ટલમેનને સ્ત્રીહઠ જેવા અર્થની વ્યાખ્યા ખબર ન હોય એમ બને. પણ મારા આશ્ચર્ય વચ્ચે પત્ની પતિના કોલ્ડ ગુસ્સાથી સહેમી ગઈ હોય તેમ દલીલ કરવાનું માંડી વાળ્યું અને વાત પતી ગઈ.

આ કિસ્સો ખરેખર તો એકદમ સામાન્ય છે, પણ વિચારવા પર મજબૂર કરી જાય તેવો. પહેલાં સતત દલીલો કરતાં રહીને અચાનક એક જ વાક્ય કે ટોન, મૂડ પારખીને સમજી જવું તે વાત જ માનસશાસ્ત્રનું એક પ્રકરણ નથી?

ખરેખર તો પતિ-પત્ની હોય કે સંતાન-વાલી, તમામને સામા પક્ષની સહનશક્તિનો અંદાજ બિલકુલ હોય છે. પ્રશ્ન એ છે કે તમને ના પડતાં આવડે છે કે નહીં?

ઘર ઘરમાં આ વાતથી પાણીપત ખેલાતાં હોય છે. અમારા મિત્ર કૃષ્ણાબહેનના ઘરમાં તો રોજ, ન ચાહવા તેના સાક્ષી બનવાનું જેને આવે તે બિચ્ચારાં મર્યાં. ધર્મસંકટમાં જ આવી પડે.

કૃષ્ણાબહેન સ્વભાવે સાલસ ખરાં પણ એક જ ખરાબી કે નબળાઈ હશે તો એ કે કૃષ્ણાબહેન બોલે તે જ સાચું. એ દિવસને રાત કહે તો ઘરના સભ્યોએ હા ભણવાની. વર્ષો સુધી આ વાતને કોઈએ પડકારેલી નહીં એટલે કૃષ્ણાબહેન આ વાત કોઈક પ્રકારની તાનાશાહી કે વિકૃતિ છે તેવું ભૂલી ગયેલાં. આ વિશે ન કોઈ ચર્ચાને સ્થાન હોય કે ઘર્ષણને.

પણ કૃષ્ણાબહેનનો મોટો દીકરો કુણાલ પરણ્યો, ઘરમાં વહુ આવી.

સામાન્ય મધ્યમવર્ગીય કુટુંબની દીકરી. ઘરના વડીલ, મોટાં જે કહે તે નતમસ્તકે માન્ય રાખવું તેેને સંસ્કાર કહેવાય તેવા બધાં આદર્શો અને શિખામણ લઈને આવેલી. એની ઇચ્છા હતી કે એ કંઇક કામ કરે. લગ્ન પહેલાં વેબ ડિઝાઇનિંગ કરતી હતી અને પૈસા પણ સારા મળતા હતા. એ ક્યાં છોડી દેવું? પણ, ના. કુણાલે કહ્યું, એમાં મમ્મીની પરવાનગી લીધી? મમ્મી ના તો પાડશે જ નહીં, પણ પૂછવાનું નો ખરુંને! કુણાલે મા કૃષ્ણાબહેનને કહ્યું, દીપાને જોબ ચાલુ રાખવી છે.

કેમ? કોને પૂછીને આ નિર્ણય લીધો? કૃષ્ણાબહેન ઉવાચ. આપણા ઘરમાં કોઈ વહુવારુઓએ નોકરીઓ કરી છે તે દીપા કરે? કૃષ્ણાબહેને ફતવો જારી કરી દીધો. દીપાને કોઈએ પૂછયું જ નહીં, દીપા સમસમીને બેસી ગઈ. પિયર જાય ત્યારે મા-ભાભી પાસે બળાપો ઠાલવે એટલે પિયરિયાંએ કૃષ્ણાબહેન પાસે હળવેકથી વાત છેડી.

કૃષ્ણાબહેન પાછાં જમાનાનાં ખાધેલ. બધી પરિસ્થિતિ પામી ગયાં એટલે કહે, તમે જો ઇચ્છો કે તમારી દીકરી ખાઈ-પીને જલસા કરે તેને બદલે કામ કરીને કંતાઈ જાય તો તમારી મરજી, બાકી જલસા કરવાના દિવસમાં આ શું મજૂરી કરવી?

એટલે પોતાની મનમાની તો કૃષ્ણાબહેને કરી જ, તે પણ વહુનાં પિયરિયાં પાસે જ કરાવી. દીપા મન મારીને ઘર સંભાળે છે, હવે એ માત્ર આદર્શ ગૃહિણી છે, તેનામાં રહેલી ડિઝાઇનર ખતમ થઈ ચૂકી છે.

આ કૃષ્ણાબહેન આંશિકરૂપે તમામ કુટુંબોમાં જોવા મળે છે. કોઈક ઘરમાં અતિશય શિસ્તબદ્ધ હોવાના રૂપે, કોઈક વળી પ્રેમાળ ને જિદ્દી, કોઈ મુત્સદ્દીગીરી વાપરીને પણ આખરે મનનું ધાર્યું કરાવનાર. અને માત્ર ઘરમાં જ નહીં, ઓફિસમાં, ફ્રેન્ડસર્કલમાં, ચેટ ગ્રૂપમાં જ્યાં જુઓ ત્યાં થોડી આવી શખસિયતનો ભેટો થશે જ. એવા સંજોગોમાં નબળાં મનના લોકોએ ના પાડવાની કળા ન આવડતી હોય તો શીખવા જેવી તો છે જ.

આ કૃષ્ણાબહેનનો નાનો કરણ પરણ્યો. મોટા કુણાલ ને નાના કરણમાં આઠ વર્ષનો ફરક એટલે સ્વાભાવિક છે કે વિચારસરણીમાં હળવો જનરેશન ગેપ. કરણે પાછાં લવમેરેજ કરેલાં. પત્ની ર્વિંકગ.

કૃષ્ણાબહેનનું નાટક શરૂ થયું. જલસા કરો, ઘર સાચવો, મોટી પણ ક્યાં નોકરી કરે છે? તેને પણ કરવી જ હતીને પણ આપણાં ઘરમાં એ શિરસ્તો જ નહીંને!!

કરણની પત્ની વળી પરનાતની. ભાષા પણ જુદી. દક્ષિણ ભારતીય કુટુંબની જ્યાં શિક્ષણનું મહત્ત્વ ભારે અને તેથી વધુ મહત્ત્વ આર્િથક ભાવનાત્મક સ્વાતંત્ર્યનું. આર્મી ઓફિસર ને શિક્ષિકાનું સંતાન. એક પરંપરાગત ગુજરાતી કુટુંબમાં ચાલી રહેલાં આખા નાટકને પળમાં માપી લીધું. કૃષ્ણાબહેન ગમે તેટલું બોલે, સામે જવાબમાં એક શબ્દ ન બોલવો અને પોતાનું કામ કરે જવું એ એનો એકમાત્ર ઉત્તર. સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ કે એને કૃષ્ણાબહેનની ભાષા સંપૂર્ણપણે સમજાય જ નહીં.

પણ માત્ર અઢી વર્ષમાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. કૃષ્ણાબહેનને ખબર જ નહોતી કે કરણની પ્રિયા ઘરમાં એડજસ્ટ થવા કેટલાં સમાધાન કરી રહી છે, ગુજરાતી ભાષાથી લઈ રસોઈ શીખવા સુધીનાં, અને સાથે સાથે પોતાની કારકિર્દી કોઈ પણ ભોગે ન છોડીને. એને કૃષ્ણાબહેનની વહુઓએ કામ ન કરવું એ જીદ પર બરાબરનું પોતું ફેરવી દીધું છે, તે પણ સમજદારીથી.

અઢી વર્ષ દરમિયાન કૃષ્ણાબહેનને હવે રહી રહીને લાગે છે કે કરણની પસંદ ખોટી તો નથી જ. કેવી હોશિયાર છે, ખભેખભો મેળવીને મહેનત કરે છે અને હવે કૃષ્ણાબહેન હળવેથી એ જ વાતને ચાર વ્યક્તિઓમાં વખાણતાં થઈ ગયાં છે. મોટી વહુને લાગે છે તેની સાથે ઘોર અન્યાય થયો છે. પોતે પણ ક્વોલિફાઇડ હતી માત્ર સાસુની જીદને કારણે એક ગૃહિણી થઈને રહી ગઈ. એમાં વાંક કોનો?

જો સાચું પૂછો તો વાંક કૃષ્ણાબહેનનો નહીં, બલકે દીપાનો પોતાનો છે કે એને ના પાડતાં આવડી નહીં.

ઘરના વડીલોની માનમર્યાદા સાચવવી જ જોઈએ પણ તેમની ખોટી જીદ કે દુરાગ્રહ માન્ય રાખવામાં માન રાખો છો કે અવમાન કરો છો તે નિર્ણય તો વ્યક્તિ પોતે જ લઈ શકે, કોઈની સલાહથી નહીં.

છેલ્લે છલ્લે : હું ક્યાં કહું છું તમારી હા હોવી જોઈએ પણ તમે ના કહો તેમાં વ્યથા હોવી જોઈએ

20140718-015810-7090818.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s