Mann Woman, WOW ( world of woman)

સ્ત્રી સુરક્ષાના પાયાના પથ્થર કયાં?

image

છેલ્લા થોડા સમય દરમિયાન બળાત્કાર અખબારી આલમમાં છવાયેલા રહ્યાં. ઉત્તરપ્રદેશ હોય કે બિહાર, દિલ્હી કે ગુજરાત ટીવી સ્વીચઓન થયું નહીં ને સમાચાર હાજર. ગુજરાત અને દિલ્હીની વાત જવા દઈએ તો ઉત્તરપ્રદેશ, હરિયાણા, બિહાર જેવાં રાજ્યોમાં બળાત્કારનો માહોલ ઊભો કરવા શૌચાલયની કમીએ બહુ મોટો ભાગ ભજવ્યો તે કારણ ખૂબ ચર્ચાયું. જો ઘરમાં જ શૌચાલય હોત તો આ બહેન દીકરીઓ હેવાનિયતનો શિકાર થવાથી બચી શકતે તેવી વાસ્તવિકતા પર પણ પ્રકાશ પડયો ત્યારે ખ્યાલ આવ્યો કે શહેરી, આધુનિક, સ્વતંત્ર, પગભર મહિલા જ પોતાના હક્ક માટે લડી શકે તેવું જરૂરી નથી. જરૂર પડે તો આ ગ્રામ્યનારી પણ પોતાના હક્ક માટે લડી શકે છે. અલબત્ત, આ બહેનોની લડાઈ શહેરી, આધુનિક, શિક્ષિત સ્ત્રીઓ કરતાં વધુ વિકટ અને લાંબી હોય છે, કારણ કે શહેરી સ્ત્રી શિક્ષિત ભદ્ર સમાજના પ્રમાણમાં નરમ પુરુષો સાથે લડે છે. જ્યારે આ ગામની બહેનોનો પનારો નખશિખ પરંપરાવાદી, રૂઢિચુસ્ત, જડ સમાજ અને તેનાં મૂલ્યો સામે અને સ્ત્રીને ઊતરતી જાતિ માનતાં જડભરત પુરુષો સાથે પડે છે. એ પછી તેમના પિતા, પતિ, ભાઈ, સસરા, જેઠ, દિયર કોઈ પણ હોઈ શકે. આ તમામ વિષમતા જાણવા અનુભવવા છતાં માથું ઊંચકવું જેવું તેવું કામ નથી. એવું ઉદાહરણ બેસાડયું ઉત્તરપ્રદેશમાં લખનૌ પાસે આવેલા અહમદપુર ગામની બહેનોએ. એક તરફ પોલીસ ફાઇલમાં નોંધાતાં, ન નોંધાતા બળાત્કારના કેસ. બીજી બાજુ ટીવી પર સરકારી જાહેરખબરમાં જનહિત માટે વિદ્યા બાલનની અપીલ. ગામની વસ્તી ગણે તો કુલ ૮૨૫ વ્યક્તિઓની. તેમાં સ્ત્રી, પુરુષ, આબાલવૃદ્ધ બધાંનો સમાવેશ થઈ જાય. કુલ ઘરની સંખ્યા માત્ર ૧૨૫. આખા ગામમાં ૧૨૫ ઘરમાંથી માત્ર આઠ ઘર સુખી અને આધુનિક (?) કહી શકાય તેમ પોતીકો શૌચાલયવાળાં. ઘરમાં બાથરૂમ અને ટોઇલેટ હોય તે વાત હજી યુ.પી. બિહારના ગામમાં ‘મલેચ્છવાળી’ લેખાય છે. એટલે આઠ ઘરના કુટુંબીજનોને છોડીને બાકીના તમામ ગામલોકોએ કુદરતી હાજતો માટે વનવગડા ને આંબાવાડિયાંનો જ ઉપયોગ કરવો પડે. વર્ષો સુધી ચાલતી રહેતી આ ‘પરંપરા’ આંબાવાડિયાના કોન્ટ્રાક્ટરોને કારણે તૂટી. કારણ એવું હતું કે કેરી ઉતારવાના ઠેકા અપાય પછી કોન્ટ્રાક્ટરો કેરી ન ચોરાય તે માટે ચોકીદારી-પહેરા ગોઠવતાં તેમાં પુરુષો તો ગમે તેમ કામ પતાવે પણ ગામની બહેનો શું કરે? ક્યાં જાય? હા, ગામના સરપંચે તોડ કાઢયો કે ૮૨૫ની વસ્તીવાળા ગામમાં જે જાહેર શૌચાલય છે તેનો ઉપયોગ થાયને! લો બોલો, વસ્તીના પ્રમાણમાં સરકારી, જાહેર શૌચાલયની સંખ્યા એક. વિચારશૂન્યતાના નમૂના જોવા હોય તો આપણાં દેશની પ્રજાનો જોટો ન જડે.

આ બધી સમસ્યાને રડીને બેસી રહેવાને બદલે લડી લેવું જરૂરી હતું, પણ જોવાની ખૂબી તો એ હતી કે સમ ખાવા પૂરતો પણ એક મરદનો બચ્ચો આગળ ન આવ્યો. આગળ આવી ગામની એક આધેડ વયની મહિલા સુશીલા. ૫૦ વર્ષની સુશીલાએ ઘરે ઘરે જઈને પહેલાં તો બહેનોને વિશ્વાસમાં લેવાનું કામ કર્યું. અગવડ તો સૌને પડતી હતી પણ પહેલ કરે કોણ? એ ન્યાયે વાત અટકી પડી હતી એક, બે, પાંચ એમ કરીને સુશીલાએ પૂરી છત્રીસ બહેનોને સમજાવી એક ‘બહેનજી બ્રિગેડ’ તૈયાર કરી નાખી. હવે વાત હતી શૌચાલય માટે જમીન અને નિર્માણની. બહેનોએ ભેગાં થઈ ગામના સરપંચને વિનવણી કરી. સરપંચના બહેરાં કાન પર આ વાત પડી જ નહીં, હવે? આ બહેનોએ હાર ન માનવી એટલું નક્કી કરી રાખેલું. બહેનજી બ્રિગેડ ઊપડી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે. ડીએમના કાન તો સરપંચ જેવા જ બુઠ્ઠા નીકળ્યા. બહેનો ધક્કા ખાતી રહી. કોઈક વાર પગપાળા, ટ્રેક્ટરમાં, બળદગાડામાં… કાંઈ જ ન વળ્યું. ન શૌચાલય માટે જમીન ફાળવાઈ, ન ફદિયાં. તેમાં વળી કહેવાતાં ‘મૂલ્યનિષ્ઠ’, પરંપરાવાદી ગામલોકોનો વિરોધ. આ તમામ અવરોધ હોવા છતાં સુશીલાદેવીએ હાર ન માની. આ બધા પ્રયાસો જોઈ રહેલાં સુશીલાદેવીના પતિએ જ આખરે પોતાની જમીનના ટુકડામાંથી ટુકડો ફાળવવો પડયો. એક એનજીઓ વાત્સલ્યે પણ મદદ કરી ને આખરે પાકું શૌચાલય બનાવવાનું. ત્રણ મહિનામાં જ આખો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો. જેમાં ચાર ટોઇલેટ્સ અને એક બાથરૂમનો સમાવેશ થતો હતો. સ્વાભાવિક છે કે જેણેેે આ આખા અભિયાનમાં પૈસા કે પરસેવો રેડયો હોય તે જ એનો ઉપયોગ કરી શકે, કારણ કે તમામ ગામલોકોની સમસ્યા માત્ર ચાર ટોઇલેટ્સથી એક બાથરૂમથી થોડી ઉકેલાઈ જાય? તે છતાં કુલ અઢાર પરિવાર આ શૌચાલયનો ઉપયોગ કરી શકે છે અને હવે રહી રહીને બાકીના ગામલોકોને પણ આ નિર્માણ પ્રેરણા આપી રહ્યું છે.જોવાની ખૂબી તો એ છે કે સમગ્ર યુ.પી. બિહાર અને તેના જેવાં પછાત રાજ્યોમાં આ સમસ્યા ચરમસીમાએ છે. છતાં આ સમસ્યાને સમસ્યા તરીકે લેખાવી જોઈએ તેવું કોઈને નથી લાગતું.

થોડાં સમય પૂર્વે જ્યારે નીતીશકુમાર મુખ્ય પ્રધાન હતા ત્યારે ગામેગામ આ સુવિધા પ્રાપ્ત થાય તેવા હેતુથી ‘શૌચાલય નહીં તો સરપંચ નહીં’ તેવું સૂત્ર આપેલું. જે ગામમાં જાહેર, સરકારી શૌચાલય ન હોય તે ગામમાં સરપંચ નિમાય જ નહીં એવી યોજના બનાવવા પાછળનું લોજિક હતું કે ગામેગામ લોકોને સુવિધા મળે, પણ આ આખી યોજના બૂમરેંગ થઈ ગઈ, જેવી કે બે બાળકોવાળા ઉમેદવાર ચૂંટણી લડી શકે. નીતીશકુમારને લાગ્યું કે ખુરશીને ભોગે લોકકલ્યાણ થાય નહીં એટલે આ બધું ડીંડક સંકેલી લીધેલું. જેને પરિણામે આજે બિહારમાં કુલ વસ્તીના પ્રમાણમાં માત્ર વીસ ટકા ઘરમાં ટોઇલેટ્સ હોય છે. આ આખી વાત પાછળ ભારે પછાત લોજિક કામ કરતું રહે છે. બિહારમાં સક્રિય એવી બિનસરકારી સંસ્થાઓ કહે છે કે ખાતાં, પીતાં, સાધન-સંપન્ન પરિવારો પણ શૌચાલય માટે જમીન ‘બગાડવા’ને બદલે એક રૂમ વધુ બાંધવો પસંદ કરે છે.

આવી જરૂરિયાત માટે જગ્યા બગાડાય? એ માટે તો વગડે જવાનું.

પરંતુ, હવે તો વગડા રહ્યા જ નથી, રહ્યાં છે માત્ર રાની પશુઓ, જે લાગ મળતાં જ સાંજ પડે શિકારની શોધમાં જ હોય છે. આ સમસ્યાનું સમાધાન માત્ર સરકાર લાવી શકે છે તેમ પણ નથી. છતાં રાજ્ય સરકારોએ આ વાતમાં નક્કર પગલાં તો ભરવાં જ પડશે. હવે નયીં ઉમ્ર કી નયીં ફસલ જેવા અધ્યાયનો આરંભ થઈ જ રહ્યો છે ત્યારે સ્ત્રી સુરક્ષા અને સ્ત્રી સશક્તીકરણના પ્રથમ અધ્યાયમાં જ પહેલાં શૌચાલય, પછી દેવાલય જેવા શિલાલેખ જરૂરી બની જાય છે.

છેલ્લે છેલ્લે
ગુજરોં જો બાગ સે તો દુઆ માંગતે ચલો, જિસ મેં ખિલે હૈ ફૂલ વો ડાલી હરી રહે.

– નિદા ફાજલી

Advertisements

2 thoughts on “સ્ત્રી સુરક્ષાના પાયાના પથ્થર કયાં?”

  1. Reblogged this on Vicharak1's Weblog and commented:
    Very thoughtful- A blog in Gujarati highlighting efforts of women in a Bihar village for constructing private toilets in face of government apathy and opposition from conservative villagers.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s