Mann Woman, WOW ( world of woman)

રેગિસ્તાનથી રેમ્પ સુધી રણનાં ફૂલ તો કદીય ન મૂરઝાય!

20140729-090423-32663233.jpg

જિહાદી સંગઠન ઈસીસ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરીયા દુનિયા સમક્ષ આવેલો નવો ત્રાસવાદી ચહેરો છે . ઓસામા બિન લાદેન કરતાં હજારગણો ખતરનાક.
એ સંગઠનની આક્રમકતા ભલે હજી કહેવાતાં બિનસાંપ્રદાયિક લોકોને ન દઝાડતી હોય પણ તેમની કહેવાતી ધાર્મિક એવી બર્બરતાનો શિકાર બની રહી છે સામાન્ય સ્ત્રીઓ. આ ઝનુનીઓએ સૌથી પહેલો ફતવો કાઢ્યો કે સિરિયાના તમામ ખ્રિસ્તીઓએ ઇસ્લામ અંગીકાર કરવો અને આથી વધુ એક નમૂનો તે સ્ત્રીઓ એ સુન્નત તો કરાવવી જ રહી … ૧૧ થી લઇ ૪૬ વર્ષની તમામ સ્ત્રીઓએ સુન્નત કરાવવી ફરજીયાત છે. જેને કારણે બે, પાંચ,પચાસ કે હજાર નહીં બલકે ૪૦ લાખ સ્ત્રીઓએ આ કટ્ટર , બર્બર ફતવાનો ભોગ બનવું પડશે. આ સુન્નતને ધર્મનો હવાલો આપનાર બર્બર ધર્માંધો માત્ર પોતાની ધાક અને રોગી માનસિકતા આ કરણી દ્વારા પોષવા માંગે છે. અન્યથા બાકી મુસ્લિમ રાષ્ટ્રોમાં જેવાકે ઓમાન ,સિરિયામાં આવી પ્રથાઓ એક તો ક્યારેય સંપૂર્ણપણે અમલી ક્યારેય નહોતી અને બીજું આ પ્રથા માત્ર ને માત્ર આફ્રિકાના તમામ રીતે પછાત મુસ્લિમ સમાજમાં જ રહી છે . જે માટે આફ્રિકાના સુદાનની દીકરી સ્ત્રીઓના હક માટે દુનિયાભરમાં ફરી અભિયાન ચલાવે છે .
મન-વુમન – પિન્કી દલાલ
આપણાં માટે કે પછી વિકાસશીલ, અંધારિયા, ગરીબ દેશો માટે યુરોપિયન તવંગર દેશો એટલે જાણે સ્વર્ગની ભૂમિ. સુખ નામનો પ્રદેશ જાણે યુરોપ અમેરિકામાં જ સમેટાઇને રહી જાય. એવા જ એક યુરોપિયન તવંગર દેશની વાત તાજેતરમાં જ પ્રકાશમાં આવી. સ્વિડન અને બીજું રાષ્ટ્ર એટલે બ્રિટન. આ બે સુધરેલા દેશોમાં અંધશ્રદ્ધા અને ર્ધાિમક પરંપરા એટલા હદે પ્રવર્તમાન છે, તેનાં ઉદાહરણ એટલે જેનિટલ મ્યુુુટિલેશન. એટલે લોકભોગ્ય ભાષામાં કહીએ તો સુન્નત.

એક સમયે આરબ દેશોમાં અતિશય ગરમી અને પાણીની અછતને કારણે હાઇજિન જાળવવા સંભવતઃ શરૂ થયેલી પ્રથાએ પાછળથી ર્ધાિમક પરંપરાનું રૂપ લઈ લીધું. જે પછી માત્ર પુરુષો પૂરતી સીમિત ન રહેતાં સ્ત્રીઓ માટે અમલી બનાવાઈ. અલબત્ત, સ્ત્રીઓ માટે સ્વચ્છતા અને આરોગ્ય માટે એ વાત અમલી નહોતી બનાવાઈ બલકે, સ્ત્રીઓ માટે એ વાતને પરંપરાનું રૂપ અપાયું સ્ત્રીઓને તેમની શારીરિક ઇચ્છાઓને કાબૂમાં રાખવા, ડામી દેવા માટે. અને આ ક્રૂર પરંપરાને ર્ધાિમક લેખાવાઈ.

આ બધી વાતો આજે પણ વિકાસશીલ, ગરીબ, અભણ રાષ્ટ્રોમાં તો અસ્તિત્વમાં છે જ પણ સ્વિડન અને બ્રિટન જેવા આધુનિક દેશોમાં પણ ચાલે છે. નવાઈ પમાડે તેવી વાત છેને? પણ સાચી છે.

અલબત્ત, વિકસિત, તવંગર દેશોમાં આ બધી પ્રથા ગેરકાનૂની છે. છતાં તાજેતરમાં જ સ્વિડનમાં તપાસ દરમિયાન થયેલા ખુલાસામાં જણાયું કે એક સ્કૂલમાં એક ક્લાસની તમામે તમામ છોકરીઓની જેનિટલ મ્યુટિલેશન (ફીમેલ જેનિટલ મ્યુટિલેશન, એફજીએમ) એટલે કે સુન્નત કરી દેવામાં આવી હતી.

આ પ્રથા એટલી બધી ક્રૂર, અમાનવીય છે કે તે વિષે વિચારી ન શકાય. છોકરીઓની સુન્નત એટલે ક્લીટોરીસને સંપૂર્ણપણે કાપી વજાઈનાના છેદ સાથે સીવી દેવાય છે અને ખૂબ જ ઓછી જગ્યા છોડાય જે પાછળનું મૂળ કારણ સ્ત્રીને કોઈ કામેચ્છા થાય નહીં, થાય તો એ માટે સહવાસની ઇચ્છા ન થાય, કારણ કે એ આખી પ્રક્રિયા જ અત્યંત પીડાકારક હોય.

જોવાની ખૂબી તો એ છે કે આ માટે થતી વાઢકાપ ઉંટવૈદણો દ્વારા જ કરાય, કારણ કે લગભગ તમામ સુધરેલા, આધુનિક દેશોમાં આ એફજીએમ પર પ્રતિબંધ છે. આ કામ ઉંટવૈદો ગેરકાનૂની રીતે કરે એટલે ઇન્ફેક્શનથી છોકરી મરી જાય તેવી શક્યતાઓ પણ પૂરી પણ તે છતાં રજસ્વલા થાય નહીં કે છોકરીનાં મા-બાપ આ ક્રૂર પ્રથામાં દીકરીને ઘસડીને જ છૂટકો કરે.

આ સમસ્યા બ્રિટન, ફ્રાંસ અને સ્વિડનમાં તો હિમશિલાની અણી જેવી છે, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંક તો કહે છે કે આફ્રિકા અને મધ્યપૂર્વના ૨૯ દેશોમાં લગભગ ૧૨.૫ કરોડ મહિલાઓ એફજીએમમાંથી પસાર થઈ ચૂકી છે અને દરરોજ ૮૦૦૦ દીકરીઓ આજે પણ એનો ભોગ બને છે.

માણસ જ્યારે ચંદ્ર પર ડગલું માંડી ચૂક્યો હોય ત્યારે આવી ક્રૂર અને અમાનવીય વાતો હોઈ શકે ખરી? અને જો હોય તો તેના નિર્મૂલન માટે કોઈ પ્રયાસ જ નહીં? એવો પ્રશ્ન જો ઉદ્ભવ્યો હોય તો આખા વિશ્વમાં સ્ત્રીઓની આ દર્દભરી ચીસ માટે એક જ સ્ત્રી એકલપંડે કામ કરી રહી છે, તેનું નામ છેઃ વારીસ ડિરી.

એનું નામ કદાચ ભારતમાં અજાણ્યું લાગે પણ એ વિશ્વવિખ્યાત બ્રાન્ડ શેનલ, લીવાઇસ, લોરિયલ અને રેવલોન જેવી કંપનીઓની પ્રોડક્ટ મોેડેલ રહી ચૂકી છે. આ સ્ત્રી એકલપંડે શા માટે સ્ત્રીઓની વેદનાને વાચા આપવા લડી રહી છે તે તો ત્યારે જ સમજાય જ્યારે તેની પોતાની વાત જાણીએ.

ઇથિયોપિયાની બોર્ડર પાસે, સુદાનના એક નાના ગરીબ પરિવારમાં આપણી આ વારીસ જન્મેલી. એ માત્ર પાંચ વર્ષની હતી ત્યારે એની સુન્નત થઈ. ધખધખતાં પ્રદેશમાં,અણઘડ ઉંટવૈદ સ્ત્રીઓ જે હાથમાં આવે તે ઓજારથી વાઢકાપ કરી નાખે અને ટાંકા લેવાની કોઈ વાત નહીં, લાલચોળ તપાવેલા ચીપિયાથી ડામ દઈ ઘાવ કરે એ’સ્ટીચીઝ’. મોટાભાગના કેસમાં આ ઘાવ પાકી જ જાય, ઇન્ફેક્શનથી તાવ, સનેપાત અને દવાદારૂ વિના છોકરી ઉપર સિધાવે. પથ્થર જેવી દીકરીઓ બચી પણ જાય. તેમનાં પછી લગ્ન લેવાય તેમનાથી ઉંમરમાં ચારગણી ઉંમર ધરાવતાં દાદાજીઓ સાથે. મૂળ ઘરડાં પુરુષોની બાળવધૂઓ, યુવાન વહુ યુવાન પરપુરુષના પ્રેમમાં ન પડી જાય તે બધી જોગવાઈ ર્ધાિમક પરંપરાના નામે ચઢાવાઈ ગઈ છે.

આ વારીસનાં પણ લગ્ન લેવાયાં તેની દાદાની ઉંમર કરતાં થોડા જ વધુ મોટા માણસ જોડે. તે વખતે વારીસની ઉંમર માત્ર તેર વર્ષની. તેનાં લગ્ન નક્કી કરાયાં ૬૦ વર્ષના પુરુષ જોડે, કારણ? વારીસના પિતાને પાંચ ઊંટ સાટામાં મળવાના હતા. આ બધી દિલધડક વાતો વારીસે પોતાના પુસ્તક ‘ડેઝર્ટ ફ્લાવર’માં લખી છે. જેના પરથી ફિલ્મ પણ બની છે. આખી વાતનો સાર એટલો કે માત્ર તેર વર્ષની અભણ ભરવાડણ જેવી બાળકી માથે રાત લઈને રણમાં રસ્તો કરતી ભાગી. દિવસ-રાત, ખાધા-પીધા વિના. એનું એકમાત્ર લક્ષ્ય હતું મોગાદીશુ. જ્યાં એની મોટી બહેન પણ આમ જ ભાગી ગયેલી. વારીસને નિયતિ મોગાદીશુથી લંડન લઈ આવી. લંડનમાં મેકડોનાલ્ડમાં વેઇટ્રેસનું કામ કરતી, અંગ્રેજી ન જાણતી વારીસનું તકદીર એક દિવસે ખૂલી ગયું. તેને કોઈ ફોટોગ્રાફરે જોઈ. એ તો નામી ફોટોગ્રાફર હતો, ફેશન અને મોડેલ ઇન્ડસ્ટ્રી જોડે સંકળાયેલો. કોઈ ફિલ્મના પ્લોટ જેવી જિંદગી પણ હોય છે તે આ કહાણી જાણ્યા પછી સમજાય.

શ્યામ, દૂબળી-પાતળી, સુદાનીઝ અભણ છોકરી રેવલોન નામની વર્લ્ડ ફેમસ કોસ્મેટિક બ્રાન્ડની મોડેલ બની. પછી તો સુપરમોડેલ બનીને ચમકી. ફેશન ને ગ્લેમરની દુનિયામાં ઝળકતું નામ. પણ જીવને ટાઢક નહીં. વારીસને લાગતું કે પોતે તો પેલા જીવતાં દોઝખમાંથી છૂટી પણ પોતાના જેવી હજારો-લાખો બહેનોનો બેલી કોણ?

આ એફએજીએમની સમસ્યા શું છે તેની તો વિશ્વને જાણ પણ નહોતી, એટલે ૧૯૯૭માં તેણે પુસ્તક લખ્યું ‘ડેઝર્ટ ફ્લાવર’. જે વિશ્વકક્ષાએ બેસ્ટ સેલર તરીકે ગણના પામ્યું. એ પછી તો ઘણાં પુસ્તકો, એવોર્ડ, માન-સન્માન પણ વારીસે મેળવ્યાં. છતાં મનને કોઈ કામ સંતોષ આપતું નહોતું. આખરે આ ગ્લેમરની દુનિયા છોડી માત્ર ને માત્ર આ ફિમેલ જેનિટલ મ્યુટિલેશનની સમસ્યા પર કામ કરવા વારીસે હામ ભીડી. જેને માટે તેને રશિયાના પ્રેસિડેન્ટ મિખાઈલ ગોર્બાચોવથી લઈ નેલ્સન મંડેલા જેવા લોકોનો સાથ મળ્યો. હોલિવૂડ એક્ટ્રેસ જે પાછળથી કોઈ ફ્રેંચ ટાયકૂનને પરણેલી તે સલમા હકે પણ વારીસના ડેઝર્ટ ફ્લાવર ફાઉન્ડેશનને કડેધડે રાખવા ખૂબ આર્િથક મદદ કરી હતી અને એ તમામ નાણાંથી આફ્રિકાના ગરીબ, અભણ, પછાત સમાજની દીકરીઓ માટે સ્કૂલ અને ક્લિનિક કામ કરે છે. એવું તો ન કહી શકાય કે આ વારીસની મહેનત હજી દસ ટકા પણ રંગ લાવી શકી છે પણ જે ‘એકલો જાને રે’ની હામથી આ અભિયાન એણે આદર્યું તે જ વાત એક અનોખી સિદ્ધિ છે.

વારીસે આ માટે સ્થાપેલા ફાઉન્ડેશન ડેઝર્ટ ફ્લાવરને સારી આર્િથક મદદ મળે છે એટલે તેની આ મંજિલ સરળ છે તેવું ધારી લેવું મૂર્ખામી છે. વારીસે કોની સામે આ જંગ છેડયો છે તેનો જવાબ એને થોડા થોડા સમયાંતરે મળ્યા કરે છે, ધમકીઓ, હુમલાઓ કે પછી અપહરણથી. એક વાર વારીસનું કોઈએ અપહરણ કરી મારી નાખવા પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ નીવડયો. રણમાં દિવસ-રાત જોયા વિના ૧૩ વર્ષની બાળકી ઉઘાડા પગે દોડતી રહે ને જીવતી રહે, એક નાનકડાં ગામથી સુપરમોડેલ સુધીની ટોચ સર કરે ને પછી આમ સેવાનો ભેખ ધરે તે વાત જ અજાયબીભરી નથી? વારીસ માને છે તેમ આપણે પણ માનવા મજબૂર થઈ જઈએ કે ખરેખર આ ક્રૂર પ્રથા બંધ કરાવવા જ વારીસ પૃથ્વી પર અવતરી હોય તેવી પણ શક્યતા ખરીને!

છેલ્લે છેલ્લે
સ્ત્રીની વફાદારી જીતવા જરૂરી છે પ્રેમ અને વિશ્વાસ નહીં કે જંગલિયતભરી પ્રથા અને શારીરિક શોષણ. આ બધી પ્રથાઓને ઇતિહાસ બનાવવાનો સમય આવી ચૂક્યો છે.

– વારીસ ડિરી

Published @ Sandesh (મન-વુમન) Jul 28, 2014

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s