Mann Woman, WOW ( world of woman)

નો કિડ્ઝ પ્લીઝ ….

20140805-084125-31285809.jpg
ખોળાનો ખૂંદનાર દેજો રે રન્નાદે મા…

ચાનકીનો માંગનાર દેજો રે રન્નાદે મા…

છેડાનો ઝાલનાર દેજો રે રન્નાદે મા…

હજી તો લગ્નની ચોરીમાં ફેરા ન પત્યા હોય ને સુહાગણ સ્ત્રીઓ નવવધૂના કાનમાં આશીર્વચન કહેતાં અખંડ સૌભાગ્યવતી ભવની સાથે સાથે સો પુત્રવતી ભવ જેવા આશીર્વાદ આજે પણ આપે છે.

સો પુત્રની માતા બનવું એટલે? એ અનુભવ કેવો હોય તે તો ગાંધારી જ કહી શકે, પણ આજના સમયમાં બે પુત્ર હોવા અને તેમનું યોગ્ય રીતે લાલનપાલન કરી, ઉચ્ચ શિક્ષણ આપવું સામાન્ય માણસના ગજાની બહારની વાત થતી ચાલી છે. છતાં ‘અમે બે અને અમારા બે’ વાત પુરાણી નથી થઈ. સુશિક્ષિત, આધુનિક દંપતી પુત્ર હોય કે પુત્રી એક જ સંતતિમાં સંતોષ માનનારાઓનો વર્ગ હવે વધતો જાય છે, પણ તેથી આગળ વધીને સ્વેચ્છાએ સંતતિવિહીન રહેવાનો નિર્ણય કરનારાં યુગલોની સંખ્યા પણ વધતી જાય છે.

વાત સાચી ન લાગતી હોય તો મોટાં શહેરોમાં પતિ-પત્ની બંને ર્વિંકગ હોય તેવા કિસ્સાઓની આંતરિક જિંદગીમાં ડોકિયું કરશો તો આવી સ્ટોરી આસપાસના વર્તુળમાં જડી જ આવશે.

એવું જ એક યુગલ છે પ્રીતિ ને પ્રેમલ. આજે આ યુગલ પચાસીમાં પહોંચ્યું છે, લગ્નનાં પચ્ચીસ વર્ષના આરે. તે પણ સુખી લગ્નજીવન. છતાં આ દંપતીને સંતતિ નથી. ના, ન તો કોઈ મેડિકલ પ્રોબ્લેમ હતો ન કોઈ બીજી સમસ્યા, પરંતુ પ્રીતિ અને પ્રેમલ મળ્યાં ને પ્રેમમાં પડયાં ત્યારે બંને પોતપોતાની કારકિર્દી જમાવવા સ્ટ્રગલ કરી રહ્યાં હતાં. બંનેને લાગ્યું કે માત્ર પતિ-પત્ની તરીકે જ નહીં, બિઝનેસ પાર્ટનર્સ તરીકે તેઓ ચમત્કાર સર્જી શકે છે, પણ સૌથી મોટું અડચણકર્તા પરિબળ હતું લગ્ન, મેરીડ લાઇફ, થનારી સંતતિ, ફેમિલી પ્રેશર. હવે કરવું શું? આ સમયે પ્રીતિ ન તો મુગ્ધાવસ્થામાં હતી ન પ્રેમલ લાગણીવશ. એટલે બંનેએ લાંબી ચર્ચા-વિચારણા પછી નિર્ણય કર્યો બિઝનેસ પાર્ટનર્સ અને પતિ-પત્ની બનવાનો, પણ એક શરત સાથે. શરત એ કે લગ્ન પછી બાળક નામની જંજાળ જ ઊભી ન કરવી.

આ આખી વાત કદાચ રૂઢિચુસ્ત માનસિકતા ધરાવનારાંઓને આઘાતજનક તો લાગશે, પણ આજે સગાં-વહાલાં, મિત્ર-સ્વજનોને પ્રીતિ-પ્રેમલે ખોટાં પાડી દીધાં છે. એ લોકોને જે લોકો બાળકોને લગ્નજીવનની ઈંટો જોડતી સિમેન્ટ લેખે છે.

પચ્ચીસ વર્ષનાં લગ્નજીવન દરમિયાન પ્રીતિ-પ્રેમલ એક્સપોર્ટ તરીકે એક આગવું સ્થાન હાંસલ કરી ચૂક્યાં છે. પ્રીતિની આર્િટસ્ટિક સેન્સ ને પ્રેમલની બિઝનેસ મેનેજમેન્ટ સ્કિલ, પ્રેમલ-પ્રીતિની એક્સપોર્ટ કંપની યરોપિયન ફેશન સ્ટોર્સમાં જાણીતું નામ છે.

પ્રેમલને તો ઠીક પણ પ્રીતિને ક્યારેય માતૃત્વની અધૂરપ કનડતી નહીં હોય? તેવો પ્રશ્ન ઘણાંને થાય છે અને તેમની કુતૂહલતાનો મોક્ષ

પ્રીતિ-પ્રેમલના સસ્મિત ચહેરા અને સુખી લગ્નજીવન જોઈને થતો નથી, તેમણે પ્રીતિનો જવાબ ગળે ઉતાર્યા વિના છૂટકો નથી.

પ્રીતિના જવાબમાં છે પ્રતિપ્રશ્ન. બાળકો કેમ ન થવાં દીધાં? એવા મૂર્ખામીભર્યા પ્રશ્ન માટે પ્રીતિનો ઉત્તર છે, “શું કામ છે બાળકોનું?” “શા માટે હું મારી કારકિર્દીના ભોગે મા બનું?”

કહેનારા પાસે દલીલો અઢળક હશે. બાળકો સાથે પણ કેટલાંક યુગલો કામ કરતાં હોય જ છે ને… વગેરે વગેરે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રીતિને બાળક ન હોવાને કારણે કોઈ અધૂરપ જ નથી લાગતી પછી શું? આનંદ, આશ્ચર્યની વાત તો એ છે કે આ પ્રીતિ-પ્રેમલ જેવાં જોડાંઓની સંખ્યા દિન-બદિન વધતી જાય છે.

આ પાછળનાં કારણો સમજવાં એ કંઈ રોકેટ સાયન્સ સમજવા જેવી અઘરી વાત નથી. છેલ્લા ત્રણ દાયકામાં શિક્ષણ અને વ્યાવસાયિક ક્ષેત્રે આવેલું આમૂલ પરિવર્તન આ માટે જવાબદાર લેખી શકાય.

સદીઓ સુધી વિશ્વભરની સંસ્કૃતિમાં માતૃત્વ ધારણ કરવું એ વાત એ મુદ્દો બની રહી છે જેને જરા વધુ પડતું અલંકારિક રીતે, સંસ્કૃતિ, સમાજ, સિક્યોરિટી જેવા વિશેષણોથી શણગારી રજૂ કરાતી રહી છે. એ વાત નિશંકપણે સાચી છે કે મા બનવું કંઈ ખાવાનો ખેલ નથી. એ પણ આજના જમાનામાં, જ્યાં સ્ત્રીના માથે માત્ર ઘરની અને બાળકોની નહીં ઓફિસ કે પોતાનાં નાનાં-મોટાં કામની જવાબદારી હોય અને તે પણ ભારત જેવા વસતીથી ફાટફાટ થતાં દેશમાં બાળકોના વળગણે વધુ ને વધુ વિનાશ નોતર્યો છે. એવી પરિસ્થિતિમાં બાળકો એટલે વસ્તીવધારામાં ચમચી ઘી હોમવું. આ વસતી વધારાએ પૃથ્વી પર જે પર્યાવરણથી લઈ પ્રકૃતિનો ખો વાળ્યો છે તે તો પાછી એક બીજી જ ચર્ચાનો વિષય છે, પરંતુ પોતાના સ્વાતંત્ર્ય માટે સંતાનવિહીન રહેવાનો આ ટ્રેન્ડ વિશેષરૂપે મહાનગરો અને શહેરોમાં છે, ગ્રામીણ વિસ્તારોમાં નહીં. છતાં હવે આર્િથક સામાજિક સ્તરે પછાત રહી ગયેલાં રાજ્યોનાં શહેરોમાં આ જ્વર ફેલાતો ચાલ્યો છે.

આ પાછળનું સામાજિક કારણ એ પણ ખરું કે બાળકોની પરવરિશ શ્રેષ્ઠ રીતે થાય તે માટે માત્ર આર્િથક સધ્ધરતા જ નહીં, માતા-પિતાનો સમય પણ જરૂરી હોય છે. જે આજના સમયે ઘરના ખર્ચને પહોંચી વળવા, બે છેડા ભેગા કરવા પોતપોતાની ક્ષમતાથી મથી રહેલાં પતિ-પત્ની બાળકને સમય આપવા અક્ષમ હોય છે.

એક સમય એવો પણ હતો જ્યારે નિઃસંતાન દંપતીને, વિશેષ કરીને સ્ત્રીને મહેણાં સાંભળવાં પડતાં. હવે મહેણાં કે અપમાન તો નહીં પણ ગેરજવાબદાર હોવાની ટકોર તો જરૂર સંભળાય છે.

બાળકો, ઘર અને કારકિર્દી વચ્ચે સંતુલન ન સાધી શકે એટલે સ્ત્રીને ગેરજવાબદાર કહીને ઉતારી પાડવી યોગ્ય? ખરેખર તો આ ખ્યાલ જ ભારે ભ્રામક છે.

સ્વેચ્છાએ સંતાનવિહીન રહેવાનો કે પછી પોતાનું સંતાન ન થવા દઈ અનાથ બાળક દત્તક લેવાનાં મતવાદી યુગલો બેજવાબદાર નહીં બલ્કે સુશિક્ષિત, વધુ પડતાં આયોજનવાળાં, સુવ્યવસ્થિત, પોતાનાં વૃદ્ધ માતા-પિતાની સારસંભાળ લેનારાં હોય છે, તેવું તારણ સર્વેક્ષણોમાં નીકળે છે.

ખરેખર તો આ વર્ગ સુશિક્ષિત, આત્મનિર્ભર અને જવાબદાર માનસિકતા ધરાવે છે, એટલે જ આવા નિર્ણયો લઈ શકે છે, અન્યના સમાજમાં બેરોજગાર યુવક પરણે તેવાં દૃશ્યો આપણે ત્યાં અસામાન્ય નથી. બાપકમાઈ પર નભતાં યુગલો પણ પોતાના સંતાનને વધુ એક પરાવલંબી તરીકે આ દુનિયામાં લઈ આવે છે. ખરેખર તો બેજવાબદાર, નફિકરા વર્ગમાં આ લોકોને મૂકવા જોઈએ.

વસ્તીથી ફાટફાટ થતાં વિશ્વમાં અને કીડિયારાંની જેમ ઊભરાતાં આપણાં શહેરોમાં ખરેખર તો આ પ્રથા કંકુ-ચોખા લઈ વધાવવા જેવી છે. નવાં પરણેલાં યુગલો બાળકને બદલે પોતાના પ્રેમ અને વાત્સલ્ય વનરાજીને મૂક પશુ-પંખી પર વરસાવે તેનાથી ઉત્તમ કોઈ વિકલ્પ હોઈ શકે ખરો? આ વાત વિચારવા જેવી નથી?

છેલ્લે છેલ્લેઃ ગુજરો જો બાગ સે તો દુઆ માંગતે ચલો,જિસમેં ખિલે હૈં ફૂલ વો ડાલી હરી રહે.
-નિદા ફાજલી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s