Mann Woman, WOW ( world of woman)

તંગ દોર પર સંતુલન એટલે ગૂડ પેરેન્ટિંગ

image

પ્રિયતમા માટે આકાશના ચાંદ-તારા તોડી લાવવાની વાત તો સૌ જાણે છે અને તેની પાછળની પોકળતા પણ… પત્ની માટે, કુટુંબ માટે, સ્નેહીજન, મિત્રો માટે પોતાની શક્તિ-મર્યાદા ચાતરી જઈ કંઈક કરી છૂટવાની વાત સરાહનીય ખરી, પણ ક્યારેક તેમાં થતો અતિરેક ઘેલછા કે પાગલપણની પ્રતીતિ કરાવે ખરો. એમાં પણ ખાસ કરીને સંતાનો માટે. પોતાનાં સંતાનોને સર્વશ્રેષ્ઠ ચીજવસ્તુ, સુખ આપવાની ઇચ્છા ક્યારેક ઘેલછા બની જાય એવું પણ બને. એવો જ એક કિસ્સો હમણાં વાંચવામાં આવ્યો. વાત હતી એક અમેરિકન પિતા નામે જેરેમિયા હિટનની. આ ભાઈને સંતતિમાં એક પુત્રી નામે એમિલી. દરેક મા-બાપને મન તેમનાં સંતાન કેલૈયાકુંવર કે કુંવરી જ હોય, પણ આ ભાઈને થયું કે પોતાની દીકરી સાચેસાચ રાજકુંવરી કેમ ન બની શકે? ભલે પોતે રાજા-રજવાડાં કુટુંબનો ન હોય (જોકે, હવે તો તેમના દિવસો પણ ગયા) છતાં દીકરી તો કુંવરી બનવા જ સર્જાય છે એવું ઈ માનતો હશે એટલે આ અમેરિકન માણસે પોતાની સાત વર્ષની દીકરીને રાજકુંવરી બનાવવા દુનિયાનો નકશો પાથરી સંશોધન શરૂ કર્યું કે દુનિયાના કોઈ ખૂણેખાંચરે કોઈ નધણિયાતો જમીનનો ટુકડો છે? જેના પર કોઈ દેશનો દાવો ન હોય, તો તેની પર તે પોતાનું નાનું સરખું રાજ ઊભું કરે ને તેની દીકરી રાજકુંવરી બને.

હવે જોવાની ખૂબી એ કે આ હિટનભાઈને એવી નાનકડી જગ્યા મળી પણ ગઈ. ઇજિપ્ત અને સુદાન વચ્ચે એક નાનકડો ડુંગરાળ પ્રદેશ મળી આવ્યો, જે દુનિયાના નકશા પર બીર તવીલ નામે ઓળખાય છે. આ પર્વતીય પ્રદેશ ન તો ઇજિપ્તની સીમામાં છે ન સુદાનની. નો મેન્સ લેન્ડ કહેવાય તેવી આ જગ્યા હિટનને મળી શું ગઈ, તેણે તો પોતાનાં બાળકોએ તૈયાર કરેલો ધ્વજ ત્યાં ખોડી દીધો છે, એટલે એ ત્યાંનો રાજા ને દીકરી રાજકુંવરી…

એ વાત અલગ છે કે આવા તરંગતુક્કાને કોઈ ગંભીરતાથી લેતું નથી અને આમ કોઈ જમીનના ટુકડાને પોતાનું રાજ કહી દેવાથી કોઈ રાજા થઈ જતું નથી, પણ વાત છે માણસની એષણાની. હિટનને પોતાને રાજા બનવામાં એવી કોઈ દિલચસ્પી નથી જેટલી પોતાની દીકરીને રાજકુંવરી બનાવવામાં છે. એણે દીકરી એમિલીને તાજ પહેરાવીને ફોટા આખા જગતના પ્રેસને, સોશિયલ મીડિયાને મોકલી આપ્યા છે.

સંતાનો પ્રત્યે આટલી બધી આસક્તિ એ જ નર્યું ગાંડપણ નથી? પણ આ વાત કોઈ નવી-નવાઈની નથી. ઇતિહાસ ગવાહ છે પુત્રપ્રેમમાં અંધ ધૃતરાષ્ટ્રથી. જગતભરના ર્ધાિમક ગ્રંથો, ઇતિહાસકથાઓ, દંતકથાઓમાં આ તમામ વાતોના પુરાવા મળે છે અને કદાચ એ જ કારણ છે સંતાનોના કુછંદે ચઢવાનું, ભટકામણીનું.

પોતે જિંદગીમાં અભાવગ્રસ્ત પરિસ્થિતિ જોઈ હોય એટલે જો શક્તિમાન હોય તો સંતાનોને તમામ પ્રકારનાં સુખ આપવાની આ ઘેલછા ખરેખર તો સંતાનોેને પાંગળાં બનાવી દે છે.

નાનપણથી ના ન સાંભળવા ટેવાયેલાં બાળકો જ્યારે પુખ્તવયનાં થાય અને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવાના ત્રિભેટે ઊભાં હોય ત્યારે તેમના માટે જિંદગીની સામાન્ય વાસ્તવિકતાઓ વિકરાળ સ્વરૂપે ઊભી રહી હોય તેવું અનુભવે છે. પોતાની હેસિયત હોય કે ન હોય, સારામાં સારી કેળવણી, સારામાં સારાં વસ્ત્ર, પરિધાન, મોબાઇલ ફોનથી લઈ પ્લેસ્ટેશન જેવા ગેઝેટ્સ… આ બધી ઇચ્છા પૂરી કરવા મા-બાપ પૂરેપૂરાં ધોવાઈ જાય ત્યાં સુધી તો વાત ઠીક છે, પણ સૌથી કપરી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે આ સુંવાળાં બાળકોને ‘ના’ની ખરબચડી ધારનો સામનો કરવો પડે.

એ પછી ર્બોિંડગ સ્કૂલ હોય, કોલેજ હોય, નવી નોકરી કે ધંધો હોય.

અને ત્યારે એક નવી ઉપાધિ આવે છે નાની ઉંમરમાં ડિપ્રેશન. “એમને ના સાંભળવાની આદત નથી…”

“એમનાથી ના સંખાય નહીં.”
“નહીં થાય એ વાત જ ખોટી.”

આવાં બધાં ક્વોટ મોટિવેશન ડોઝ કે મોટા માણસની નાની વાત તરીકે આપણે હંમેશાં સાંભળીએ ત્યારે ઘણી વાર તો પોઝિટિવ થિંકિંગના આભાસથી આંખો પહોળી જ રહે, પણ હકીકતમાં ના પાડવી અને ના સ્વીકારવી તે કેટલી મોટી હિંમતનું કામ છે તેની આપણે નોંધ જ લેતા નથી.

પોઝિટિવ થિંકિંગ બેશક સારું, પણ નેગેટિવ વાતો જાણે ક્યારેય બની જ ન શકે તે રીતનું પ્લાનિંગ રિસ્ક મેનેજમેન્ટના સિદ્ધાંતોને ઘોળી પી જાય ત્યારે તકલીફ થઈ શકે. આ વાતોનાં શું ગંભીર પરિણામ આવે તેના પુરાવા રોજેરોજ અખબારમાં છપાતાં હિચકારા સમાચારમાં ઝિલાય છે.

તાજેતરમાં જ એક પ્રૌઢાની કરપીણ હત્યા થઈ. પોલીસે ગણતરીના દિવસોમાં હત્યારાને પકડી લીધો અને એ હત્યારો બીજો કોઈ નહીં અને પેટનો જણેલો દીકરો જ હતો. આંખના તારાની જેમ તમામ હઠ પૂરી કરતી દીકરાની મા-બાપ એવી માને પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા પૈસા આપવાની ના પાડવા બદલ હણી નાખી. કારણ સીધું હતું દીકરાને નાનપણથી ના સાંભળવાની ટેવ જ નહોતી. પિતાની છત્રછાયા ગુમાવી બેસનાર દીકરાને કોઈ અભાવ ન સાલે તેવી ભાવનાથી નોકરી કરતી મધ્યમવર્ગીય મા પેટે પાટા બાંધીને પણ તમામ સુખ-સુવિધા આપવાના પ્રયત્ન કર્યા કરતી. પોતાની માસિક આવકના આંકડા જેવો મોંઘોદાટ મોબાઇલ ફોન દીકરાએ માગ્યો ત્યારેય આ માએ ના પાડવી યોગ્ય ન સમજી. દીકરાએ કોલેજના એડમિશન પછી મોંઘાદાટ કોચિંગ ક્લાસીસ ભરવાની હઠ પકડી ત્યારે પણ ના ન ભણી. મિત્રો જોડે પણ અને કોફીબારમાં જઈ જયાફત ઉડાડતા દીકરાને આછી-પાતળી નોકરી શોધી સાથે ભણવાનું રાખ તેવું પણ માએ ન કહ્યું, પણ જ્યારે દીકરાએ વિદેશ ભણવા જવાની રઢ પકડી ત્યારે માએ હથિયાર હેઠાં નાખી દેવાં પડયાં. એ વાતનો ધૂંધવાટ તો હતો અને બાકી હતું તેમ દીકરાને પોતાની ગર્લફ્રેન્ડને મોંઘીદાટ ગિફ્ટ આપવી હતી તેની ના થઈ. આવેશમાં આવીને દીકરાએ માને જ પતાવી દીધી.

સમાચારપત્રો ખરેખર તો સમાજનો આયનો છે અને તેમાં ચમકતી ન્યૂઝ સ્ટોરી સમાજની માનસિકતા છતી કરે છે.

સંતાનોનું સુખ સર્વોપરી તે પણ માન્યું, પણ તેમાં કોઈ મર્યાદા હોય ખરી કે નહીં? આ પ્રશ્ન દરેક માતા-પિતાએ પોતાની જાતને પૂછવા જેવો છે.

છેલ્લે છેલ્લે : જો બાળકોને તમારે શ્રેષ્ઠતમ ભેટ આપવી હોય તો જવાબદારીનાં મૂળ અને સ્વતંત્રતાની પાંખ જેવી અમૂલ્ય ચીજ કોઈ નથી.

મન-વુમન : sandesh dt. 12 aug 2014

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s