Mann Woman, WOW ( world of woman)

તમારી આસપાસ આવો કોઈ કાળો ચોર તો નથીને?

IMG_5398-0.JPG

એવું કહેવાય છે કે સત્ય ક્યારેક કલ્પના કરતાં કેટલાંય ગણું વધુ વિસ્મયકારક હોય છે. તેની પ્રતીતિ કરાવતા પ્રસંગો તો બનતા જ રહે છે. એવી એક ઘટના બની અમેરિકામાં. કોર્ટે એક ગાયનેકોલોજિસ્ટને ૧૯ કરોડ ડોલરનો દંડ ફરમાવ્યો. જે રકમ તેને ચૂકવવાની હતી પોતાના પેશન્ટોને, જેની વાંધાજનક તસવીરો આ ડોક્ટરે ચોરી ચોરી ચૂપકે ચૂપકે તેમને તપાસતાં ખેંચી હતી. પેશન્ટની આવી તસવીર? વાંચીને જ જુગુપ્સાપ્રેરક લાગે તેવી આ કરણી આ માણસે ડોક્ટર જેવા ઉમદા પ્રોફેશનમાં રહી કરી હતી. જેનો પર્દાફાશ પણ કરનાર હતી એ ડોક્ટરની સહકર્મચારી એવી એક લેડી ડોક્ટર. જો આ હરકત ન પકડાઈ હોત તો ન જાણે આ ડોક્ટર બીજા કેટલાય પેશન્ટને પોતાની વિકૃત હરકતનો ભોગ બનાવતો!

થયું એવું હતું કે આ ડોક્ટર સ્ત્રીરોગના નિષ્ણાત હતા, એટલે જ્યારે પોતાના પેશન્ટની તપાસણી કરતો ત્યારે ગળામાં એક પેનડ્રાઇવ સાથે ફિક્સ કરેલા માઇક્રોચીપ કેમેરા આઇડી કાર્ડની સાથે પહેરી રાખતો, એટલે કોઈને શંકા જવાનો પ્રશ્ન જ ન રહે, પણ તેમની સહકર્મચારીને આ આખી વાત સંદેહ પેદા કરનારી લાગી, પણ ત્યાં સુધીમાં તો હજારો મહિલાઓની તસવીરો આ મહાશયે ભેગી કરી લીધી હતી.

જોવાની ખૂબી તો એ હતી કે જ્યારે આ આખું પ્રકરણ બહાર આવ્યું ત્યારે ડોક્ટર પાસેથી પોલીસને આ ફોટોબેન્ક મળી, જેમાં હજાર, બે હજાર નહીં આઠ હજાર જેટલી મહિલાઓનાં ગુપ્તાંગની તસવીર, વીડિયો ક્લીપ મળી આવી. આ આખા મામલાથી ડઘાઈ ગયેલી મહિલાઓએ આ ડોક્ટર સામે કોર્ટે ચઢવાનું નક્કી કર્યું ને ડોક્ટરને કોર્ટમાં ઘસડી ગઈ.

કોર્ટમાં ચુકાદો તો આવે ત્યારે આવે, પણ આ ડોક્ટરની એટલી બેઇજ્જતી થઈ ચૂકી હતી કે ન તો એને કોઈ હોસ્પિટલ, ર્નિંસગહોમ સંઘરે એમ હતું કે ન એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની સ્થિતિમાં રહ્યો. કોર્ટે જ્યારે દંડ ફટકાર્યો તે ભરવા એ મેરીલેન્ડનો ડો. લિવાઈ જીવતો જ ન રહ્યો. એણે શરમથી આત્મહત્યા કરી લીધી. એક નિષ્ણાત ડોક્ટરનું આવું મોત! કારણ હતું મનોરુગ્ણતા. અને આ જ સત્ય છે.

વિદ્ધાન હોય કે અભણ, ગરીબ કે તવંગર, યુવાન કે વૃદ્ધ, ગમે તે ઉંમર, સ્ટેટસ, જાતિના લોકોમાં આ વિકૃતિ પનપી શકે છે.

એક નામાંકિત આધ્યાત્મિક ગુરુના જમણા હાથ લેખાતા ભાઈ

દિવસ-રાત પોતાની ર્ધાિમક ચેનલ લાઇવ હોય તેમ ચલાવે. જપ, તપ, ધર્મની ખાંડયા કરતા. સંયુક્ત, ભર્યોભાદર્યો પરિવાર. આ વડીલનો બોલ કોઈ પરિવારજન ન ઉથાપે તેવાં માનપાન. આખો દિવસ જપ, તપની વાત કરનારા આ વડીલની બીજી બાજુથી સૌ અજ્ઞાાત. આ વડીલની ચોરી પકડી પાડી સૌથી નાના ભાઈની કોલેજ જતી દીકરીએ. સવારે જ્યારે એ નહાવા જાય ત્યારે આ વડીલનાં કારનામાં શરૂ થાય. તેમણે પોતાના જૂની સ્ટાઇલના બંગલા જેવા ઘરમાં બાથરૂમના બારણા અને વેન્ટિલેશનમાં એવી કરામતો રખાવેલી કે વર્ષોવર્ષ સુધી આ વાતની કોઈને ખબર જ ન પડી. કોલેજ જતી દીકરી ચાલાક જેણે જૈફ વયના કાકાની કળાકારીગીરી પકડી પાડી, બાકી નાના ભાઈઓની વહુવારુઓ વર્ષોવર્ષ બિચ્ચારી આ ઘરડા વિકૃત વિધુર જેઠની સાપનજર હેઠળ સ્કેન થતી રહી અને તે પણ સાવ અજ્ઞાાનવશ જેઠને બાપને સ્થાને બેસાડીને…

આ પ્રકારના બનાવો ર્ગિભત ઇશારો કરે છે આપણી સમાજરચના અને મનોરુગ્ણતાના સીધા સંબંધ પર.

કોઈની પર આ પ્રકારની દૃષ્ટિ રાખવી કે કોઈ યુગલની પ્રણયચેષ્ટા ચોરીછૂપીથી નિહાળવી, આવી હરકત વોયુરીઝમ લેખાવાય છે. જરૂરી નથી કે માત્ર ઘરની આસપાસ,બહાર આ રીતના પિપીંગ ટોમનો સામનો સ્ત્રીએ કરવો પડે. તાજેતરમાં જ અખબારી અહેવાલ પ્રમાણે આનાથી વધુ ચોંકાવનારી વાત બહાર આવી કે શહેરના નામાંકિત મોલમાં એક જાણીતી ક્લોથચેઇન સ્ટોરના ટ્રાયલ રૂમમાં કોઈએ આવા સ્પાય કેમેરા એવી બખૂબીથી ફિટ કરી દીધા હતા કે, શોપિંગ માટે વસ્ત્રો ટ્રાયલ કરનાર મહિલાઓની વીડિયો ક્લિપ આપોઆપ ઊતરી જતી.

આ વાત અહીંથી અટકતી નથી બલકે શરૂ થાય છે. આ પ્રકારે ઊતરી જતી વીડિયો ક્લિપ પાછળથી સોશિયલ સાઇટ્સ અને વોટ્સ એપ જેવાં માધ્યમો પર ફરતી થઈ જાય છે અને આ માટેનું બજાર પણ ભારે મોટું છે. નવાઈ લાગે પણ વાસ્તવિકતા છે. એટલે સસ્તી હોટલો, રેસ્ટરૂમમાં આ પ્રકારના કી-આઈ કેમેરા શાવરમાં, ફ્લશ ટેન્કની પાછળ ફિટ કરેલા હોય છે.

અલબત્ત, હવે ટેક્નોલોજીની સમજ અને ઉપયોગ સાથે જાણકારી અને સજાગતા જે રીતે વિકસી છે તે પ્રમાણે આ વિશે ઝાઝી ગતાગમ ન હોય તેવી દલીલનો છેદ ઊડી જાય છે, છતાં ખૂબ મોટો વર્ગ મોટી ઉંમરની, ટેક્નોલોજીથી વિમુખ મહિલાઓનો છે જેને તેમની પોતાની સલામતીનાં ધોરણોની મહત્તા સમજાતી નથી. આ વર્ગે પણ હવે દુનિયામાં ચાલી રહેલા આ નવા દૂષણ અને તેના વ્યાપારમાં પોતે અજાણતાં કઈ રીતે ભોગ બની શકે છે તે જાણવા જેટલી સજ્જતા તો કેળવવી જ રહી.વોયુરીઝમની વૃત્તિ પોષવા માટે ભારે હિંમત જોઈએ, જે મોટાભાગના લોકોમાં હોતી નથી અને એટલે તે માટે ડિમાન્ડ સપ્લાયના ધોરણે ચાલતું માર્કેટ ભારે મોટું છે. સ્વાભાવિક છે એટલે પ્રલોભનો અને ચુકવણી પણ જબ્બર જ હોય.

એવું જ કંઈક થયું ચાળીસીમાં પહોંચેલી એક સીધીસાદી ગૃહિણી સાથે. અત્યંત સાધારણ, મધ્યમવર્ગીય આ ગૃહિણીની સ્નાન કરતી તસવીરો અને વીડિયો ક્લિપ વોટ્સ એપ પર, યુ ટયૂબ પર ફરતી થઈ ગઈ. બાવરાં બની ગયેલાં પતિ-પત્ની દોડયાં પોલીસ સ્ટેશને. ફરિયાદ નોંધાયા પછી જ્યારે કાર્યવાહી શરૂ થઈ ત્યારે પોલીસ કર્મચારીઓને ખ્યાલ આવ્યો કે આ ક્લિપ, તસવીરો તો દંપતીના પોતાના ઘરના બાથરૂમમાં જ ઊતરી છે, એટલે કે ગુનેગાર પણ કોઈ જાણભેદુ જ હોવાનો. પોલીસે આખો મામલો પામી જઈ ઘરના સભ્યોની પૂછપરછ આદરી. દાવમાં આવ્યો દંપતીનો દીકરો. કોલેજ જનારા દીકરાની સામે આંગળી શું ચીંધાઈ પેલી સ્ત્રીમાં રહેલી મા જાગી ઊઠી. એણે તો પોલીસ પર જ આક્ષેપો કર્યા કે પોલીસ પોતાની નિષ્ક્રિયતા છુપાવવા આમ ઘરના સભ્યોને કનડે છે, રંજાડે છે, પણ આખરે સત્ય સામે આવીને જ રહ્યું. પોલીસની રાતી આંખનો તાપ સહન ન કરી શકનાર દીકરાએ ગુનો કબૂલી લીધો કે માત્ર રૂ. ૧૫૦૦૦ માટે થઈ પોતે જ પોતાની સગી માની ક્લિપ ઉતારી વેચતો હતો. એટલું જ નહીં આ સગડ પરથી પોલીસે લવરમૂછિયા આવા ટેક્નોસેવીઓની ગેંગ પકડી પાડી, જે પોતાના જ ઘરમાં બહેન, ભાણી, ભત્રીજીની આવી ક્લિપ્સ ઉતારી વેચતા હતા.

દુનિયાભરમાં આ રીતનાં દૂષણોના રાફડા છે, પણ સાથે સાથે તેને હેન્ડલ કરવા કડક કાયદાકીય જોગવાઈઓ પણ છે. ઘણાં મુસ્લિમ દેશોમાં આવી ચેષ્ટા માટે બર્બર શિક્ષા છે. ભારતમાં પણ હવે જે રીતે ઇન્ટરનેટ માધ્યમનો વિકાસ થઈ રહ્યો છે તેની સાથે વધતા ઈ-ક્રાઇમને નાથવા નિયમનો, કાયદાની તાતી જરૂર વર્તાય છે. અલબત્ત, સાઇબર ક્રાઇમ માટે આપણે ત્યાં હજી જોઈએ એવા કડક કાયદા અને દંડ અમલી બન્યા નથી, પણ જો આવા કિસ્સાઓમાં પોલીસ અને વકીલ મહેનત કરી ગુનો પુરવાર કરે તો ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે સ્ત્રીની ગરિમાભંગ કરવા માટે ગુનેગાર સાબિત થનારને રૂ. એક લાખનો દંડ અને પાંચ વર્ષનો જેલવાસ નિશંકપણે થઈ શકે તેટલી જોગવાઈ તો છે.

મોટાભાગના આ પ્રકારના કેસમાં ઘરના ઘાતકીઓ જ શામેલ હોય છે એટલે આ કેસહિસ્ટ્રી કોર્ટનાં પગથિયાં ચઢવા પૂર્વે જ સંકેલાઈ જતી હોય છે. ખરેખર તો જરૂર છે એક ચિનગારીની જેનાથી પ્રગટનારી જ્વાળા ઘણો અંધકાર ચીરી નાખશે.

છેલ્લે છેલ્લે : બૂઝ રહે હૈં એક-એક કર કે અદીકત કે દીયે ઇસ અંધેરે કા ભી લેકિન સામના કરના તો હૈ.

– સાહિર લુધિયાનવી

published in Nari, Sandesh, Mann Woman dt 24th Aug 2014

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s