Mann Woman, WOW ( world of woman)

સાસુ એટલે સિંહણ, વહુ એટલે બકરી…

પ્રશ્ન એ છે કે વહુ જ માત્ર સ્ત્રી છે? સાસુ નથી? વહુ જ માત્ર ઓશિયાળી હોઈ શકે?
પ્રશ્ન એ છે કે વહુ જ માત્ર સ્ત્રી છે? સાસુ નથી? વહુ જ માત્ર ઓશિયાળી હોઈ શકે?

દાદા હો દીકરી વાગડમાં ન દેશો રે સહી વાગડની વઢિયારી સાસુ…લોકગીત હોય કે લોકકથા આપણી સમાજરચનામાં સાસુ હંમેશાં કજિયાળી જ હોય તેમ માની લેવાય છે.

સાસુ એટલે સિંહણ, વહુ એટલે બકરી… આ ન્યાય સ્ત્રી હિમાયતી સંસ્થાઓથી લઈ અખબારી આલમ, પોલીસતંત્ર, કાયદાના રખેવાળ કરતાં હોય છે. પ્રશ્ન એ છે કે ખરેખર તમામ કેસમાં આવી પરિસ્થિતિ હોય છે ખરી? આ વિષય પર ક્યારેય કોઈ વિચાર જ થયો નથી. વધતો જતો શિક્ષણનો વ્યાપ અને તે કારણે વધતી જતી આર્િથક, માનસિક અને ભાવાત્મક સ્વતંત્રતાએ ભારતીય સમાજરચનાના માળખામાં મૂળભૂત કહી શકાય તેવાં પરિવર્તન હવે દેખાય છે. એટલે જરૂરી છે સમાજનાં ધારાધોરણોને, બદલાતાં પરિવર્તનને ધ્યાનમાં લેતા બદલાવા તો જોઈએ સાથે કાયદા પણ.

આ વાત હજી માત્ર ચર્ચા બનીને જ રહી જાય છે. તે પાછળનું કારણ એ છે કે આ ઉછરી રહેલી સમસ્યાની ગંભીરતા હજી આપણને સમજાતી નથી.

એવો દાખલો હમણાં જ જાણવા મળ્યો. મુંબઈમાં પોશ એરિયામાં રહેતાં સન્મુખભાઈ ને કાલિન્દીબહેનનું મૂળ વતન તો ગુજરાત જ અને પાછલી ઉંમરમાં દેશમાં જાળવેલા ઘરમાં રહેવું તેવી તૈયારી પહેલેથી કરેલી. તેમનો દીકરો આનંદ એક માત્ર સંતાન. આનંદે એન્જિનિયરિંગમાં પણ ઘણી સ્પેશ્યિલાઇઝેશન ડિગ્રી મેળવી એટલે પોતાનું કાર્યફ્લક નાનું લાગવા માંડયું. સામાન્ય મા-બાપને જેમ થાય તેવો જ અભિગમ સન્મુખભાઈ ને કાલિન્દીબહેનનો. સારી છોકરી મળી જાય, લગ્ન થઈ જાય, ઘર વસી જાય એટલે આપણે છુટ્ટાં. પછી ભલે ને પરદેશમાં સેટલ થાય. ત્યાં સુધી તો ઇન્ડિયામાં રહેવું જોઈએ કે નહીં? મેરેજબ્યુરોમાં નામ નોંધાવાઈ ગયું. અઠવાડિયે ચાર છોકરી જોવાની એવરેજ.

બે-પાંચ, દસ છોકરી જોઈ ન જોઈ ને કિન્નરી ગમી ગઈ. કિન્નરી એમબીએ થયેલી. સારી ફર્મમાં જોબ. માસિક પગાર સારો કહેવાય તેવું. આમ તો બધું જ બરાબર પણ આનંદે કિન્નરીની એક વાત પર ઝાઝો વિચાર જ ન કરેલો. કિન્નરીએ કહેલું, અમે બે બહેનો જ છીએ એટલે મા-બાપને છોડી વિદેશ સેટલ થવાનું આવે તો મારી મરજી નથી, પણ આનંદે આ વાત પર કંઈ ધ્યાન આપ્યું નહીં.

લગ્નના વર્ષ સુધી બધું સમુંસૂતરું ચાલ્યું ને આનંદને દુબઈસ્થિત મલ્ટિનેશનલ કંપનીના પ્લાન્ટ માટે જોબ મળી. ઇન્ડિયા કરતાં ચાર ગણો પગાર. એથી વધુ પકર્સ ને બેનિફિટ્સ. સહુ રાજીના રેડ. ફટાકડો ત્યારે ફૂટયો જ્યારે કિન્નરીએ સાથે જવાની ના પાડી. સારી જોબ મળી તે વાત સાચી, પણ મારું પ્રમોશન પણ નક્કી છે, તો હું મારી ઊગતી કારકિર્દી શા માટે છોડું?

કિન્નરીની વાત એટલી ખોટી પણ નહોતી. કિન્નરીએ કહ્યું, હું મુંબઈ છોડી ક્યાંય નહીં જાઉં તે તો મેં પહેલાં જ કહ્યું હતુંને. વાત સમજાવટના તબક્કાથી હટીને હઠાગ્રહ પર આવી ગઈ. આનંદની મનામણીના સૂર હવે ધમકીના સૂર થઈ ગયા. વાત ત્રણ વર્ષની હતી છતાં કિન્નરી ટસની મસ ન થઈ.

આનંદે એકલા જ દુબઈ જવું પડયું. કિન્નરી સાસુ-સસરા સાથે રહેતી ત્યાં સુધી વાત ઠીક હતી, પણ આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડવાળી થઈ. કિન્નરી પોતાની ઓફિસમાં જ પરિણીત વ્યક્તિના સંપર્કમાં આવી. આનંદને પણ ત્યાં કંઈક સંધાન થઈ ગયું. હવે આનંદને ભારત પરત નથી આવવું. કિન્નરીને આનંદ સાથે નથી રહેવું અને આ બેઉના મહાભારતમાં કૂચો નીકળી રહ્યો છે સન્મુખભાઈ ને કાલિન્દીબહેનનો. એમને હવે આ ઘર વેચીને ગુજરાત જઈ રહેવું છે, પણ ઘર કોઈ હિસાબે વેચાય તે કિન્નરીને મંજૂર નથી.રોજની ઝીણી ઝીણી વાત છાશવારે હવે ભડકો થઈ જાય છે. કાલિન્દીબહેન પોતાના નસીબને કોસતાં રહે છે. કિન્નરી વધુ ને વધુ ઉદ્ધત અને સ્વાર્થી બનતી ચાલી છે અને વયોવૃદ્ધ થઈ રહેલાં સાસુ-સસરાને માનસિક ત્રાસ આપીને આનંદ પર બદલો લઈ લે છે.

જોવાની ખૂબી તો એ છે કે કાયદો કિન્નરીના પક્ષે છે. સન્મુખભાઈ પોતાનું ઘર પોતાનો પરસેવો પાડીને લીધું હતું તે ઘર વેચી શકવાના અધિકારી નથી. બાકી હોય તેમ કોઈ વકીલની સલાહથી કિન્નરીએ નોકરી છોડી હવે ઘરમાં પેઇંગ ગેસ્ટ રાખવાની બબાલ મચાવી છે. આ વિષે સન્મુખભાઈ ને કાલિન્દીબહેન કાયદાકીય મદદ માટે અહીં તહીં દોડે છે. પાછલી ઉંમરમાં આ દિવસો? પણ આવી પરિસ્થિતિ ઘણાં પ્રૌઢ માતા-પિતા ભોગવે છે.

સૌથી મોટું સાંત્વન તો એ છે કે સન્મુખભાઈ અને કાલિન્દીબહેન એકમેકની સાથે છે, પરંતુ બેમાંથી જો કોઈ એક જાય તો પછી એકલા પડી ગયેલાની તો માત્ર હાલત જ કલ્પી લેવાની.

સાસુ એટલે વાઘ ને વહુ એટલે બકરી એવું માની લેવાના દિવસો હવે વહી ગયા છે. પોતાના જ ઘરમાં બે ટંકના જમણ માટે ઓશિયાળાં બની જતાં ઘરડાં મા-બાપ સંસ્કૃતિ ને સંસ્કારની ડુગડુગી બજાવ્યા કરતાં લોકોના ઘરમાં પણ રહેતાં હોય બિલકુલ શક્ય છે. તેમાં પણ સ્ત્રીઓની હિતકારી માટે બનેલા કાયદાઓનો ગેરઉપયોગ અને છટકબારીઓ એવી તો વપરાય છે જાણે રણમેદાનમાં છોડાતાં બ્રહ્માસ્ત્ર.

એવી એક કલમ ૪૯૮ એ છે. એ વાત પણ સાચી કે કાયદાની બેધારી તલવાર જેવી ભૂમિકા માટે તૈયારી હોવી જોઈએ, પણ સામાન્યપણે લગ્નનાં સાત વર્ષ સુધી કાયદા પ્રમાણે ‘દહેજ માટે ત્રાસ’ના બહાના હેઠળ ફરિયાદનો મૂળ હેતુ સાસરિયાંઓને પરેશાન કરવાનો હોય છે. ઘણી વાર પોલીસ અધિકારીઓ પોતે આખી પરિસ્થિતિ પળવારમાં પામી જાય છે, છતાં તેમના હાથ પગ બંધાયેલા હોય છે ત્યારે સાસુ ૭૦ વર્ષની હોય કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, આર્થરાઇટીસથી પીડાતી હોય તોપણ થોડા કલાકો કે દિવસો માટે તેમને બરાબરનો પાઠ ભણાવી શકવાની ચાલ વહુ નામની સ્ત્રી રમે છે અને તે પણ કાયદાની કલમના જોેરે.

પ્રશ્ન એ છે કે વહુ જ માત્ર સ્ત્રી છે? સાસુ નથી? વહુ જ માત્ર ઓશિયાળી હોઈ શકે? પતિના ગુજરી જવાથી, આર્િથક રીતે દીકરા-વહુ પર નભતી મા ઓશિયાળી ન હોઈ શકે? અને જો હોય એવું માનવું પડે તો તેમના રક્ષણ માટે, સતામણી રોકવા કોઈ કાયદા નહીં?

છેલ્લા કેટલાય દાયકાથી આ સમસ્યા વકરી રહી છે, પણ સૌ પ્રથમ આશાનું કિરણ હવે દેખાઈ રહ્યું છે. તાજેતરમાં મેનકા ગાંધીએ અને મહિલા-બાળકલ્યાણ મંત્રાલયના અધિકારીઓ તરફથી સત્તાવાર રીતે જણાવાતું હતું કે દહેજવિરોધી કાનૂનના દુરુપયોગની ઘટનાઓ એટલી બધી વધી ગઈ છે કે હવે આ રીતે કાયદાનો ગેરઉપયોગ કરનાર લોકો જે અત્યાર સુધી દંડ કે શિક્ષા વિના છૂટી જતા હતા, તેમના માટે કડક સજા મળવી અમલી બનાવવાની વિચારણા કેન્દ્ર સરકાર કરી રહી છે.

જો આ વાત ખરેખર કાગળ કે ચર્ચા પર એક શો-પીસ બનીને ન રહી જાય તે જોવું જરૂરી છે.

વૃદ્ધાવસ્થા આમ પણ ભારે વસમી હોય છે. તેમાં તેને વધુ દુઃખદ બનાવતી પરિસ્થિતિ માટે દીકરા-વહુ કે દીકરી-જમાઈ જેવા ગુનેગારો માટે કડક શિક્ષાનો જોગ કરવાનો સમય પાકી ગયો છે.

છેલ્લે છેલ્લે : હર ઘડી ખુદ સે ઉલઝના હૈ મુકદ્દર મેરા,મૈં હી કશ્તી હૂં, મુઝી મેં હૈ સમંદર મેરા.- નીદા ફાઝલી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s