Mann Woman, WOW ( world of woman)

Be Happy !! Be negative !!

happiness
unchecked  positive thinking can be a cause  unhappiness 

ફોન આવ્યો, પરિચિતનો. વિના કોઈ ઔપચારિકતા પુછાયું, “આ ન્યૂઝ સાચા છે?” એ ન્યૂઝ એટલે ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ જેની પાછળ ‘હતું’ લગાડવું ન ગમે તેવી શખ્શિયત, તેમની ફાઇનલ એક્ઝિટના.

સાચા સમાચાર મોટે ભાગે સારા નથી હોતા તેવો વણકહ્યો શિરસ્તો તો રહ્યો જ છે. એવી જ કંઈક વાત અહીં પણ હતી. એવી વ્યક્તિ જે અન્યો માટે જીવવાનું બળ બને તે પોતે પલાયનવાદનો આવો માર્ગ અપનાવી શકે? જો તમે અનુભવ્યું હોય કે નોંધ્યું હોય તો આજકાલ રોજ સવારે એકમેકને મોટિવેશન મેસેજીસ મોકલવાનો શિરસ્તો વણલખ્યો નિયમ બની રહ્યો છે.

માનો યા ન માનો પણ મોટાભાગના લોકો સવારે આંખો ખોલી ‘કરાગ્રે વસતે’ બોલ્યા ન બોલ્યા ને પહેલું કામ મોબાઇલ હાથમાં લેવાનું કરે છે. એક રાતમાં શું ઇમ્પોર્ટન્ટ મેસેજીસ આવી પડવાના હોય? સવારના પહોરમાં તમારા ઇનબોક્સમાં ખડકાયેલા મેસેજીસ માત્ર ને માત્ર મોટિવેશનલ, પોઝિટિવ થિંકિંગના જ હશે તેની ખાતરી હોવા છતાં તે જોવા જ એ આજનો મંત્ર છે,હેપ્પીનેસ મંત્ર.

એ મંત્રનું રટણ માત્ર સવાર પૂરતું જ સીમિત નહીં. એ દોર દિનભર, રાત્રે, મધરાત સુધી ચાલ્યા જ કરે સતત, અવિરત. બી હેપ્પી, બી કૂલ, બી પોઝિટિવ, ટેક ઇટ ઇઝી, સ્માઇલ, ચિયર, પેપ- આ શબ્દો આખા દિવસમાં નહીં નહીં ને લગભગ પાંચસો વાર તમારા કાને, આંખે, મગજ પર અથડાતા હોય છે, તેનો ખ્યાલ છે?

સવાલ એ છે કે પ્લેસિબો ઇફેક્ટની જેમ આ બી હેપ્પી, બી કૂલ, બી પોઝિટિવના રટણ કરવાથી ખરેખર માણસ સુખી, સંતોષી, આંતરિક રીતે સભર, સમૃદ્ધ થઈ જાય છે?

એટલું જ નહીં પુસ્તકો મેનેજમેન્ટને લગતાં હોય કે સેલ્ફ ડેવલપમેન્ટનાં, આજકાલ ‘બી હેપ્પી’ નામનો ગુરુમંત્ર વાઇરસની જેમ ચીપકી રહ્યો છે.

છેલ્લાં ૧૦ વર્ષથી આ ‘બી હેપ્પી’ જુવાળની ગાડી ફિફ્થ ગિયરમાં ભલે દોડી હોય પણ હવે હાંફી રહી છે. હવે ફરી એક નવી ફિલોસોફી ક્ષિતિજ પર દૃશ્યમાન થઈ રહી છે જે બી હેપ્પી, બી નેગેટિવ.

નવાઈ લાગે તેવી વાત છેને? પણ આ થિયરી હળવેકથી પગપેસારો કરી રહી છે. જેનાં પગરણ વિદેશમાં થઈ ચૂક્યાં છે. હવે ધીરે રહીને આ ફિલોસોફીથી તમારાં ઇનબોક્સ છલકાવવાનાં છે તે વાત પણ નક્કી છે.

સુખી થવાનો મંત્ર નેગેટિવ થિંકિંગમાં કઈ રીતે હોઈ શકે તેવો પ્રશ્ન થાય તો ઉત્તર બહુ સહેલો છે. પોઝિટિવ થિંકિંગ શીખવનાર પુસ્તકો તમને ગમે તે શીખવતાં હોય, પણ આ જ પુસ્તકોના લેખકો હવે તેમની નવી થિયરી વેચવા કમર કસી રહ્યા છે. એ થિયરી છે સુખી થવા માટે વિચાર કરી લો કે એટલિસ્ટ શું? આખરે કંઈ જ કારગત ન નીવડે તો છેલ્લે થઈ શું શકે છે? જે સાઇકલ એથી બી તરફ જાય છે તેના પેડલ બીથી એ તરફ ચલાવવાની વાત.

જેમ કે કોઈક સ્વજનનું હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હોવું. એ વખતે સખત આશાવાદ સેવવાથી સ્વજન બચી જાય તેનો આનંદ જેવો તેવો ન જ હોય અને તેનો યશ મળે પોઝિટિવ થિંકિંગને, પરંતુ ધારો કે તમામ પોઝિટિવિટી એટલે કે માત્ર આશાવાદી વિચારો જ નહીં, દવા, દુઆ, બાધા-આખડી સાથેનાં પોઝિટિવ થિંકિંગ પછી જો એ સ્વજનને ગુમાવવાની ઘડી આવે ત્યારે પરિસ્થિતિની વિષમતા કલ્પી શકાય?

અહીં જરૂરી બને છે સરખામણી નેગેટિવ કે પછી વાસ્તવિક વિચારોથી પરિસ્થિતિનો સ્વીકાર આ ક્ષણને સહ્ય બનાવે? કે પછી આશાવાદનો ભ્રામક આશરો જ્યારે હવા હવા થઈ જાય તે પરિસ્થિતિ સહ્ય બને?

આશાવાદ એક એવી રમત છે જે માનવીય મગજને એક ભાગેડુવૃત્તિની બારી ખોલી આપે છે. જો એવું ન હોત તો છેલ્લા આશાવાદ એટલે કે, પોઝિટિવ થિંકિંગને લગતી ફિલોસોફી અને થિયરીઓનાં પુસ્તકોનું થોડા સમયમાં જે વિક્રમજનક વેચાણ થયું તે સંભવિત જ નથી.

બર્ને ‘સિક્રેટ’ નામનું પુસ્તક શું લખ્યું કે વિશ્વભરમાં પંકાઈ ગયું. જગતની લગભગ તમામ ભાષામાં અનુવાદ થયેલા પુસ્તકનું’સિક્રેટ’ શું? ચાવી જ છે પોઝિટિવ થિંકિંગની. ભારતમાં ઇંગ્લિશમાં ચાર લાખથી વધુ અને ભારતીય ભાષાઓમાં વેચાયેલા તેના આંકડા પ્રાપ્ત નથી તેવા આ સિક્રેટનું સિક્રેટ ગુજરાતીની જૂની કહેવતમાં છેઃ ‘કર વિચાર તે પામ’. બસ આ જ બીજમંત્ર પર ‘સિક્રેટ’ નામનું વટવૃક્ષ ઊગ્યું ને પાંગર્યું. સિક્રેટ, ધ મેજિક, બ્લિન્ક, હૂ મુવ્ડ માય ચીઝ જેવાં પુસ્તકોની હારમાળા ચાલી છે. પુસ્તકો પછી વારો આવે છે આ પ્રકારની ફિલોસોફી શીખવતા કોર્સના ક્લાસીસનો.

એ પછી આર્ટ ઓફ લિવિંગ હોય કે એસ્ટ કે પછી પાવર યોગા.

મન અશાંત છે? મગજ વ્યગ્ર છે? ભસ્ત્રિકા કરો, કપાલભાતિ કરો, સ્ટ્રેસ દૂર થઈ શકે, પણ સ્ટ્રેસની ઉત્પત્તિ વિશે મૂળમાં ઊંડા ઊતરવાની સલાહ કોઈ ‘બી પોઝિટિવ’વાળા જ્ઞાાનીઓ આપતા નથી. એમ શા માટે? એવો પ્રશ્ન પણ કરાય નહીં, કારણ કે કેમ?શા માટે? કેમ નહીં? એમ? એ તમામ શબ્દો નેેગેટિવ કેરેક્ટર ધરાવે છે, અલબત્ત, એવું આ વિષયના જ્ઞાાની લોકો માને છે.

ખરેખર તો હવે વાત થોડી સ્પષ્ટ થતી જાય છે. સવારના પહોરમાં એસએમએસ દ્વારા, ઈ-મેલ દ્વારા કે પછી ફેસબુકની વોલ પર,ટ્વિટ દ્વારા પોઝિટિવ થિંકિંગના મેસેજ આપનારા શક્ય છે બીજાને નહીં બલકે પોતાની જાતને જ આશ્વાસન આપતા હોઈ શકે.

એવા સંજોગોમાં પરિસ્થિતિ સામે બાંયો ચઢાવી જંગે ચઢવાના અટિટયૂડમાં થોડું પરિવર્તન લાવી તેનો સહજ રીતે સ્વીકાર કરવાની કલ્પના કેટલાં દુઃખ ને સમસ્યા હળવાં કરી શકે છે તે હવે આવી રહેલો નવો થિયરીફીવર કહેશે.

આજકાલ તમે ફેસબુક વોલ પર જાતજાતના પોઝિટિવ નેગેટિવ સંદેશાનું ફ્યુઝન જુઓ તો નવાઈ ન પામતા, કારણ કે આ આવતી કાલે આવી રહેલા ટ્રેન્ડનું ટ્રેલર છે.

અમારા એક કલ્યાણમિત્ર અમને હંમેશાં આ પોઝિટિવ, નેગેટિવ થિંકિંગના ઓવરડોઝથી દૂર રહેવાની સલાહ આપતાં કહે છે કે ખરેખર તો દરેક વ્યક્તિએ પોતાની સામે એક કાલ્પનિક બોર્ડ મૂકી રાખવું જોઈએ. જેના પર માત્ર બે વાક્ય લખાયાં હોય. એક, છેલ્લે થઈ શું શકે છે? એટલે મન તરત જ એ, બી, સી, ડી માર્ગ શોધવા માંડશે. જેમાંથી એક તો તમારો હાઇવે હશે જ અને ન પણ હોય તો શું? અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય, હેવન વોન્ટ ફોલ. એટલે કે જે થશે જોયું જશે, આકાશ નથી તૂટી પડવાનું. છેને નેેગેટિવ થિંકિંગમાં પોઝિટિવ વાત? કાળા વાદળની રૂપેરી કોર!

છેલ્લે છેલ્લે

ખુદા ઉસ ડૂબનેવાલે કી હિમ્મત કો જવાં રખ્ખે કિ સાહિલ કે કરીબ આકર જિસે સાહિલ નહીં મિલતા.                   – અદમ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s