Mann Woman, WOW ( world of woman)

રમન્તે તત્ર દેવતાઃ (મન-વુમન)

image

દીકરી ને ગાય દોરે ત્યાં જાય… દીકરી તો પારકી થાપણ કહેવાય… આવી બધી દકિયાનુસી વાતો સાંભળીને કદાચ સૌનો પ્રતિભાવ હશે, હોતું હશે? આ તો બધી ગઈગુજરી વાતો છે. હવે તો માત્ર મહાનગરોમાં જ નહીં, શહેરોમાં, કસ્બાઓમાં પણ માવતરને ભણતરનું મહત્ત્વ સુપેરે સમજાય છે અને એટલે જ કન્યા કેળવણી ને એ પછી મહિલાઓ આર્િથકપણે સ્વતંત્ર, પગભર ઊભી રહે છેને!

આવો ખ્યાલ તમારો, મારો, આપણો હોઈ શકે, પરંતુ આ ખ્યાલ બાંધીને તેને માન્યતારૂપે સ્વીકારી લેવા પૂર્વે એક નજર ભારતનાં ગામ અને જાતિઓના રીતિરિવાજ પર નાખવી ખૂબ જરૂરી બની જાય છે. દાખલો નજર સામેનો જ છે, બિહારનો અલબત્ત. બેગુસરાય નામના જિલ્લાના એક ગામની સરકારી સ્કૂલ. એ સ્કૂલમાં નાજિયા ખાતૂન નામની મહિલા શિક્ષિકા તરીકે ફરજ બજાવે. એવામાં આવી ૧૫ ઓગસ્ટ. ભારતનો સ્વાતંત્ર્ય દિન. એ દિવસે ભારતભરની કોઈ સ્કૂલ એવી ન હોય કે જ્યાં વિદ્યાર્થી અને શિક્ષકગણ દ્વારા ધ્વજવંદન ન થયું હોય. એવું જ ફંક્શન નાજિયાની સ્કૂલમાં હતું. નાજિયા શિક્ષિકા હોવાને નાતે એ ફંક્શનમાં ગઈ તો ખરી પણ પાછી આવી ત્યારે તેના પોલીસકર્મી પતિએ તેને ઘરની બહાર તગેડી મૂકી.

કારણ? ભારત સરકારના પગારદાર પોલીસકર્મીએ કહ્યું કે તેની પત્ની આવા ફિતૂરમાં ભાગ લે તે તેને જરાય પસંદ નથી. એણે આ માટે નાજિયાને પહેલેથી ના કહી હતી છતાં નાજિયા તેની આજ્ઞાાને એટલે કે પતિની આજ્ઞાા ઉલ્લંઘીને આ ધ્વજવંદનના કાર્યક્રમમાં શામેલ થઈ. આ વાત આમ તો એક નાની મિયાં-બીબીની તકરાર જેવી લાગે પણ અહીં વાતનાં ડાયમેન્શન અલગ છે.

નાજિયા પોતે શિક્ષિકા એટલે કે શિક્ષિત યુવતી. પોલીસકર્મી પતિ એટલે એ ભારત સરકારનો પગારદાર છતાં રાષ્ટ્રધ્વજને માન આપવાની વાત તેને ફિતૂર લાગે. પોતાના બચાવ માટે નાજિયાના પતિએ ઢાલ બનાવી દીધી શરિયતના કાયદાઓની. એણે લોકોને કહેવા માંડયું કે શરિયતમાં આવું કામ કરવાની મના છે. એટલું જ નહીં શરિયતમાં સ્ત્રી કામ કરવા જાય તે પણ બાધ છે.

પોતાનાં મનઘડંત અર્થઘટનો જાહેરમાં ઠાલવી આ મહાશયને એમ કે પોતે મિયાં, મૌલવી-મૌલાનાઓનાં દિલ જીતી જશે. એટલે પોતાની પત્નીની નોકરી જે છોડાવવી છે તે પણ છૂટી જશે, પણ બચ્ચારો નાજિયાપતિ ભેરવાઈ ગયો પોલીસ કાર્યવાહીમાં. આ માણસ સ્ત્રીએ કમાયેલા ધનને અપવિત્ર માનતો હતો પણ દહેજ લઈ આવવા રોજ દબાણ કરતો હતો. તેમના દસ વર્ષના લગ્નજીવન દરમિયાન પૈસાને માટે થતાં કંકાસને ટાળવા જ નાજિયાએ સરકારી સ્કૂલમાં નોકરી લેવી પડી હતી, પણ વાંધો ત્યાં જ પડતો હતો. એટલે કે જમાઇબાબુને સસરાનાં નાણાં પડાવવામાં કોઈ શેહ-શરમ નહોતાં નડતાં પણ પોતાની પત્ની બહાર કામકાજે નીકળે તેની શરમ આવતી હતી.

આ કોકડું વધુ ગૂંચવાય અને કોમી છમકલાંમાં પરિવર્તે તે પહેલાં જ સ્થાનિક મૌલવીઓએ વચ્ચે પડવું મુનાસીબ માન્યું. આખરે આ ધર્મગુરુઓએ જ કહેવું પડયું કે આ માણસ પોતાના પર્સનલ સ્કોર કરવા શરિયતનું નામ વાપરી રહે છે. એક યા અન્ય કારણસર તેને નાજિયાને ઘરની બહાર કાઢવી હતી ને દોડવું હતું ને ઢાળ મળ્યો. આખી વાર્તામાં ધર્મનું પરિબળ ઘુસાડો એટલે સાઠ ટકા લોકો આ મામલાથી અળગાં થઈ જાય.

આખરે હાલ તો મામલો ઠેકાણે પડયો છે. નાજિયાએ પતિની ધોરાજી ન ચાલવા દઈને પોતાની નોકરી ચાલુ રાખી છે અને મૌલવીઓએ પણ આવા કહેવાતાં ઉપજાવી કાઢેલાં ધર્મ ને કાયદાઓને રદિયો આપી દીધો છે.પરંતુ આખી આ વાત ભારતીય સમાજની ખરેખરી સ્થિતિ પર પ્રકાશ ફેંકવા પૂરતી છે. ભારતમાં ખરેખર કેળવણીનું મહત્ત્વ છે? અને કેળવણી લીધા પછી ખરેખર સ્ત્રીઓ આત્મનિર્ભર બની શકે છે.

આ કિસ્સો જ્યારે અખબારના પાને વાંચ્યો ત્યારે ગુજરાતના જ જાણીતાં અગ્રેસર કુટુંબની વાત યાદ આવી ગઈ. અતિશય શ્રીમંત, વગદાર સાસરિયાંમાં મુંબઈની સુખી, શિક્ષિત ઘરની કન્યા પરણીને પહોંચી. (એને આપણે અહીં અમી કહીશું) એણે વળી જાતજાતની ને ભાત ભાતની ડિગ્રીઓ લીધેલી. ઘણાં કોર્સીસ પણ કર્યા હતા. એને હતું જ કે શ્રીમંત સાસરિયું છે એટલે શીખવા માટે પણ નોકરી તો નહીં જ કરવા દે છતાં પોતે જ કંઈ શીખી છે તેનો ઉપયોગ થાય તેટલું કામ તો કરવું જ.

કન્યાનાં સાસુજી પોતે અતિશિક્ષિત. જાહેર સમાજજીવનમાં સક્રિય, એમની સૌ પ્રથમ પ્રતિક્રિયા આવી, ઘરમાં જ કામ કરોને, ઘરમાં જ સૌની સેવા કરોને…

“પણ મારું જ્ઞાાન કટાઈ જાય તેનું શું?” એવી દલીલને કોઈ અવકાશ જ નહીં. બધાંને હતું કે ધીમે ધીમે સમય વીતશે તેમ પરિસ્થિતિ થાળે પડતી જશે. સાસુની જડતા આપોઆપ ઓછી થઈ જશે પણ એવું કંઈ બન્યું નહીં. લગ્નનાં પાંચ વર્ષના સમયગાળામાં અમી બે સંતાનોની માતા બની ગઈ છે. હવે એ ધારે તો પણ બીજાં બે-પાંચ વર્ષ કારકિર્દી અંગે વિચારી શકે તેમ નથી. એટલે પૂરો એક દાયકો કોઈની જીદ, કોઈની હઠમાં કાઢી નાખવાનો. દસ વર્ષ પછી અમીએ શીખેલા જ્ઞાાનની કોઈ કિંમત નહીં હોય તે સ્વાભાવિક છે. પછી અમીએ ક્યાં તો નવેસરથી શ્રીગણેશ કરવા પડે કે પછી હાથમાં શોભતાં હીરાજડિત કંગનથી સંતોષ માની લેવો પડે અને આ બધું આપણી આજુબાજુમાં જ બને છે. જો કદાચ ધ્યાનથી અવલોકન કરશો તો તમને તમારા જ વૃંદમાં આવી બે-પાંચ અમીઓ તો મળી જ જશે તે પણ નક્કી અને આ દીકરીઓ માટે આપણે અભિમાનથી પોરસાતાં કહીએ છીએ કે ધારતે તો એ ક્યાંની ક્યાં પહોંચી શકતે પણ ના, એણે તો એના પરિવારને પહેલી પસંદગી આપી.

ખરેખર તો પ્રશ્ન એ થવો જોઈએ કે વડીલો તરીકે આમ પત્ની, વહુ, દીકરી, બહેનના ભવિષ્ય પર પથ્થર મૂકવાનો નૈતિક અધિકાર કોઈને હોઈ શકે ખરો?

થોડાં સમય પહેલાં જ થોડી ગુજરાતી ફિલ્મો જોવાનો યોગ બન્યો. એ ફિલ્મને જોતાં લાગે કે આ ગુજરાત હોઈ શકે ખરું? પણ, એ વાસ્તવિકતા પણ જાણવા મળી કે આજે પણ ગામડાંઓમાં ન્યાત, જાત, કુંડાળાં, ગોળનાં ચક્રો એવાં જડબેસલાક છે કે જેની કલ્પના શહેરીજન કરી ન શકે. બાકી હોય તેમ દીકરી ને ગાય દોરે ત્યાં જાય એવાં ગાયનો પણ ખરાં, ને જ્યાં એવાં ગાયન નહીં ત્યાં સ્ટોરીલાઇન એવી. પુત્રસંતતિ માટે ગુજારાતો ત્રાસ. બાળક ન થાય કે મોડું થાય તો માનસિક ત્રાસ. આ વાત માત્ર ગુજરાત કે રાજસ્થાનની નથી. હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહારમાં તો પરિસ્થિતિ અત્યંત કંગાળ છે.

સૌથી હાસ્યાસ્પદ વાત તો છે ભારતીય સમાજના દંભની. જે સ્ત્રીને દેવી માને છે. રમન્તે તત્ર દેવતાઃ જ્યાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દેવતા વસે છે તેવી બધી બાંગો અને એ જ સમાજ દીકરીઓને દૂધપીતી કરે છે.

નવરાત્રિના ઢોલ ઢબૂકવાની વેળા નજીક છે. દેવીપૂજાના મહિમાના ઢોલ પીટાશે પણ વાસ્તવિક જીવનમાં જીવંત દેવીઓને પૂજવાની વાત ન બને તે તો ઠીક પણ પીડવાનું તો બંધ કરો! આથી વધુ મોટી માતાની ભક્તિ શું હોઈ શકે?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s