Mann Woman, WOW ( world of woman)

તુમ્હારા ખૂન ખૂન , ઔર હમારા ખૂન પાની?

IMG_5549-0.JPG

આજકાલ ટીવી પર એક બહુ ઇન્ટરેસ્ટિંગ એડ આવે છે. લેડી બોસ પોતાના સબ ઓર્િડનેટને આદેશ આપે છે કે આ કામ ગમે તે ભોગે પૂરું થવું જ જોઈએ, કોઈ જો ને તોને સ્થાન નથી. આ જ બોસ કારમાંથી પોતાના પતિને ફોન પર પૂછે છે કે એ ડિનરમાં શું ખાશે? ઘરે આવીને બોસ સીધી કિચનમાં ઘૂસી રસોઈ કરે છે ને પછી ટેબલ સજાવી તેની વીડિયોક્લીપ પતિદેવને મોકલે છે કે આવો, ડિનર તૈયાર છે અને ત્યારે રહસ્ય પરથી પરદો ખૂલે છે કે બોસનો પેલો સબ ઓર્િડનેટ જ પતિદેવ છે જેને માટે પત્ની ઘરે ટેબલ સજાવી રાહ જુએ છે. ઓફિસમાં બોસ ખરી પણ ઘરમાં એ પત્ની છે. એડ તો બહુ સારી છે પણ વાસ્તવિકતાથી જોજનો દૂર. આ વિષે ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે, ખરેખર આટલો બદલાવ ઇન્ડિયન સોસાયટીમાં આવી ગયો છે? હા, શક્ય છે ક્યાંક એવી સ્થિતિ હોય પણ ખરી બાકી વાતમાં ઝાઝો દમ નથી. મહાનગરો અને મોટાં શહેરોમાં જ્યાં પતિ-પત્ની બંને નોકરી કે વ્યવસાય કરતાં હોય ત્યાં પણ આ સ્થિતિ નથી તો ગામ કે કસબાની વાત શું કરવી? પત્ની એટલે કે સેકન્ડક્લાસ સિટીઝન. આ લોજિક વર્ષોથી હતું અને છે. જો ત્યાં સુધી હોત તો તો વાત ઠીક છે પણ એથી વધીને છતી થાય છે એક જ ફિલ્ડમાં કામ કરનાર પતિ-પત્ની વચ્ચે છૂપી ઈર્ષા.

લગભગ ચાલીસ વર્ષ પહેલાં ઋષિકેશ મુખરજીની ફિલ્મ આવી હતી ‘અભિમાન’. અમિતાભ બચ્ચન ને જયા ભાદુરી બચ્ચન. એ ફિલ્મને કોઈ ભૂલી ન શક્યું હોય તે સ્વાભાવિક છે. પતિ-પત્ની અને તેમની વચ્ચે આવતા અહંની વાર્તા. મન પર કોતરાઈ જાય એવી અમીટ છાપ મૂકી જનાર ફિલ્મ માટે સંગીતજગત અને સંગીતપ્રેમીઓ જાણતાં હતા કે આ ફિલ્મ જાણીતા સિતારવાદક પંડિત રવિશંકર અને તેમનાં પત્ની અન્નપૂર્ણાદેવી પર આધારિત છે પણ ફિલ્મની વાર્તામાં હીરો-હિરોઈન સિતારવાદક નહોતાં બલકે ગાયક-ગાયિકા હતાં એટલે એવી વાતો પણ ચાલી હતી કે આ ફિલ્મની સ્ટોરી કિશોરકુમાર અને તેમનાં પત્ની રૂમાદેવી (અમિતકુમારનાં મા)પર આધારિત છે. આ અટકળ પાછળનું કારણ એટલું જ કે કિશોરકુમારનાં પત્ની રૂમાદેવી પોતે બંગાળનાં જાણીતાં ગાયિકા- અભિનેત્રી હતાં અને પતિ-પત્ની વચ્ચે અહંના ટકરાવ પછી ડિવોર્સ થયેલા.

જે લોકો પંડિત રવિશંકર કે કિશોરકુમારની આ અંતરંગ જિંદગીની વાત નહોતા જાણતા તેમના માટે સૌથી રસપ્રદ વાત એ હતી કે એવું મનાયું કે તે વખતે અમિતાભ ને જયા બંનેની જોડી હિટ હતી અને તેઓ લગ્ન કરવાનાં હતાં એટલે એમની મેરિડ લાઇફમાં આવું કંઈક બને તો? એવી કોઈ થિયરી છે, પણ આ બધાનો ફાયદો થયો ફિલ્મને, એ વાત યોગ્ય કે ફિલ્મ હતી જ સુંદર પણ ફિલ્મ સાથે જોડાયેલી આ બધી સ્ટોરીને કારણે ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ નીવડેલી. જોવાની ખૂબી એ હતી કે ફિલ્મ છેલ્લા તબક્કામાં હતી ત્યારે અમિતાભ જયા પોતાનાં

લગ્નમાં કોને આમંત્રવા તેની યાદી બનાવતાં હતાં. ૧૯૭૩ના જૂન મહિનામાં અમિતાભ-જયા લગ્નગ્રંથિથી જોડાયાં અને બીજે જ મહિને જુલાઈમાં આ ફિલ્મ રિલીઝ થઈ. ફિલ્મની સ્ટોરી જેવું દુઃખદ કંઈ ન બન્યું પણ અમિતાભ-જયા પરણ્યાં પછી જયા બચ્ચને હળવેકથી ક્ષેત્રસંન્યાસ લઈ લીધેલો. એનો અર્થ એવો થયો કે તે વખતે ઇન્ડિયન ઓડિયન્સ મેરિડ હિરોઈનને સ્વીકારે એટલું મેચ્યોર્ડ નહોતું પણ વાત સાવ એવી નહોતી. એક ઇન્ટરવ્યૂમાં જયાએ પોતે જ ઘરગૃહસ્થી અને બાળકો માટે પોતે આમ કર્યું એવું કહેલું.

વાત અમિતાભ-જયાની હોય કે સુનીલ દત્ત-નરગિસની કે પછી રિશી ને નીતુની, કહાણી સરખી છે. એક જ ફિલ્ડમાં કામ કરનાર પતિ-પત્નીમાં સામાન્ય રીતે બને છે તેવું જ. આજે ચાર છ દાયકા પછી આ પરિસ્થિતિમાં થોડો ફર્ક હશે પણ ખાસ નથી.

પંડિત રવિશંકર અને અન્નપૂર્ણાદેવી એટલે કે મૈયર ઘરાનાના સ્થાપક અલ્લાઉદ્દીન ખાનનાં પુત્રી રોશનઆરા ખાન જે લગ્ન પછી પતિ માટે ધર્મપરિવર્તન કરી હિન્દુ બનેલાં. તેમની કહાણી તો અતિશય દુઃખદ છે. જાણકારો માને છે અને દાયકાઓ પછી અન્નપૂર્ણા દેવીએ પોતાનું મૌન તોડયું ત્યારે ખબર પડી કે પંડિત રવિશંકરે પોતાનાથી વધુ પ્રતિભાશાળી પત્નીને અસુયાથી લાઇમલાઇટથી દૂર કરી દીધેલી તે પણ સફાઈપૂર્વક, ઇમોશનલ બ્લેકમેઇલ કરીને. આ તો થઈ એકાદ કિસ્સાની વાત, પરંતુ પતિ-પત્ની વચ્ચે ઈર્ષા શું કરી શકે તેના દાખલા તો આપણી નજર સામે છે. એવો જ દાખલો છે બેગમ અખ્તરનો. ગઝલની દુનિયામાં નામ મૂકી જનારાં બેગમ અખ્તર અખ્તરીબાઈ ફૈઝાબાદી તરીકે જાણીતાં હતાં ને પરણ્યાં લખનૌના એક બેરિસ્ટર ઇશ્તાક અહેમદ અન્સારી સાથે. બેરિસ્ટર સાહેબને પત્નીના ગાનાબજાના સામે વાંધો એટલે એમણે ઔરંગઝેબવાળી કરી. નિકાહ પછી અખ્તરીબાઈમાંથી બેગમ અખ્તર બનેલી ગાયિકાનું ગાન જ બંધ. જે ડૂમો તેમનાં દિલમાં ધરબાયેલો રહ્યો અને પરિણામ આવ્યું ગંભીર માંદગીરૂપે. એ પછી પતિને કૈંક ભૂલ સમજાઈ હશે કે જે હોય તે પણ મ્યુઝિક થેરાપી તરીકે ગાવાનું ચાલુ કર્યું ને પછી જે થયું એ રેકોર્ડેડ છે.

વાત માત્ર ફિલ્મ કે સંગીત ક્ષેત્રની નથી પણ આ ક્ષેત્ર એટલા પ્રકાશમાં છે કે આ વાત દેખીતી નજરે ચડયા વિના ન રહે, પરંતુ જો એક યાદી બનાવવી હોય આવા કિસ્સાઓની તો લાંબી યાદી બને, જેમાં માત્ર ટીવી, ફિલ્મ કે ગાયક-ગાયિકા જ નહીં બિઝનેસથી લઈ પત્રકારત્વથી રાજકારણ સુધી આ પગેરું જાય. ખાસ કરીને આ ટ્રેન્ડ ક્રિએટિવ ફિલ્ડમાં ભારે વ્યાપક છે.

તાજેતરમાં જ એક જાણીતાં ગાયિકાનું અવસાન થયું, ધોન્ડુબાઈ કુલકર્ણી એમનું નામ.તે એમની રાગની શુદ્ધતા અને તેજતર્રાર મિજાજ માટે જાણીતાં હતાં. એમના ઘરમાં બે જ જણ વસતાં એક એ પોતે ને બીજો એમનો તાનપુરો. રાગયોગિની તરીકે ઓળખાતાં આ ગાયિકા કહેતાં કે એક ઘરમાં બે માલિક ન રહી શકે, ક્યાં તો તમારી સંગીત પરત્વેની નિષ્ઠા વસે કે પછી પતિ પ્રત્યેની ફરજ. એવું બન્યું છે કે કેટલીય ગાયિકાઓએ લગ્ન પછી ગાવાને તિલાંજલિ આપવી પડી હોય. એક અતિ જાણીતી ક્લાસિકલ સિંગરે એક વાર કહેલું કે લગ્ન પછી મારે એક વિકલ્પ પસંદ કરવો પડયો : સંગીત કે સંતાન, બાકી હોય તેમ ઘરમાં બે વડીલો, એટલે લગ્ન પછી મારા સંતાન ઉપરાંત મારા ર્કાિડયોલોજિસ્ટ પતિના વાલીઓની પણ મા બની ગઈ. સંગીતની સાધના કરવી ને આ જવાબદારી હડસેલીને, એ ગુનાઈત લાગણી કરાવતી એટલે સંગીત પર પૂર્ણવિરામ મૂક્યું પણ હવે ફરી શરૂઆત કરવી છે.

વાત આમ તો ખરેખર સરાહનીય લાગે પણ આ તો સોહરાબ મોદીના ઐતિહાસિક ડાયલોગ જેવી વાત તુમ્હારા ખૂન ખૂન, હમારા ખૂન પાનીવાળી વાત થઈ. પતિની કારકિર્દી, કારકિર્દી ને પત્નીની કરિયર કંઈ નહીં?

આખી પરિસ્થિતિને સાપેક્ષ નજરથી જોઈએ તો મૂળમાં તો એક જ વાત નજરે ચડે છે કે જ્યારે પતિ-પત્ની બંને એક જ ક્ષેત્રે કામ કરતાં હોય ત્યારે જાણેઅજાણે જ પરિસ્થિતિ નાજુક દોરમાં પ્રવેશી જાય છે. જાણે ફાસ્ટ ટ્રેક પર દોડતી બે રેસિંગ કાર, એટલે સમજૂતી, સમજણ, ડહાપણ, મોટપણ, સંસ્કારને નામે સ્ત્રીએ જ પોતાની કારની લાઇટ ડીમ કરી સ્પીડ ઘટાડી દેવી પડે છે. આ તો ક્યાંનો ન્યાય છે? પણ છે…તો જ લગ્ન નામનું વહાણ ખરાબે ચડતાં અટકે બાકી તો પછી અભિમાનની સ્ટોરી છે જ, પણ હા, ખાધું પીધું ને રાજ કર્યું એવા ફિલ્મી હેપી એન્ડવાળી નહીં.

છેલ્લે છેલ્લે : ઇતિહાસમાં જ્યાં જ્યાં ક્રેડિટ અનામી કહી અપાઈ છે તેની સર્જક સ્ત્રી જ હોવાની.

– ર્વિજનિયા વુલ્ફ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s