mann mogra, Mann Woman

Go back to your roots

વાત માત્ર થોડા બદલાવની છે. માત્ર પોતાનાં મૂળ સુધી પહોંચવાની તો ખરી જ, પણ સાથે સાથે જૂનાં રીતિ, રસમ, નિયમોને અપનાવવાની પણ ખરી. ખરેખર તો માત્ર હંસવૃત્તિ કેળવાની છે, સારો મોતીચારો વીણવાની, તે પણ સુખી, સ્વસ્થ, આનંદી, તંદુરસ્ત જીવન માટે. કોઈ માટે નહીં પોતાને માટે, પોતાના પરિવાર અને સમાજ માટે...
વાત માત્ર થોડા બદલાવની છે. માત્ર પોતાનાં મૂળ સુધી પહોંચવાની તો ખરી જ, પણ સાથે સાથે જૂનાં રીતિ, રસમ, નિયમોને અપનાવવાની પણ ખરી. ખરેખર તો માત્ર હંસવૃત્તિ કેળવાની છે, સારો મોતીચારો વીણવાની, તે પણ સુખી, સ્વસ્થ, આનંદી, તંદુરસ્ત જીવન માટે. કોઈ માટે નહીં પોતાને માટે, પોતાના પરિવાર અને સમાજ માટે…

દિવાળીના સપરમા દિવસોમાં વળી ક્યાં ડાયટિંગ થાય? ક્યાં બધું સચવાય? મોટા દિવસો રોજ રોજ થોડા આવે? એ દરમિયાન તો ચાલે!

આ પ્રકારના સંવાદો જો દિવાળીના દિવસો દરમિયાન કાને ન પડયા તો માનો કે તમે ઇન્ડિયામાં છો જ નહીં. ડાયાબિટીસ હોય કે બ્લડપ્રેશર, દિવાળીના દિવસો દરમિયાન થાપડા, મઠિયાં, ઘૂઘરા, ચોળાફળી કે પછી મીઠાઈ પર હાથ ન જમાવ્યો તો એ બધાને ખોટું ન લાગે? અને કદાચ એટલે જ દિવાળીમાં વેકેશન ગાળીને આવેલા ડોક્ટરોને મરવાની ફુરસદ હોતી નથી.

હાર્ટ પ્રોબ્લેમ કે ડાયાબિટીસ જેવો વૈભવશાળી રાજરોગ તો સુખી લોકોને જ વરે, આવી બધી મજાકની પણ એક હદ હોય છે. હજી પાંચ દાયકા પહેલાં આ રીતે હૃદય ફસકી પડવાના બનાવ નહોતા સંભળાતા. ડાયાબિટીસ ટાઇપ ટુનું નામ સુધ્ધાં અપરિચિત હતું. થાઇરોઇડ પ્રોબ્લેમ, બી ૧૨ની, ડી ૩ની ઊણપ ને તેના પરિણામે થતાં મેડિકલ ઇશ્યૂઝ.

અચાનક જ છેલ્લા બે-ત્રણ દાયકામાં આ બધા રોગ ક્યાંથી ફૂટી નીકળ્યા એવો પ્રશ્ન થાય તો ઉત્તર હાથવગો જ છે, તેમની વ્યાખ્યામાં. આ બધા રોગ લાઇફસ્ટાઇલ ડિસીઝની શ્રેણીમાં આવે છે. એટલે કે પોતે પોતાની અવ્યવસ્થિત, ટાઇમ ટેબલ વિનાની, બેફામ, તાણયુક્ત જીવનશૈલીથી નોતરેલી વ્યાધિ-ઉપાધિ એ આ તમામનું મૂળ કારણ.

એવું નથી કે આટલી સરળ વાત આપણે જાણતાં નથી પણ માનતાં પણ નથી. આજકાલ મોટાભાગની મેડિકલ જર્નલ એક જ વાત ગાઈવગાડીને કહે છે અને તે છેઃ ઇટ રાઇટ, ફીલ રાઇટ. એટલે કે સારું, આરોગ્યપ્રદ ખાવ અને એવા જ તંદુરસ્ત રહો. ટૂંકમાં, કહેવું હોય તો જે આપણાં વડીલો કહેતાં ‘અન્ન એવો ઓડકાર’ તેવી જ વાત. પણ આપણી પારંપરિક રહેણીકરણીમાં બીજી અનેક મહત્ત્વની વાત સામેલ હતી અને તે એ કે હંમેશાં કમ ખાવ, સાત્ત્વિક ખાવ, વિરુદ્ધ આહાર ન ખાવ. આ સૂત્રો હવે પશ્ચિમી જગતમાં લેટેસ્ટ સંશોધન તરીકે કોન્ફરન્સોમાં રજૂ થાય છે પછી એનાં ઢોલ નગારાં આપણે સાંભળીયે ને માનીએ છીએ. આજકાલ વિશ્વભરમાં પ્રિવેન્ટિવ મેડિસિન ક્ષેત્રે જેટલું રિસર્ચ થાય છે તે જાણીએ ત્યારે થાય, લે આ તો આપણા ધર્મ અને તહેવારોના એક ભાગરૂપ વાત છે. ઉદાહરણ આપવું હોય તો પ્રિવેન્ટિવ મેડિસિન માટે થોડા પ્રશ્ન ફિક્સ છે, જે પેશન્ટે પોતાની જાત સાથે સંવાદ કરી પૂરી પ્રામાણિકતાથી આપવાના હોય છે. આ પ્રશ્નો છેઃ

૧. તમારો આહાર શું? તે માટે કોઈ ટાઇમ ટેબલ ખરું?

૨. કોઈ સ્ટ્રેસ ખરો? હોય તો તેનું કારણ અને તેનો સામનો કઈ રીતે કરો છો?

૩. દિવસના કેટલા કલાક, શું શારીરિક વ્યાયામ કરો છો?

૪. પરિવારને કેટલો સમય આપો છો?

આ ચાર પ્રશ્ન સહુએ પોતાની જાતને પૂછવા જરૂરી એટલે છે કે આ તમારી લાઇફસ્ટાઇલને મૂલવી તમારા વ્યાધિનું કારણ દર્શાવી શકે છે અને જો કોઈ વ્યાધિ હોય જ નહીં તો ભવિષ્યમાં શું થઈ શકે તેની આગાહી કરી શકે.

ધારો કે આહારની યાદી બનાવવા બેસો ત્યારે મોઢામાં શું જાય છે તેની યાદી બનતી હશે ત્યારે જ એલાર્મ શરૂ થઈ જશે. જેમ કે તેલ, મરચાં, મલાસાથી લથબથ વાનગીઓ કે પછી ચીઝ ને બટર, મેંદો. એક પછી એક એવી આઇટમ દેખાશે જેને જોઈ મોઢામાં પાણી તો છૂટે પણ એ જ વાનગી પેટમાં પહોંચે પછી લિવરને કામ કરાવી કરાવી મંદ પાડી દેતી હોય. એ પણ પછી કોઈ નિયત સમયે નહીં, મનમાં આવે ત્યારે, અધરાતે મધરાતે કે પછી સાંજના જમણના સમયે આચરકુચર ને રાત્રે ઊંઘવાના સમયની ૩૦ મિનિટ પહેલાં જમણ. એમાં પણ ભારતીય પ્રજા ચટાકેદાર આહારની શોખીન છે. બજારું વાનગીઓ, હોટલની સ્પેશિયાલિટીઓને તો ન્યાય આપવો જ પડે. વિદેશી વાનગીઓ કે ફાસ્ટ ફૂડ ન ખાઈએ તો પછાતમાં ખપી જવાય એવી પણ કંઈક માન્યતા ખરી. હકીકતે હવે વિદેશમાં ઇટ હેલ્ધી મંત્રનો પવન ફૂંકાયો છે, કદાચ એ નજીવા સમયમાં જ આપણે ત્યાં અનુકરણરૂપે આવશે, પણ ત્યાં સુધી નુકસાન પારાવાર થઈ ચૂક્યું હશે.

આ પછી વાત આવે સ્ટ્રેસની, ખરેખર તો સ્ટ્રેસ મેનેજમેન્ટના વર્ગ કેમ નથી ચાલતા એ જ મોટો પ્રશ્ન છે, અન્યથા દિવસે ન વધે તેટલા રાત્રે વધે એવો વૃદ્ધિદર બતાડે. ત્રીજું છે વ્યાયામનું પરિબળ, જેમાં હવે ખાસ્સી સભાનતા જોવા મળે છે ખરી અને ચોથું મહત્ત્વનું પરિબળ છે પરિવાર, જ્યાં તમારી ખેવના થાય અને તમે અન્યોની કરો એવું મજબૂત વાતાવરણ. આ ચાર સૂત્રોને એક તાંતણે બાંધવાં હોય તો એક જ લાઇનમાં કહી શકાયઃ

ગો બેક ટુ યોર રૂટ્સ. એ કઈ રીતે એવો પ્રશ્ન થતો હોય તો ઉત્તર છે આપણાં શાસ્ત્ર અને ધર્મરૂપે વણાયેલા રીતરિવાજોમાં. ભારતીય કહેવતોમાં પણ આ શિખામણ કહેવત સ્વરૂપે સમાયેલી છે. જેમ કે આંખે ત્રિફળા, દાંતે લૂણ, પેટ ન ભરીયે ચારે ખૂણ. અન્ન પરાયું હોય, પેટ તો આપણું પોતાનું હોય ને, એની પર અત્યાચાર ન થાય. જૈન ધર્મમાં આ વાતને તપ સાથે જોડી તેને ર્ધાિમક સ્વરૂપ અપાયું છે. એ વ્રત એટલે ઉણોદરી, ભૂખ લાગી હોય તેના કરતાં ત્રીજા ભાગનું ખાવું, પેટને ખાલી રાખવું. જેની પાછળનો ઉદ્દેશ એકમાત્ર સારા પાચન માટેનો જ છે. આ વાતને શ્રમ સાથે જોડવાનું કારણ એટલું જ કે જે કામ સામાન્ય સલાહ ન કરી શકે એ કામ કદાચ ધર્મને નામે સહેલાઈથી થઈ જાય.

એ જ રીતે સાત્ત્વિક ખાણીપીણી માટે કહેવત છેઃ ‘દૂધે વાળુ જે કરે અને નરણા હરડે ખાય, ઓકારી જે દાતણ કરે તેને ઘર વૈદ ન જાય.’

કયા સમયે કયો આહાર લેવો એ શાસ્ત્ર કહેવતરૂપે જળવાયું છે. ફરી એક ર્ધાિમક વાત જૈનોના ચોવિહારની, સૂર્યાસ્ત પહેલાં જમણ. કેટલાંયને થશે કે આવી ભાગદોડની જિંદગીમાં આવી ધર્મને નામે દકિયાનૂસી વાત, પણ તાજેતરમાં જ દુનિયાભરના ગેસ્ટ્રોલોજિસ્ટ એક નિષ્કર્ષ પર આવ્યા છે કે સાંજના ભોજન અને રાતની નિદ્રા વચ્ચે ઓછામાં ઓછો ૬ કલાકનો ગેપ જરૂરી બને છે. આમ જોવા જાવ તો જૈન ધર્મની વાત એકદમ સાયન્ટિફિક અને હા, કદી પશુ-પંખીને પણ સાંજના અંધારું થાય પછી ખાતાં જોયાં છે? આ તો માત્ર માણસજાત જ એક નમૂનો છે જે સૂર્યાસ્ત પછી પણ પોતાની જ્યાફતો ચાલુ રાખે છે. હવે ઘણાં કહેવાવાળા કહેશે કે સૂર્યાસ્ત પહેલાં જમવું શક્ય જ ક્યાં હોય છે? વાત થોડે અંશે સાચી પણ ખરી, છતાં મોડી રાત્રે નિશાચરની જેમ ભક્ષણ કરવાને બદલે સાંજે સાત્ત્વિક આહારને ન્યાય ચોક્કસ આપી શકાય. દાબીને કે ભરપેટ જમ્યા પછી સીધા પથારીભેગા થવાની ટેવ એટલે હાર્ટ પ્રોબ્લેમને રેડ કાર્પેટ પાથરીને આમંત્રણ.

વાત માત્ર થોડા બદલાવની છે. માત્ર પોતાનાં મૂળ સુધી પહોંચવાની તો ખરી જ, પણ સાથે સાથે જૂનાં રીતિ, રસમ, નિયમોને અપનાવવાની પણ ખરી. ખરેખર તો માત્ર હંસવૃત્તિ કેળવાની છે, સારો મોતીચારો વીણવાની, તે પણ સુખી, સ્વસ્થ, આનંદી, તંદુરસ્ત જીવન માટે. કોઈ માટે નહીં પોતાને માટે, પોતાના પરિવાર અને સમાજ માટે…

નવા વિક્રમ સંવતમાં સાજાં નરવાં રહેવા માટે પ્રયત્ન તો કરવો રહ્યોને!

છેલ્લે છેલ્લ : સવારે ઊઠો એક નિષ્ઠા સાથે, રાત્રે પથારીભેગા થાવ સંતોષ જોડે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s