Mann Woman

સબ રોગ કી એક દવા

Learn to smile :)
Learn to smile 🙂

છેલ્લા થોડા સમયથી સવારના પહોરમાં કોઈ ગાર્ડન કે ક્લબની લોન પાસેથી પસાર થવાનો અવસર ઊભો થયો છે? જો થયો હોય તો એક વાત અનુભવી હશે, ખડખડાટ હાસ્યનો અવાજ કાને અથડાયા વિના નહીં રહ્યો હોય.

નાના હોઈએ ત્યારે એવી નાની, બાલિશ વાતો પર કલાકો સુધી હસવું આવે તેવો અનુભવ સૌએ કર્યો જ હશે. મૂર્ખતાભર્યા જોક્સ, ગલી-પચી, મિત્ર સાથે થયેલી કોઈ હરકત જેમાં એને ભલે પરેશાની થઈ હોય પણ જોનારાને હસવું આવ્યું હોય જે પૈકી તમે પણ એક હો અને આ જ બધી નાની-મોટી વાત અચાનક મૂર્ખતાભરી, અર્થહીન, બેકાર લાગવા માંડે. નાના હોઈએ ત્યારે જે ફિલ્મો જોઈને પેટ પકડી પકડીને હસ્યા હોઈએ તે જ ફિલ્મો મૂર્ખતાભરી, કંટાળાજનક લાગવા માંડે.

હા, એ વાત સાચી કે ઉંમર વધવા સાથે માણસના મગજનો બૌદ્ધિક વિકાસ થાય. બાળસહજ હરકત સહેજે વિસરાતી જાય, પરંતુ માત્ર એ વૃત્તિ જ નહીં બલકે નિર્દોષતા અને આનંદનો જ્યારે સોથ નીકળી જાય ત્યારે સૌથી પહેલો ભોગ લેવાય હાસ્ય અને સ્મિતનો.

આપણે દિવસમાં કેટલી વાર કોઈ સામે સ્મિત કર્યું ? કેટલી વાર હસ્યા? કેટલી વાર ખડખડાટ હસ્યા? એ વાતનો હિસાબ માત્ર બે મહિના રાખીએ તો આપણને આપણાં ગમગીની, કંટાળા, અરુચિ અને અકારણ કોઈના ઉપર આવતા ક્રોધ અને રોષનું કારણ મળી જાય.

આ વાત આમ તો બહુ સીધીસાદી છે, પરંતુ વિશ્વભરમાં તંદુરસ્તી બરકરાર રાખવા માટે થતાં સંશોધનોમાં અગ્રીમ સ્થાને છે.

હાસ્ય અને મનદુરસ્તી, મનની તંદુરસ્તીને શું સીધો સંબંધ છે તેની પર રિસર્ચ વર્ષોથી ચાલતું હતું, પરંતુ સૌથી જાણીતી અને મેડિકલ જર્નલમાં પ્રગટ થયેલી વાતો પ્રમાણે ૧૯૮૦માં ડો. લી બર્ક અને ડો. વિલિયમ ક્રાયના પ્રયોગને લેખાવાય છે.

૧૯૮૦માં આ બંને પ્રખ્યાત સાઇકિયાટ્રિસ્ટે પોતપોતાના દર્દીઓ પર એક પ્રયોગ કર્યો. એમાં તેઓ માત્ર એક કલાક કોમેડી શોઝ કે ફિલ્મ બતાવતા. એક જ મહિનાના અંતે તેમને પરિણામ આવતું જણાયું. જે દર્દીઓએ ૪૫થી ૬૦ મિનિટ આ કોમેડી શો, ફિલ્મ જોયાં હતાં અને મનથી હસ્યા હતા તેમના આરોગ્યમાં દેખીતો ફરક હતો. તેમના લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત હતું, બ્લડપ્રેશરની સમસ્યા ઓછી થઈ હતી અને ર્નોિફન, નોરએડ્રેલીન, ટ્રાયમોફેન, નોરએપીનેફિન જેવા હોર્મોન્સનું પ્રમાણ વધ્યું હતું. જેને પરિણામે શારીરિક, માનસિક, ભાવાત્મક અવસ્થામાં ફરક પડયો હતો અને એટલું જ નહીં, આ તમામના પરિણામે હાર્ટએટેક આવવાની શક્યતા ઓછી થઈ હતી અને ડિપ્રેશનના ઉથલા પણ ઓછા થયા હતા.

જો કે આ રિસર્ચ પણ નવીનવાઈનું નહોતું. ૧૯૬૪ની સાલમાં સૌ પ્રથમ હાસ્ય પર સંશોધન થયેલું અને તેના વૈજ્ઞાાનિક અભ્યાસને ‘જિલેટોલોજી’ નામ અપાયેલું. આ શબ્દ ગ્રીક શબ્દ ‘જિલો’ પરથી ઉદ્ભવ્યો છે. ‘જિલો’ એટલે હાસ્ય. જે પ્રક્રિયાથી મનને આનંદ મળે તે જિલો. એટલે એ જ નામ પરથી એક આઇસક્રીમ બ્રાન્ડ પણ અસ્તિત્વમાં આવી છે. સુગરને મનના આનંદ જોડે સીધો સંબંધ છે તે તો જાહેર વાત છે, પરંતુ મૂળ વાત છે સન ૧૯૮૦ પછી શરૂ થયેલાં હાસ્ય પરનાં સંશોધનોની.

ડો. લી બર્કે જે પ્રયોગો કર્યા તે પછી દુનિયાભરમાં એક યા બીજી રીતે તે જ દિશામાં પ્રયત્ન થતાં રહ્યા છે, જેનું પરિણામ તો સરખું જ છે કે માત્ર વીસ મિનિટ પણ હસવાનો કાર્યક્રમ રાખો (એટલે કે કોમેડી શો જુઓ, સારી રમૂજી કોલમ કે પુસ્તક વાંચો કે પછી લાફ્ટર ક્લબમાં જઈ હો-હો કરીને હસો). તો ત્રણ મિનિટ જેટલો વ્યાયામ ટ્રેડ મિલ પર કર્યો હોય કે પછી ર્કાિડયો કર્યો હોય તેવું પરિણામ મળે છે.

આ વાત પહેલાં તો થોડી ટાઢા પહોરનાં ગપ્પાં જેવી લાગે પણ જ્યારે કોઈ સમાજની માનીતી, નામાંકિત વ્યક્તિ આ વાત પર મંજૂરીની મહોર મારે તો અચાનક જ એ મહત્ત્વની, સાચુકલી બની જાય છે.

અમેરિકાના અતિ વિખ્યાત લેખક, પત્રકાર, વિવેચક, પ્રવચનકાર અને સંશોધક એવા નોર્મન કઝીન્સે આ વાતને પ્રકાશમાં લાવતાં પોતાના અનુભવો શું લખ્યા કે અચાનક જ વિશ્વવ્યાપી સ્વીકૃતિ મળી ગઈ.

નોર્મન કઝીન્સ જ્યારે અમેરિકાના પ્રખ્યાત મેગેઝિન સેટર ડે રિવ્યૂના એડિટર હતા ત્યારે તેમની ડોક રહી ગઈ હતી. અમેરિકામાં ડોક રહી જાય ત્યારે વેલણ ફેરવવા જેવી ક્રિયા હાસ્યાસ્પદ પ્રયત્નમાં ગણના પામે છે, પણ નોર્મન કઝીન્સે લખ્યું કે હાસ્ય દ્વારા તેમને આ ડોકની પીડામાં આરામ તો જરૂર મળ્યો હતો. એ પછી થોડાં વર્ષ પછી તેમને હ્ય્દયરોગની તકલીફ થઈ ત્યારે તેમણે ફરી ‘લાફટર યોગ’નું જ શરણ લીધું હતું અને એટલું જ નહીં તેમનું તો માનવું એવું પણ હતું કે કેન્સર પણ લાફ્ટર થેરાપીથી મટાડી શકાય છે. અલબત્ત, આ તેમના પોતાના અનુભવ આધારિત મંતવ્ય છે, પરંતુ તે ઉપર આધારિત તેમનાં ત્રણ પુસ્તકો ‘એનેટોમી ઓફ ઇલનેસ’ હિલીંગ હાર્ટ અને હેડ ફર્સ્ટ-બાયોલોજી ઓફ હોપ’ દસ દસ વર્ષ સુધી બેસ્ટ સેલર રહ્યાં. આ પુસ્તકો એકમાત્ર વાત પર ભાર મૂકે છે અને તે છે બી પોઝિટિવ. હસતાં હસતાં મુશ્કેલીઓનો સામનો કરશો તો મુશ્કેલી મુશ્કેલીમાં મુકાઈ જશે અને ભાગી જશે.

આ જ થિયરી પર ઘણાં સંશોધનો થયાં છે. ૨૦૧૧માં ઓક્સફર્ડ યુનિર્વિસટીમાં થયેલા અભ્યાસ પ્રમાણે રોજ માત્ર અડધો કલાક હસો તો પણ તમારી દુઃખ સહન કરવાની શક્તિ દસ ગણી વધી જાય છે.

હાસ્ય બે રીતે કામ કરે છે, ભલે એ સ્વાભાવિક હોય કે પ્રયત્નથી કરેલું કૃત્રિમ પણ એ કામ કરે છે, ફીલ ગૂડ હોર્મોન્સ પેદા કરે છે.

આ વાત કદાચ આપણે ત્યાં બહુ વર્ષોથી માની લેવાઈ છે, જેને કારણે મોટાં શહેરોમાં લાફ્ટર ક્લબ અસ્તિત્વમાં આવી. હવે પશ્ચિમી વિશ્વમાં જ્યાં લાફ્ટર ક્લબને માત્ર ભૂત મનાતી હતી તેને સ્વીકૃતિ હળવે હળવે પણ મળી રહી છે.

આ જ વર્ષે યુનાઇટેડ કિંગડમમાં લાફ્ટર નેટવર્કની શરૂઆત થઈ અને તેનાં પરિણામોની નોંધ મીડિયાએ લેવા માંડી. તેની કોઈ આડઅસર તો હતી નહીં, બલકે જોવામાં એ આવ્યું કે હસવાને કારણે ઘણાં લોકોને માનસિક વ્યાધિ જેવી કે, ડિપ્રેશન અને શારીરિક ઉપાધિ જેવી કે હૃદયરોગ, તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. હા, તેમની તબીબી સારવાર તદ્દન છૂટી નથી ગઈ, પરંતુ તદ્દન નિરાશ એવા લોકોને જિંદગી જીવવા જેવી લાગે તે પણ આ દિશામાં પ્રગતિનું ચિહ્ન લેખાયને!

જ્યારે આ થિયરીઓને માન્યતા મળી જ રહી છે ત્યારે હાસ્યથી ખરેખર શું ફાયદા થતાં હશે તેવું જાણવાનું મન તો જરૂર થાય અને તે પણ પ્રયોગમાં આચરણમાં મૂકીને.

કહેવાય છેને કે વિના પૈસા ખર્ચે મળતી સલાહ કે દવાની કિંમત નથી હોતી તે જ લોજિક અહીં પણ લાગુ પડે છે.

યાદશક્તિ વધે, એકાગ્રતા વધે, ડિપ્રેશન દૂર થાય, સ્ટ્રેસ હોર્મોન ઘટે, સ્નાયુ રિલેક્સ થાય, શ્વાસોશ્વાસની શક્તિ વધે એટલે ફેફસાં મજબૂત થાય તેવી લાંબી યાદી પણ જો ન મનને સ્પર્શી શકે તો માત્ર એક પ્રયોગ કરી જોવા જેવો ખરો અને એ છે અરીસા સામે ઊભા રહીને પોતાની જાતને સ્મિત કરતી નિહાળવાનો. ગમે તે ઉંમર હોય, ગમે તે હોદ્દો હોય, ગમે તેવો દેખાવ હોય પણ સ્મિત વ્યક્તિનું ઘરેણું છે, તેનાથી એ સુંદર જ દેખાય.

કદરૂપો/કદરૂપી નહીં. ટ્રાય ઇટ…

અને સુંદર, સ્વસ્થ દેખાવું કોને ન ગમે?
છેલ્લે છેલ્લે
તમે માત્ર મોઢું હસતું રાખજો, બાકી અમે બધું સંભાળી લઈશું.

– એક ખ્યાતનામ ફોટોગ્રાફરની જાહેરખબરની કેચલાઇન

Advertisements

4 thoughts on “સબ રોગ કી એક દવા”

  1. હાસ્યની જરૂરીયાતનો સરસ લેખ ખુબ ગંભિરતા પૂર્વક લખ્યો અને મેં પણ ખૂબ જ ગંભિરતા પૂર્વક વાંચ્યો.

    Liked by 1 person

      1. પિન્કીબેન, ખીજવાયા તો નથીને? મને તો આ Thank u પણબહુ ગંભિર લાગ્યુ..વાત સાચી છે. મારા સ્વજનમાં એક વ્યક્તિ એવી છે કે જે જેને મેં છેલ્લા પચાસ વર્ષમાં એક પણ વાર ખડખદાટ હસતા જોયા નથી. અને મારો સ્વભાવ થોડો સળી કરવાનો અને ટચાકઈયો છે.

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s