Mann Woman

માર ખાવામાં કોઈ વીરતા નથી …

IMG_5619.JPG

એક બાજુ આપણે 21મી સદીમાં પ્રવેશી ચૂક્યા હોવાનો ગર્વ કરીએ છીએ અને કેમ ન કરીએ? હવે તો બિલ વીજળીનાં હોય કે મોબાઇલનાં તેને ભરવાનું કામ માત્ર એક ક્લિકથી કમ્પ્યુટર કે મોબાઇલથી પતી જાય છે. રેલ ટિકિટ બુક કરાવવાની હોય કે એર ટિકિટ કે પછી વિદેશ જવા માટે હોટેલ રિઝર્વેશન, બધું કામ એક ફોન કે કમ્પ્યુટર જ કરી નાખે. મનમાં હાશ પણ ને સંતોષ પણ, આધુનિક આચારવિચારની વ્યાખ્યા ત્યાં જ પૂરી થઈ જતી હોય તેવું લાગે છે. જો એમ ન હોય તો આપણે તાડન, પરપીડનના સમાચાર રોજેરોજ ન વાંચત.

તાજેતરમાં જ એવી વાતોએ ધમાકો બોલાવી દીધો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને મામલે. એક પ્રતિષ્ઠાવાન ર્બોિંડગ સ્કૂલના વિદ્યાર્થીઓના અપમૃત્યુને કારણે આ વાત વધુ પ્રકાશમાં આવી. મુંબઈની એક ર્બોિંડગ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ નદીમાં તરવા ગયા ને ડૂબી ગયા એવા પ્રથમદર્શી અહેવાલની પાછળની હકીકત એવી વરવી હતી કે આજે એ સ્કૂલને તાળાં લાગ્યાં છે ને જવાબદાર લોકોમાં થોડાં સળિયા પાછળ છે ને થોડાં ભાગેડુ પુરવાર થયા છે. જોકે આ કોઈ પહેલો ને છેલ્લો બનાવ નથી. સ્કૂલ મુંબઈની હોય કે અમદાવાદની, બેંગલોરની હોય કે દિલ્હીની બધે આ જ રામાયણ છે.

નાનપણમાં કહેવત જરૂર સાંભળી હશે, ‘સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ’. એટલે કે બાળક ભણવામાં તેજસ્વી નીવડે તેવું ઇચ્છતા હોય તે માટે મારપીટ કરવી પડે અને આ વાતનો મહાવરો મા-બાપ ન રાખે તો વળી સ્કૂલના અભણ (જેઓ આવી અધમ શિક્ષામાં માનતા હોય તે) એનો લાભ લઈ પોતાની પર્સનલ ભડાશ આ નાનાં, પ્રતિકાર કરવા અસમર્થ બાળકો પર કાઢે. આ શિક્ષકો ખરેખર તો મનોરોગી હોય છે એવું કહેવામાં કંઈ પાપ નહીં.

એવા બનાવો રોજ જ બને છે. તાજેતરમાં કેરળમાં એવા એક જંગલી શિક્ષકે એક વિદ્યાર્થીને ક્લાસમાં વાતો કરવા સજા કરી. શિક્ષા થાય એ સમજી શકાય પણ કયા પ્રકારની? આ શિક્ષકે પેલા વિદ્યાર્થીને કૂતરાના પાંજરામાં પૂરી દીધો, અક્કલના ઓથમીર શિક્ષકનો પ્રયાસ બાળકને શિસ્ત શિખવવાનો હશે પણ કૂતરાએ એ નાનાં બાળકને ફાડી ખાધો હોત તો? જોવાની ખૂબી એ છે કે શિક્ષક આ પછી ફરાર થઈ ગયો ને પોલીસ ફરિયાદને કારણે પ્રિન્સિપાલ જેલના સળિયા ગણે છે.

બાળકો સાથે મારપીટ કરાય તો જ તેમનું ઘડતર થઈ શકે?

આ પ્રશ્ન આજના શિક્ષકોએ પોતાની જાતને પૂછવો જરૂરી છે. પણ વાત માત્ર શિક્ષક કે કેળવણી ક્ષેત્રની જ નથી. આ મારપીટ, ગડદાપાટુ જેવી શારીરિક અને મહેણાંટોણા જેવી ભાવાત્મક હિંસા જાણે ભારતીયોનાં માનસમાં જડ થઈ ગયેલી છે. માત્ર નાનાં બાળકો જ નહીં, સ્ત્રીઓ પણ આવી હિંસાનો શિકાર બને છે. એટલે કે પોતાથી ઓછાં, ઊતરતાં તાકાતવાન પર શૂરાતન બતાવવાની રોગિષ્ટ માનસિકતાનો શિકાર આપણો સમાજ છે.

આજે આપણે ત્યાં એવા કિસ્સા બને છે કે જો એ અખબારના પાને સમાચારરૂપે છપાયા ન હોય તો માની જ ન શકાય. એવા જ એક સમાચાર હતા કૌટુંબિક હિંસાના. દિલ્હીના એક વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન માણસે પોતાની પત્નીની યોનિમાં વાઇપર ઘુસાડી દીધું. જ્યારે ગંભીર હાલતમાં આ મહિલાને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે જણાયું કે આટલી બેરહેમી ઓછી નહોતી, એ મહિલાને એટલો સખત માર મરાયો હતો કે એ ન તો સરખું બોલી શકતી હતી, ન એક આંગળી સુધ્ધાં હલાવી શકવા શક્તિમાન હતી. ૪૮ વર્ષના પતિને પૂછપરછ કરી ત્યારે સત્ય સામે આવ્યું. શું હતું એ સત્ય? કે જેને કારણે આ સ્ત્રીએ આટલી ક્રૂરતાનો ભોગ બનવું પડયું? કદાચ પહેલી શંકા આવે લગ્નેતર સંબંધની, ખરેખર જો એવી પરિસ્થિતિ હોય તો પણ આ પ્રકારે ક્રૂરતા આચરવાની છૂટ કોઈ કાયદો આપતો નથી પણ અહીં કારણ જુદું હતું . કારણ હતું કે એ મહિલાની તબિયત ઠીક નહોતી એટલે એ ભોજન ન બનાવી શકેલી. ઘરે થાકીને આવેલા આ ઇલેક્ટ્રિશિયનને એ આવ્યો ત્યારે સમયસર ભોજન ન મળ્યું એટલે ગુસ્સામાં પાગલ થઈ ગયેલા આ પતિએ પહેલાં પત્નીને ખૂબ માર માર્યો અને પછી પણ ગુસ્સો ન ઠંડો પડયો એટલે તેણે પત્નીને શિક્ષા કરવા વાઇપર નાખી દીધું હતું. પોલીસતપાસમાં એ પણ વાત બહાર આવી કે પતિએ દારૂ પીધેલો હતો. એણે પત્ની પાસે જમવાનું માગ્યું ત્યારે તેની પત્નીએ કહ્યું કે તે બીમાર હોવાથી જમવાનું બનાવી શકી નથી. પત્નીએ ખૂબ બૂમો પાડવાની શરૂ કરી દીધી હોવાથી તે ડરીને ઘરેથી ભાગી ગયો હતો. સમગ્ર ઘટના પછી પાડોશીઓએ ફોન કરીને પોલીસને બોલાવી હતી. પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં મહિલાએ જણાવ્યું છે કે તેનો પતિ ઘણી વખત તેની સાથે મારપીટ કર્યા કરતો હતો. ઘણી વખત તો ઇલેક્ટ્રોનિક રોડથી પણ તેના ઉપર હુમલો કરતો. તેના આખા શરીર પર ઘણી જગ્યાએ વાગ્યાનાં પણ નિશાન હતાં, જે તેની આ પાશવી હરકતના પુરાવા આપતા હતા. જોવાની ખૂબી તો એ હતી કે આ માણસની ઉંમર હતી ૪૮. પત્ની પણ ૪૫ની આસપાસની અને તેમનાં ત્રણ બાળકો પણ ખરાં જેમની ઉંમર ૧૮થી ૨૦ વર્ષની છે અને હા, સૌથી મહત્ત્વની વાત આ મહિલાને મારપીટની નવાઈ નહોતી, એટલે કે પતિ હોય તો મારેય ખરો એવું કંઈક જનમથી જ સાંભળી સાંભળીને મોટી થયેલી. લગ્નના બે દાયકા સુધી આવી પાશવતા સહન કરવી એટલે શું? પણ આ જ કરમકહાણી ઘણી બહેનોની હોય છે, એ પછી દેશી દારૂ પીને ભૂરાયો થતો આર્િથક કારણસર હતાશામય પતિ હોય કે પછી પોતાની જાતને સુધરેલાં, ક્રીમ ક્લાસ લેખાવતો એલીટ ક્લાસનો પુરુષ હોય.

ખાસ કરીને આ વાત કોઈ નવીનવાઈની નથી, ભારત અને પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં અને આંશિક અંશે મોટાભાગના એશિયાઈ દેશોમાં.

તાજેતરમાં જ યુનિસેફનો એક નવો રિપોર્ટ આવ્યો છે જે પ્રમાણે ભારતમાં ડોમેસ્ટિક વાયોલન્સ એકદમ સાહજિક અને માન્ય વાત સમજાય છે. જેમાં ૧૨ વર્ષથી લઈ ૫૨ વર્ષની સ્ત્રીઓનો સમાવેશ થાય છે. છેને ચોંકાવનારી માહિતી? ખાસ કરીને લગ્ન કરીને સાસરે આવતી કોડીલી કન્યાથી સાસુ બને ત્યાં સુધી ભારતીય સ્ત્રીઓનાં નસીબમાં આવી મારરેખા હોય જ છે, જે નાનપણમાં મા-બાપને હાથે શરૂ થાય અને પતિ, જેઠ, સસરો, દિયર અને છેલ્લે બહુ જ કમનસીબ સ્ત્રી હોય તો દીકરા સુધી પહોંચે છે.

પહેલાં પિતા કે ભાઈના વર્ચસ્વ હેઠળ, લગ્ન પછી પતિ કે પછી પતિ મીઠે મોળો હોય તો સસરા, જેઠ કે દિયરના આધિપત્ય હેઠળ સ્ત્રીએ કચડવાનું જાણે લખાવીને આવી હોય છે. સૌથી મોટી દુર્ભાગ્યવશ વાત તો એ છે કે જે સ્ત્રી એકમાત્ર પોતાના સંતાનમાં આશા સાથે પોતાનું સુખમય ભાવિ જોતી હોય છે કે સંતાનપુત્ર મા પર હાથ ઉગામે એવા દાખલા પણ પોલીસ ફાઇલમાં બંધ છે.

યુનિસેફના રિપોર્ટમાં છે તેમ ભારતમાં ૧૫થી ૧૯ વર્ષની ઉંમરની ૭૭% છોકરીઓ પોતાનાં સગાં મા-બાપના મારનો શિકાર બને છે. યુનિસેફનો આ અહેવાલ ખરેખર તો માત્ર ભારતનો જ નહીં બલકે એશિયન સમાજની બર્બરતા પર પ્રકાશ પાડે છે પણ એમાં વાત ભારતની છે ત્યાં સુધી મહત્ત્વની એ માટે છે કે આ બધી મારપીટ અને જંગલિયત સંસ્કાર ને સમાજને નામે થાય છે. બાકી રહી વાત એશિયાના બીજા દેશોની તો ત્યાં સ્ત્રીઓની કિંમત કોડીની છે, પહેલાં વાત આપણાં ઘરઆંગણાની જ કરવી પડે. આમ પણ ભારતમાં અર્તાિકક વાતોનું ચલણ એટલું જ મજબૂત છે જેટલું દાયકાઓ પૂર્વે હતું. હા, થોડીઘણી ક્રાંતિ કહી શકાય એવી વાત ચોક્કસપણે ખરી છતાંય મહાનગરોને છોડી નાનાં ગામ કસબાઓમાં આ વધુ જોવા મળે છે.

દક્ષિણ એશિયાના દેશોમાં આ પ્રકારની હિંસા માત્ર થાય છે એવું નથી, એને સામાન્ય પણ મનાય છે. એટલે કે સ્ત્રી તરીકે જન્મ્યા હો તો કમ ખાતાં, ગમ ખાતાં શીખો એવી શિખામણ ગાંઠે બંધાવાતી રહે છે અને આ જ કારણ છે એક ધીમી આંચે ભભૂકી રહેલાં સુષુપ્ત જ્વાળામુખીની, એનાં પરિણામ શું હોઈ શકે તેનો અંદાજ મહાનગરોમાં અને મોટાં શહેરોમાં કોર્ટકેસમાં થઈ રહેલાં જુમલા અને પત્નીપીડિતોના સંઘના આવિષ્કાર આપે છે. પુરુષસમાજ એક ટાઇમબોમ્બ પર બેઠો છે, જેની એ નોંધ લેશે ત્યાં સુધી ખુવારી મોટી થઈ ચૂકી હશે.

છેલ્લે છેલ્લે
તાર્રૃફ રોગ હો જાયે તો ઉસકો ભૂલના બેહતર,

તાલ્લુક બોજ બન જાય તો ઉસકો તોડના અચ્છા

વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન

ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા

– સાહિર લુધિયાનવી

IMG_5620.JPG

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s