હજી 20 વર્ષ પહેલા જો કોઈના ફેરવેલ ફંકશનમાં જવાનું થયું હોય તો તેમને આપવામાં ભેટ યાદ છે?
ધાર્મિક પુસ્તકો, સરસ પોકેટ વોચ કે પછી મોંઘી રીડીંગ ગ્લાસ ફ્રેમ કે પછી સારી કેસેટ્સ મોટેભાગે ભક્તિસંગીતની … તે વખતે એમ માની લેવાતું હતું કે 60 એ આ ભાઈ કે બહેન પરવારી ગયા છે. હવે તેઓ તેમનો સમય ક્યાં તો ગીતાપાઠમાં વિતાવશે કે પછી સવાર સાંજ હવેલી કે દહેરાસર જશે, ઘરમાં નાનીમોટી મદદ કરશે , શક પાંદડું લેવા કે બેન્કના કામકાજ , બીલ ભરવા જેવી મદદ કરીને દીકરાવહુની ગુડબુકમાં રહેવાનો સંનિષ્ઠ પ્રયાસ કરશે. જો વળી થોડાં શોખીન હશે તો સંગીત સાંભળશે, લાઈબ્રેરીમાં નિયમિત જવાનું શરુ કરશે. નસીબદાર હશે તો ક્યારેક વળી છોકરાઓ લઇ જશે તો વેકેશન પર જશે….
હવે આજનો સીન જુઓ. પહેલી વાત તો એ કે હવે નિવૃત્તિની ઉંમર પર કોઈ નિવૃત્ત થતું જ નથી. જે કંપનીમાં કામ કરતા હોય તે કંપની એમને મસ્ટર પરથી કાઢી કોન્ટ્રેક્ટ પર લઇ લે છે. અન્યથા બીજો કોઈ પ્લાન હોય તો 60 એ શરુ થાય છે નવી જોબ કે નવી મંઝીલ . એ પછી તદ્દન નવા ભિન્ન કાર્યક્ષેત્રની હોય શકે છે પોતાના વિસરાઈ ગયેલાં શોખ કે કોડ પૂરાં કરવાની હોય શકે કે પછી સમાજનું ઋણ ફેડવાની પણ હોય શકે છે.
આ છે આજના વડીલોની દુનિયા .
થોડાં મહિના પહેલાં જ એક જાહેર કાર્યક્રમમાં સિતારા દેવી, જેનું તાજેતરમાં જ અવસાન થયું તે પર્ફોર્મ કરવાના છે તેમ જાણવા મળેલું. સિતારાદેવી અવસાન પામ્યા ત્યારે તેમની ઉંમર હતી 94 વર્ષ , એટલે જયારે આ પર્ફોર્મન્સની વાત હતી ત્યારે એ હતા 93 વર્ષના .સિતારાદેવી અને તેમના કથક વિષે કોઈ વ્યાખ્યા કે ઓળખની જરૂર ન હોય , મૂળ વાત છે તેમની ઉંમર અને તેમની લગનની . જિંદગીના છેલ્લાં દિવસ સુધી પોતાની કળાસાધનામાં વ્યસ્ત રહેનાર કલાકાર ને શું શકાય?
સિતારા દેવી હોય કે દેવ આનંદ કે પછી યશ ચોપરા , આવાં નામની યાદી અંતહીન છે , વાત છે પોતાની લગનીની, જેને ન તો ઉંમરના કોઈ બંધન નડે ન શારીરિક અસમર્થતા .અમિતાભ બચ્ચનની એક ફિલ્મ આવી હતી જેનું ટાઈટલ હતું : બૂઢા હોગા તેરા બાપ. પહેલી નજરે અભદ્ર લાગે એવી આ ઉક્તિમાં ખોટું કશું નથી. બલકે આ જ તો આજનો ટ્રેન્ડ છે.જે રીતે સામાજિક માળખાં બદલાતાં જાય છે તે રીતે આ ઉક્તિ તો એકદમ બંધબેસે છે.
ઉદાહરણ તો તમને તમારી આસપાસના લોકોમાં જ મળી આવે .એ વાતનો ખ્યાલ તો જ આવે જયારે આપણે બે પેઢી વચ્ચે ઘટતાં અંતરને જોઈએ. ઉદાહરણ જોવું હોય તો આજકાલ નિવૃત્ત થયેલાં કે થઇ રહેલાં અધિકારી , શિક્ષક , કલર્ક કે પછી સરકારી નોકરને જોઈ લેજો. એ લોકો નિવૃત્ત થતાંવેંત જ બીજી નોકરીની તલાશમાં લાગી જાય છે. એક જમાનો એવો હતો કે લોકો જિંદગીના વનપ્રવેશના તબક્કે આવીને ઉભા શું રહે હથિયાર નાખી દેતાં હતા. ને આજે ? જરૂરી નથી કે એ નોકરી કે ઓક્યુપેશન પોતે જે આખી જિંદગી કામ કર્યું તે જ ફરીવાર સ્વીકાર્યું હોય. શક્ય છે કે એ કામ આખી જિંદગી કરેલા કામથી બિલકુલ ઉલટું હોય. જેમ કે તાજેતરમાં જ એક જાણીતાં અભિનેતાએ ફાર્મ ડેવલપ કરવાનું કામકાજ શરુ કર્યું છે. એક એકટર પોતે કેટલી મહેનતથી કોબી ઉગાડી છે એ કહે તે વાત સંભાળવી જ જો આટલી રસપ્રદ લાગે તો એને માટે એ અનુભવ કેવો હશે એની તો કલ્પના જ કરવાની રહે ને.
અને આ જ છે આજનો ટ્રેન્ડ . વનપ્રવેશ સાથે સાથે એક નવી ઇનિંગનો આરંભ .
ઉમ્રેદરાજ માંગ કે લાયે થે ચાર દિન
દો આરઝુ મેં કટ ગયે , દો ઇન્તઝાર મેં …
આખરી મુગલ બાદશાહ બહાદુરશાહ જફરનો શેર , જેટલો ખૂબસૂરત એટલો જ કાતિલ.જો સમજો તો ધાર મનમાં લાગે ખરી. સહુથી કિંમતી ચીજની કિંમત જ ન સમજાય અને જયારે સમજાય ત્યારે હાથ પર સમય જ ન હોય. અત્યાર સુધી આ વાત બરાબર હતી. લોકોને પોતાના સમયની કિંમત સમજાતી નહોતી પણ હવે સમય બદલાઈ ગયો છે. હવે સમય નાણાં કરતાં પણ કૈંક વધુ મૂલ્યવાન છે તે સમજ વિકસતી ચાલી છે અને એટલે શરૂઆત થઇ જાય છે પહેલી ઇનિંગ દરમિયાન જ સેકન્ડ ઇનિંગના પ્લાનિંગની.આજે સેકંડ ઇનિંગનું વ્યવસ્થિત પ્લાનિંગ થાય છે, સ્વયં સુઝબુઝથી કે પછી એ ન હોય તો પ્રોફેશનલ હેલ્પ સાથે .
શાસ્ત્રોએ તો માનવની અવસ્થાને ચાર ભાગમાં વહેંચી નાખી છે , બાલ્યાશ્રમ , લગભગ 24 વર્ષ સુધી , ગૃહસ્થાશ્રમ , 24થી 48, , વાનપ્રસ્થાશ્રમ 48થી 72 અને સંન્યસ્ત 72 પછી. આ આશ્રમવ્યવસ્થા ગોઠવવા પાછળની હેતુ એક માત્ર હતો , માનવજીવનના મૂળ ચાર ધ્યેય હાંસલ કરવા માટેનું. પણ સ્વાભાવિક છે કે સમય સાથે તે રીતીરિવાજમાં આમૂલ પરિવર્તન આવી ગયા છે. યુવાવસ્થા દરમિયાન કારકિર્દીથી લઇ બુઢાપા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મકસદ તો ખરો જ પણ તેથી વધુ એક આયામ ઉમેરાયો છે અને તે છે ક્વોલીટી લાઈફ માટેનો .
સાંઠ વટાવ્યાં એટલે શું માણસે માત્ર ભજન કીર્તન કરવાનું? એ વાતનો જવાબ મેળવવા આજે 60 પ્લસ વડીલોની લાઈફસ્ટાઈલ જોવી પડે.
છેલ્લાં બેત્રણ દાયકા પર નજર નાખો તો ખબર પડશે કે જિંદગી જીવવાના પેરામીટર્સ જ બદલાઈ ગયા છે, કારણ ? કારણ છે ભારતીય સમાજ બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે. જેનો પ્રભાવ દેખાય છે લોકોની લાઈફ સ્ટાઈલ પર, આચાર વિચાર પર. હેલ્થ અને મેડિકેશન ક્ષેત્રે આવી રહેલાં ધરખમ આવિષ્કારોને કારણે પાછલા વર્ષોની સરખામણીમાં સરેરાશ 20 વર્ષ આયુષ્ય વધ્યું છે.જેને કારણે આ પેઢી જે ગઈકાલે યુવાન પ્રૌઢ હતી તેમને એ બધી કઠિનાઈમાંથી પસાર નથી થવું જેમાંથી એક સમય પોતાનાં બુઝુર્ગો થયા છે. ગઈકાલની એ પેઢીની સ્થિતિ , અવહેલનાથી આજની વયસ્ક પેઢી અજાણ નથી.અને એટલે જ પોતાના ઘડપણને સુરક્ષિત કરવાના આર્થિક માનસિક અને ભાવાત્મક પ્રયાસમાં મચી પડી છે.
સવારની પહોરમાં જો જિમમાં જશો કે ક્લબમાં કે પછી પાર્કમાં કે મેદાનમાં , વોક કે યોગ કસરત કે લાફીંગ ક્લબ જ્યાં જુઓ ત્યાં યુવાનો કરતાં પ્રૌઢ કે વનપંથીઓ જોવા મળશે.
આ લોજીક બહુ બોલકું છે. એ દર્શાવે છે ભારતમાં તૂટતાં કુટુંબો, જે વાત સયુંકત કુટુંબોની હતી તે વાત ગઈકાલ બની ચુકી છે. હવે સંતાન ઉંમરલાયક થાય તો ઉચ્ચ અભ્યાસ માટે, નોકરી વ્યવસાય માટે વિદેશ કે બહારગામ જાય ને પછી ત્યાં જ વસી જાય તો માતાપિતાને રંજ થવાને બદલે ખુશી થાય છે. આ ફર્ક છે ગઈકાલ અને આજની વડીલપેઢીઓ વચ્ચે , જે કારણે એકલા રહેનાર માતાપિતાએ પોતાની સુખાકારીથી લઇ ફાઈનાન્સ સુધી તમામ વાતો જાતે જ જોવાની હોય છે.
પોતાના કુટુંબ કરતાં મહત્વના થઇ જાય છે આત્મીયજનો અને ત્યારે ભલે છે એક નવો પ્રવાહ. આજકાલ હવે વૃદ્ધ શબ્દ વર્જ્ય બન્યો છે. હવે વપરાય છે થોડો ગરિમામય શબ્દ 60+ . જેમાં પોતાનાં સંતાનો કરતાં વધુ નિકટ હોય છે હમઉમ્ર મિત્રો . નવા નવા બનેલાં વ્યવસાયિક સંબંધો, ભાવાત્મક સંબધો જે આ પેઢીને જીવવાનું જોશ આપે છે.
કદીક વિદેશ જવાનું થાય ને ઇન્ડિયન ટુરિસ્ટના ધાડાં પર નજર જાય તો એકવાત ચોક્કસ જોવા મળશે, આ લોકોની ઉંમર, મોટે ભાગે મિડલ એજના જ હશે. પહેલા આ ઉંમર ચારધામની યાત્રા સાથે જોડતી હતી આજે વેકેશન સાથે જોડાય છે. માત્ર મોજમજા નહીં , સારા સામાજિક કામની જવાબદારીથી લઇ મનને સંતોષ થાય તેવી પ્રવૃત્તિ આ સમય માટે સૌથી અગત્યનું ઘટક એવું ઓક્સિજન પૂરો પડે છે.
સતત ગમતી પ્રવૃત્તિમાં રાત રહી જોવા જેવું છે , 60 પ્લસ ક્યારેય સેવન્ટી ટચ નહીં કરે એ વાત પણ નક્કી છે !!
છેલ્લે છેલ્લે :
જીવન કી આધાધાપી મેં કબ વક્ત મિલા
કુછ દેર કંહી પર બૈઠ કે સોચ સકું
જો કિયા , કહા , માના ઉસ મેં ક્યાં બૂરા ભલા ..