Uncategorized

તો પાનખરના વાયરામાં વસે વસંત

Wife Touching Husband from Behind
(ફોટોગ્રાફ પ્રતીકાત્મક છે)

થોડા દિવસ પહેલાં એક સમારંભમાં જવાનું થયું. કહેવાયેલું કે તમને રિસીવ કરવા કોઈક આવશે અને આવી એક મીઠડી પચીસેક વર્ષની છોકરી, જેને આપણે અહીં દિશા તરીકે ઓળખીશું. દિશા મને બે વર્ષ પહેલાં મળી ચૂકી હતી. ત્યારે લગ્ન કરવાની હતી એટલી ખબર હતી ને પછી કોઈ વધુ પરિચિતતા કેળવાઈ નહોતી છતાં એણે કંકોતરી પણ યાદ રાખીને મોકલી હતી. એ જ દિશા બે વર્ષ પછી મળી. એનામાં જાણે ધરમૂળથી પરિવર્તન આવી ગયું હતું, જે વાત મને ખરેખર વિચારતી કરી ગઈ. માત્ર બે વર્ષમાં કોઈ વ્યક્તિ આટલી હદે બદલાઈ જાય?

ના, વાતચીત કે વર્તણૂક એટલી જ શાલીન હતી, પણ ખબર નહીં કેમ હસતાં ચહેરા પર આંખો ભારે ઉદાસ લાગેલી. કાર્યક્રમ પત્યો ત્યારે ઔપચારિક વાતોમાં મને ખ્યાલ આવ્યો કે દિશા અને તેનો પતિ સેપરેશન ફાઇલ કરી ચૂક્યાં છે. એવું નથી કે આપણે આજકાલ આવી રહેલી સામાજિક ક્રાંતિઓથી પરિચિત નથી, પણ કોઈ પણ લગ્નજીવનમાં માંડ થોડો સમય વીત્યો હોય ત્યાં એવું તો શું તોફાન આવી જાય કે લવમેરેજનું પરિણામ ડિવોર્સમાં જ આવી જાય?

કોઈની અંતરંગ વાત જાણવાની ઇચ્છા રાખવી એ જ ખરેખર અસભ્યતા કહેવાય, પણ દિશા સાથે એવું શું થયું તે જાણવાની ઇંતજારી મારાથી છુપાવી ન શકાઈ.

દિશા પણ પોતાનું મન હળવું કરવા મોકાની રાહ જ જોતી હોય તેમ લાગ્યું. એને જે વાત કરી એ પરથી ખરેખર તો હસવું? રડવું? કે આ પેઢીની દયા ખાવી તે જ મને ન સમજાયું.

દિશા પોતે ખૂબ શિક્ષિત. પતિ પણ એવો જ મળ્યો. તે પણ પોતે જ પસંદ કરેલો, મા-બાપની પસંદગીનો નહીં. લગ્ન કરીને રહેવાનું પણ હતું પતિ-પત્નીએ એકલાં જ. ના કોઈ સાસરિયાંની ઝંઝટ ન પિયરિયાંની. આવા સંજોગોમાં કંઈ કારણ હોઈ શકે છૂટાછેડાનું?

પણ, મળ્યું. અર્જુનને દિશાનું કામ કરવું ગમે, દિશાની ભારેખમ છ આંકડા નજીકની સેલરી પણ ગમે, પણ દિશા એ માટે રાત-દિવસ તોડી નાખે તે ન ગમે. ઘરમાં ઘરકામ માટે બાઈ ખરી, પણ ખાડા કરે કે છુટ્ટી કરે ત્યારે એ કામવાળી બાઈનો રોલ દિશા ભજવી લે તેવી ઇચ્છા ખરી. પહેલાં તો થોડો સમય પ્રેમ ને નવાં નવાં લગ્ન હતાં, એટલે એ બધી વાત ચકમકિયા ગિલીટ હેઠળ ઢંકાઈ ગઈ, પણ પછી શું? પછી રોજનું થયું.

ખબર નહીં પ્રેમી પતિ બને એટલે કોઈક જુદું જ પ્રાણી કેમ બની જતા હશે? આ દિશાનો મુખ્ય પ્રશ્ન છે.

જે અર્જુન લગ્ન પહેલાં દિશાનો બેસ્ટ ફ્રેન્ડ હતો, તે અર્જુન અચાનક દિશાને જુદી જ રીતે જોવા માંડયો અને યાદ રહે આ કોઈ એક દિશાનો પ્રશ્ન નથી. સમાજમાં આવી લાખો દિશાઓ છે. આ સમીકરણ શું છે તે સમજાય છે?

આ સમીકરણ છે બોસ અને કર્મચારીનું. આજથી બે અઢી દાયકા પૂર્વે આ વાત સર્વમાન્ય હતી. ઘરની વહુ, પરિણીતા એક પગલું ઉંબર બહાર મૂકે ત્યારે કહેવાતું કે ઠીક છે, ઘરગૃહસ્થી સંભાળીને પણ એ પોતાની કારકિર્દી, પોતાની ટેલેન્ટ નિખારી શકે એ તો ઉત્તમ. એટલે કે પહેલાં ઘરકામ, પહેલાં કિચન, પહેલાં બાળોતિયાં, પહેલાં વર, ઘર, પરિવાર, વ્યવહાર ને લોકો, પછી આવે સ્ત્રીની મરજી, ઇચ્છા, કોડ, સ્વપ્ના, અરમાન એ બધું સેકન્ડરી.

સહુથી મહત્ત્વની એક વાત તો આ બધામાં વિસરાઈ જ જાય છે તે છે સમયની, સમય સાથે આવેલાં બદલાવની. વાત તો એ છે કે વીસ-પચીસ વર્ષ પૂર્વે જે હતું તે સંબંધોનું માળખું રહ્યું નથી. હવે બોસ અને કર્મચારી જેવા પતિ-પત્નીના સંબંધ ભણેલાં કે ઓછું ભણેલાં કોઈને માન્ય નથી. હવે યુગલ વચ્ચે પ્રવર્તે છે ડેમોક્રેટિક રિલેશનશિપ. જેમાં આધીનતા, પરવશતા જેવાં પાસાંઓ માટે જગ્યા જ નથી. હવે જે લગ્નસંબંધ હોય છે તેનો આધાર હોય છે પાર્ટનરશિપ, કમ્પેનિયનશિપ. પતિ-પત્ની બંને કમાય, બંને સમાન જવાબદારી ઉઠાવે છે, એટલે અભિગમ છે મારા તમારાને બદલે આપણાંનો. પછી એ કામ હોય, પ્રોપર્ટીની ખરીદી હોય, ઇન્વેસ્ટમેન્ટને લગતી વાતો હોય કે પછી બાળકનો જન્મ. તમામ વાતોમાં પરસ્પરની સહમતી ખપે છે અને હા, જ્યાં પત્ની નોકરી કે આર્િથક વ્યવહારનું કામ પણ કરતી હોય ત્યાં પણ એ મેનેજરની ભૂમિકામાં હોય છે.

જ્યારે એકબીજા પર આર્િથક નિર્ભરતા ન હોય એ સંબંધોનું પોત નક્કી જુદું હોવાનું જ, જે આજે જોવા મળે છે. બીજું એક મહત્ત્વનું પરિબળ છે રોલની અદલાબદલી. આજથી વીસ વર્ષ પહેલાં કોઈ એવું માની શકે કે રાત્રે બાળોતિયાં બદલાવવાની જવાબદારી પુરુષ નિભાવે? કે પછી રવિવારે કિચનનો કારભાર પતિના હાથમાં હોય? હજી પણ ઘણી જગ્યાએ આ વાતને કંઈક હેરતથી જોવાય છે, પણ મહાનગરોમાં અને મોટાં શહેરોમાં ખાસ કરીને યુવાન કપલમાં આ સ્વાભાવિક વાત છે.

હવે જ્યારે અરેન્જ્ડ મેરેજ માટે પણ મિટિંગ ગોઠવાય છે ત્યારે છોકરી કેટલું ભણી છે અને શું કમાય છે તે પુછાય છે. એને પહેલાંની જેમ પૂછી શકાતું નથી કે બેન્કિંગ કે થાઈ કૂકિંગ આવડે કે? નાનાં શહેરોમાં પણ ડ્રાઇવિંગ આવડે? બેન્કનું કામ કરી શકે? એવા પ્રશ્ન સામાન્ય થાય છે, જે દર્શાવે છે રોલ રિવર્સલ. ડ્રાઇવિંગ, બેન્કિંગ, ફાઇનાન્સ એ માત્ર પુરુષનો ઇજારો નથી, તો પછી કૂકિંગ કે ઘરકામમાં માત્ર સ્ત્રીનું આધિપત્ય કઈ રીતે હોઈ શકે?

આ વાત મિડલ એજ લોકો માટે પચાવવી થોડી અઘરી ખરી, પણ યુવાનો માટે નહીં. ખરેખર તો આજનાં જોડાં વધુ પરિપક્વ છે. એ અરસપરસના વિશ્વાસ, આસ્થા, માન્યતા, પસંદ, નાપસંદ અને પ્રાથમિકતાને સમજે છે, એટલું જ નહીં આ લોકો સમજે છે થોડા ચાવીરૃપ શબ્દોના અર્થ. જેમ કે, એકબીજા માટે બ્રિધિંગ સ્પેસ, પર્સનલ સ્પેસ આપવાની વાતને. પતિ-પત્ની ગમે એટલાં નિકટ હોય, મિત્ર હોય, પણ પોતાના માટે થોડો સમય છે. એકમેક સાથે ક્વોલિટી ટાઇમ તો ખરો જ, પણ પોતાની જાત માટે સમય ફાળવવા સાથી જ સુગમતા કરી આપે એ વાત જ સંબંધની સુગંધ બની રહે છે.

વીસ-પચીસ વર્ષ પહેલાં લગ્નજીવન માટે ચાવીઓ હતીઃ સમાધાન, ત્યાગ, ધીરજ, સહનશક્તિ. હવે જ્યારે દુનિયા આખી ૩૬૦ ડિગ્રીએ ફરી ચૂકી છે ત્યારે લગ્નજીવન ટકાવવાની ચાવીઓ તો છે જ માત્ર બદલાઈ ગઈ છે અને તે છેઃ પર્સનલ સ્પેસ, બ્રિધિંગ સ્પેસ, ક્વોલિટી ટાઇમ, સરપ્રાઇઝ, ગિફ્ટ્સ, સેલિબ્રેશન.

આ થોડાંક વર્ડ્ઝ છે લગ્નજીવનની સુગંધ માટેના, જે પોતાની હેસિયત અને કાબેલિયતથી અમલી બનાવાય તો ફેમિલી કોર્ટનાં ભારણો હળવાં થઈ જાય એ વાત પણ નક્કી.

છેલ્લે છેલ્લેઃ

મેરે સવાલ કોઈ આમ સા સવાલ નહીં,

મેરા સવાલ તેરી બાત કા જવાબ ભી હૈ.

– કંવલ જિઆઈ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s