2747409_20140330122213આજથી માત્ર વીસ વર્ષ પૂર્વેનો સમય યાદ કરો જયારે કોઈકની ફેરવેલ પાર્ટીમાં જવાનું થયું હોય !! યાદ છે એ વ્યક્તિને અપાયેલી ભેટસોગાદો? સરસ પોકેટ વોચ કે પછી મોંઘી રીડિંગ ગ્લાસ ફ્રેમ કે પછી ધાર્મિક અને આધ્યાત્મક પુસ્તકો , સારી કેસેટ્સ મોટેભાગે ભક્તિસંગીતની, તે વખતે એમ માની લેવાતું હતું કે ૬૦ એ આ ભાઈ કે બહેન પરવારી ગયાં છે. હવે તેઓ તેમનો સમય ક્યાં તો ગીતાપાઠમાં વિતાવશે કે પછી સવાર-સાંજ હવેલી કે દેરાસર જશે, ઘરમાં નાની-મોટી મદદ કરશે, શાક-પાંદડું લેવા કે બેન્કનાં કામકાજ, બીલ ભરવા જેવી મદદ કરીને દીકરા-વહુની ગૂડ બુકમાં રહેવાનો સંનિષ્ઠ પ્રયાસ કરશે. જો વળી થોડા શોખીન હશે તો સંગીત સાંભળશે, લાઇબ્રેરીમાં નિયમિત જવાનું શરૂ કરશે. નસીબદાર હશે તો ક્યારેક વળી છોકરાઓ લઈ જશે તો વેકેશન પર જશે.
હવે આજનો સીન જુઓ. પહેલી વાત તો એ કે હવે નિવૃત્તિની ઉંમર પર કોઈ નિવૃત્ત થતું જ નથી. જે કંપનીમાં કામ કરતા હોય તે કંપની એમને મસ્ટર પરથી કાઢી કોન્ટ્રેક્ટ પર લઈ લે છે. અન્યથા બીજો કોઈ પ્લાન હોય તો ૬૦ એ શરૂ થાય છે નવી જોબ કે નવી મંજિલ એ પછી તદ્દન નવા ભિન્ન કાર્યક્ષેત્રની હોઈ શકે છે. પોતાના વિસરાઈ ગયેલા શોખ કે કોડ પૂરા કરવાની હોઈ શકે કે પછી સમાજનું ઋણ ફેડવાની પણ હોઈ શકે છે.

આ છે આજના વડીલોની દુનિયા.

થોડા મહિના પહેલાં જ એક જાહેર કાર્યક્રમમાં સિતારાદેવી, જેમનું તાજેતરમાં જ અવસાન થયું તે પર્ફોર્મ કરવાનાં છે તેમ જાણવા મળેલું. સિતારાદેવી અવસાન પામ્યાં ત્યારે તેમની ઉંમર હતી ૯૪ વર્ષ, એટલે જ્યારે આ પર્ફોર્મન્સની વાત હતી ત્યારે એ હતાં ૯૩ વર્ષનાં. સિતારાદેવી અને તેમના કથક વિશે કોઈ વ્યાખ્યા કે ઓળખની જરૂર ન હોય, મૂળ વાત છે તેમની ઉંમર અને તેમની લગનની. જિંદગીના છેલ્લા દિવસ સુધી પોતાની કળાસાધનામાં વ્યસ્ત રહેનાર કલાકારને શું કહી શકાય?

સિતારાદેવી હોય કે દેવ આનંદ કે પછી યશ ચોપરા, આવાં નામની યાદી અંતહીન છે. વાત છે પોતાની લગનીની, જેને ન તો ઉંમરનું કોઈ બંધન નડે ન શારીરિક અસમર્થતા. અમિતાભ બચ્ચનની એક ફિલ્મ આવી હતી જેનું ટાઇલટ હતું, ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’. પહેલી નજરે અભદ્ર લાગે એવી આ ઉક્તિમાં ખોટું કશું નથી. બલકે આ જ તો આજનો ટ્રન્ડ છે. જે રીતે સામાજિક માળખાં બદલાતાં જાય છે તે રીતે આ ઉક્તિ તો એકદમ બંધબેસે છે.

ઉદાહરણ તો તમને તમારી આસપાસના લોકોમાં જ મળી આવે. એ વાતનો ખ્યાલ તો જ આવે જ્યારે આપણે બે પઢી વચ્ચે ઘટતા અંતરને જોઈએ. ઉદાહરણ જોવું હોય તો આજકાલ નિવૃત્ત થયેલા કે થઈ રહેલા અધિકારી, શિક્ષક, ક્લાર્ક કે પછી સરકારી નોકરને જોઈ લેજો. એ લોકો નિવૃત્ત થતાંવેંત જ બીજી નોકરીની તલાશમાં લાગી જાય છે. એક જમાનો એવો હતો કે લોકો જિંદગીના વનપ્રવેશના તબક્કે આવીને ઊભા શું રહે હથિયાર નાખી દેતા હતા ને આજે? જરૂરી નથી કે એ નોકરી કે ઓક્યુપેશન પોતે જે આખી જિંદગી કામ કર્યું તે જ ફરી વાર સ્વીકાર્યું હોય. શક્ય છે કે એ કામ આખી જિંદગી કરેલા કામથી બિલકુલ ઊલટું હોય. જેમ કે, તાજેતરમાં જ એક જાણીતાં અભિનેતાએ ફોર્મ ડેવલપ કરવાનું કામકાજ શરૂ કર્યું છે. એક એક્ટરે પોતે કેટલી મહેનતથી કોબી ઉગાડી છે એ કહે તે વાત સાંભળવી જ જો આટલી રસપ્રદ લાગે તો એને માટે એ અનુભવ કેવો હશે એની તો કલ્પના જ કરવાની રહે ને.

અને આ જ છે આજનો ટ્રેન્ડ. વનપ્રવેશ સાથે સાથે એક નવી ઇનિંગનો આરંભ. ઉમ્રેદરાજ માંગ કે લાયે થે ચાર દિન દો આરઝુ મેં કટ ગયે, દો ઇન્તઝાર મેં…

આખરી મુગલ બાદશાહ બહાદુરશાહ જફરનો શેર, જેટલો ખૂબસૂરત એટલો જ કાતિલ. જો સમજો તો ધાર મનમાં લાગે ખરી. સહુથી કીમતી ચીજની કિંમત જ ન સમજાય અને જ્યારે સમજાય ત્યારે હાથ પર સમય જ ન હોય. અત્યાર સુધી આ વાત બરાબર હતી. લોકોને પોતાના સમયની કિંમત સમજાતી નહોતી, પણ હવે સમય બદલાઈ ગયો છે. હવે સમય નાણાં કરતાં પણ કંઈક વધુ મૂલ્યવાન છે તે સમજ વિકસતી ચાલી છે અને એટલે શરૂઆત થઈ જાય છે. પહેલી ઇનિંગ દરમિયાન જ સેંકડ ઇનિંગના પ્લાનિંગની. આજે સેંકડ ઇનિંગનું વ્યવસ્થિત પ્લાનિંગ થાય છે, સ્વયં સૂઝબૂઝથી કે પછી એ ન હોય તો પ્રોફેશનલ હેલ્પ સાથે.

શાસ્ત્રોએ તો માનવની અવસ્થાને ચાર ભાગમાં વહેંચી નાખી છે, બાલ્યાશ્રમ, લગભગ ૨૪ વર્ષ સુધી, ગૃહસ્થાશ્રમ, ૨૪થી ૪૮,વાનપ્રસ્થાશ્રમ ૪૮થી ૭૨ અને સંન્યસ્ત ૭૨ પછી. આ આશ્રમવ્યવસ્થા ગોઠવવા પાછળનો હેતુ એક માત્ર હતો, માનવજીવનના મૂળ ચાર ધ્યેય હાંસલ કરવા માટેનો, પણ સ્વાભાવિક છે કે સમય સાથે તે રીતિરિવાજમાં આમૂલ પરિવર્તન આવી ગયાં છે. યુવાવસ્થા દરમિયાન કારકિર્દીથી લઈ બુઢાપા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાની મકસદ તો ખરી જ પણ તેથી વધુ એક આયામ ઉમેરાયો છે અને તે છે ક્વોલિટી લાઇફ માટેનો.

સાઠ વટાવ્યાં એટલે શું માણસે માત્ર ભજન કીર્તન કરવાનું? એ વાતનો જવાબ મેળવવા આજે ૬૦ પ્લસ વડીલોની લાઇફસ્ટાઇલ જોવી પડે.

છેલ્લાં બે-ત્રણ દાયકા પર નજર નાખો તો ખબર પડશે કે જિંદગી જીવવાનાં પેરામીટર્સ જ બદલાઈ ગયાં છે, કારણ? કારણ છે ભારતીય સમાજ બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે. જેનો પ્રભાવ દેખાય છે લોકોની લાઇફસ્ટાઇલ પર, આચારવિચાર પર. હેલ્થ અને મેડિકેશન ક્ષેત્રે આવી રહેલા ધરખમ આવિષ્કારોને કારણે પાછલાં વર્ષોની સરખામણીમાં સરેરાશ ૨૦ વર્ષ આયુષ્ય વધ્યું છે. જેને કારણે આ પેઢી જે ગઈ કાલે યુવાન પ્રૌઢ હતી તેમને એ બધી કઠિનાઈમાંથી પસાર નથી થવું, જેમાંથી એક સમય પોતાના બુઝુર્ગો થયા છે. ગઈ કાલની એ પેઢીની સ્થિતિ, અવહેલનાથી આજની વયસ્ક પેઢી અજાણ નથી અને એટલે જ પોતાના ઘડપણને સુરક્ષિત કરવાના આર્િથક માનસિક અને ભાવાત્મક પ્રયાસમાં મચી પડી છે.

સવારના પહોરમાં જો જિમમાં જશો કે ક્લબમાં કે પછી પાર્કમાં કે મેદાનમાં, વોક કે યોગ કસરત કે લાફિંગ ક્લબ જ્યાં જુઓ ત્યાં યુવાનો કરતાં પ્રૌઢ કે વનપંથીઓ જોવા મળશે. આ લોજિક બહુ બોલકું છે. એ દર્શાવે છે ભારતમાં તૂટતાં કુટુંબ, જે વાત સયુંકત કુટુંબોની હતી તે વાત ગઈ કાલ બની ચૂકી છે. હવે સંતાન ઉંમરલાયક થાય તો ઉચ્ચ અભ્યાસ માટે, નોકરી, વ્યવસાય માટે વિદેશ કે બહારગામ જાય તે પછી ત્યાં જ વસી જાય તો માતા-પિતાને રંજ થવાને બદલે ખુશી થાય છે. આ ફર્ક છે ગઈ કાલ અને આજની વડીલપેઢીઓ વચ્ચે, જે કારણે એકલાં રહેનાર માતા-પિતાએ પોતાની સુખાકારીથી લઈ ફાઇનાન્સ સુધી તમામ વાતો જાતે જ જોવાની હોય છે.

પોતાના કુટુંબ કરતાં મહત્ત્વના થઈ જાય છે આત્મીયજનો અને ત્યારે ભળે છે એક નવો પ્રવાહ. આજકાલ હવે વૃદ્ધ શબ્દ વર્જ્ય બન્યો છે. હવે વપરાય છે થોડા ગરિમામય શબ્દ ૬૦+. જેમાં પોતાનાં સંતાનો કરતાં વધુ નિક્ટ હોય છે હમઉમ્ર મિત્રો. નવા નવા બનેલા વ્યાવસાયિક સંબંધો, ભાવાત્મક સંબધો જે આ પેઢીને જીવવાનું જોશ આપે છે

કદીક વિદેશ જવાનું થાય ને ઇન્ડિયન ટૂરિસ્ટના ધાડાં પર નજર જાય તો એક વાત ચોક્કસ જોવા મળશે, આ લોકોની ઉંમર,મોટેભાગે મિડલ એજના જ હશે. પહેલાં આ ઉંમર ચાર ધામની યાત્રા સાથે જોડાતી હતી, આજે વેકેશન સાથે જોડાય છે. માત્ર મોજમજા નહીં, સારા સામાજિક કામની જવાબદારીથી લઈ મનને સંતોષ થાય તેવી પ્રવૃત્તિ આ સમય માટે સૌથી અગત્યનો ઘટક ઓક્સિજન પૂરો પાડે છે.

સતત ગમતી પ્રવૃત્તિમાં રાત રહી જોવા જેવું છે, ૬૦ પ્લસ ક્યારેય સેવન્ટી ટચ નહીં કરે એ વાત પણ નક્કી છે!

છેલ્લે છેલ્લેઃ
જીવન કી આધાધાપી મેં કબ વક્ત મિલા

કુછ દેર કહીં પર બૈઠ કે સોચ સકું

જો કિયા, કહા, માના ઉસમેં ક્યાં બૂરા ભલા

– હરિવંશરાય બચ્ચન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s