Mann Woman, WOW ( world of woman)

ચમકે એટલાં હીરા નહીં …

254bc56c565154a66282cf7e051870b091f9a6da

થોડાં સમય પહેલાં ઉબર ટેક્સીમાં થયેલા બળાત્કાર કેસની ચર્ચા ચરમસીમાએ પહોંચી એ હદે કે કર્નાટક, પંજાબ જેવા રાજ્યોએ તો આ સેવા પર પ્રતિબંધ લાદી દીધો . બાકી હોય તેમ પારકી પંચાતમાં નવાણીયો કુટાય તે રીતે બીજી પ્રાઇવેટ ટેક્સી સેવાઓને પણ વિના વાંકે અડફટે ચઢાવી દેવામાં આવી. પણ , આખરે એનો ઉપાય શું? સુરક્ષાનો પ્રશ્ન સૌથી મહત્વનો પણ એ માટે થઈને સેવા જ બંધ કરી દેવાય એ કઈ રીતે ચાલે? એ માટે ભારે મગજમારી પછી ઘણી ટેક્સી કંપનીઓ મહિલાઓ માટે , મહિલાઓ દ્વારા ટેક્સી સર્વિસનો રહી હતી ને એમાં થોડાં ઓર્ગનાઈઝેશને જાહેરાતો પણ કરી દીધી છે.

દિલ્હીના એ બર્બર કેસ પછી ખરેખર તો આ જાહેરાત ભારે આનંદની વાત લાગવી જોઈએ અને એટલું જ નહિ એને ઉત્સાહથી વધાવી લેવી જોઈએ પણ કોઈક અકળ કારણવશ આ જાહેરાતને પ્રતિસાદ ભારે મોળો મળ્યો . એ માટે કયું પરિબળ જવાબદાર હોય શકે? જો એવો પ્રશ્ન મનમાં થાય તો એનો જવાબ બીજું કોઈ નહીં પણ હાલ કાર્યરત આ વીમેન ટેક્સી સર્વિસ પરથી જ મળી શકે.

આ મહિલા ટેક્સી સર્વિસના પરચા આ લખનારને મળ્યા છે , તે પણ એક વાર નહિ બે ચાર વાર.

થયું હતું એવું કે વહેલી સવારની ફ્લાઈટ હતી એટલે ફ્લાઈટના રીપોર્ટીંગ ટાઈમ સાચવવા બે કલાક પૂર્વે આરામથી પહોંચી શકાય એટલે ટેક્સી હાયર તો કરી પણ વુમન ડ્રાઈવરની ટેક્સી . નિયત સમય કરતાં વીસ મિનીટ ઉપર થઇ ગઈ એટલે ફ્લાઈટ ચૂકી જવાશે એવા ગભરાટ સાથે બીજી ટેક્સી રોકી ને વાતચીત ચાલતી જ હતી ત્યાં પેલાં બહેનજી ટેક્સી લઇ પધાર્યા. તાલ તો હવે થવાનો હતો, એક તો પોતે લેટ છતાં એ બહેને એમના પતિદેવને ખખડાવતાં હોય તેવા ટોનમાં કહ્યું કે મારી ટેક્સી હાયર કરી છે ને આમ બીજી ટેક્સીમાં ભાગો છો? શરમ નથી આવતી કોઈ ગરીબના પેટ પર પાટું મારતા? હમણાં તમે એ ટેક્સીમાં બેસીને નીકળી ગયા હોત તો મારો તો ફેરો ફોગટ થાત ને , મારું આ નુકસાન કોણ ભરતે ?

જો તમે આ વાંચી ને હેતબાઈ ગયા હો તો બિલકુલ સ્વાભાવિક છે પણ એ બહેને જે બળાપો કર્યો તેનો આ બે લીટીનો સારાંશ છે.
એ પછી વારો આવ્યો સામાનનો ,” ટેક્સી હાયર કરી છે, મને નહીં, સમાન તો તમારે જ મુકવાનો હોય ને ? હું પણ તમારી જેમ “લેડીઝ” જ છું ને .. ” લો બોલો , એટલે સમાન પણ જાતે મુક્યા પછી ટેક્સીએ ગતિ પકડી. ડ્રાઈવર બેન તો કૈક વહેલી સવારના આથમતાં ચંદ્રને તારાનું સૌંદર્યપાન કરવામાં પડ્યા એટલે ટકોર કરવી પડી કે બહેનજી , ફ્લાઈટ અમને લીધા વિના ઉડી જશે.
બસ પછી બહેનજીનું ટ્રાન્સફોર્મેશન થઇ ગયું , માર્વેલના કોમિક્સમાં આવતા સુપર હીરોમાં , અમને થયું કે એરપોર્ટ પર નહીં આ તો નક્કી લેન્ડીંગ થશે હોસ્પીટલમાં, ફરી ટકોર , ફરી સામેથી મશીનગન ફૂટતી હોય તેમ ધાંય ધાંય થતી દલીલો . આખરે એરપોર્ટ આવી ગયું ને અમારી રોલર કોસ્ટર રાઈડ પૂરી થઇ.
ટેક્સીમાંથી સામાન જાતે જ ઉતાર્યો અને પછી જયારે મીટર પ્રમાણે પૈસા ચૂકવ્યા ત્યારે પેલા બહેનજી કહે : આમાં ટીપ ક્યાં છે?
એક તો સમયસર હાજર ન થવું, ન લગેજ માટે મદદ કરવી અને સહુથી મહત્વની વાત કે પેસેન્જરને પોતાની રામકહાણીનો ભોગ બનાવી એનો જીવ પડીકે બાંધી રાખવો એ માટે ટીપ?
શું ટીપ આપવી એ તો વિના વિચારે મનમાં આવી ગઈ ને ટીપમાં આપી મનમાં વળેલી ગાંઠ : ભૂલેચૂકે મહિલા ડ્રાઈવરની ટેક્સી ન હાયર કરવી .
જો કે આ વાત ઘણાં જોડે શેર કરી અને નારીવાદી મિત્રોનો મત એવો હતો કે હવે આ પરિસ્થિતિમાં ઘણો સુધારો છે. હિંમત કરીને બીજીવાર મહિલા ડ્રાઈવરની ટેક્સી હાયર કરી. અનુભવ પહેલા જેટલો ખરાબ નહોતો પણ જો મહિલા ડ્રાઈવર લગેજ માટે મદદ સુધ્દ્ધાં કરવા તૈયાર ન થાય તો વયસ્ક પેસેન્જર કઈ રીતે એ પરિસ્થિતિ હેન્ડલ કરે?

ઉબરના આ એપિસોડ પછી અચાનક જ ઘણાં બધા સંગઠનો મહિલાઓ દ્વારા મહિલાઓ માટે ટેક્સીની પ્રપોઝલ લઈને મેદાનમાં તો આવી ગયા છે પણ તેમને આ માટે તાલીમ આપવામાં આવે છે ખરી? જો કે ટાયર ઉત્પાદક સીયાટથી લઇ સ્ત્રીઓ માટે ચાલતા એનજીઓ પોતે તાલીમ આપીને આ મહિલાઓને મેદાનમાં ઉતારવાના છે તેવો દાવો તો કરે છે પણ આ આખી વાત નીવડે વખાણની છે .

આપણે ત્યાં સ્ત્રી સમાનતાને વાતો ભારે જોરશોરથી થાય પણ સરવાળે મીંડું . વિદેશોમાં સ્ત્રી સમાનતાની વાતો તો થાય છે પણ એક કટિબદ્ધતા રૂપે . તમે ન્યુ યોર્કમાં હો કે લાસ વેગસમાં, ત્યાં જો તમારી ટેક્સી ડ્રાઈવર લેડી હશે તો એ માત્ર સ્ત્રીઓને નહિ પુરુષને પણ લગેજ મેનેજ કરવામાં મદદ કરશે , પછી એ વાત જુદી છે કે પુરુષ પેસેન્જર પોતે જ સ્ત્રીદાક્ષિણ્યરૂપે ના પાડે .

સ્ત્રી હોવાને કારણે માત્ર એ જાતિ પરત્વે જ સહાનુભૂતિ રાખવી અને સત્ય સામે આંખમિંચામણા કરવા એ કોઈ સાચો નારીવાદ નથી.
સ્ત્રીને પુરુષસમોવડી કે મુઠ્ઠીઉંચેરી લેખાવવું હોય અને જયારે કામ અને ફરજની વાત આવે ત્યારે કામના કલાકોમાં , મહેનતમાં , શારીરિક , માનસિક , ભાવાત્મક પરિસ્થિતિમાં પોતે નારી છે એમ જતાવીને પતલી ગલીથી પલાયન થવાની વાત કોઈ સ્વમાની સ્ત્રીને ન શોભે .
હક્ક અને ફરજ એક જ સિક્કાની બે બાજુ છે , જો હક્ક જોઈતાં હોય તો ફરજ બજાવવાની આવડત કેળવવી પડશે , એ જ હશે સાચી સમાનતા.

છેલ્લે છેલ્લે:

પરખ અગર કરની હૈ તો કભી અંધેરો મેં કરો.
વરના ધૂપ મેં તો કાંચ કે ટુકડે ભી ચમકા કરતે હૈ

Advertisements

1 thought on “ચમકે એટલાં હીરા નહીં …”

  1. હક્ક અને ફરજ એક જ સિક્કાની બે બાજુ છે , જો હક્ક જોઈતાં હોય તો ફરજ બજાવવાની આવડત કેળવવી પડશે , એ જ હશે સાચી સમાનતા…………..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s