Mann Woman

લાગણીના બફરઝોન

kittyparty_1

કિટ્ટી પાર્ટી , આમ તો આ નામ ઘણાંને અરુચિકર લાગે. યુવાન ગૃહિણીઓ પોતાના ફાજલના સમયમાં હમઉમ્ર સહેલીઓને હળેમળે , ખાઈ પીને ગપ્પાંગોષ્ટિ કરે ને છૂટાં પડે. ઉદ્દેશ તો બહુ સારો પણ આ મિલનમાં પછી ભળે દેખાદેખી , ચડસાચડસી , કુથલી , ઈર્ષ્યા અને એ બધાનું કોકટેલ બને મિત્રતામાં રાજકારણની ભૂમિકાનું.

આ વાત, વત્તે ઓછે અંશે કોઈપણ ફ્રેન્ડસર્કલમાં જોવા મળવાની જ પણ કોઈવાર વયસ્ક લોકોની મંડળીમાં જવાનો યોગ થાય તો ખ્યાલ આવે કે મિત્રતાને જોડી રાખવા દુ:ખ ,સંતાપ કે વસવસો જેવા દર્દ કેવી સિમેન્ટ બની શકે છે. હવે આવી કિટ્ટી પાર્ટીઓ માત્ર યુવાન મહિલાઓની જ જાગીર ન રહી હોય તેમ વયસ્ક મહિલાઓ , નિવૃત્ત થયેલા લોકો માટે પણ એકમેકને જોડતું માધ્યમ બની ગઈ છે.

થોડાં સમય પહેલા જ યોગાનુયોગ એવા એક ગ્રુપ સાથે થોડી પરિચિતતા કેળવાઈ. ગ્રુપના તમામ સભ્યો સમાજના મોભાદાર પ્રતિષ્ઠિત કહેવાય તેવા કુટુંબમાંથી આવતા હતા. કદાચ અન્યો માટે ઈર્ષ્યાના કારણરૂપ. એમને જોઇને ઘણાં લોકો વિચારતા હોય કે આ લોકોએ ભગવાનને પંચે આંગળીએ પૂજ્યા હશે એવી પ્રતિભા. જેમ જેમ નિકટતા કેળવાતી ગઈ તેમ તેમ તેમનાં હ્ય્રદયમાં ઘોળાતાં તાપનો ખ્યાલ આવતો ગયો.

કોઈને ઉંમરલાયક દીકરા દીકરીનું ઠેકાણું ન પડતું હોય એનું દુ:ખ સાલતું હોય તો કોઈ ને ઘરમાં આવેલી નવી વહુઓની મનમાનીનું દુ:ખ. ઘણાને પચાસીએ પહોંચ્યા પછી પણ ઘરમાં કડેધડે સાસુસસરાના ફરમાન નીચે કચડાવું પડતું હોય તેનો વસવસો તો વળી કોઈને દીકરાવહુની આપખુદી વચ્ચે પીસાવાનું દુઃખ. અને કોઈ વળી એવા લોકો પણ મળે જેમણે કોઈ દુ:ખ ન હોવાનું દુઃખ,આ વાત કદાચ ખોટી લાગે તો એક નજર આસપાસમાં ફેરવી લેજો આવા થોડા કિસ્સાઓ તો જરૂર મળશે.થોડા કેસમાં વાત વધુ પડતી લાગે પણ હકીકતે ફિફ્ટી પ્લસ ઉંમરના પડાવ પર આ બધી વાતો અતિસામાન્ય છે.

પચાસી પાર કરીને વનમાં પહોંચેલ અમીતાબેને લગ્નની વયે પહોંચેલા એકના એક દીકરા માટે પુત્રવધુ શોધવાની શરૂઆત કરી. દીકરો દેખાવમાં સારો, વેલસેટ, પોતાની કંપની , આપમેળે ઉપર આવેલો છતાં મિતભાષી અને મળતાવડો. અમીતાએ નાની ઉંમરમાં વૈધવ્ય જોયું હતું, પતિ ગુમાવ્યા ત્યારે તેની ઉંમર હતી બત્રીસની ને દીકરો છ વર્ષનો હતો. સ્નેહી મિત્રો એ સમજાવી બીજા લગ્ન માટે પણ સંતાન માટે બીજા લગ્નનો વિચાર સુધ્ધાં ન કર્યો.ઘરમાં કોઈ વાતની કમી નહીં. પતિ પણ સારી મિલકત મુકીને ગયેલા અને દીકરાએ એમાં વધારો કર્યો , હવે આવા કુટુંબના દીકરા માટે કન્યાનો શું તોટો પડે? પણ અમીતા છેલ્લાં બે વર્ષથી મહેનત કરે છે છતાં કંઈ મેળ જ પડતો નથી. એવું કેમ ? આવા કારણોમાં ઊંડા ઉતરીએ તો હસવું કે રડવું ન સમજાય . અમીતા સિંગલ મધર ખરી પણ દીકરા જોડેનો વહેવાર એકદમ મુક્ત મનનો. દીકરો પણ માને બીઝનેસથી લઇ એક એક વાત ચર્ચે . જિંદગીના છવ્વીસ વર્ષ માદીકરા જ એકમેકના સાચા હમદર્દ બની રહેલા. હવે જયારે જયારે લગ્ન વિશેની વાતચીત થાય છોકરીનો આગ્રહ હોય કે જરૂર પડે એ છૂટો રહેવા તૈયાર છે કે નહીં .એમાં એક પરિવારે તો હદ જ કરી નાખી, કન્યાના વડીલે અમીતાબેનને મોઢામોઢ જ પૂછી લીધું કે “તમારે તો બે ફ્લેટ્સ છે ને?એટલે ……. ”

અમીતાબેન આમ નરમ, મરતાને મર ન કહે પણ જરૂર પડે એક ઘાને બે કટકા કરતાં એમને કોઈ ક્ષોભ પણ ન નડે. ” એ બધી વાત કરતાં તમે તમારે ઘરે જ લઇ જાઓ ને !! “અમીતાબેને લાગલું જ ચોપડાવ્યું . આ વાત મેરેજ બ્યુરોવાળા બહેનને એવી લાગી ગઈ કે હવે એ પોતે જ અમીતાબેનનો સ્વભાવ ભારે કરડો છે તેવું કેન્વાસીંગ કરે છે ને પરિણામે અમીતાબેનના દીકરા માટે કોઈ સારા ઘરની કન્યાનો મેળ પડતો નથી.

અમીતાને દીકરા માટે મેળ નથી પડતો એનું દુ:ખ છે તો નેહાબેનને દીકરાની વહુનું , ભારે કામચોર વહુ ઘરમાં હરતાંફરતાં વાળ ઓળે, અને પછી નીચે ખરેલાં વાળ ઉપાડવાની ચિંતા નેહાને માથે.આવી તો કેટલીય નાની નાની વાતો જેમ કે રસોઈ બનાવીને મુકે પણ ઢાંકવાનું પિયરમાં શીખી નહોતી. દર અઠવાડિયે ફ્રીજ સાફ કરવું કે કિચનની સાફસફાઈ કરવી એ બધું એની સમજ બહારની વાત , જે ઘરમાં દીકરીઓને સ્વચ્છતા , હાઇજીન વિષે કોઈ કેળવણી જ અપાઈ હોય તે ઘરમાં આવા દ્રશ્યો કાયમના છે. વાત એકદમ ક્ષુલ્લક પણ જે સાસુને આવી ફૂવડ વહુઓ જોડે પનારો પડે , તેમના વાળ ઉપાડવા પડે તેને જ એની વ્યથા સમજાય .

અમીતા, નેહા તો એકાદ બે દાખલા છે પણ આવી કેસ સ્ટોરીઓ તો ઘર ઘરમાં છે. પીડા દીકરાની માને હોય છે તે આ બધી બહેનોનો મત છે. શારદાબેનની વાત પરથી તો જો કે એમ જ લાગે છે.શારદા ને સુરેશ સુખી કપલ. પૈસેટકે સુખી અને એથી વિશેષ તો સંતોષી, દીકરો પરણ્યો, દીકરાની વહુ પણ વર્કિંગ વુમન. દીકરો વહુ સવારની પહોરમાં કામ પર જાય એટલે તેમના ટીફીન ભરીને મોકલવાની જવાબદારી શારદાએ પોતે મનથી સ્વીકારેલી. અહીં સુધી તો બધું ઠીક હતું પણ સુરેશભાઈ રીટાયર થયા. બચત સારી કરેલી બાકી તો ફાઈનાન્સનું પ્લાનિંગ પણ ઘણું કરેલું એટલે થયું ચાલો હવે જાત સાથ આપે ત્યાં સુધી હરી ફરી લઈએ. આમપણ આખી જિંદગી માતા પિતા અને દીકરા પાછળ જ નીકળી ગઈ હતી. સમય છે ,સંજોગ પણ, અને સ્વાસ્થ્ય પણ …..પણ એમાં વાંધો પડ્યો દીકરાની વહુને , સાસુ એમ ફરવા નીકળી પડે તો તેમના ટીફીન કોણ પેક કરે? ઘરના કામકાજ કોણ જુએ? અને કોઈ માની ન શકે કે આટલી નાની લગતી વાતમાં કુટુંબના શાંતિ અને સંપ હોમાઈ ગયા છે. શારદાની વહુને માત્ર ટીફીનની ચિંતા છે વિભાની વહુને પોતાના બાળકોને સાસુ ન જોય તો કોણ જુએ એ ડર સતાવે છે.

વિભાની વહુ શાલિની હાઈ પ્રોફાઈલ જોબ કરે છે. ભારે મથામણ પછી બાળક લાવવાનો નિર્ણય દીકરા વહુએ વિભાના કહેવાથી નહિ આપમેળે લીધો છે. બાળક તો આવી ગયું ને શાલિનીની મેટરનિટી લીવ પૂરી થઇ એટલે શાલીની જોબ પર તો ચઢી પણ બાળકની જવાબદારી વિભા પર છે, વિભાને ક્યાંક જવું આવવું હોય , મિત્રો જોડે બહાર જવું હોય કે શોકસભામાં પણ જવું હોય તો વહુને અગાઉથી જાણ કરવી પડે. શાલિનીની માતા જો પોતાના દોહિત્રને બે પાંચ કલાક રાખવા તૈયાર થાય એટલે કે બાળકની વ્યવસ્થા થાય તો વિભાને છુટ્ટી મળે. પોતે જ હોંશે હોંશે સ્વીકારેલી જવાબદારીઓ જયારે ગાળામાં પહેરેલા નાગ જેવી ત્યારે લાગે કે જયારે પ્રેમથી વ્યાજને જાળવતાં હોય અને વહુ ઓફિસમાં બેઠી બેઠી કલાકે કલાકે રીપોર્ટ પૂછે જાણે સાસુ કોઈ મફતની આયા કે બાઈ હોય.

આ બધી કરમકહાણી હોય છે વયસ્ક મહિલા કિટ્ટીઓની. જેને નામ અપાય છે મહિલામંડળ.
આ બધી સામાન્ય વાતો છે એ બધી જાહેરમાં કે એકમેકને કહી ફાયદો શું ? એવો પ્રશ્ન પણ સ્વાભાવિક રીતે થાય. એનો પણ જવાબ છે , આ હૈયાનો બળાપો કે વ્યથા કોઈક પાસે ઠાલવીને સ્ત્રી હળવી થઇ શકે છે પુરુષો નહીં. એમાંથી ક્યારેક કોઈ સમાધાન મળી પણ આવે અને ન મળે તો ય હૈયું થોડું હળવું થાય. કદાચ એ જ કારણ છે કે ભલે સ્ત્રીઓ માટે ચાર ચોટલા ભાંગે ઓટલા કે પછી બિલાડીના પેટમાં વાત ટકે નહીં એવી ઉક્તિઓ પ્રયોજાતી રહે છે પણ તે વૃત્તિથી જ તેમનું હૈયું સાબૂત રહે છે.એટલે જ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને હાર્ટ અટેક ઓછા આવે છે.

છેલ્લે છેલ્લે :
હર તરફ હર જગહ બેશુમાર આદમી
ફિર ભી તન્હાઈઓ કા શિકાર આદમી

~ નિદા ફાઝલી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s