Mann Woman

થોડી સી બેવફાઈ

IMG_5671

૨૫ વર્ષનો રાહુલ કોલ સેન્ટરમાં કામ કરે છે. ગ્રેજ્યુએશન કરતો હતો ત્યારે જ પાર્ટ ટાઇમ જોબ તરીકે કોલ સેન્ટરમાં નોકરી મળેલી. રાત આખી કામ કરવાનું ને દિવસ આખો પોતાનો, પગાર એકદમ તગડો. રાહુલને આ જોબ એવી તો ફાવી ગઈ કે એણે ગ્રેજ્યુએટ થયા પછી આગળ કોઈ સ્પેશિયલાઇઝેશન કરવાને બદલે આ નોકરી ફુલટાઇમ સ્વીકારી લીધી. થોડો સમય બધું યથાવત્ ચાલ્યું પણ પછી ઇન્ડિયામાં કોલ સેન્ટરોના દિવસ ભરાઈ ગયા હોય તેમ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલાં આ કોલ સેન્ટરો ધડાધડ બંધ પડવા માંડયાં. રાહુલે આવી તો કોઈ પરિસ્થિતિની કલ્પના સ્વપ્ને પણ કરી નહોતી. એટલે એની તો મુશ્કેલીનો પાર ન રહ્યો.

રાહુલ જેવા બીજા ઘણા હતા, જે તમામ માટે આ સમસ્યા સરખી હતી. કોલ સેન્ટર ચલાવતાં મેનેજર કમ માલિકે આ બધાને બોલાવ્યા. પોતે કોલ સેન્ટર બંધ કરે છે એ વાત સાચી પણ કોઈક વિદેશી કંપની જોડે ટાઇઅપ કરીને જુદા પ્રકારનો કોલ સેન્ટર જેવો સેટઅપ શરૂ કરશે એવું આશ્વાસન આપ્યું, પણ એ માટે કામ શું કરવાનું રહેશે એ સાંભળીને મોટાભાગનાં છોકરાં ડરી ગયા ને નોકરી છોડવી જ બહેતર સમજી.

રાહુલ અને તેના જેવા બેચાર રહી ગયા, જેમાં બેએક તો યુવતીઓ પણ હતી. આ લોકોનું કામ હતું સેક્સ ચેટ. ફોરેનના નંબર અખબારમાં કે નેટ પર એડ રૂપે ચમકે અને ગ્રાહકો ફોન કરે, છોકરીઓએ માત્ર ફોન પર વાત કરીને તેમનું દિલ બહેલાવવાનું, પણ આ જોબ તો છોકરીઓ માટે હતી. છોકરાઓ માટે હતું એથી વધુ ખતરનાક કામ. એ કામ હતું છોકરીઓના આઈડી લઈ સોશિયલ મીડિયા પર યુવકો કે મોટી ઉંમરના પુરુષો સાથે દોસ્તી કરવાનું અને તેમને યેનકેન કરી ચેટ પર આવકારવાનું. પહેલાં માત્ર ફ્રેન્ડલી ચેટ પછી ધીરે રહીને પ્રેમાલાપ. બિચારા પચાસી પાર કરી ગયેલા, પણ પોતાને જુવાનિયા માનતા પુરુષો સમજે કે તેમને આ ઉંમરમાં કોઈ ચાહનાર મળ્યું ને પછી હળવે રહીને વાત પહોંચે વેબ કેમેરા સુધી. માત્ર દેશી જેવા ઇન્ડિયન, નેટ વિશે ઝાઝું ન જાણનાર જ નહીં ટેક્સેવી કહેવાય એવા યુવાનો, વિદેશના કેટલાય લોકો આ રેકેટનો શિકાર બની જાય છે.

વાત જ્યારે વેબકેમ વાપરવાની આવે ત્યારે આ બિચારા ભોળાં પ્રેમીઓ સેવ કરી, સરસ પટિયા પાડીને વાળ ઓળી પોતાનાં પત્ની, બાળકો પોઢી જાય એની રાહ જોતાં બેસી રહે કે જેવી તક મળે વેબકેમ ઓન કરી પોતાના મુખારવિંદનાં દર્શન સામે બેઠેલી સુંદરીને કરાવે. એમને બિચારાઓને શું ખબર કે જેને સામે છેડે સુંદરી માની બેસીને પોતે પ્રેમાલાપ કરી રહ્યા છે તે કોઈ સુંદરી નહીં બલકે એમના જેવો જ પુરુષ છે જે વાત સ્ત્રીની જેમ કરે છે. વાત ત્યાં પૂરી થતી હોય તો પછી આ રેકેટ કઈ રીતે હોય? વાત ત્યાંથી શરૂ થાય. સામે બેઠેલી સુંદરી જે વાસ્તવમાં પુરુષ જ હોય તે પોતાનો વેબકેમ ચાલુ કરે. જેમાં દર્શાવાતી હોય કોઈ પ્રીરેકોર્ડેડ ક્લીપ. અહીં ઉલ્લેખવાની જરૂર નથી એ ક્લીપ કયા પ્રકારની હોય. બિચારા પ્રેમી મહાશય આવેશમાં તણાય જાય ને એ બધું રેકોર્ડ થતું જાય તેમના ચાલુ રહેલાં વેબકેમની આંખે સામે છેડે રહેલાં બીજા એક કેમેરાથી. આવેશમય મુલાકાત પૂરી થાય અને પોતે પત્નીને શારીરિક રીતે તો બેવફા નથી એવા સંતોષ સાથે ગૃહસ્થ નિદ્રાધીન થાય, હવે વહેલી પડે બીજી રાત. આવી બે પાંચ દસ રાતો ને કલાકોનું રેર્કોિંડગ, આ દરમિયાન રૂબરૂ મુલાકાતની લાલચ અપાઈ ચૂકી હોય એટલે સજ્જનોએ પોતાના મોબાઇલ નંબર પણ આપી દીધા હોય અને પછી શરૂ થાય નાટકનો ભાગ બીજો અને છેલ્લો.

થોડા દિવસનું રેર્કોિંડગ થઈ જાય એટલે એક દિવસ કોઈક વિદેશી નંબરથી ફોન આવે, ફોન રિસીવ ન કરો તો એસએમએસ કે વોટ્સએપ મેસેજઃ તમારાં તમામ કરતૂત ખાનગી રાખવાં હોય તો… એ પછી ચક્કર શરૂ થાય ક્રેડિટ કાર્ડથી ચુકવણીનું, કોઈ વિદેશમાં રહેલા બેન્ક એકાઉન્ટમાં રકમ જમા કરાવવાનું. આ વાત જો કપોળકલ્પિત લાગતી હોય તો સોશિયલ મીડિયા પર અખતરો કરી જોજો. તાજેતરમાં જ કોઈ સાહિત્યકાર સાથે આવી ઘટના બની હોવાનું પ્રકાશમાં પણ આવ્યું હતું, પણ હકીકતે આ વાતો ક્યારેય જાહેરમાં તો ઠીક પોલીસ સુધી પણ પહોંચતી નથી.

ઇન્ટરનેટની દુનિયામાં આ નવા પ્રકારના ક્રાઇમે જન્મ તો ક્યારનો લઈ લીધો છે પણ પર્દાફાશ હવે રહી રહીને થઈ રહ્યો છે. જેને લેખાવાય છે સેક્સટોર્શન.

રોજ અખબારમાં, સોશિયલ મીડિયા પર વારંવાર ન્યૂઝ જોવામાં આવે છે નેટ પર ચાલતાં ગોરખધંધાના, કોઈક નાણાંને લગતાં રેકેટ તો કોઈ સેક્સને લગતાં. આ પરિસ્થિતિ માત્ર ઇન્ડિયામાં જ છે એવું માનવાની ભૂલ કરી લેવી નહીં. તાજેતરમાં જ એક આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલતું એક મહામોટું રેકેટ પકડાયું છે. જોવાની ખૂબી તો એ છે કે ફિલિપાઇન્સ નામના સાવ નાનકડાં ગરીબડા દેશમાંથી ચાલતાં આ રેકેટે અમેરિકા, યુરોપ ને એશિયન દેશોમાં ખાસ કરીને ઇન્ડિયા વાંચો, ટેરર વર્તાવ્યો હતો. એટલે ટૂંકમાં કહેવું હોય તો સેક્સને નામે ખંડણીવસૂલી.

ઇન્ડિયામાં આ સેક્સટોર્શનનો ભોગ બનેલાં લોકોની સંખ્યા ખૂબ મોટી છે અને જો પોલીસ ફરિયાદ જુઓ તો ઝીરો. આ વિશે કોઈ પોલીસ ફરિયાદ કરતી જ નથી. કયા મોઢે ફરિયાદ નોંધાવા જવું? પોલીસને શું કહેવું? સોશિયલ નેટવર્કના, પોર્ન ચેટના માધ્યમથી ઉલ્લુ બન્યા?

આ ક્રાઇમમાં સંડોવાયેલી એજન્સીઓ મોટાભાગે બેંગકોક કે ફિલિપાઇન્સથી ઓપરેટ કરતી હોય છે, જેને કારણે તેમને સાયબર ક્રાઇમના દાયરામાં લેવી ઘણી મુશ્કેલ પડે છે અને જોવાની ખૂબી તો એ છે કે જો ફરિયાદ જ ન થતી હોય તો ગુનાખોરી નાથવી પણ કઈ રીતે?

દર વખતે નવો શિકાર આ ગઠિયાઓને મળી રહે છે અને તે જ છે તેમનું ટ્રેડ સિક્રેટ.

આ વાત નવી તો નથી, પણ ખાસ ર્ચિચત પણ નથી. ઘરનાં સુખ શાંતિ હણી નાખતી આ સોશિયલ નેટવર્ક પર થતી મૈત્રીમાં તમારા લાઇફ પાર્ટનર ગૂંચવાયા તો નથીને એ જાણી લઈ થોડી સમજશક્તિ અને વધુ સહનશક્તિ રાખો તો વાંધો નહીં આવે.

છેલ્લે છેલ્લેઃ
જિંદગી યૂં ભી હૈ, જિંદગી યૂં ભી હૈ, યા મરો એકદમ, યા મરો ઉમ્રભર – અકીલ નોમાની

Published in Sandesh , Nari

Advertisements

1 thought on “થોડી સી બેવફાઈ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s