Being Indian, Mann Woman

જાગ સકે તો જાગ !!

Rahul-Yelange everest

થોડાં વર્ષ પહેલાં શાહરૂખ ખાનની ફિલ્મ આવેલી : સ્વદેશ , જેમાં વિદેશમાં વસતો  હાઈલી કવોલીફાઈડ પૌત્ર પોતાની દાદીને મળવા ગામમાં આવે છે , ગામ અને ગામલોકોની પરિસ્થિતિ જોયા પછી આખરે પોતાની માતબર નોકરી અને વિદેશ છોડી ગામ આવી વસી જાય છે, પોતાનાં ગામ અને ગામલોકોના કલ્યાણ માટે.
 જયારે આ ફિલ્મ આવી હતી ત્યારે દર્શક શહેરી હોય કે ગ્રામીણ , સહુ કોઈ આ ફિલ્મ પર સમરકંદ બુખારા ઓવારી ગયા હતા. ફિલ્મ વિવેચકો એ જ નહીં પણ ઘણાં અભ્યાસુ ,વિદ્વાન લોકોએ પોતપોતાનો મત પ્રગટ કર્યો કે આવું કૈંક થાય તો ભારત એક નવી ઉંચાઈ સર કરી શકે. યુવાધન ભણી ગણીને વિદેશ જતું રહે એ બ્રેઈન ડ્રેઈનનો મુદ્દો પણ ભારે ચગ્યો ને પછી જેમ સામાન્ય રીતે થાય છે તેમ  બધી વાતો ભુલાઈ ગઈ.
આ ફિલ્મનો પ્રભાવ હશે કે પછી પોતાના મનનો અવાજ જે હોય તે પણ આ સ્વદેશ જેવું જ કૈંક કરવાનું એક નવયુવાન યુગલને સુઝ્યું  .
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાનું એક નાનકડું ગામ ભોંગાઉં બદ્રુક , ત્યાંનો  મોટી  આ છોકરો  . ગામ જેટલું નાનું એથી ઉલટી એવી  મોટી સિદ્ધિ  આ છોકરાને મળી. રાહુલ યેલંગે એનું નામ, એણે  2012માં વિશ્વના સૌથી ઉંચાં લેખાતાં શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું  . એમ કહેવાય કે ગામનું નામ રોશન કર્યું  . એ ધારતે તો કોઈ શહેરમાં વસી શકત. સારી નોકરી પણ મળી જાત અને ક્યારેક ક્યારેક ગામમાં પ્રસંગોપાત ભાષણબાજી કરી આવીને ગામલોકોની સેવા કર્યાનો સંતોષ મેળવી લેત. પણ , રાહુલે એવું ન કર્યું  . રાહુલને થયું પોતાની જેમ પોતાના ગામના છોકરાઓ પણ દેશભરમાં પોતાના ગામનો ડંકો વગાડે, એટલે શરુ કરવી હતી એક ટ્રેઈનીંગ સ્કૂલ , ગામના બાળકો માટે. રાહુલ નસીબદાર તો કહેવાય કે એની આવી ગામમાં જઈને વસવાની ઈચ્છાને તેની પત્ની પૂર્ણિમાએ સહકાર આપ્યો  . પૂર્ણિમા પુણેની , એટલે કે શહેરમાં જ જન્મીને મોટી થયેલી , ને વળી વ્યવસાયે એડવોકેટ, તે પણ સાઈબર લો એક્સપર્ટ  . સેવાભાવી કપલ આવીને તો વસ્યું પણ પર્વતારોહણ માટેની સ્કુલમાં છોકરાં આવે કેટલાં કે એના પર ઘર ચાલે? એટલે દંપતીએ વિચાર્યું કે પૂર્ણિમાએ પોતાની પ્રેક્ટીસ ચાલુ રાખવી અને રાહુલે મૂળ વ્યવસાય તરીકે ડેરીઉદ્યોગ ખોલવો જેથી એમાં પણ ગામલોકોને મદદરૂપ થવાય  .
અહીં સુધીની વાત તો પરીકથા જેવી હતી. એક હેપ્પી લવસ્ટોરી જેવી પણ હવે આવે છે વાસ્તવિકતા  .
જે 30 વર્ષીય રાહુલે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું તે રાહુલે આજે પોતાના ડેરી  ઉદ્યોગ માટે રાખેલાં ગાય ભેંસ માટે પાણી લાવવા 20 મીનીટનું ટ્રેકિંગ કરવું પડે છે, પોતાના ઘરથી ગામની બહાર આવેલાં તળાવ સુધી  .
જેનું કારણ છે ગામલોકોના ફતવા  .
નવાઈ લાગે એવી વાત છે ને ? જે ગામ માટે ગામલોકો માટે યુવાન દંપતિ પોતાની આરામકશ જિંદગી છોડીને ગામમાં આવે, એક અભિયાન સાથે તેમની સાથે આવો કેવો વ્યવહાર?
ગામલોકો નથી આ દંપતી સાથે બોલવાનો પણ વ્યવહાર રાખતા નથી ત્યાં વાડકી વ્યવહારને તો વાત જ શું વિચારવાની ?
એટલું જ નહીં કે મિશન સાથે રાહુલ પૂર્ણિમા આ ગામમાં આવી ને વસ્યા તે પર્વતારોહણ  માટે જરૂરી , રોક ક્લાઈમ્બીંગની પ્રેક્ટીસ માટે જરૂરી દીવાલ બાંધવાની મંજૂરી આ ગામલોકો આપવા તૈયાર નથી.
આજે પરિસ્થિતિ એવી છે કે રાહુલ રોજ 20 મિનીટ ચાલીને બાલદી ભરી ભરી ને પાણી લાવે તો કામ ચાલે અન્યથા ઠપ્પ. બીજી બાજુ પૂર્ણિમા સાઈબર લોમાં એક્સપર્ટ છે એટલે એની સલાહ માટે , કન્સલ્ટીંગ માટે જો કોઈ આવે , એટલે કે પુરુષ એમ વાંચો તો ગામલોકો પૂર્ણિમાના ધંધા  આડાં છે એવા ગપગોળા ચલાવે છે.  આ બધું શેને માટે ? તો કહે સામાજિક બહિષ્કાર  . ગામલોકોએ સુધરેલાં લોકો સામે આ ‘બહિષ્કાર’ નું શસ્ત્ર ઉગામ્યું છે.
જો હવે એ પ્રશ્ન થતો હોય કે શા માટે ? શા માટે આ બહિષ્કાર? તો કારણ છે રાહુલ અને પૂર્ણિમાના લગ્ન  .
2012માં રાહુલે જયારે એવરેસ્ટ સર કર્યું ત્યાં સુધી એ બહુ સારો છોકરો હતો. ગામનું નાક.  પણ , 2014માં એણે પૂર્ણિમા સાથે લગ્ન કરી લીધા  . તે પણ રજીસ્ટર મેરેજ, કોર્ટમાં   … આ વાત ગામલોકોને અક્ષમ્ય અપરાધ જેવી લાગે છે.
બાકી રહી ગયું હોય તેમ રાહુલ આ સુધરેલીને પરણીને પાછો ગામમાં લઇ આવ્યો  .
જો કે ગામલોકોની સુધરેલીની વ્યાખ્યા જાણીને ચક્કર આવી જાય  . પૂર્ણિમા એવી સુધરેલી છે જેને ગામલોકો બગડેલી , વંઠેલી માને છે  . કારણ ? કારણ કે પરણેલી આ પૂર્ણિમા નવવારી સાડી  નથી પહેરતી, નથી કપાળે  બિંદી લગાવતી, નથી ગળામાં મંગળસૂત્ર પહેરતી  ..બાકી રહી ગયું હોય એમ એ જીન્સ પહેરીને ગામમાં ફરે   ….  એટલે ગામલોકોને થયું આ લોકોનો બહિષ્કાર કરવો જ પડે ને?
રાહુલ ને પૂર્ણિમાએ ધાર્યું હતું  કે સમય જતાં  પરિસ્થિતિ થાળે પડતી જશે પણ એ તો બગડતી ગઈ.
ગામલોકોએ કહ્યું કે ‘રોક ક્લાઈમ્બીંગ માટે બાંધેલી દીવાલ તોડી નાખો , એની અમે મંજૂરી આપતા નથી.’
‘ પાણી ગામના કુવામાંથી ભરવું નહીં, ચાહે તો 20 કિલોમીટર દૂરથી પાણી લો……’
‘અને હા ,  આ પૂર્ણિમા માટે જે લોકો આવે છે તેવો ‘ગંદવાડ’ ગામમાં નહીં સાંખી લેવાય….  ‘
 ….આ તાનાશાહી , આપખુદીને શું કહેવું?
આ બધી પરિસ્થિતિમાં પણ આ યુગલ અણનમ તો રહ્યું છે પણ એટલે હવે ગામલોકો મરણીયા થયા છે. એ લોકો એ ભેગા મળી ગ્રામપંચાયતને એક પત્ર લખ્યો છે કે , જો રાહુલ પૂર્ણિમા જ્યાં પોતાના ગાયભેંસ , ઢોરઢાંખર રાખે છે તે ગમાણમાં આગ લાગી શકે છે , અને જો લાગે અને જો એ તબેલો સંપૂર્ણપણે  નષ્ટ થઇ જાય  તો તે માટે પંચાયતે કોઈ ગ્રામ્યજનને જવાબદાર લેખવા નહીં.
 વાત પાછળનું લોજીક કંઇ સમજાય એવું છે?
એમ માનો છો કે પૂર્ણિમા સાડી  પહેરે , બિંદી લગાવે , મંગળસૂત્ર પહેરી રાખે તો સમસ્યાનું સમાધાન થઇ જાય ?
જો કોઈ એમ માનતું હોય તો એ વાતમાં માલ નથી કારણ કે કારણ છે કૈંક જુદું જ. આ આખી વાત પાછળ એક જુદી જ માનસિકતા , ગણિત છે.
લોજીક છે અજબ પ્રકારની તાનાશાહી  . ગામમાં પોતાનાથી વધુ ભણેલાં , પ્રભાવશાળી લોકો આવી ને વસે અને જો ભૂલેચૂકે ગામનું કલ્યાણ થઇ જાય તો ગામલોકો બેસી જાય એમના પલ્લે એવી પરિસ્થિતિમાં યેનકેન પ્રકારે ભોળાં , અભણ ગામલોકોને ઉશ્કેરી પોતાની હકૂમત જાળવી રાખવાની જે માનસિકતા છે તેનું પ્રતિક છે આ કિસ્સો.
જોવાની ખૂબી તો એ છે કે આ મુઠ્ઠીભર લોકોના હાથમાં માત્ર ગામલોકોની લાગણી કે મજબૂરી જ નહીં પોલીસ તંત્રનો સાથ પણ હોય છે,  જેનાથી તેઓ પોતપોતાની મનમાની કરે રાખે છે.
પણ , ગેરફાયદો કોને છે?
ગેફાયદો ગામને છે, લોકોને છે. જ્યાં ઉંચે ઉઠવાની એક તક આવે તે પહેલાં જ અલોપ થઇ જાય છે.
છેલ્લે થઇ શું શકશે ? બહુ બહુ તો આવાં આદર્શવાદી રાહુલો  , પૂર્ણિમાઓ ભૂલે ચુકે પણ કદીય ગામમાં  પગ ન મુકવો એવું પાણી મુકીને બીજે ક્યાંક વસી જશે ને ગામ રહી જશે પોતાની કૂપમંડૂક દુનિયામાં કેદ. જ્યાં 21મી સદીનો ઉજાસ ન પહોંચે એ જ સંસ્કૃતિ લેખાય છે  .
આ સમસ્યાનું સમાધાન ક્યાં છે ? સ્ત્રીઓની સાડી  , બિંદી , મંગળસૂત્રમાં ?  કે પછે  સમાજના ઠેકેદાર બની બેઠેલાં પુરુષોની  રોગિષ્ટ માનસિકતામાં ?
એટલે એનો અર્થ એ કે સ્વદેશ જેવી ફિલ્મો આવતી રહેશે , તાળીઓ ઉઘરાવતી રહેશે પણ ભારત તો ત્યાંનું  ત્યાં જ રહેશે , કારણ કે લોકો સુધરશે , શિક્ષિત અને સમૃદ્ધ થશે તો થોડાં  મુઠ્ઠીભર લોકોની દશા બગડી જશે   ….
છેલ્લે છેલ્લે:
 
જૈસે તિલ મેં તેલ હૈ 
જ્યોં ચકમક મેં આગ 
તેરા સાંઈ  તુજ  મેં હૈ 
તું જાગ સકે તો જાગ.
~ કબીર 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s