Mann Woman, WOW ( world of woman)

માય સ્પેસ : એની કોઈ સીમા હોય ખરી કે નહીં?

womenandwine

કોઈના પણ દાંપત્યજીવનમાં ખટરાગ ઊભો થાય એટલે એ આખી કહાનીને એક ને માત્ર એક જ એન્ગલ આપી દેવામાં આવે. લગ્નજીવનમાં ત્રીજી વ્યક્તિનું આગમન. અલબત્ત, ઘણાં દંપતીઓ એવાં પણ જોવા મળે છે કે એમાં એક નહીં અનેક વ્યક્તિઓની આવનજાવન થતી રહે ને છતાં મરવાને વાંકે ડચકાં ખાઈ રહેલી ડોશીની જેમ એ લગ્નજીવન વર્ષો સુધી ચાલ્યા જ કરે. વિના કોઈ ફરિયાદ, વિના કોઈ અપેક્ષા, વિના કોઈ લાગણી કે પ્રેમ કે ઉષ્મા સાથે,જાણે લીવિંગરૂમમાં પડેલી એક નકામી ચેર. એ સામે નજર નાખવી ન ગમે ને કાઢી નાખવાનો જીવ પણ ન થતો હોય, એ માટેનું કારણ પછી ગમે તે હોઈ શકે.

એથી તદ્દન વિપરીત એવાં લગ્નજીવન પણ હોય કે એક પાત્ર કોઈ પૂર્વ ભવનું લેણું વસૂલવા આવ્યું હોય એમ સામેની વ્યક્તિનું લોહી પી જાય. એ માત્ર પતિ જ હોય એવું જરૂરી નથી, પત્ની પણ હોય શકે, પણ ભાંગતા લગ્નજીવનમાં મોટેભાગે વાંક માત્ર ને માત્ર પુરુષનો જ હોય એવું ધારી લેવાની માનસિકતા અજાણે જ ઘડાઈ ચૂકી છે.

સામાન્ય રીતે કાયદાઓ પણ મહિલાઓની તરફેણ વધુ કરે છે, પણ આ માહોલમાં સુપ્રીમ કોર્ટે એક રસપ્રદ ચુકાદો આપ્યો છે. કેસ ગુજરાતનાં દંપતીનો છે. સાક્ષી ને પરિમલનું (ઓળખ છુપાવવા માટે નામ કાલ્પનિક મૂક્યાં છે લગ્નજીવન ખરાબે ચઢયું જ હતું. બંને એક જ છત નીચે હોવા છતાં અલાયદા રૂમમાં રહેતાં હતાં. એવામાં જેવું કોઈ પણ કહાનીમાં થાય તેમ પરિમલ કોઈ બીજી યુવતીના પ્રેમમાં પડયો. જ્યાં સુધી વાત એક જ ઘરમાં રહીને રોજ અબોલા લઈને ઝઘડવાની હતી ત્યાં સુધી સાક્ષીને ડિવોર્સ સામે વાંધો નહોતો, પણ હવે તો પતિ-પત્નીની વાર્તામાં વોનું આગમન થયું એટલે કહાની મેં ટ્વિસ્ટ. પરિમલની વાત સાફ હતી. જો બંનેને વાતચીત પણ નથી કરવી તો છૂટાછેડા લઈને માર્ગ મોકળો કરી આપવો જોઈએ. જોકે, અહીં એક મહત્ત્વની કડી એ મિસિંગ છે કે પત્નીની આવક કે પછી ભરણપોષણ કે બાળકોની વિગત સાફ નથી, પરંતુ એક વાત નક્કી હતી કે સાક્ષીને એકમાત્ર કારણસર ડિવોર્સ નહોતા આપવા, જેથી પરિમલ બીજી વાર પરણીને સુખી થઈ શકે.

સાક્ષીએ તેથી પોતે ઘર ખાલી નહીં જ કરે એટલું તો જણાવ્યું જ પણ સાથે સાથે કદી ડિવોર્સ નહીં જ આપે તે પણ જાહેર કરી દીધું. પરિમલે જે રીતે સામાન્ય પુરુષો કરતા હોય તે જ રીત અપનાવી. ઘરવાલી બહારવાલીવાળી કરીને. હશે એ પણ શક્ય છે કે પરિમલની પ્રેમિકાને આ સ્થિતિ માન્ય હોય, પણ આ સ્થિતિ સાક્ષીનેેેે માન્ય નહોતી. ખટરાગ વધતો ગયો ને એક દિવસે સાક્ષીએ આત્મહત્યા કરી લીધી, કારણ આપ્યું માનસિક ક્રૂરતા. પરિમલે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખીને જે પારાવાર દુઃખ પહોંચાડયંુ તે માટે આપઘાત કર્યો. આખી વાત જ અતિશય દુઃખદ છે. માત્ર પોતાનો પતિ બીજી સ્ત્રીને ન પરણી શકે ને આખી જિંદગી કોર્ટ કચેરીના ચક્કરમાં અટવાયેલો રહે એ માટે થઈને પોતાની જાતને હોમી દેવાની વેરવૃત્તિ ખરેખર તો સંતાપ કરતાં મરનારના લોજિક પર દયા ઉપજાવે એવી છે.

પરંતુ કહાની અહીં પૂરી નથી થતી, બલકે શરૂ થાય છે.

ખુદ પરિમલ અને સાક્ષીના સંબંધીઓ, મિત્રો, ઓળખીતાઓની તમામ વાતનો સૂર એક જ હતો કે બંને વચ્ચે મનમેળ નહોતો તે વાત સાચી, પણ પરિમલ સજ્જન માણસ હતો,પાંચમાં પુછાતો. સાક્ષી પણ આમ સારી પણ વિધિનું કરવું એવું કે બે સારી વ્યક્તિઓ એકમેક માટે બની નહોતી, પરંતુ એવું ક્યારેય નહોતું બન્યું કે પરિમલે સાક્ષીને કોઈ દહેજ માટે કે અન્ય કોઈ રીતે રંજાડી હોય, બલકે સમાજમાં ઘણાં એવા સંબંધી દ્વારા જાણવા મળ્યું કે સહન તો બિચારો પરિમલ કરતો હતો. છતાં દુનિયાની દૃષ્ટિએ પરિમલ કસૂરવાર હતો, કારણ કે એ બીજી કોઈના પ્રેમમાં પડયો હતો ને એને તે યુવતી સાથે લગ્ન કરી સેટલ થવું હતું. આ એનો ગુનો. જેને માટે સાક્ષીએ આત્મહત્યા કરી એટલે સાક્ષીનાં પિયરિયાંએ પરિમલ પર માનસિક ક્રૂરતા આચરવાનો આરોપ લગાવ્યો હતો. ગુજરાતનો આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને ફાઇનલી એનો નિવેડો આવ્યો કે અન્ય સ્ત્રીના પ્રેમમાં હોવું એ કોઈ માનસિક ક્રૂરતા નથી. આ કેસમાં પરિમલની એક પણ વર્તણૂક એવી નહોતી કે સાક્ષીએ આત્મહત્યા કરવી પડે. એ માટે સ્ત્રીઓ જે કલમનો ઉપયોગ કરતાં દુરુપયોગ વધુ કરે છે તે કલમ ૪૯૮છ વાળી વાત જ બનતી નહોતી. કારણો ઘણાં હતાં જેમ કે, પરિમલે ન તો કોઈ દિવસ દહેજની માંગ કરી હતી નહોતી કોઈ મારપીટ, એવા સંજોગોમાં સાક્ષીની આત્મહત્યા પરિમલને દોષી ન ઠેરવી શકી.

વાત એક સુપ્રીમ સુધી પહોંચેલા કેસની છે, પણ હકીકતે આજકાલ માનસિક ક્રૂરતાની જે વ્યાખ્યા થઈ રહી છે તેની પરિભાષા સમજવી મગજથી પર છે.

તાજેતરમાં જ બોમ્બે હાઈકોર્ટે એક પીડિત પતિની ડિવોર્સ કેસની અરજી ફગાવી દીધી. એનું કારણ હતું, માનસિક ક્રૂરતા. પતિએ પોતાની બાજુ રજૂ કરતાં ડિવોર્સનું કારણ આપ્યું કે તેની પત્ની રોજ રાત્રે કોઈ ને કોઈ પબમાં જાય છે ને નશામાં ધૂત પાછી આવે છે. આ રોજનું પબિંગ અને પાર્ટી માનસિક ક્રૂરતા છે.

જોવાની વાત એ છે કે આ પતિ-પત્નીનાં લગ્નને વીસ વર્ષ થઈ ચૂક્યાં છે. પતિની ફરિયાદ છે. પત્નીનું રોજ થતું સોશિયલાઇઝિંગ, રોજ રાત્રે પાર્ટી, મિત્રો, સંતાનો તરફ દુર્લક્ષ્ય.

એ કારણોસર પતિએ ૧૯૯૯માં ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માંગતી અરજી ફાઇલ કરેલી, હા, એક મહત્ત્વની વાત એ કે આ કપલ સાઉથ મુંબઈમાં રહેતું ધનાઢય કહી શકાય એ ઇન્કમગ્રૂપમાંથી આવતું હતું. પતિએ એમ કહેલું કે આ રોજની પાર્ટી માટે થતા પત્નીના ખર્ચા પણ અસાધારણ છે. એટલે ફેમિલી કોર્ટે બીજું કશું ન જોતાં જોઈ પતિની ઇન્કમ. જો પતિની ઇન્કમ તગડી હોય તો પત્ની આ રીતે પબમાં જઈને કે મિત્રો સાથે બહાર જઈને ફરે, ખર્ચ કરે તેમાં કોઈ માનસિક ક્રૂરતા નથી એમ કહી કેસ કાઢી નાખ્યો એટલે પતિએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા પડયા.

જોવાની ખૂબી એ છે કે હાઈકોર્ટને પણ પત્ની પબિંગ કરે એમાં કોઈ ક્રૂરતા ન લાગી, પણ સંતાન તરફ મા ફરજ નથી બજાવતી એ વાત પણ લક્ષ્યમાં લેવા જેવી ન લાગી. એટલે કે આ ગ્રાઉન્ડ પર ડિવોર્સ મળી શકે નહીં.

પતિ-પત્નીના સંબંધમાં માનસિક ક્રૂરતા કોને કહેવી એ ખરેખર પેચીદો પ્રશ્ન બનતો જાય છે. ગુજરાતીમાં કહેવત છે વાતમાં હિંગનો વઘાર નહીં ને, એટલે કે વાતનું વતેસર કરવાની વૃત્તિ આજે વધી રહેલા ડિવોર્સ કેસીસની જડ છે એ સાચું છતાં હવે લાગે છે સહનશક્તિ તો તળિયે પહોંચી જ ગયેલી, પણ હવે તો સામાન્ય સમજશક્તિનું પણ દેવાળું ફૂંકી ગયેલું દેખાય છે.

આજકાલ જેને જુઓ બધાને જોઈએ છે માય સ્પેસ, મુક્તતા, પોતાની સ્પેસ જોઈએ છે, એમાં કંઈ ખોટું પણ નથી, પણ સામેની વ્યક્તિના ભોગે? એ સાથે સહમત થઈ શકાય?

છેલ્લે છેલ્લે : વો કિતાબોં મેં દર્જ થા હી નહીં, સિખાયા જો સબક જિંદગી ને.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s