Being Indian, Mann Woman

મેરા ભારત મહાન ?

INDIA-LABOUR-CHILD

હજી થોડા સમય પહેલાંની જ વાત છે. બિલ્ડિંગનો વોચમેન એક નાના આઠેક વર્ષના છોકરાને લઈને આવ્યો. કહે કે બહેન, આને તમે ઘરકામ માટે રાખી લો. સાત કે આઠ વર્ષનું બાળક, જે પોતે શા માટે એને લાવ્યો છે તે પણ ન જાણે. આ સગીર વયના બાળકને ઘરકામ કે કોઈ પણ કામમાં જોતરવા એ ગુનો છે તેની તો જાણ છેને? મારા પ્રશ્નના જવાબમાં વોચમેને જે કહ્યું તેનાથી હું સન્ન રહી ગઈ.

આ છોકરો તો હતો સારા ઘરનો, બાપ લગ્નમાં રસોડું સંભાળનાર હેડ મહારાજ, પગાર પણ સારો. તકલીફ એ થઈ કે એની પત્ની ગુજરી ગઈ ને બીજી કરી. જેમ સમાજમાં થતું આવ્યું છે તેમ નવીને સારા દિવસો રહ્યા એટલે નવીએ કહ્યું કે આને ક્યાંક નાખી આવો તો જ હું રહું નહીં તો પિયરભેગી થઈ જઈશ. જોરૂના ગુલામ બનેલા પેલા બાપે માસૂમ દીકરાને ઘરનોકર તરીકે મૂકી દેવાનો નિર્ણય કર્યો.

હવે કાયદા એટલા સખ્ત થયા છે કે આટલાં નાનાં બાળકોને રાખતા પહેલાં સહુ કોઈ વિચારે. એ માસૂમને ક્યાં, કઈ રીતે સેટલ કરાયો એ પાછી બીજી સ્ટોરી છે પણ મૂળ વાત છે બાળમજૂરી અને દાસપ્રથાની.

આ છોકરો નસીબદાર હતો કે એને કોઈ ર્બોડિંગ સ્કૂલમાં જવાની અને આગળ ભણવાની તક મળી પણ એના જેવા નસીબદાર સહુ કોઈ હોતા નથી.

એ પછી છોકરો હોય કે છોકરી.

થોડાં સમય પહેલાં જ એક કિસ્સો અખબારમાં ચગ્યો હતો. ઘરમાં કામ કરનારી માત્ર ૧૦ વર્ષની છોકરીની હત્યાનો. મુંબઈના અતિશય પોશ કહેવાય એવા વિસ્તારમાં આવેલા એક બહુમાળી મકાનના એક ફ્લેટમાંથી કામ કરનારી છોકરી પડી, ને પડી એવી જ મૃત્યુ પામી. પોલીસતપાસમાં ખબર પડી કે એ છોકરી સાથે અતિશય પાશવી કહી શકાય એવું વર્તન થયેલું. એ છોકરીના આખા શરીર પર તીક્ષ્ણ વસ્તુથી કરેલી ઈજાના ઊંડા ઘાવ તો હતા જ પણ ગુદામાં પણ અસાધારણ ઈજા હતી. પોલીસનો પહેલો શક હતો ઘરમાલિકના યુવાન દીકરા પર. છોકરાને પોલીસે ત્રીજું નેત્ર બતાવ્યું છતાં કંઈ ન વળ્યું, પોલીસને લાગ્યું કે અહીં વાત કંઈક જુદી છે. થોડા દિવસમાં પોલીસને મળી ગઈ ખૂટતી કડી. એ હતી છોકરાની પરિણીત બહેન. એ જ બિલ્ડિંગમાં રહેતી હતી. એક દિવસ આખું કુટુંબ બહારગામ ગયું હતું. છોકરી એકલી હતી ત્યારે બહેન ઘરની દેખભાળ કરવા આવી ત્યારે જોયું કે આ છોકરી પોતાની માના કોસ્મેટિક્સ વાપરી રહી છે, ગુસ્સામાં પાગલ થઈને બહેને પેલી છોકરીને ધીબી નાખી પણ એનાથી એને સંતોષ ન થયો એટલે કોઈ ધીટ ગુનેગાર ન કરે તેવી ઈજા પહોંચે તેવા આશયથી આ કામ કરેલું. એ જ દરમિયાન છોકરીએ દમ તોડી દીધો એટલે એને ઊંચકીને બારીમાંથી બહાર ફેંકી દીધી. આ કેસમાં એ હત્યારીની સાથે સાથે મા-બાપ અને ભાઈને જનમટીપની સજા થઈ છે. પણ, અહીં કહેવાનો આશય એટલો જ કે ભદ્ર સમાજ શું પોતાના ઘરમાં કામ કરનારને મશીન કે રોબોટ સમજે છે?

ભારતમાં બનતાં બનાવો તો એમ જ કહે છે. ભારતીય માનસ હજી પણ પોતાની નીચે કામ કરનાર માણસને માણસ સમજતા જ નથી. ખાસ કરીને વાત જ્યાં અસંગઠિત લેબરની હોય. આપણે એમ માનીએ છીએ કે દુનિયામાંથી ગુલામો પકડી જવાતા ને વેચતા એ બધી ચાંચિયાઓની વાર્તાઓ સદીઓ પુરાણી થઈ ગઈ છે. પણ, આ વાત હજી એટલી જ સાચી છે એમ કોઈ કહે તો આંચકો

લાગે કે નહીં? ગ્લોબલ સ્લેવરી ઈન્ડેક્સના આંકડા એવું કહે છે. અને જો આંકડાને ગંભીરતાથી લઈએ તો સહુથી કરુણ સ્થિતિ ભારતમાં છે. એકલા ભારતમાં જ ૪૦ લાખથી વધુ લોકો ગુલામ જેવી જિંદગી જીવવા પર મજબૂર છે. આખા વિશ્વમાં આ પરિસ્થિતિ નથી એમ નથી પણ સમગ્ર વિશ્વમાં ગુલામોની સંખ્યા ૩ કરોડ ૬૦ લાખ છે. જેમાંથી ૨.૩૫ કરોડ ગુલામો એશિયામાં છે. એ પૈકી ૪૦ લાખ ગુલામ ભારતમાં છે.આ સત્તાવાર આંકડાઓ છે, બિનસત્તાવાર રીતે તો આ પ્રમાણ ઘણું ઊંચું હોવાનું. એટલે કે આખી દુનિયામાં સહુથી વધુ ગુલામ ભારતમાં છે. બીજે નંબરે છે ચીન અને ત્રીજે નંબરે છે પાકિસ્તાન. આ સરવેમાં એક બીજી વાત સામે આવી કે ભારત અને પાકિસ્તાન જ એવા દેશ છે જ્યાં નિર્માણ કાર્યોમાં, ખાસ કરીને બાંધકામ પ્રોજેક્ટસમાં સહુથી વધુ આ પ્રકારના મજૂરોને જોતરવામાં આવે છે. જેમાં પુરુષો તો ખરા જ પણ સગર્ભા સ્ત્રી અને બાર વર્ષથી નીચેનાં બાળકો પણ સામેલ છે. આ પ્રોજેક્ટ માત્ર પ્રાઈવેટ કંપનીઓના જ નહીં, લેબર વિષે કાયદાકાનૂન ઘડનાર સરકારના ખુદના હોય છે. જેવા કે રસ્તા નિર્માણ, રેલવે ટ્રેક પર થતી મજૂરી અને સહુથી વધુ કરુણતા એ છે કે સરકારી પ્રોજેક્ટમાં ઠેકેદારો સ્ત્રીઓ પાસે કામના કલાકો પુરુષ પાસે લેતા હોય છે તે જ રીતે લે છે અને મજૂરી અડધી ચૂકવે છે. બાકી હોય તેમ પૂરી મજૂરી જોઈતી હોય તો મજૂર સ્ત્રીઓએ, એ યુવાન હોય તો શારીરિક શોષણ માટેની તૈયારી રાખવી પડે છે.

૧૬૭ દેશોમાં થયેલાં આ સર્વેક્ષણ અને રિર્પોટિંગ પછી ખ્યાલ આવે છે કે ગુલામીની પ્રથા જો અકબંધ હોય તો તે છે એક એશિયા અને પછી આફ્રિકા, ઈન્ડિયા, ચીન ને પાકિસ્તાન પછી આફ્રિકામાં આ પ્રમાણ ઊંચું છે, કારણ છે ગરીબી. આફ્રિકામાં હજી ૪ ટકા વસતી ગુલામીમાં જીવન જીવે છે.

એશિયા હોય કે આફ્રિકા, ગુલામોની તકદીરમાં લખાયેલી છે મજૂરી, વેશ્યાવૃત્તિ, લગ્ન માટે થતી કન્યાવિક્રય જેવી પ્રથાઓ અને આજીવન કારાવાસ.

એશિયનોને ખાસ કરીને ભારતીયોને પોતાની સંસ્કૃતિની પિપૂડી વગાડવી ભારે ગમતી પ્રવૃત્તિ છે. આ ગુલામી પ્રથા કયા ધર્મ કે સંસ્કાર, સંસ્કૃતિનો ભાગ છે એ વાત હજી સમજવાની જરૂર છે. પશ્ચિમના દેશોનાં મૂલ્યોની વારંવાર ધુલાઈ કરનારા રાજકારણીઓએ કમસેકમ આ અંગે તો તેમનું અનુકરણ કરવું જોઈએ કે નહીં?

છેલ્લે છેલ્લેઃ
મેરે દેશ કા આમ આદમી જબ ભી ઘર બનવાયેગા, નીંવ મેં હોગી ખરી કમાઈ કર્જ છત પે આયેગા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s