Mann Woman

હમ સાથ સાથ હૈ

803533353

કમલભાઈ ને લીના, આ સારસબેલડીને સહુ કોઈએ વર્ષોથી સાથે ને સાથે જોયાં છે. કોલેજમાં ભણતાં ભણતાં પ્રેમમાં પડયાં ને વિના કોઈની વિલનગીરી થયે પરણી ગયાં. જોતજોતામાં તો લગ્નના સાડા ત્રણ દાયકા પસાર થઈ ગયા. આ સાડા ત્રણ દાયકામાં ક્યારેય બંનેમાંથી કોઈ એક બીજા જોડીદારને મૂકીને બહારગામ ગયું હોય કે પાર્ટીમાં મહાલતું હોય એવું કોઈએ જોયું નહોતું. વસ્તારમાં એકનો એક દીકરો, તે ભણવા ગયો ને અમેરિકા સેટ થઈ ગયેલો. કમલભાઈનો બિઝનેસ સારો, લીનાબહેનની આવડત સારી. ટોકાઈ જાય એવું મઘમઘતું દાંપત્યજીવન સડસડાટ પસાર થઈ રહ્યું હતું ને અચાનક થવાનું હતું તે થયું. લીનાને લિવર કેન્સર. છેલ્લે સુધી ખબર જ ન પડી ને ખબર પડી ત્યારે લીનાની હથેળીમાં જીવનરેખા પૂરી થઈ જવાને આરે હતી. કમલભાઈએ સારવારમાં ન કોઈ કચાશ રાખી, ન દોરાધાગા ને પથ્થર પૂજવામાં પણ લીના ન બચી. બે વર્ષ સુધી પારાવાર પીડા સહીને લીના ગઈ પણ સહુ કોઈ જાણે કે એનો જીવ કમલભાઈમાં જ હોવાનો.

લીનાના ગયા પછી કમલભાઈ તો કોઈ જુદી જ વ્યક્તિ, ન ક્યાંય આવવું, ન જવું. મિત્રો સાથેની ઊઠબેસ પણ સીમિત કરી લીધી.કમલભાઈને ન કોઈએ સિગારેટ પીતાં જોયેલા કે ન ડ્રિંક કરતા. એ બધું એકદમ ચાલુ થઈ ગયું. ઘરમાં નોકરોની વસતી ખરી પણ સમ ખાવા પૂરતું કોઈ સ્વજન નહીં. દિવસે દિવસે કમલભાઈ લેવાતાં ચાલ્યા. આખી જિંદગી મિત્રો સાથે રહેલાં તો આ પરિસ્થિતિમાં એમને કેમ એકલા મુકાય? થોડાં મિત્રો વારંવાર મળવાને બહાને ટપકી પડે, સાથે લઈ જાય પણ બધું કામચલાઉ. એટલે મિત્રોએ કોઈ રણનીતિ બનાવી, કમલ, આમ જિંદગી હારી જાય એ તો ચાલે નહીં. સહુ કમલભાઈ બીજી વાર ઘર માંડે એ જોવા માંગતા હતા. કમલભાઈને ઇચ્છા નહીં પણ જીવન જ જાણે થંભી ગયું હતું.

જે લોકો જિંદગીમાં એકલા પડી ગયેલાં માતા કે પિતાની એકલતા વિષે વિચારી નથી શકતાં એ સંતાનો બિલકુલ સ્વાર્થી ને હીણાં જ હોઈ શકે. આ ઉંમરમાં કોઈ શારીરિક વૃત્તિ પોષવા માટે નહીં પણ કમ્પેનિયનશિપ માટે જીવનસાથીની જરૂર રહે છે. કમલભાઈને એવી કોઈ સમસ્યા હતી નહીં બલકે એમનો દૂર વસતો દીકરો જ પિતા બીજી વાર પરણે તેવો અનુરોધ પપ્પાના મિત્રોને કર્યા કરતો હતો. ઘણી આનાકાની પછી કમલભાઈ તૈયાર થયા. લીનાની ચોથી વરસી વાળી પછી કમલભાઈએ ઘણી પ્રપોઝલ પર વિચાર કર્યો પણ એકેય મનમાં વસે નહીં. સરખામણી લીના સાથે થાય તે તો ખરું જ પણ બંનેનાં રસ-રુચિ સરખાં હોય એવું પાત્ર દેખાય નહીં. હવે કરવું શું? આ દરમિયાન કમલભાઈની સિગારેટ દિવસનાં બે પેકેટ થઈ ગયેલી. જમ્યા ન જમ્યા, ન કોઈ વ્યાયામ, ન કોઈ નિયમિત ટાઈમટેબલ, હા, એકમાત્ર ઓફિસ જવાનો સમય સેટ, બાકી આખી જિંદગી ઉલટપુલટ.

દિવસે દિવસે હાલ બગડતાં જતા જોઈને મિત્રોને દુઃખ થાય પણ શું કરે? પણ કહેવાય છેને જે લખાયું હોય તે થાય.

સહુથી સારી વાત એ બની કે કમલભાઈની જૂની મિત્ર કિરણ એમને મળી ગઈ. વર્ષોથી પરણીને વિદેશ સેટ થઈ ગયેલી પણ પતિ-પત્નીએ પાછલી ઉંમરમાં ઈન્ડિયા જઈને રહેવાનું મન બનાવેલું. ઈન્ડિયા આવીને બે વર્ષ જ થયાં હતાં ને સાવ નજીવી નાની બીમારીમાં પતિનું અવસાન થઈ ગયું. કિરણ સાવ એકલી, ઈન્ડિયામાં કોઈ મિત્રો નહીં. અમેરિકામાં સંતાનો પોતપોતાના સંસારમાં. તેમની સાથે જઈને રહેવું કે શું કરવું એ બધી અવઢવમાં હતી ને કમલભાઈ મળી ગયા. બંનેને સ્વપ્ને ખ્યાલ નહીં કે કુદરતે શું નિર્માણ કરી રાખ્યું છે. થોડી મુલાકાતો પછી બંનેએ નક્કી કરી લીધું કે સાથે રહેવું.

ઘણાં સમાજના ઠેેકેદારોએ એમનો ગરાસ લૂંટાઈ જતો હોય એમ કાગારોળ કરી પણ કમલ ને કિરણ પોતાના નિર્ણયમાં દૃઢ હતાં. બે વ્યક્તિઓને એકમેકની કંપની ગમે તો એ કોઈ ગુનો થોડો થઈ જાય છે?

કિરણ કમલભાઈની દરેક પ્રવૃત્તિમાં જોડાતી ને કમલભાઈ કિરણની. બંનેનાં રસ-રુચિ, શોખ સરખાં હતાં. બંનેને એકમેકના સાથમાં મઝા આવતી હતી.

આ સહજીવનને માંડ ચાર મહિના થયા હશે અને એક ધરખમ ચેન્જ હતો કમલભાઈના સ્મોકિંગમાં, એમની ખાનપાનની આદતમાં ને તેમની નિયમિતતામાં.

રોજ સવારે વોક કરવા જવું એ કિરણનો નિયમ હતો. પહેલાં કમને પછી કમલભાઈ મનથી જોડાયા. કિરણને સિગારેટના ધુમાડાથી એલર્જી થતી એટલે કમલભાઈની સિગારેટ ઘટતી ઘટતી દિવસની છ થઈ ગઈ.

દર છ મહિને કરાવાતો મેડિકલ રિપોર્ટ કરાવવાનો આવ્યો તેનું પરિણામ જોઈને કમલભાઈ પોતે જ આભા બની ગયા. વજન ઘટયું હતું, સ્ટ્રેસ ટેસ્ટમાં રિપોર્ટ સારો હતો. સ્મોકિંગ છૂટી જેવું ગયું હતું.

આ વાત કદાચ પહેલી નજરે માનવામાં ન આવે પણ હકીકત છે.
તાજેતરમાં જ બ્રિટનમાં આવા જ લાઈફસ્ટાઈલ રોગ પર થતાં સંશોધનમાં જોવામાં આવ્યું કે માણસના શરીર અને મન પર તેમના જોડીદાર બહુ અગત્યની ભૂમિકા ભજવે છે. વાત વજન ઘટાડવાની હોય કે પછી સિગારેટ છોડવાની કે કસરત કરવાની કે સારો ડાયટ રાખવાની આ બધામાં જો જીવનસાથી સાથે હોય તો એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ માટે પચાસી પાર કરી ગયેલાં ૩૭૦૦ યુગલો પર આ પરીક્ષણ કરવામાં આવ્યું. જેમાંથી એક નિષ્કર્ષ એ પણ નીકળ્યો કે પતિ-પત્નીને અપાયેલા મિશનમાં જો જોડીદારે સક્રિય સાથ આપ્યો હોય તે લોકોએ આપેલા ટાર્ગેટ કરતાં પણ વધુ ત્રણ ગણી સફળતા મેળવી હતી.

જે વાત જાણીતી છે તે જ વાત કે ખુશખુશાલ દાંપત્યજીવન હોય તેમનું સ્વાસ્થ્ય પણ સારું જ હોય છે. એ લોકોમાં હૃદયરોગનું પ્રમાણ પણ ઓછું હોય છે ને કેન્સર જેવા વ્યાધિ જો હોય તો પ્રતિકારશક્તિ પણ વધી જાય છે. શરત માત્ર એટલી છે કે બેમાંથી એક વ્યક્તિ હેલ્થ કોન્શિયસ હોવી જરૂરી છે.

દુનિયામાં દરરોજ નવા નવા સરવે થતા રહે છે. રમૂજ પમાડે એવી વાત એ છે કે એમાંથી નીકળતાં તારણો નવાં નથી હોતાં. એક જૂની થિયરી કહે છે કે દર સાત વર્ષે મનુષ્યના શરીરનો હર એક જિન બદલાઈ ચૂક્યો હોય છે. એટલે કે સાહચર્યમાં બે પાર્ટનર જાણેઅજાણે એકબીજાની ટેવ, ખાસિયત, ગમા, અણગમા, વૃત્તિ, વિચારવાની શૈલી, રસ, રુચિ અપનાવી લે છે. આ ટ્રાન્સફોર્મેશન એટલું હળવેકથી થઈ જાય છે કે મોટે ભાગે પતિ-પત્ની પ્રેમીઓ જેવાં ઓછાં ને મિત્રો કે ભાઈ-બહેન જેવાં વધુ થઈ જાય છે. આ વાક્યને વ્યાપક અર્થમાં લેવાની જરૂર છે. ટેવ, ગમા, અણગમાથી લઈ એક અજબ પ્રકારની ટેલિપથી ધરાવતાં થઈ જાય છે. તો સ્વાભાવિક છે કે એક વ્યક્તિ તંદુરસ્તી પર, નિયમિતતા પર વધુ ભાર મૂકે તો બીજી વ્યક્તિ આપમેળે કે પછી થોડાં ઘર્ષણ પછી પણ દોરાવવાની જ છે.

કદાચ એટલે જ પતિ-પત્ની વિષે જોક ગમે એટલાં થાય પણ આ સાહચર્ય વિનાનું જીવન એટલે મીઠાશ વિનાની જલેબી.

છેલ્લે છેલ્લેઃ
લેવાને જાય, ત્યાં જીવન આખુંય તે ઠલવાય! દેવાને જાય, છલોછલ ભરિયું શું છલકાય!

એવા એ સંગમાં રાજી રાજી, આપણ એકબીજાના સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ
(ફોટોગ્રાફ પ્રતીકાત્મક છે)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s