opinion

એક હતી અરુણા

aruna-070311
સવારે એક ફ્લેશ ટ્વીટર પર , અરુણા શાનબાગ નો મોર.
જાણીતા અખબાર સાથે સંકળાયેલી પત્રકારે આ લખ્યું એટલે વાત તો પાકી હતી. બાકી હતું એમ નહીવત સમયમાં મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર માંડીને ઘણાં બધા લોકોએ અરુણાને અંજલિઓ આપી. આપવી પડે એવી જ વાત હતી. પણ, સહુ કોઈએ સખેદ નોધ લીધી એવું વિશેષરૂપે લખ્યું કે દુઃખદ અવસાન અને સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના. આત્માની શાંતિ માટેની વાત તો સમજી શકાય પણ આ અવસાન દુખદ લેખવું ઉચિત હતું ?

એમાં પણ અરુણા શાનબાગની કરુણાંતિકા જાણનાર લોકો એવું હરગીઝ ન લખી શકે.

દિલ્હીનો નિર્ભયા કાંડ લોકો હજી ભૂલી શક્યા નથી. પણ , નિર્ભયા અને અરુણામાં વધુ દુર્ભાગી કોણ એવી સરખામણી કરવાની આવે તો ?

નિર્ભયા પર થયેલો બળાત્કાર નિશંકપણે બર્બર પણ એ છોકરી એક જ કારણસર અરુણા કરતા વધુ નસીબદાર કે એ છૂટી ગઈ. મોત એની પીડા હરવા આવ્યું હોય તેમ ગણતરીના દિવસોમાં જ એને સાથે લઇ ગયું. અને આ અરુણા ?
બેતાલીસ વર્ષ સુધી મારવાને વાંકે જીવવું એ કેવી સજા ? વિશ્વભરના મીડિયાએ કદાચ એ જ કારણસર આ અરુણાના અવસાનની નોંધ લેવી જરૂરી સમજી છે. KEM હોસ્પિટલમાં જુનિયર નર્સ તરીકે જોડાયેલી કર્નાટકથી આવેલી આશાભરી યુવતી ટૂંક સમયમાં જ પરણવાની હતી. પણ , હેવાનિયતે આ બિચારીને આજીવન કારાવાસ આપી દીધો, તે પણ જેવો તેવો નહીં બલકે પોતાના શરીરમાં , એનું શરીર જ એની જેલ. એ ન તો આંગળી હલાવી શકે , ન બોલી શકે , ન જોઈ શકે , ન સાંભળી શકે … ફક્ત શ્વાસ ચાલુ એટલે જીવવાનું. (જો કે ઘણી નર્સ એવો દાવો કરતી રહી છે કે અરુણા ઊંડે ઊંડે બધું સમજી શકતી , અને જો એમ હોય તો તો વધુ કરુણ , બદતર પરિસ્થતિ)

આ વાતથી સહુ કોઈ પરિચિત છે , એમાં પણ હરકિશન મહેતાએ અરુણાને તુલસીરૂપે સજીવન કરીને જડચેતન નવલકથાથી અમરત્વ બક્ષી દીધું હતું પણ એ ફિક્શનની તુલસી જેટલી બડભાગી આ બિચારી અરુણા થોડી હતી?

સહુથી કરુણ વાત જો કોઈ હોય તો એ છે કે અરુણાને બેતાલીસ વર્ષો સુધી સદેહે અંધારકોટડીમાં પૂરનાર બળાત્કારીને માત્ર સાત વર્ષની સજા થઇ ને એ પણ શેને માટે , ચોરી માટે .
અરુણા માટે મર્સીકિલિંગની હિમાયત કરનાર પત્રકાર પિન્કી વિરાણીએ એ માટે ઘણી લાંબી લડત ચલાવી હતી. એક તો અરુણાને દયામૃત્યુ મળે અને શક્ય હોય તો બળાત્કારી સોહનલાલ વાલ્મિકને સજા. પણ પિન્કી વિરાણીની લડત રંગ ન લાવી , એક તો વર્ષો પછી સોહનલાલને શોધવો ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું હતું અને બીજું કે KEM હોસ્પિટલની નર્સો અરુણાને શ્વાસ ચાલે ત્યાં સુધી જીવાડવા માંગતી હતી . નર્સોનો આ પ્રેમભાવ ખરો પણ પ્રેમભાવની સજા કેટલી મોટી , કાશ અરુણા પોતે બોલી શકતી હોત તો ?

27 નવેમ્બર 1973 , અરુણા પોતાની ડ્યૂટી પૂરી કરીને કપડા ચેન્જ કરવા જતી હતી ત્યારે શિકારી કૂતરો નામે સોહનલાલ આ તક ટાંપીને બેઠો હતો એને અરુણા પર પાછળથી હુમલો કર્યો તે પણ કુતરાના ગળે બંધાતા પટ્ટા સાથે, જે અરુણાના ગાળા પર ભીંસી દીધો કે એ પ્રતિકાર ન કરી શકે … અરુણા તરફડીયા મારતી રહી અને બળાત્કારીને મળી નિષ્ફળતા , ખરું કારણ હતું કે અરુણા તે દિવસે માસિકમાં હતી એટલે વાલ્મીકે આક્રોશપૂર્વક અકુદરતી સેક્સ તો કર્યો ને સાથે સાથે પટ્ટો એટલો જોરથી ભીંસી રાખ્યો હતો કે અરુણાના બ્રેઈનને મળતો ઓક્સીજન સપ્લાય જ થોડી મિનિટ માટે કપાઈ ગયો. પરિણામે અંધાપાથી લઇ પેરેલીસીસ અને કોમા … અને આ પરિસ્થતિમાં 42 વર્ષ ….

સહુ કોઈને થાય કે આ વાત બધાને ખબર છે , તો શું ?

એ વાત સાચી કે આ વાત બધાને ખબર છે પણ સહુથી વધુ દુખ છે સોહનલાલનું છુટ્ટા ફરવું .. પિન્કી વિરાણીએ આપેલી માહિતી પ્રમાણે એ શખ્સ દિલ્હીની કોઈક હોસ્પીટલમાં કામ કરે છે, અલબત્ત નામ ઓળખ બદલીને ..

પ્રશ્ન ફરી ફરીને ત્યાં જ આવે છે. આજકાલ ભાઈ કે અમ્મા છૂટી જાય તો એ વિષે આટલી પસ્તાળ પડે છે પણ આ તો આગે સે ચાલી આતી હૈ જેવી વાત થઇ ને !! સોહનલાલને જેલ થઇ લૂંટ અને મર્ડર કરવાના પ્રયત્ન માટે પણ , અરુણા મૃત્યુ ન પામી એટલે સોહનલાલ સાત વર્ષમાં બક્ષાઈ ગયો. ઘણાં લોકો ચર્ચા કરે છે કે તે સમયે રેપ વિષે કોઈ સખ્ત કાયદા નહોતા. એમ ? પણ તો અકુદરતી સેક્સ માટે દસ વર્ષની સજાની જોગવાઈ તો હતી ને ત્યારે !! તેમાં કેમ સોહનલાલને ફીટ ન કરાયો ? અને એને અરુણાને જીવતેજીવત મોત આપ્યું એને માટે કોઈ સજા નહીં ?

એ માટે જવાબદાર ફરી અરુણા , દુર્ભાગી અરુણા . એના સગાંવહાલાંઓએ અરુણાની સાથે ઓળખ જાહેર થવાથી બદનામી થશે એ ડરથી અરુણાની પાસે ફરકવાનું જ બંધ કરી દીધું હતું.
સોહનલાલ હોય કે સલમાન , આ બધું જોઇને થાય છે કે શું આપણને માનવજિંદગી માટે જરા સરખી પણ પરવા નથી ?

પ્રશ્ન તો રહી રહીને એમ પણ થાય છે કે આ કાયદાઓ છે કોને માટે? નાના હતા ને જયારે મજૂરી કરતી સ્ત્રીઓને બીડી ફૂંકતા જોતી ત્યારે પૂછવા પર મમ્મીનો મને એક જવાબ મળતો કે બધાં નિયમો ન તો અતિશય પૈસાવાળા એવા અલીટ ક્લાસને નડે , ન જેને કંઈ ગુમાવવાનું જ ન હોય તેવા રસ્તે રઝળતાં મસ્તફકીરોને નડે…….નિયમ, આચાર , આચરણની બધી મર્યાદાઓ માત્ર નડે એક જ ક્લાસને , મિડલ ક્લાસને … સલમાન હોય કે સોહનલાલ , વાત તો એ જ થઇ ને !!

અરુણાનું જવું ભલે બધાને દુખદ લાગ્યું હોય પણ ખબર નહીં , પણ મને અંગત રીતે લાગ્યું , થેંક ગોડ કંઇ નહીં પણ તેં બેતાલીસ વર્ષે તો અરુણા સામે જોયું !!

Advertisements

2 thoughts on “એક હતી અરુણા”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s