kuchh khatti kuchh mithi ...

બોનસની જિંદગી ન મળે એ સહુથી મોટું પ્રમોશન …….

pt-seniors-17જીવનની ત્રીજો અને છેલ્લો અંક , આખરી પડાવ એટલે 70 પ્લસ . એ માટે પોઝીટીવ થિન્કિંગવાળા બહુ ભરખમ વિશેષણો વાપરે રાખે. આમ પણ આ બધો સમય બોનસનો, પોતાનો અને કુટુંબીજનો માટેનો, આખી જિંદગી ભલે વૈતરું કરીને સંતાનોને પગભર કર્યા હોય, તેમના માટે પેટ પર પાટા બાંધ્યા  હોય કે પછી શોખ નામના શબ્દને ભૂલી જવાનું વ્રત પાળ્યું હોય તેવા રોપેલાં આંબાના ફળ ખાઈને હરખાવાનો સમય. એવા જ કોઈ સમયે આવા  એક વડીલમિત્રની વાત નીકળી, સાહજિક રીતે જ.આખી જિંદગી સંતાનોના ઉચ્ચ ભણતર માટે ગામમાંથી ઉધારી કરીને વૈતરાં કરીને ચૂકવેલી, એના ફળ બેઠા , એક દીકરો ડોક્ટર બીજો સોફ્ટવેર કન્સલ્ટંટ ને ત્રીજી દીકરી પેરા મેડીકલ ફિલ્ડ સાથે સંકળાયેલી  . ડોક્ટર દીકરો ઇન્ડીયામાં બાકીના બે પરદેશ .

” જલસા છે બાપુને  … સંતાનો એકદમ સેટ હોય એવા લોકો ભારે તકદીરવાળા હોય. કોઈ ચિંતા જ નહીં ને , આજે યુએસ તો કાલે ઓસ્ટ્રેલીયા  ને મન થાય ત્યારે ઇન્ડિયા આવવાનું, છે કોઈ પૂછવાવાળું ? ” અમારા એક મિત્રે મીઠા સ્વરે ફરિયાદ કરેલી.
‘ ને એમાં તો કાકી ગયા પછી તો સાવ નિર્ભાર થઇ ગયા ને !! કાકીનો સ્વભાવ જરા આકરો ને વળી  થોડાં વહેમી ને ઘરકૂકડા એટલે બહારગામ જવું ગમે જ નહીં પણ હવે તો કાકા ફ્રી , ચલે ગયે  થાનેદાર અબ ડર કહે કા…..કાકા તો આજે અહીં ને કાલે તહીં , રોલર સ્કેટ્સ છે પગમાં બિલ્ટ ઇન  …. ‘ બોલનાર મિત્રના ભાવમાં જરા ઈર્ષ્યાનો તિખારો હતો. : આપણે તો એ જ મેલ કરવત મોચીના મોચી  ..
‘કેમ તમારા દીકરા દીકરીઓ પણ તમને સાચવે જ છે ને ? કેટલું માન રાખે છે, એમના ફ્રેન્ડઝ પણ અડધાં અડધાં નથી થઇ જતા પછી આમ કહો છો ? ‘ મને નવાઈ લાગેલી  .
‘અરે હા, પણ આ પરેશભાઈ જેવા જલસા નહીં ને યાર. ..સહુથી મોટું સુખ કે ઘરમાં ટકટકારો કરનાર કોઈ નહીં , અમારે તો જરા અડધો કલાક આમતેમ થયું કે લોહી  પી જાય  , તેમાં પણ આ મોબાઈલ આવ્યા એટલે પર્સનલ લાઈફ તો રહી  જ નહીં  ‘ અમારા એ વડીલમિત્રે એટલો જોરથી નિસાસો નાખ્યો કે અમને થયું જે બાકીના બધા ગબડી પડવાના . ને એમ જ થયું  .
એ વાત સાચી કે બધા હવે દાદા દાદી નાના નાની બનવાની વયે પહોંચ્યા છે પણ છે તો બધા કડેધડે  … મનમોજી , જાત ચાલે અને વળી બધી સાધનસંપન્ન , પૈસેટકે સુખી , હાથ પરસમય અને ગજવામાં ભારની સગવડ પણ ખરી એટલે મન થાય ત્યાં ઉપડી જવાનું , રોકે કોણ ? છતાં આ બધાનું દીકરા વહુ પુરાણ શરુ થયું  .
એ પૂરાણ ક્યાં સાંભળવું એવું વિચારી અમે ચાલતી પકડી  .
પણ આ વાતને થોડો જ સમય વીત્યો હશે ને એકવાર એરપોર્ટ પર પરેશભાઈએ દેખા દીધી  . હું તો લગભગ સાત વર્ષ પછી  એમને જોઈ રહી  હતી, પહેલા તો ઓળખાયા નહીં પણ ચહેરો ખાસ  બદલાયો નહોતો.એ જ ખુશખુશાલ ચહેરો ને વાતે વાતે જોક કરવાની ટેવ. ભારે ખુશ હતા, એમના કોઈ મિત્રની 50મી એનિવર્સરીની પાર્ટીમાંથી પાછા ફરી રહ્યા હતા. દોસ્તે પોતાને યાદ રાખીને ટીકીટ પણ મોકલી ને પાર્ટી પત્ય પછી અઠવાડિયું કેવા જલસા કર્યા , સ્કૂલમાં હતા તેવા તોફાનમસ્તી સંભાર્યા એવી બધી નાની નાની વાતો કરતાં રહ્યા, મને યાદ નથી કે દસ મિનિટ દરમિયાન  હું હા , એમ? ઓકે જેવા શબ્દ સિવાય કંઈ બોલી હોઉં !!
‘તમને રીસીવ કરવા કોણ આવવાનું છે ?’ એરપોર્ટની બહાર નીકળ્યા ત્યારે મારાથી  સ્વાભાવિક રીતે પૂછાઈ  ગયું .
‘અરે !! મને રીસીવ કરવા કોણ આવે ? હું કોઈ 12 વર્ષનો કિશોર છું ? ‘ એ હસ્યા પણ ખબર નહીં એ સ્મિત જરા પ્લાસ્ટીકિયું લાગ્યું  . મને થયું હશે એ પણ સાચી વાત. ચાલુ દિવસે મુંબઈમાં કોણ લેવા આવે ? એમાં પણ તમે વારંવાર અવરજવર  કરતા હો , પણ ત્યાં તો મારી નજર પરેશભાઈ પર પડી. એ પોતાની ટ્રોલીબેગને તાણીને રીક્ષાની લાઈનમાં ઉભા રહેવા જઈ  રહ્યા હતા. એ દ્રશ્ય જોઇને અવાક  એટલે થઇ ગઈ કારણ કે પરેશભાઈ રહે પોશ  લોકાલીટીમાં , ઘરે બીએમડબ્લ્યુ ને મર્સિડીઝ, એ આમ રીક્ષાની લાઈનમાં ઉભા રહે તે પણ આવી ભરબપોરે 38 ડીગ્રી ટેમ્પરેચરમાં ?
મને થયું કે એમને લીફ્ટ માટે તો પૂછવું જ જોઈએ પણ જેવી કાર નજીક પહોંચી ને હું હજી કૈંક બોલું એ પહેલા એમનો ટર્ન આવી ગયો એમ રીક્ષામાં બેસી ગયા.
એ વાતને પણ છએક મહિના વીતી ગયા  ને એક દિવસ મારે કોઈક કામથી  પબ્લિક હોસ્પીટલના ઓપીડીમાં જવું પડ્યું  . સરકારી હોસ્પિટલ ને તેનું ઓપીડી. ત્યાં મેં પરેશભાઈને બેઠેલા જોયા  . એમને મને જોઇને નજર ફેરવી લીધી જાણે એમને મને જોઈ જ નથી. જો એમ ન કર્યું હોત તો મેં ધાર્યું હોત કે એ પણ કોઈ સામાજિક કામ માટે જ આવ્યા હશે પણ હવે આખો મામલો મને ગેબી લાગવા માંડ્યો  .
ફરી રીક્શાવાળી થઇ, એમનો નંબર આવી ગયો હતો પણ હું ત્યાં બેઠી  રહી,  એમની બહાર આવવાની રાહ જોઇને  . એ બહાર નીકળ્યા ત્યારે કદાચ એમને હશે કે હું નીકળી ગઈ હોઈશ પણ મને ત્યાં જ ઉભેલી જોઇને એ ખિસીયાણું સ્મિત કરીને ઉભા રહ્યા .
‘પરેશભાઈ કોઈ  સમસ્યા છે ? હોય તો કહો કંઇક બની શકે તેવો ઉકેલ કરી શકાય  ….’ મારું તો બોલવાનું પૂરું થયું નહોતું ને પરેશભાઈ તો નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા  . સરકારી હોસ્પિટલ ને ઓપીડી , લોકોને લાગ્યું કે કદાચ અસાધ્ય રોગનું નિદાન થયું હોવું જોઈએ  ….
‘ ઉકેલ શું કરું ? મોતને રોજ કહું છું આવ આવ, પણ આવે તો ને? ‘ એ રડતાં જાય ને બોલતાં જાય.
હવે સડક થઇ જવાનો વારો મારો હતો. આ માણસ જેને મેં ક્યારેય કોઈ સંજોગોમાં નાસીપાસ થતાં નહોતો જોયો આવી વાત કરે છે?
‘ બેન , તું તો  મારા મોઢામાં આંગળા નાખી બોલાવીશ કે શું ? ‘ પરેશભાઈના દિલમાંથી ઉભરો ઉઠવાની શરૂઆત થઇ ચુકી હતી. : તું જાણે છે કે કોઈ શું કામ આવે , હું અહીં શું કરું છું ?અરે ભાઈ ,  હું દવા લેવા આવું છું , બજાર કરતાં ઓછે દરે મળે છે ને  … ને એમાં કોઈ ડોનરની ચિઠ્ઠી હોય તો વધુ સારું  ……’
‘પણ પરેશભાઈ , તમારે આ બધાની શું જરૂર ? દીપેશ તો પોતે જ ડોક્ટર તે પણ જેવો તેવો નહીં શહેરના નામી ડોક્ટરમાં ગણના પામતો એક , તો પછી ?’ પરેશભાઈ જવાબમાં મૌન જ રહ્યા પણ એમની આંખોમાં તો આખો ડેમ છલકાઈ રહ્યો હતો.
વાત એવી હતી કે પરેશભાઈનો દીપેશ ડોક્ટર ખરો પણ દુનિયા માટે, બાપ માટે નહીં  . કારણ ? કારણ એટલું જ કે પરેશભાઈની પત્ની પોતે સ્કીઝોફ્રેનિક હતી. નાનપણથી જ દીપેશના માથામાં ઠસાવી દેવાયું  હતું કે એનો બાપ લંપટ , ચરિત્રહીન , બેઈમાન છે.
આમ જોવા જાય તો લંપટ શબ્દ સાવ ખોટો પણ પત્નીના અભદ્ર વર્તાવથી ત્રાસીને પરેશભાઈને કોઈ સાથે સંબંધો હતા એવી ચર્ચા તો સહુ કોઈએ સાંભળેલી  . પણ , જે કોઈ પરેશભાઈની પત્ની બીનાને મળતું તે પછી પરેશભાઈને ક્લીન ચીટ જ આપતું  . બીનાબેનનો પણ કદાચ કોઈ વાંક નહોતો પણ એમની માનસિક બીમારી દિનબદિન વકરતી જતી હતી.પરેશભાઈ જે કોઈ સ્ત્રી સાથે વાત કરે એ સ્ત્રી સાથે એમને સંબંધ છે એવું બીનાબેન માની લેતા , ને પછી વાત ત્યાં સુધી પુરતી નહોતી એ આખા ગામમાં , સંબંધી, મિત્રો , સ્નેહીને ફોન કરી કરીને કહેતા ય ખરા.
‘ તું નહીં માને બેન , પણ બીનાએ તો મારા કોઈ મિત્રોને બાકી ન રાખ્યા , દરેક મિત્રની પત્ની સાથે સંબંધ હોવાનું આળ મુકે એટલે એ મિત્ર આઘો જ થઇ જાય. સહુ કોઈ જાણે બીનાની માનસિક બીમારીને પણ એ પતિપત્નીના મામલામાં પોતાનું ચારિત્ર્યહનન કોણ સાંખે ? બીના આવી બેહુદી કલ્પના જોડીને વાત કરે એટલે દરેક કોઈ ડરના માર્યા પરેશભાઈ સાથે વધુ વાતચીત જ ટાળે  . તે છતાં હસતે  મોઢે સહી લીધું , એક દિવસ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થવાનું જ છે ને !!’
પરેશભાઈનું આ રૂપ તો મેં ક્યારેય જોયેલું જ નહીં  . આટલા લાચાર અને બિચારા ??
‘પરેશભાઈ, હવે તો બીનાબેન છે નહીં  . તમે ચાહો તો કોઈક સાથે ઘર માંડી શકો , કે પછી એકલા પોતાની રીતે રહી શકો ને ?’ મને નવાઈ એ વાતની લાગી કે કોઈ માણસ આટલો પરવશ અને લાચાર કઈ રીતે થઇ શકે?
‘વાત જ ત્યાં છે ને , હું તો લાગણીના નામે લુંટાઈ ગયો  …. પરેશભાઈએ ઊંડો નિસાસો મૂક્યો : બીનાની કેન્સરની વ્યાધીએ મને ખાલી કરી નાખ્યો , ને આ મારો દીપેશ છે ને ? શહેરનો નામાંકિત ડોક્ટર એ રોજ સવારે પોતાના પિતાને કહે છે કે મારી માને પીડી છે ને હવે હું તમને પીડીશ  … હું તમને દવાના પૈસા પણ નહીં આપું, પડ્યા રહેવું હોય તો પડી રહો નહીં જાવ જે સગલી રાખે તેને ત્યાં  ….
પરેશભાઈની ઉંમર છે 72 , તેમનો આ ડોક્ટર દીકરો છે 45 નો. એ આવું કરી શકે ? કહી શકે ?
બીજા બે સંતાનો વિદેશમાં છે પણ એટલા આર્થિક રીતે તો સધ્ધર નહીં એવું કારણ આગળ કરે છે , પણ હકીકતે તો ઈચ્છા જ નથી. આ ઉંમરે પરેશભાઈ જાય તો જાય ક્યાં?
72 વર્ષની ઉંમર , હેવી ડાયાબીટીસ , હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ   .. આવી હેલ્થવાળી વ્યક્તિ આ ઉંમરે શું ઐયાશી કરવાની હતી ?પણ એમનો ડોક્ટર થયેલો દીકરો જે માના સ્કીઝો સ્ટેટસથી પરિચિત હતો  તે હજી માની જ વાત પર વિશ્વાસ રાખીને બાપને હડધૂત કરે છે.
આ પ્રસંગ જોઇને ખરેખર મને વસ્તુપાળ તેજપાલવાળી  વાર્તા યાદ આવી ગઈ. પરેશ ભાઈએ નખ્ખોદ કેમ ન માગ્યું વિધાતા પાસે ?
સંતાનોને પેટ પર પાટા બાંધીને ભણાવનાર માબાપની આ હાલત?  પરેશભાઈના જીવનમાં ઘણાં ઉતાર ચઢાવ આવ્યા હતા, ધરતે તો પેલી સ્કીઝો પત્નીને કાયદેસરરીતે ડાઈવોર્સ આપી શકતે ને મનચાહે તેની સાથે લગ્ન કરી શકતે પણ એમને એમ ન કર્યું, માત્ર પોતાના ત્રણ સંતાનો માટે, પોતે જેને સપ્તપદીમાં અગ્નિની સાખે  વચન આપ્યું છે તેને નિભાવવા અને એટલે આજે તેમની આ હાલત?
મેં મોટા ઉપાડે પરેશભાઈને પૂછ્યું તો ખરું કે એમની સમસ્યાનું હું કંઈ સમાધાન કરી શકું પણ આ વાત જાણ્યા પછી મને થયું કે ઊંઘતાને જગાડી શકાય , જાગતાંને નહીં  . દીપેશ ડોક્ટર છે , એના માના રોગથી પરિચિત, પિતાના ત્યાગ અને સમર્પણ જાણે છે , એ આમ ખરેખર કોઈ બદલો લેવાની ભાવનાથી કરે છે કે જવાબદારી માત્ર પોતાના ગળામાં કાયમી ધોરણે આવી ન પડે તે ડરથી કરે છે ?
હજી ક્યારેક પરેશભાઈ મળી જાય છે ત્યારે મારી પાસે કેમ છો કહીને ભોંટપ છૂપાવવા બીજો કોઈ પર્યાય હાથવગો નથી. પરેશભાઈ હજી એ જ મસ્તફકીર રીતે હસતાં હસતાં કહે છે : બાકી સાચું કહીએ તો બોનસની જિંદગી ન મળે એ સહુથી મોટું પ્રમોશન  …….
Advertisements

5 thoughts on “બોનસની જિંદગી ન મળે એ સહુથી મોટું પ્રમોશન …….”

  1. આ માત્ર વાર્તાજ નથી રહેતી, હકીકત પણ બનતી રહેતી હોય છે…..આપણે કહીએ છીએ કે માબાપના સંસ્કાર સંતાનોમાં ઉતરે છે, તો શું માના સંસ્કાર ડોક્ટર દીકરાના લોહીમાં ઉતર્યા હશે?, બાપે ભલે પેટે પાટા ન બાંધ્યા હોય પણ, દીકરાને ડોક્ટર બનાવવામાં પૈસાતો ખર્ચ્યાજને, તો શું બાપે ભવિષ્યમાં પોતાની આવી સ્થિતિ કરવા માટે, ડોક્ટરીનું ભણાવવા લાખો ખર્ચ્યા હશે? એટલે માબાપના એકલા સંસ્કાર પુરતા નથી, આજુબાજુના સંજોગો, મિત્રો, સગાઓ વગેરેનો પણ સ્વભાવ ઘડવામાં પુરો ભાગ ભજવે છે. અને પરેશબાઈ જેવા અનુભવો તો આજના આ સ્વાર્થી જમાનામાં પાસે પૈસા ન હોય તેવા ઘણા બધા માબાપોને પીડતા હોય છે.

    Liked by 1 person

  2. પિન્કી બહેન જો સમય હોય તો મારા બે આર્ટિકલ અમેરિકાના ગુજરાતી પરિવારોની અપેક્ષાઓ (૧)
    એક વ્યાવહારિક વિકલ્પ – વૃદ્ધાશ્રમ વાંચવા નમ્ર વિનંતી.
    પ્રવીણ શાસ્ત્રીના સ્નેહ વંદન.

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s