online cafe

ઘડીભરનું સુખ

surro

આખી બપોર સહુને ભડકે બાળીને થાકી સૂર્યદેવ થોડાં નરમ પડ્યા હોય તેમ હવામાં ઠંડક વ્યાપતી જતી હતી.
વંદનાએ કિચનની વોલ કલોક પર નજર નાખી.
ઓહ, પાંચ વાગવામાં પાંચ મિનીટ બાકી હતી. બસ, ચાંદની આવતી જ હશે !!
પેનમાં થઇ રહેલા વટાણાંપૌંઆની સોડમે કિચન ભરી દીધું હતું, ગ્લાસમાં રોઝ સીરપ નાખી વંદનાએ ઠંડુ દૂધ રેડ્યું … માતાજી રોઝ સિરપ વિના દૂધ નહિ પીએ…. આ ચાંદની પણ!! વંદનાએ બોલમાં પૌઆ કાઢી સાથે દુધનો ગ્લાસ મૂકી ટ્રે ડાઈનિંગ ટેબલ પર મૂકી.ચાંદની આવતી જ હશે ને જો બધું તૈયાર નહીં હોય તો બિસ્કીટ ,વેફર્સ જે હાથમાં આવશે મારો ચલાવશે, આ છોકરી પણ…. વંદનાએ મનોમન થોડો મીઠો રોષ કર્યો ને ગેલેરીમાં આવીને ઉભી રહી.ત્યાં જ તો દુરથી આવતી દેખાઈ સ્કૂલબસ . ટ્રાફિક હોય કે ન હોય સિગ્નલથી પોતાના ઘર પાસે આવેલા સ્ટોપ સુધી આવતા પણ પાંચ મિનીટ તો થવાની જ , છતાં વંદના સડસડાટ ઉતારી ગઈ. આજે કદાચ પહેલીવાર બન્યું કે સ્ટોપ પર બસ આવીને ઉભી રહી ને પોતે ત્યાં હાજર નહોતી પણ શું કરે , એક બાજુ દિવાળીની સાફસફાઈ ને બીજી તરફ ચાંદની, પાંચ વર્ષની તો હતી પણ વડના વાંદરા ઉતારે એટલી ચંચળ ને તોફાની ….વંદના વિચારતી જ હતી , ને બસ ચાલુ થઇ.

‘અરે અરે , રોકો રોકો … મારી ચાંદની રહી ગઈ… ‘વંદનાએ જોરથી ઘાંટો પાડ્યો .

‘ઓ બહેનજી , સબ બચ્ચે ઉતર ગયે, ઇસ સ્ટોપ કા કોઈ બાકી નહીં હૈ ..’ વંદનાના પ્રશ્નનો જવાબ આપતો હોય તેમ બસનો અટેન્ડન્ટ આગળ આવ્યો . એને બસનું ડોર ખોલ્યું ને વંદના લાગલી જ ચઢી ગઈ. એની વાત ખોટી નહોતી . બસમાં ચાંદની નહોતી .

‘અરે તાન્યા , ચાંદની ક્યાં છે?’ તાન્યા પણ આ જ સ્ટોપ પર ઉતરતી બાર વર્ષની કિશોરી હતી .

‘આંટી, ચાંદની તો બસમાં હતી જ નહીં …. ‘ ચાંદની કરતા બમણી ઉંમરની કિશોરીએ કહ્યું .

‘શું…..???’ વંદનાની વાચા ઘડીભર માટે હરાઈ ગઈ હોય તેમ એ થોડી ક્ષણ રહીને માંડ બોલી શકી.
કદાચ આજે કરાટે કલાસીસ હોય ને હમેશની જેમ ચાંદની જાણ કરવાનું ભૂલી ગઈ હોય એવી શક્યતા પણ ખરી ને !!
પોતાની અટકળ બિલકુલ બેવજૂદ હતી જાણવા છતાં વંદનાએ વિચાર્યું પણ સમય અટકળો કરવાનો નહોતો .
બસ અટેન્ડન્ટ સાથે વધુ લપછપ કરવાને બદલે ચાંદનીએ સીધો ફોન જોડ્યો અતુલ્યને .
રીંગ વાગતી રહી પણ ફોન રીસીવ ન થયો અને ડિસ્કનેકટ થઇ ગયો ત્યારે વંદનાને અતુલ્ય પર રીસ ચઢી. પોતે કદીયે નવરીધૂપ પત્નીઓની જેમ ક્યારેય અતુલ્યને ઓફિસમાં ફોન કરીને પરેશાન કરવાનું તો શીખી જ નહોતી તો ય અતુલ્ય ગંભીર વાત હશે એવું કેમ ન સમજી શક્યો હશે? વંદનનો ઘૂંઘવાટ વધે એ પહેલાં જ અતુલ્યનો ફોન આવી ગયો.

‘ શું વાત છે ? વંદુ ! ‘ અતુલ્ય વાતની ગંભીરતા સમજી ચુક્યો હોય તેવા સ્વરે બોલ્યો . નક્કી કંઈ વાત હોય તો જ વંદના ફોન કરે .

‘અતુલ્ય, ચાંદની ….. ચાંદની …. ‘ વંદના આગળ બોલી ન શકી.

‘શું થયું ચાંદનીને? ‘ અતુલ્યના અવાજમાં અચરજ હતું . સવારે હસતી રમતી તો સ્કુલ ગઈ હતી અને પાંચ કલાકમાં શું થઇ ગયું?

‘અતુલ્ય, ચાંદની સ્કૂલબસમાં છે જ નહીં … સહુ કહે છે કે એ બસમાં ચડી જ નહોતી ….’વંદના આગળ બોલી ન શકી.

સામે છેડે અતુલ્ય વાતની ગંભીરતા પામી ગયો હોય તેમ વિચારમાં પડી ગયો.

‘એક કામ કર, એના બીજા ક્લાસના ફ્રેન્ડઝને ફોન કર , કોઈ ને ત્યાં ચાલી ગઈ હોય. શૈલીને ઘરે જવાની જીદ વારે વારે કરતી હોય છે ને …. ‘ અતુલ્યે લોજીક લગાડ્યું .

‘ હા એ બધું કરું છું પણ તમે સ્કુલ પર પહોંચો , હું પણ ત્યાં પહોંચું છું. ‘ વંદના એક શ્વાસે બોલી ગઈ જાણે કંઇક અમંગળ વાત હૃદયને ભીંસી રહી હતી.
આજકાલ તો કેવું કેવું થાય છે ક્રાઈમ પેટ્રોલમાં આપણે ક્યાં નથી જોતાં ?? એવું તો કંઇક ?
ના ના ….. વંદનાના મગજમાં ઘમાસાણ મચ્યું હતું ..
ઉપર જઈ કારની કી લેવી જરૂરી હતી. વંદનાએ ઘરે જઈ જલ્દી કપડાં બદલ્યા, પર્સમાં થોડા પૈસા અને કાર કી લઈને નીચે ઉતરી ત્યાં સુધીમાં એણે ચાંદનીના ક્લાસમાં ભણતી આભા , દિવ્યા, શ્રેયા , પ્રાપ્તિ બધાને ત્યાં ફોન કરી લીધા .આભા ને પ્રાપ્તિ તો હજી ઘરે જ નહોતા પહોંચ્યા ને દિવ્યા ને શ્રેયાને ત્યાં તો ચાંદની નહોતી ગઈ એટલી વાત સાફ થઇ ગઈ હતી.

તરત જ સ્કૂલમાં પહોંચવું જરૂરી હતું .કદાચ સ્કુલમાં કરાટે કલાસીસ હોય ને ચાંદની ત્યાં હોય. અલબત્ત વંદના પોતે પણ આ અટકળ કેટલી બેબુનિયાદ છે ક્યાં નહોતી જાણતી? કદાચ એટલે જ જાણે હૃદય વચ્ચે વચ્ચે એક ધબકાર ચુકી જતું હોય તેવું મહેસુસ થઇ રહ્યું હતું .

સ્કુલ ઘરથી ખાસ દૂર નહોતી છતાં સાંજના ટ્રાફિકમાં દસ મિનિટનું અંતર કાપતાં અડધો કલાક લાગી ગયો. મનમાં રહી રહીને કોઈ પોઝિટીવ વિચાર આવવાને બદલે અમંગળ આશંકાઓ જ ઘેરાતી રહી. પૂરી પાંત્રીસ મિનિટે વંદના સ્કૂલમાં પંહોચી ત્યારે બાળકોથી ધમધમતી જગ્યા વેરણ સ્મશાન જેવી લાગી રહી હતી. ગ્રાઉન્ડ પર હાઈસ્કુલના છોકરાઓ વોલીબોલની પ્રેક્ટીસ કરી રહ્યા હતા, બીજી તરફ માળી છોડવાની કાપકૂપમાં જોતરાયો હતો.સ્કૂલના પ્યુન ટી પાર્ટી ચાલતી હોય તેવા નીરાંતવા મૂડમાં હતા.આ લોકો સાથે વાતમાં સમય બગાડવાનો કોઈ અર્થ નહોતો . ચાંદનીના ટીચર કે પ્રિન્સિપાલ મેડમ મળે તો જ કોઈ વાત બને, પરંતુ પ્રાઈમરી સેકશનના લગભગ તમામ ટીચર્સ તો જઈ ચૂક્યા હતા.

વંદના જયારે પ્રિન્સિપાલ મિસિસ સાહનીની કેબિનમાં પ્રવેશી ત્યારે છ વાગી રહ્યા હતા, ચાંદનીના ઘરે આવવાના સમય ઉપર માત્ર કલાક વીત્યો હતો પણ વંદનાના ચહેરો એટલો નિસ્તેજ અને કૃશ થઇ ગયો હતો કે જાણે એક જ કલાકમાં ઉંમર દાયકો વધી ગઈ હોય.!!

‘મે આઈ કમ ઇન પ્લીઝ?’ શિષ્ટાચાર માટે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં હજી કંઇક જવાબ મળે તેની રાહ જોયા વિના જ વંદના અંદર ધસી ગઈ.
સ્કુલ છૂટ્યાને ભલે સમય થયો હતો પણ પ્રિન્સીપાલ સાહની કામમાં ગળાડૂબ વ્યસ્ત હતા. શિસ્તના આગ્રહી સાહની મેડમે વંદના સામે થોડી ચીડ અને ત્રસ્તતાથી જોયું . તેમનાં રીડીંગ ગ્લાસીસમાંથી આરપાર ઉતરતી વેધક નજરનો ઠપકો ન પામી શકે અબુધ વંદના નહોતી.પણ, શિસ્તના દુરાગ્રહી મેડમ પણ વંદનાના ચહેરા પરના હાવભાવ પામી પરિસ્થિતિની ગંભીરતાની અટકળ કરી લીધી હોય તેમ ક્ષણભર એને જોતા રહ્યા ..

‘યેસ??’ …. સાહની મેડમે વંદનાને સામે રહેલી વિઝીટર્સ ચેર પર બેસવાની ઈશારત કરતા હોય એમ હાથ કર્યો .

મેડમ, તમે મને ઓળખો છો: ‘ હું વંદના ચોકસી, આ સ્કુલમાં ફર્સ્ટ એ માં ભણતી ચાંદની ચોકસીની મધર….’

વંદનાએ શ્વાસ ખાવા વચ્ચે થોભવું પડ્યું : ‘મારી ચાંદની ઘરે નથી પહોંચી …. ‘
એટલું બોલતા તો વંદનાનો અવાજ તરડાઇ ગયો. જાણે અવાજ સાથ નહોતો આપી રહ્યો .

જો કે આ તમામ પરિસ્થિતિ દરમિયાન પણ તંગ થયેલી ભૃકુટી સિવાય મિસિસ સાહનીની સ્વસ્થતામાં રતિભાર ફર્ક નહોતો પડ્યો .

‘શક્ય છે ચાંદની કોઈ આગળના સ્ટોપ પર પોતાનાં ફ્રેન્ડઝ જોડે ઉતારી ગઈ હોય!! તમે એના બધાં ફ્રેન્ડઝને ત્યાં તપાસ કરી?’ પ્રિન્સિપાલ સાહનીએ સ્વસ્થતાથી કહ્યું પણ વંદનાની તો વાચા હરાઈ ચુકી હતી. એ શું કહે ? કે ના, હજી બે ચારને ત્યાં જ ફોન કર્યા છે?

‘મારું માનો તો પહેલાં તમામ ફ્રેન્ડઝને ત્યાં તપાસ કરો. મોટાભાગે બાળકો આવું જ કરતા હોય છે. બાળરમતમાં એમને ક્યાંથી ખ્યાલ આવે કે આ વાત કેટલી ગંભીર છે!! ‘

સાહની મેડમની વાત તો ખોટી નહોતી , વંદનાએ વિચાર્યું . પોતે આ વિચાર તો કર્યો જ નહીં , ને આમ હાંફળાફાંફળા થઇ દોડાદોડ કરી મૂકી . પોતે કેમ આવી બેબાકળી થઇ ગઈ?
પોતાની વર્તણૂકથી ક્ષોભિત થયેલી વંદના કૈંક બોલે એ પહેલાં જ સાહની બોલ્યા,’ થાય મિસિસ ચોકસી, સ્વાભાવિક છે , પણ જરા ધરપત રાખો , આખરે આ બાળકો છે.એ લોકો પાસે બીજી શું અપેક્ષા રાખી શકાય? ટેક ઇટ ઇઝી અને જો એ હવે ઘરે આવે તો તેને સખ્ત રીતે વઢવાને બદલે મોટે માપે લેજો . ….’

પ્રિન્સિપાલ મેડમની વાત તો સાચી હતી ને કંઇક અંશે દિલને શાતા પહોંચાડનારી પણ છતાં ઘરે પછી ફરી રહેલી વંદનાના દિલમાં રહી રહી ને ચચરાટ થતો જ રહ્યો, જો ચાંદની એના ફ્રેન્ડઝને ત્યાં પણ નહીં ગઈ હોય તો?

…. તો??? તો પેલી આશા…… વંદનાએ ફૂલ સ્પીડમાં દોડી રહેલી કારને બ્રેક મારી રાકી દેવી પડી. જરા સરખો વિલંબ થાત તો રસ્તો ઓળંગી રહેલું કુરકુરિયું કાર નીચે આવી જતે !!

ઘરે આવી ને વંદનાએ વારાફરતી તમામ ફ્રેન્ડઝને ત્યાં ફોન કરવા માંડ્યા : ચાંદની આવી છે તમારે ત્યાં?
લોપા, રાધિકા,શીના,પ્રાર્થના , ઝરણા …. તમામ પાસે એક જ જવાબ હતો : ના, ક્લાસમાં તો હતી પણ પછી ખબર નહીં ..

તો ચાંદની ગઈ ક્યાં? વંદનાનો ગભરાટ કાબુ બહાર જી રહ્યો હતો. ત્યાં જ અતુલ્યની એન્ટ્રી થઇ.

‘અતુલ્ય …..’ વંદના દોડી ને વળગી પડી, આંખમાંથી દડી જતાં આંસુ થંભવાનું નામ જ નહોતા લેતા.

‘વંદના, કાળજું મજબૂત રાખ, એમ રડે કામ ન બને. તે બધાને ત્યાં તપાસ કરી લીધી છે? ‘અતુલ્યએ બાજી સાચવી લેવાની હતી. આમ જો બેઉ જણા નાસીપાસ થઇ જાય તો કેમ ચાલે?

હવે પોલીસમાં ફરિયાદ કરવી જરૂરી હતી.

જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવીને અતુલ્ય પાછો ફર્યો ત્યારે તેની સાથે હતા બે પોલીસ ઓફિસર્સ .
ઘરે આવીને પહેલું જામ એમને કર્યું ચાંદનીના રૂમ , તેના પુસ્તકો થી લઇ રમકડાં કપડાંનું ઔપચારિક અવલોકન કરવાનું , એ પછી લિવિંગ રૂમમાં , ત્યાં લેન્ડ લાઈન સાથે જરૂરી ઉપકરણો ફીટ થઇ રહ્યા હતા.
‘ કોઈ અંગત કે ધંધાદારી દુશ્મનાવટ ખરી? ‘
‘ઘરમાં સભ્યો કેટલા?’
‘નોકરો કેટલા?’
‘કામવાળી બાઈની ઉંમર, કેટલાં વર્ષથી કામ કરે છે? ડ્રાઈવરની વિગત ….’
પોલીસ ઇન્સ્પેકટરના પ્રશ્નો તો જાણે કદીય પૂરા થાય તેમ જ લાગતું નહોતું .
એક વાત તો નક્કી હતી કે ચાંદનીનું અપહરણ થયું હતું, એ માત્ર નાણાં માટે હતું કે કોઈ અદાવતથી એ વિષે કોઈ પ્રકાશ પડતો નહોતો .

‘ જુઓ મિ.ચોકસી, કેસ તો નિશંકપણે અપહરણનો છે , હવે થોડી રાહ જોવી પડશે . અપહરણકર્તા ફોન તો કરશે જ , તે પણ એકાદ દિવસમાં . આપણે કોલ ટ્રેસ કરી લોકેશન તો શોધી કાઢીશું પણ યાદ રહે કે આ વાત જેટલી છાની રખાય બહેતર છે.’ ઇન્સ્પેકટર શિંદેએ અતુલ્યને જરૂરી સલાહ સુચન આપી વિદાય લીધી ત્યારે મધરાત વીતી ગઈ હતી.

******************

ચાંદનીના ગૂમ થયાને અઠવાડિયું વીતી ગયું ને તો ય કોઈ સગડ ન મળ્યા ત્યારે અતુલ્ય ને વંદનાની ધીરજ ઓસરતી ચાલી .

‘પોલીસનો આટલો સહકાર હોય છતાં ચાંદનીનું એક સગડ ન મળે એ વાત જ વિચિત્ર નથી અતુલ?’ વંદનાની અધીરાઈ સંતાપમાં ફેરવાઈ ચૂકી હતી.

અતુલ્ય પિતા હતો ચાંદનીનો , પથ્થરનું કાળજું હોય તેવો દેખાવ કરી ને ફરતો પણ તેના મનમાં પણ ઊંડે ઊંડે એ જ ડર હતો , જે વંદનાને હતો :એ વાત પોલીસને જણાવવી કે નહીં?

‘અતુલ્ય, ક્યાંક એવું તો નથી ને કે તમે એની સાથે મળીને ચાંદની મારાથી ઝુંટવી લીધી છે?’ એક રાતે વંદનાના પોઈન્ટબ્લેન્ક આક્ષેપ કર્યો ને ઘા ખાઈ ગયો અતુલ્ય .

‘વંદના, તને ભાન છે તું શું બોલી રહી છે? મારા પર આવો આક્ષેપ? આટલો નીચ ધરી લીધો મને?’
‘તું ખરેખર માને છે કે હું એક માને એના સંતાનથી દૂર કરું? ‘અતુલ્ય હથિયાર વિના લડી રહેલાં યોદ્ધા જેવી નિરાશા અનુભવી રહ્યો … વંદના ને કેમ કરી ને વિશ્વાસ અપાવવો?

બેડરૂમમાં પ્રવેશતી ચાંદની પતિ પત્નીને દઝાડતી રહી.
જયારે વિશ્વાસ જેવી મૂડી જ ન હોય ત્યારે પતિપત્ની સાથે તો જરૂર હોય છે , એકબીજાની પાસે નથી હોતાં .

સંતાનની ઝંખનાએ કેવી ખાઈ સર્જી દીધી હતી.આ વાત પોલીસને જણાવવી હવે જરૂરી હતી, અન્યથા કદાચ એમ ન બને કે વંદના પોતાને જ આ આખી વાત માટે દોષી સમજે , અતુલ્યે મનોમન નિર્ણય લઇ લીધો .

‘ઓહ, તો કહાની મેં ટ્વિસ્ટ હૈ…. ‘ ઇન્સ્પેકટર શિંદે બોલ્યો સાહજિકપણે, પણ અતુલ્યને લાગ્યું કે એ કટાક્ષ કરી ગયો.

હવે વાત એવા નાજુક તબ્બકે આવી ઉભી હતી કે આ વાત પોલીસને જણાવવી જરૂરી બની હતી.
‘જરા વિગતે કહી શકો આ વાત? ‘ ઘરે આવેલા શિંદેએ અતુલ્યને પૂછ્યું.
અનાયાસે જ અતુલ્યે બેડરૂમના બંધ ડોર તરફ નજર નાખી લીધી, જે વાત ચકોર પોલીસઆંખોની નજરબહાર થોડી જવાની હતી?

‘અમારા લવમેરેજ છે સર, આ મારી પત્ની વંદના કોલેજથી મારી બેસ્ટ ફ્રેન્ડ રહી છે, ને આજે પણ એકેય વાત એવી નથી જે મેં એની સાથે શેર ન કરી હોય!! પણ, ખબર નહીં કોની નજર લાગી!!’ અતુલ્યના અવાજમાં ઉદાસી તોળાઈ રહી હતી. ઇન્સપેક્ટર શિંદેને સાચી વાત જણાવ્યા વિના કોઈ પર્યાય જ નહોતો .

‘લગ્નના પાંચ વર્ષ તો એમ જ નીકળી ગયા, મારા પેરેન્ટ્સ તો વર્ષોથી દેશમાં , ત્યાં ચાલતાં સેવાશ્રમમાં સેવા આપે છે. કદીક અમારી સાથે રહેવા આવે છે ને જતા પણ રહે , એ લોકોએ પણ ક્યારેય અમને સંતાન અંગે ટકોર નથી કરી પણ, બધી ફ્રેન્ડઝને જોઇને વંદનાનો જ જીવ સોરાતો. કોઈ નામી ડોક્ટર્સની ટ્રીટમેન્ટ બાકી નથી રાખી, ન કોઈ મંદિર મસ્જીદ, અરે પથ્થર એટલા દેવ કર્યાં , હકીમ, વૈદ, પીર ,ઓલિયા ,સાધુ સંત , બધા આખડીઓ કરી પણ લગ્નના અગિયાર વર્ષે પણ સંતાનસુખ ન મળ્યું ત્યારે મેં જ કોઈ બાળક દત્તક લેવાનો અનુરોધ કર્યો હતો પણ દત્તક નામ પડતા જ વંદનાનો ચહેરો ઉતરી જતો. એને થતું કે કમી પોતાનામાં હતી અતુલ્યમાં નહી તો પોતાની ખામીની સજા અતુલ્ય શું કામ ભોગવે? અને તે પણ જ્યારે જ્યારે સરોગેટ મધરનો વિકલ્પ હવે છે ….” અતુલ્ય એકધારું બોલતો રહ્યો જેના પરથી શિંદે એક અનુમાન સહેજે લગાવી શક્યો કે માણસ જૂઠું તો નહોતો .

શિંદેના મનમાં ગડ બેસતી હોય તેમ એ વિચારમગ્ન હતો.
આંખો ઝીણી કરી સિગરેટનો એક ઊંડો કશ મારીને એને અતુલ્યને વાત આગળ કહેવા ઈશારો કર્યો.

‘સાચું કહું તો મને આ આખી વાત નહોતી જચી પણ વંદનાના ડિપ્રેશન સામે લાચાર થઇ ગયેલો સર, ‘ નિખાલસ કબુલાત કરતો હોય તેમ અતુલ્ય બોલ્યો .
‘ નામાંકિત મેગેઝિનોમાં સરોગેટ જોઈએ છે એવી જાહેરખબર પણ વંદના એ જ આપેલી અને તમામના ઇન્ટરવ્યુ પણ એને જ લીધા હતા.’

‘ હા , બધા ઇન્ટરવ્યુ મેં લીધા હતા પણ આખરી પસંદગી અતુલ્યની હતી……” વંદનાનો અવાજ સાંભળી અતુલ્ય ચોંક્યો .
શિંદે તથા અતુલ્યને સમજતા વાર ન લાગી કે વંદના ક્યારની તેમની વાત સાંભળી રહી હતી.

‘આવો મિસિસ ચોકસી. તમારા ઇનપુટસ પણ અગત્યના છે, ‘ શિંદે બોલ્યો . હવે પિક્ચર થોડું ક્લીયર થઇ રહ્યું હતું .

વંદના આવીને કાઉચ પર બેઠી . એના ચહેરા પર અજબ દ્રઢતા હતી.

‘ઇન્સ્પેકટર સાહેબ , એ વાત સાચી કે સરોગેટ મધર એડ મેં જ આપેલી , મેં જ સહુના ઈન્ટરવ્યુ કરેલા, જાહેરખબરનો પ્રતિસાદ તો બહુ સારો હતો પણ દિલ ઠરે એવી વાત નહોતી . આખરે મારે મારા પતિના ભાવિ સંતાનની માતાની પસંદગી કરવાની હતી. કામ દિલથી નહીં દિમાગથી કરવાનું હતું એટલે મોટાભાગની સ્ત્રીઓને મેં જ ફેઈલ કરી હતી.’ વંદના ભૂતકાળની ન યાદ કરવા જેવી વાત પરાણે યાદ કરતી હોય તેમ મગજ પર જોર લગાવી યાદ કરવાની કોશિશ કરી રહી હતી.
‘ કોઈકની ઉંમર વધુ હતી , તો કોઈ દેખાવમાં સુંદર નહોતી , કોઈક તો સ્વાસ્થ્યમાં ગરીબ હતી ને બે ચાર તો સ્મોકિંગ પણ કરતી હતી. કદરૂપું કે ખોડખાપણવાળું બાળક મારા અતુલ્યનું? નો વે…’
વંદનાએ એક ઊંડો શ્વાસ લીધો , કોઈ અપ્રિય વાત કહેવા પોતાની જાતને તૈયાર કરતી હોય તેમ.

‘લગભગ પંદરેક યુવતીઓને મળ્યાં પછી ભારે નિરાશા લાગેલી . કોઈ દેખાવમાં નબળી, કોઈ આરોગ્યમાં ,સિગરેટ ફૂંકતી છોકરીઓ આમ બધી રીતે બરાબર હતી.માત્ર પૈસા માટે જ કૂખ ભાડે આપવા તૈયાર થઇ ગયેલી પણ સ્મોકર માનું સંતાન ખોડવાળું હોય તો ? એવા બધા કારણો ને લીધે વાત જામી નહીં ત્યારે આ બધું પડતું મૂકી દીધેલું, પણ ભગવાનની શું મરજી હશે કે ત્રણ મહિના પછી મને એક છોકરીનો ફોન આવ્યો હતો. અમે મળ્યા , અમે એટલે હું ને આશા. એનું નામ આશા હતું કે નહીં એ તો મને નથી ખબર પણ એને મને તો એમ જ કહેલું, માંડ બાવીસ કે પચ્ચીસની હશે . ‘વંદના આખી ઘટના યાદ કરી રહી હોય તેમ બોલી .
‘મને ભારે આશ્ચર્ય તો થયેલું કે આ છોકરી આ ઉંમરમાં શું કામ આ કામ કરે? અને હા, એના પહેરવેશ પરથી કે બોલચાલ પરથી મને એ ગરીબ ઘરની તો હરગીઝ નહોતી લાગી જેને આ કામ માત્ર પેટનો ખાડો પૂરવા કરવું પડે. મેં એને વારંવાર પૂછ્યું તો ય નહોતું કહ્યું. ને સાચું કહું તો મારી ધીરજ પણ જવાબ દઈ ગઈ હતી.મારે આ તક ગુમાવવી પણ નહોતી એટલે આશા પર પસંદગી ઉતારી પણ મને ખબર નહીં કે મેં જ મારા હાથે મારા માટે કુવો ખોદ્યો …..’
વંદનાને ડૂસકું આવી ગયું .

‘વંદના પ્લીઝ …. ‘ ઇન્સ્પેકટર સામે થઇ રહેલાં આ સીનથી અતુલ્ય ખરેખર મૂંઝાયો હતો.આખરે પોતાને જે ડર હતો તે જ પરિસ્થિતિ આવી ને ઉભી રહી.હવે આ વંદનાના મગજમાં પડેલી શકની ગાંઠને કેમ કરી છોડવી?

‘ મિ.ચોકસી , તમારી પાસે એ યુવતીનું પૂરું સરનામું તો હશે ને ?’ શિંદેનું મગજ હવે ત્રીજા ટ્રેક પર દોડી રહ્યું હતું . સામે બેઠેલો સજ્જન દેખાતો પુરુષ તો પોતાનું પ્રેમિકાથી થયેલું બાળક પત્ની પાસેથી અપહરણ નથી કરાવી ગયો ને ?

‘જી સર’, અતુલ્ય ઉઠ્યો અને થોડી જ ક્ષણોમાં પાછો આવ્યો, એના હાથમાં એક નાનકડી ડાયરી હતી. જેના એક પાના પર લખ્યું હતું : સુ.શ્રી આશા દેશમુખ .અને નીચે હતું એક સરનામું , પૂના પાસે આવેલું નાનું ગામ તળેગાઉં . આ કેસ ક્રાઈમ સ્ટોરી ખરો પણ કોઈક જુદા જ પ્રકારની કહાની કહેતો હતો , જાણે કોઈ વ્હાઇટ ક્રાઈમ.

************************************************

બીજે જ દિવસે ઇન્સ્પેકટર શિંદે પોતાની પોલીસ પાર્ટી સાથે સિવિલિયન ડ્રેસમાં પહોંચ્યો તળેગાઉ , ડાયરીમાં લખેલુ સરનામું શોધવું કોઈ મુશ્કેલ કામ નહોતું . માંડ વીસ હજારની વસ્તી ધરાવતાં ગામમાં આશાનું ઘર શોધતાં શિંદેને પૂરી વીસ મિનીટ પણ ન લાગી. ગામના શાંત તળાવ પાસે નાનું સરખું કોટેજ જેવું પાકું મકાન હતું . અંદર કંઇક ચહલપહલ વર્તાતી હતી.વચ્ચે વચ્ચે વાતાવરણને ભરી દેતું હતું ખિલખિલ હાસ્ય અને તેમાં ભળતો એક સ્ત્રીનો સ્વર, નક્કી તો આ આશાનું જ કામ હતું .

શિંદે એ પળવાર વિચાર કરી બારણું ખટખટાવ્યું . હાસ્યની હેલીને જાણે બ્રેક લાગી ને થોડી જ ક્ષણમાં બારણું ખુલ્યું . સામે આશા જ ઉભી હતી, એ આશા જેના ફોટોગ્રાફ્સ શિંદેને વંદનાએ આપ્યા હતા. હા, છ વર્ષમાં આશા કદાચ વધુ કૃશ થઇ હોય એવું લાગતું હતું .

‘ઇન્સ્પેકટર શિંદે , મુંબઈ પોલીસ ….’ શિંદે એ ડાબા હાથમાં રહેલું પોતાનું આઈડી કાર્ડ બતાવતાં કહ્યું અને એ જ સાથે આશાએ થોડું ખસી અંદર આવવા માર્ગ મોકળો કરી આપ્યો . સ્તબ્ધ થઇ જવાનો વારો હવે શિંદે એન્ડ પાર્ટીનો હતો. આ કેવા પ્રકારની ગુનેગાર?

શિંદે અને સાથે રહેલી લેડી પોલીસ કોન્સ્ટેબલે ઘરની તલાશી લેવા માંડી, બાજુના જ બેડરૂમમાં ચાંદની કોઈ ચિત્રમાં રંગ ભરી રહી હતી.

વાતાવરણમાં મૌન પ્રવર્તી રહ્યું . શિંદે વધુ કંઇક કહે તે પહેલા જ આશાએ આગળ આવી પોતાના હાથ લંબાવ્યા : ‘ ગુનેગાર છું. સજા ભોગવવા તૈયાર પણ છું.’
સન્ન રહી ગયો શિંદે . જિંદગીમાં ભારે રસપ્રદ નાટકીય કેસ જોયા હતા પણ આ તો આખી વાત જ ભારે વિસ્મયકારક હતી.

શિંદેએ સાથે રહેલી લેડી કોન્સ્ટેબલને ઈશારતથી આદેશ આપી દીધો . જેને સમજી જઈ લેડી કોન્સ્ટેબલે ચાંદનીનો સરંજામ સમેટવા લાગી .

શિંદે આખી પરિસ્થિતિથી થોડી અવઢવમાં હતો.મનોમન ભારે અટકળો કર્યા પછી જયારે કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો ત્યારે શિંદેએ આશાને જ પૂછી લીધું : આવું કામ કરવાનો ઉદ્દેશ શું?

આશા કંઈ જ ન બોલી , માત્ર નિષ્પલક રહી ચાંદનીને, જે હજી પોતે બનાવેલાં ચિત્રમાં રંગ ભરી રહી હતી.

‘ ઇન્સ્પેકટર સાહેબ, તમને તો વંદનાતાઈએ બધી વાત કરી જ હશે ને ? એ સિવાય તો તમે અહીં નથી આવ્યા ને !! તો હવે મારી પાસે શું જાણવા ઈચ્છો છો? ‘આશાએ એકદમ સ્વસ્થ ચિત્તે શિંદેની સામે તાકતાં પ્રશ્ન કર્યો .

‘ના, હું સામાન્ય સંજોગમાં જોઉં તે લોજીક અહીં નથી લાગુ પડતું . જો તમે ધાર્યું હોત તો તમે ચાંદનીને એવી જગ્યાએ લઇ ભાગી ગયા હોતે કે પત્તો આમ અસાનીથીતો ન જ મળતે , તો પછી જે ચોકસીદંપતી જાણતાં હતા તે જ જગ્યાએ બાળકીને લઇ આવવા પાછળનું કારણ શું?’ શિંદેએ મનની વાત પૂછી જ કાઢી .

પહેલી થોડી ક્ષણ આશા ચૂપ રહી : ‘ સાહેબ, શક્ય છે તમને માહિતી ન હોય કે હું ચાંદનીની જન્મ આપનારી મા છું.’ આશા બોલીને શિંદેના ચહેરા પર ભાવ જોવા અટકી .

‘ હા, મને ખ્યાલ છે , ચોકસી કપલે જ મને હકીકતથી અવગત કરાવ્યો, અલબત્ત એ માહિતી ઘણી મોડી આપી…..અન્યથા ….’ શિંદેએ વાક્ય અધૂરું મુક્યું .

‘ નહીતર તો તમે ગણતરીના કલાકોમાં જ ચાંદનીનો કબજો લઇ લેતે એમ જ ને ?’ આશા બોલી, એનો સ્વર સપાટ હતો. જાણે એ જ પરિણામની એ રાહ જોઈ રહી હતી.

‘ હા, તમે બરાબર જ સમજ્યા …. હવે કહો આ અપહરણ પાછળનું ખરું કારણ શું? આપસી અદાવત કે પછી મિસિસ ચોકસી પર વેર લેવાની ભાવના? આ કેસ માત્ર પૈસાને કારણે થયો હોવાની માનવા મારું લોજીક ઇનકાર કરે છે. ને જુઓ મિસ આશા, તમે ચાંદનીના માતા ખરાં , પણ કાયદાની દ્રષ્ટિએ ગુનેગાર તો ખરાં જ …..’ શિંદેએ વાતની ગંભીરતા સ્પષ્ટ કરતાં કહ્યું .
‘સર, તમે માનો છો કે હું આટલી સીધી વાત ન સમજું ? આ તો માત્ર તમારી જાણ માટે કહું છું કે હું પોસ્ટ ગ્રેજયુએટ છું……’આશા શાંતિથી બોલી પણ શિંદેએ પગ પાસે જાણે બોમ્બવિસ્ફોટ થયો હોય એવો આંચકો અનુભવ્યો .

તો?? …. વંદનાનો શક સાચો હતો? શિંદેના મનમાં ઉઠેલા પ્રશ્નનો જવાબ આપતી હોય તેમ આશા ઉભી થઇ બાજુના રૂમમાંથી એક પેકેટ લઇ આવી. એને ખોલીને શિંદે સામે મુક્યા
થોડાં છૂટાં ફોટોગ્રાફ્સ ને એક નાનું આલ્બમ .

‘હું સરની ઓફિસમાં જ કામ કરતી હતી….. ‘ આશા એક પછી એક રહસ્યના પડ ખોલતી જતી હતી.
‘ના, કોઈ લવ ટ્રાયેન્ગલ નથી સર, કોઈ ખરેખર વિશ્વાસ નહીં કરે પણ મિ.ચોકસી ખરેખર ભગવાનના માણસ , અને વંદનાજી પણ.. સહુને ખ્યાલ હતો તેમના સંતાપનો , ખાસ કરીને વંદનાજી જ ભારે દુ:ખી હતા. હું એમ તો નહીં કહું કે આ કોઈ બલિદાન કે પ્રેમ હતો , એ તો માત્ર મારો સર પરત્વેનો અહોભાવ સમજો . પણ , આ વાત બિરદાવવાને બદલે વંદનાજી તો વિફર્યા , એમને થયું કે મેં અને સરે મળીને જ કોઈ ગેમ પ્લાન કરી હતી.’

‘ આમ તો એ વાત ક્યારેય ન ખુલતે …’ આશા જરા અટકી : મારા ફૂલ મેડીકલ ચેકઅપ પછી નિયત સમયે આર્ટિફિશીયલ ઇન્સેમીનેશન દ્વારા ગર્ભાધાન થયા પછી હું ને વંદના તાઈ શિમલા જતા રહેલા, સર ક્યારેક ક્યારેક મળવા આવતાં પણ એથી વિશેષ કંઈ જ નહીં, પણ ગરબડ થઇ ગઈ મારી જ લાલચથી…..’

‘વંદના તાઈ એક મિનીટ માટે મને રેઢી નહોતાં મુકતાં , સગી બહેનની જેમ મને જાળવતાં એની ના નહીં ને ડિલીવરીનો સમય પણ નજીક આવી ગયેલો , સર પણ આવી ગયેલા ને થોડા જ કલાકોમાં ચાંદનીની જન્મ … ગુલાબના ફૂલ જેવી મારી પરી. ચાંદની નામ પણ વંદનાતાઈએ જ પસંદ કરેલું . એક બાજુ આનંદમંગળની છોળ ઉછળી રહી હતી ને મેં જોયું પેશન્ટ કાર્ડ, જેની પર મારા નામની બદલે લખાયું હતું નામ શ્રીમતી વંદના અતુલ્ય ચોકસી . .. અને બસ મારું મન ફરી ગયું . જેમને માટે મારી જિંદગી દાવ પર લગાડી એ સરે પણ પોતાની પત્નીને આમ કરતા ન રોકી? મારી સદભાવનાનો આવો બદલો? ‘આશા ભૂતકાળમાં ઝાંકી રહી હોય તેમ બોલતી રહી.

‘ડિલીવરીને અઠવાડિયું વીત્યું, એ દરમિયાન વંદનાએ મારી બાળકી પર જાણે કબજો જ કરી લીધો હતો. મારી જરૂર માત્ર દર ત્રણ કલાકે દૂધ પીવડાવા પડતી , એક મા બીજી મા સાથે આવી ક્રૂર થઇ શકે ? ને આ વાત આટલી પીડાદાયક હશે મેં સ્વપ્ને નહોતું વિચાર્યું . સર ખુદ સાક્ષી હતાં છતાં ચૂપચાપ આ બધું જોતા રહ્યા, તેમણે એકવાર સહાનુભૂતિ દર્શાવવા વંદનાતાઈ ને કહ્યું પણ ખરું પણ એમની પર કોઈ અસર જ નહોતી. હવે ગરજ પતી ગઈ હતી ને !!’

એક રાત્રે સર અને વંદનાતાઈ બેઠા હતા ત્યાં હું હિંમત કરીને ગઈ. : તાઈ , મારે કૈંક કહેવું છે….
વંદનાના ચહેરા પર અણગમાની આછેરી લકીર અંકાઈ એ તો સ્પષ્ટ દેખાયેલું .
‘હં..બોલ…’ એવું એમને તો વાત પણ સાંભળવી નહોતી .
અને હા, આ દરમિયાન એમની નજર અતુલ્ય સર પર હતી તે પણ મારી ધ્યાન બહાર નહોતું ગયું .

‘તાઈ , મને હતું કે બાળકને જન્મ આપ્યા પછી હું જીવીશ જ નહીં, પણ મારું બદનસીબ કે હું જીવી ગઈ.’
‘એટલે? …’ વંદનાજી એ જરા મૂંઝાઈને પૂછ્યું હતું .
‘હા, તાઈ, મને કહી દેવા લો. તમે કેટલીવાર મને પૂછ્યું પણ મેં નહોતું કહ્યું પણ આ સંસારમાં કોઈ છે જ નહિ મારું, સાવ એકલી હતી. ‘
‘હા તો શું થયું? તારી સામે જિંદગી છે, સારો સંસાર, વર ઘર, એ અધીરાઈથી બોલી ઉઠેલી. કદાચ એના મનમાં બીજી જ આશંકાએ ઘર કરવા માંડેલું કે હું ક્યાંક કાયમ એમની સાથે રહી જવાની વાત ન ઉચ્ચારી બેસું !!

‘જો કે એમની અટકળ સાવ ખતી એમ પણ નહીં કહેવાય ‘ આશાના અવાજમાં પીડા હતી: પણ વર ,ઘર, સંતાન , સંસારનું સુખ મારા નસીબમાં નથી!!
આશાની વાત પરથી આખો મામલો હવે સ્પષ્ટ થઇ રહ્યો હતો. વાત પતિ પત્ની ઓર વોહની નહોતી બલકે ત્રિકોણમાં ચોથા ખૂણો હતી ચાંદની .

“આઈ તો વર્ષો પહેલાં ગઈ ને બાબા ત્રણ વર્ષ પહેલાં ગયા, મારા માટે તમામ જોગવાઈ કરીને, કંઈ ન કરું તો પણ કોઈ સમસ્યા ન થાય….” આશાનું આ નિવેદન પતિપત્નીને અચંબો પમાડી રહ્યું . અરે, બાબાએ એ બધી જોગવાઈ કરી ને તારા માટે મૂરતિયો શોધવાની ફિકર ન કરી તે કેવું?

‘ના, ન તો બાબા એવું ઈચ્છતા હતા ન હું કે કોઈના જીવનમાં ગમે તે ઘડીએ ફસકી પડે તેવા નાજુક હૃદયે પલકદીવડા બનવું , મારું હાર્ટ એન્લાર્જ થાય છે.ખરેખર તો બાળકનો જન્મ જ મારા મોતનું કારણ બની શકે પણ છતાં આ રિસ્ક લીધું…કોરી ખાતી એકલતા સાથે જીવતાં શીખી લીધું હતું પણ બાબાના અવસાને તોડી નાખી મને, એટલે જ્યારે તમારી જાહેરખબરની વાત જાણી ત્યારે મનમાં બે લાલસા જન્મી, એક તો પોતાનો અંશ આ દુનિયામાં મૂકતાં જવાની મનુષ્યસહજ લાલસા અને બીજી સરના ચહેરા પર સ્મિત અંકાતું જોવાની ઈચ્છા …

આશાને મન આ બેઉ ઈચ્છા ઉમદા હતી પણ વંદનાને મન?
ઓહ, તો પોતાની સાથે એક રમત રમાઈ રહી હતી ને પોતે અજાણતાં જ હાથો બની રહી? વંદનાના ચહેરો તમતમી ગયો હતો.
દ્રોહ માત્ર આ છોકરી એ નહીં અતુલ્યે પણ કર્યો .

વંદનાના આ રૂપથી અજાણ આશા પોતાની અપેક્ષાના હલેસા મારી રહી હતી .

‘તાઈ, મારા કાળજાંના ટુકડાને સાચવવા નિયતિ મદદ કરી રહી હતી…. હવે તમે કહો મેં કંઈ ખોટું કર્યું?’ આશાની આંખોમાંથી આંસુ દડી રહ્યાં હતા.

‘એટલે? …. ” વંદના ને ફડકો પેઠો, ક્યાંક હવે આશા બાળકીને સોંપવા માટે આનાકાની ન કરે. એટલે કે આશા હવે તું જીવી ગઈ એટલે હવે આ ગુડિયા અમને નથી સોંપવી એમ જ ને?’

‘ના તાઈ ના , એવું નથી.આશાએ હાથ જોડ્યા હતા. મારા જીવનનો કોઈ ભરોસો જ નથી. આ અમાનત તમારી જ છે , તમારી જ રહેશે , હું જીવીશ તો પણ કેટલો સમય? પણ એક વિનંતી છે’ : આ ગુડિયાથી મને અલગ ન કરો …. પ્લીઝ .. મારી વિનંતી ને પ્રાર્થના સમજજો….

વાતાવરણમાં જાણે સીસું રેડાયું હોય તેવું ભારેખમ બની ગયું હતું . કોણ શું બોલે?

અતુલ્ય સર પહેલીવાર વચ્ચે પડયા : એમ કરીએ, થોડો સમય ભલે આશા આપણી સાથે રહેતી, પછી કોઈ અરેન્જમેન્ટ વિચારીશું …

એ ચૂકાદો દિલનો હતો દિમાગથી નહીં પણ એ સાંભળીને વંદનાના રુંવે રૂંવે ઝાળ લાગી ગઈ. આંખમાં રહેલાં આંસુનું સ્થાન તિખારાએ લઇ લીધું .
‘એમ કહોને કે હું હવે તમને સુકું ઝાડ લાગું છું? બાપ શું બન્યા મને ભૂલી ને આ કાલની આવેલીના થઇ ગયા? ‘
આક્રોશભેર મેદાને પડી હોય તેવું વંદનાનું આ ચંડિકાસ્વરૂપ અતુલ્ય પહેલીવાર જોઈ રહ્યો હતો: એક તો આપણે છેતરાઈ જ ચૂક્યા છીએ , આશાની આ હૃદયની બીમારી વારસાગતરીતે આ બાળકીમાં ઉતરી હોય તો શું ખબર? ને મને તો તમે પણ છેહ દીધો અતુલ્ય , તમે આને જાણતાં હતા છતાં અજાણ્યાં બની રહ્યા, ક્યાંક તમારું ….. વંદનાની જબાન પર એક ગંદો આક્ષેપ આવી ગયો.

વંદનાની ગર્જના સામે અતુલ્ય નિશસ્ત્ર થઇ ગયો. આંખમાં આંસુ અને જોડાયેલા હાથ સાથે આશા કરગરતી રહી પણ વંદના ટસથી મસ ન થઇ.
આખરે એ જ થયું જે વંદના ચાહતી હતી. આશા જ્યાં ચાહે ત્યાં જવા મુક્ત હતી , પણ ગુડિયા વિના , કાનૂની જોગવાઈ પ્રમાણે કાયદેસર રીતે આશા પોતાની ગુડિયાની મા તરીકે ઓળખવા હકદાર નહોતી .

વંદના અને અતુલ્ય બે મટી ત્રણ બની રહ્યા . દિવસો વીતતા ગયા અને કડવી યાદો પણ ધૂંધળી થઇ વિસરાતી રહી. સહુના જીવન ગોઠવાયેલાં રહ્યા જ્યાં સુધી આ અપહરણનો કિસ્સો ન થયો.

બસ, આ જ હતી વાત ચાંદનીના કહેવાતાં અપહરણની …. આશાએ ઇન્સ્પેકટર શિંદે સામે જોયું . તેની નજરમાં નિષ્પાપ પ્રેમની હેલી નજરે ચઢી જરૂર પણ આખરે તો આશા ગુનેગાર જ હતી.
શિંદે પોતે ઈચ્છતો હતો કે આ આખા કિસ્સાને ગુનાનું લેબલ ન લાગે પણ …

‘ પણ મારો પ્રશ્ન તો અનુત્તર જ રહ્યો ….” શિંદે આશાને ઉદ્દેશીને બોલ્યો .જો તમે ધાર્યું હોત તો તમે ચાંદનીને એવી જગ્યાએ લઇ ભાગી ગયા હોતે કે પત્તો આમ અસાનીથીતો ન જ મળતે , તો પછી જે ચોકસીદંપતી જાણતાં હતા તે જ જગ્યાએ બાળકીને લઇ આવવા પાછળનું કારણ શું?…’

આશા પળવાર માટે ચૂપ રહી પછી હળવે થી ગણગણતી હોય તેમ બોલી: સર, મને થયું કે પાલક માતાને કાયદેસર માતા બનવાનું સુખ વર્ષો મળ્યું ને આખી જિંદગી મળશે તો એક જનેતાને ગેરકાયદેસર મા બનવાનું સુખ થોડી ઘડી માટે પણ ન મળી શકે?….

આશાની વાત સાચી હતી પણ કાયદાની પરિભાષા પાસે લાગણીના પડઘા ઝીલવા કાન ક્યાં હોય છે?

Advertisements

3 thoughts on “ઘડીભરનું સુખ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s