Indian Summer, travel

કહીં દૂર ગગન કી છાંવ મેં

ganga_aarti
રિષિકેશ , રોકાણ તો દિવસોનું હતું પણ પહેલે દિવસે ગંગાતટ પર થઇ રહેલી આરતીએ કોઈ એવી અનુભૂતિ કરાવી કે મન ખેચાણ અનુભવતું રહ્યું હરિદ્વારનું .
હરિદ્વાર, એમ કહેવાય છે કે વારાણસી પછી જો કોઈ ભવ્ય આરતી થતી હોય તો એ હર કી પૌડીની હોય છે. છતાં વારાણસી કરતાં એ અનન્ય એટલે છે કે આ આરતી છે જેના પરથી ભારતભરના હિંદુ મંદિરોની સાંધ્યઆરતીનો સમય નક્કી થાય છે.
માત્ર આરતી જ નહીં એ પૂર્વે થતી વિધિ વિધાન પણ બહુ રસમય લાગ્યા અમને.
સામાન્યરીતે હવે તો એક ક્લિકના માધ્યમથી આખી દુનિયાની માહિતીનો ખડકલો થઇ જતો હોય છે પણ હર કી પૌડીના ગંગાજી મંદિર અને સદીઓ પૂરાણી મા ગંગાની મૂર્તિની તસ્વીર નેટ પર નથી. જેને પાલખીમાં બિરાજમાન કરાવીને રોજ સાંજે આરતી માટે બહાર કાઢી ગંગાના કિનારે લાવીને પૂજાય છે. પછી ફરી એ મૂર્તિ મંદિરમાં જાય છે. એ તમામ વિધિ વિધાનના સાક્ષી બન્યા પછી એ વિષે વધુ જાણવાની તાલાવેલી થાય સ્વાભાવિક છે,માહિતી નેટ પર તો ન મળી પણ પૂજા કરાવનાર પંડિતજી જેવા મહંતજીએ માહિતી આપી તે તો જાણીને વિમાસણ થઇ ગઈ. એ માહિતી પ્રમાણે તો ગંગાજીના ટેમ્પલમાંથી દરરોજ લાવતી સદીઓ પૂરાણી મૂર્તિ સ્વયં દર્શનીય છે. મોટાભાગના યાત્રાળુ ભીડને કારણે (આરતી સમયે પહોંચ્યા હોય તો ) રાજા ભરથરીના મંદિર સુધી પહોંચવામાં અસફળ રહે છે. એ જોવું હોય તો ભીડ ન હોય તેવા સમયે જવું જોઈએ .

હરિદ્વારનું મહત્વ એના નામ જેવું છે અને હર કી પૌડીનો અર્થ થાય છે હર એટલે કે શિવના પગથિયાં (સ્ટેપ્સ). એમ મનાય છે કે અમૃતકુમ્ભમાંથી થોડા ટીપાં પડ્યા તે આ જગ્યા અને લોકવાયકા પ્રમાણે એવું મનાય છે કે સવારે અને સાંજે જયારે આરતી થાય ત્યારે ગંગાપુત્ર ભીષ્મની હાજરી હોય છે. જો કે આ બધી લોકવાયકાઓ છે.
આ તો થઇ હરિદ્વારની વાત. મોટાભાગના લોકો એથી પરિચિત જ હશે , કદાચ બે પાંચ અમારા જેવા અજાણ હોય ,એ પણ ઘણું જાણતા હશે પણ મૂળ વાત તો કરવી હતી હરિદ્વાર સુધી પહોંચતાં એક અદભૂત રસ્તાની .
અદભૂત એટલે કારણકે અમે એ રસ્તો નહોતો જાણ્યો કે જોયો પણ અમારી સાથે રહેલાં મિત્રો જેમની વર્ષમાં બેથી ત્રણ રિશીકેશની ટ્રીપ પાક્કી હોય તેમને પણ આ રસ્તા વિષે જાણ નહોતી . આ રસ્તો મોટાભાગના યાત્રીઓ નથી લેતા, કારણ કે ત્યાં ટોલ ભરવો પડે છે, એવું ડ્રાઈવરે અમને કહ્યું.

હર કી પૌડી સાંજના સાડા પાંચ સુધીમાં પહોંચવું હતું . આરતીનો સમય તો સાત વાગીને સોળ મિનીટનો હતો પણ હરકી પૌડી પહોંચવું એ જ કામ જટિલ , એટલે વિચાર્યું કે અમારી રિષિકેશની હોટેલ જે હરિદ્વાર જતાં રસ્તાથી ઘણી નજીક હતી તો પણ સાડા ચાર કે પછી પાંચ વાગે તો મોડામાં મોડું સ્ટાર્ટ થઇ જવું , સહુએ કહેલું કે રીશીકેશથી હરિદ્વાર જતા નહીં નહીં ને કલાક દોઢ થી બે થઇ જશે. અંતર માત્ર 30 કિલોમીટર પણ ટ્રાફિક તો તોબા પોકરાવી દે તેવો .
હોટેલની ટેક્સી તો  વાટ જોતી હતી. ડ્રાઈવર હસમુખો યુવાન હતો , કહે આટલું જલ્દી ? હજી તો સાડા ચાર થયા છે , પાંચ વાગે પહોંચી જશો પછી છે કોઈ પ્લાન ?
અમે થોડી હેરતમાં પડ્યા ; આ પહેલો નંગ મળ્યો કે જે કહે છે આરામ સે ચલો.
અરે ભાઈ , આરતી તો મેઈન જોવી છે તું તારે ચલ, ટ્રાફિક કેટલો હશે !!
અને અમારી સફર સ્ટાર્ટ થઇ. પાંચ મિનિટમાં જ ઘનઘોર વનરાજી શરુ થઇ. અમે તો મૂંઝાયા : આ ક્યાં લઇ ચાલ્યો . અમારે તો હરિદ્વાર જવું હતું , હાઈવેની બદલે આ તો જંગલમાંથી રસ્તો જઈ રહ્યો હતો. અમારી સાથે ગંગા ચાલે , કેનાલ રૂપે , એક તરફ ગંગા બીજી તરફ ચિક્કાર વનરાજી . પછી ગંગા ક્યાં અદ્રશ્ય થઇ ગઈ અને ચિલ્લા નદી તેને સ્થાને ગોઠવાઈ ગઈ. સામનો વાનરો સાથે થયો પછી હરણ ક્યાંકથી દોડીને સામેની ઝાડીમાં લપાઈ ગયું . સાચું પૂછો તો અમે અવાક રહી ગયા હતા. આ રસ્તો કયો હતો ?
એટલે ડ્રાઈવર જેનું નામ રાજેશ હતું તેને ફોડ પાડ્યો : મેડમ , ટ્રાફિકવાળા રસ્તાની બદલે જંગલ રસ્તેથી કાર લીધી વાંધો નથીને ??

2015-29-6--23-20-09

અમે તો કુદરતી વાતાવરણમાં જ બેહોશ થઇ ગયેલા, આભાર માનવા શબ્દો કોને જડે?
જોવાની ખૂબી એ કે વાનર , હાથી , ચિતલ અને નસીબ હોય તો બાઘ ( એ લોકો દીપડાને બાઘ કહેતા લાગ્યા ) અને સુપર લકી હોય તો શેર (વાઘ) પણ જોવા મળી જાય ને ટ્રાફિક જુઓ તો નીલ. નો ટ્રાફિક . જાત જાતના પંખીઓનો કલરવ વાતાવરણમાં હતો પણ દેખાયા નહીં ને ત્યાં તો નદીનો એક મોટો પટ સુકાયેલો જોયો , વરસાદમાં લગભગ આ રસ્તો બંધ થઇ જાય છે અને બાકી હતું તેમ બોર્ડ જોયું : રાજાજી નેશનલ પાર્ક.
ઓહ , સમજાયું . રીશીકેશ થી હરિદ્વાર જતો આ રસ્તો રાજાજી નેશનલ પાર્કને સ્પર્શીને આગળ વધી જતો હતો પણ મન તો થઇ ગયું નેશનલ પાર્કમાં આંટા મારવાનું . જો કે એ દિવસે તો મન પર લગામ કસી પણ આખરે તો દર્શન કરવા જ હતા ને !! અમે જ્યાંથી પ્રવેશ કર્યો એ ગેટ હતો ચિલ્લા ગેટ.
ખરેખર તો આ નેશનલ પાર્ક અન્યની સરખામણીમાં નાનો કહી શકાય એવો છે અને વળી માત્ર નવેમ્બરથી જુન એન્ડ સુધી જ ઓપન રહે છે. આ વિષે ભાગ્યે જ ઇન્ડિયન ટુરિસ્ટ વધુ જાણે છે (જે જાણતાં હોય તે માફ કરજો , આ સામાન્ય ટર્મમાં લખ્યું છે ). પાર્ક ખાસ જૂનો નથી , એટલે કે એનું નામ. 1983માં ચિલ્લા અને મોતીચૂર બે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીને એકમેકમાં ભેળવીને 850 સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલો આ પાર્ક અસ્તિત્વમાં આવ્યો છે. રાજાજી નેશનલ પાર્ક એમ સાંભળીને થયું કે ગાંધી નહેરુ ફેમિલીનું નામ નથી એટલે કોઈક રાજા કે જમીનદારની મિલકતના ભાગરૂપે હશે અને પછી રાષ્ટ્રને ભેટ કર્યો હશે પણ અમારા ગાઈડે અમારી માન્યતાનો મોક્ષ કર્યો : રાજાજી એટલે સી.રાજગોપલાચારી , સ્વાતંત્ર્યસેનાની ને પછી ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનેલા તે.
સાચું કહું તો બહુ નવાઈ લાગી હતી આ નામ સાંભળી ને , કાન ચોક્કસ નામોથી એટલા ટેવાઈ ગયા છે ને કે ….
એ દિવસે તો પાર્કમાં સૈર કરવાના ઈરાદો પડતો મૂકવો પડ્યો , હરિદ્વાર પહોંચવું હતું ને પણ પછી તો આ નેશનલ પાર્ક ન જવાય તો રિષિકેશ અધૂરું લાગે . એ માટે તો એક આખો દિવસ માંગી લે તેવો પ્રોગ્રામ ગોઠવવો પડે.

2015-29-6--23-12-58

પૌડી ગઢવાલ , દહેરાદુન ઉત્તરાખંડમાં ફેલાયેલો પાર્ક વર્જિન કહી શકાય એ હાલતમાં છે . કોઈ રડ્યા ખડ્યા ગોરા ટુરિસ્ટ સિવાય કોઈ દેખાય તો ને !! અને હા , બેસ્ટ તો એ કે સમ ખાવા પૂરતો કોઈ ઇન્ડિયન ટુરિસ્ટ ન દેખાય, કદાચ એટલે જ આ પાર્ક આટલી સારી હાલતમાં છે . 400 જાતના પક્ષીઓ , ચાલીસથી વધુ જાતના પ્રાણીઓ અને ક્યારેય ન જોઈ હોય તેવી વનરાજી . સૌથી રસપ્રદ છે ક્યાંક ક્યાંક ખુલી જતો નદીનો પટ અને સિલ્વર સેન્ડ , રૂપેરી રેતી જે બપોરના તડકામાં ઝગારા મારે અને વાદળછાયું વાતાવરણ હોય તો મોલ્દીવ્ઝની યાદ અપાવે .

અતિશય સુંદર કહેવાય એવા આ પાર્કમાં હોટલ કે ગેસ્ટ હાઉસને નામે કોઈ સારી કહી શકાય એવી વ્યવસ્થા નથી. સરકારી ગેસ્ટ હાઉસ છે પણ રાત પડે એટલે જો તમે પેલી ઇવિલ ડેડ ફિલ્મ જોઈ હોય તો એ અચૂક યાદ આવશે . હિમાલયની શિવાલિક રેન્જમાં વહેતી ગંગા ચિલ્લા ને મળી લીધું ને થોડું આમતેમ ફરી લીધું કે સાંજનો જાંબલી કેસરિયો પ્રકાશ છવાવા માંડ્યો .
અમારા ડ્રાઈવરે કહ્યું કે નીકળવું હોય તો હમણાં જ નીકળો નહીતર અહીં રાતવાસો કરવો પડશે, કારણ કે જેના પરથી કાર પસાર થાય છે તે રસ્તો રાત્રે હાથી ને દીપડા કબજે કરી લે છે.
સરકારી ગેસ્ટ હાઉસ આમ તો ખોટું નહોતું પણ રાત્રે મચ્છરોને ડીનર આપવાની અમારી મુદ્દલે ઈચ્છા નહોતી  ને વળી મારો પીછો પકડ્યો હતો પચ્ચીસ વર્ષ પહેલાં જોયેલાં ઇવિલ ડેડ મૂવીએ, સહુની સામે કાયરતા છતી કરવી એના કરતાં નોન એસી રૂમના બહાને અમે રીતસર ભાગવું જ બાકી રાખ્યું .

2015-29-6--22-59-02

મારા ડેર ડેવિલ ફ્રેન્ડઝ , જેમને આ બધાનો ડર ન લાગતો હોય તેમને માટે આ પાર્ક હેવન છે. બાકી જેને ડર લાગતો હોય તેમને રાફટીંગ અને કેમ્પિંગની ડે પિકનિક કરીને અમારી જેમ દિલ મનાવી લેવું .
અરે , હા, જેમણે આ પીસ વાંચીને સ્લીપિંગ બેગ શોધવા માંડી હોય એ લોકો સબ્ર કરો, હવે નવેમ્બર સુધી ઇન્તઝાર કરો , પાર્ક કાલે બંધ થાય છે.
ઓલ ધ બેસ્ટ ફોર નવેમ્બર …

રાહી તુ મત રૂક જાના..
કભી તો મિલેગી તેરી મંઝિલ …
કહીં દૂર ગગન કી છાંવ મેં …

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s