વેર વિરાસત

પ્રકરણ 3

2015-22-7--13-27-52

‘ હલો રાજ…. હલો … હલો …’ લાઈન ડિસ્કનેકટ થઇ ગઈ. હવે નવાઈની વાત નહોતી રહી.

માધવી રોજ મનાલી ફોન જોડતી ને આ હાલ જ હતા. ફોન લાગતો પણ ખરો , ઓપરેટર ટ્રાન્સફર કરે ને રાજ લાઈન પર આવે એ દરમિયાનમાં લાઈન કટ થઇ જતી.

અખબારમાં તો હવે મનાલીના કોઈ સમાચાર પણ નહોતા આવતા, શિલાઓ ધસી પડવાને અને તોફાન શમ્યાને અઠવાડિયું પસાર થઇ ગયું હતું . છેલ્લે તો વાંચ્યું હતું કે લશ્કરના જવાનોએ ત્રણ જ દિવસમાં માર્ગ પર જામેલા બરફને ઉસેડીને રસ્તા ક્લીયર કરી નાખ્યા હતા, પણ નહોતું ક્લીયર થઇ રહ્યું આ રાજાનું મન. ફોન લાગે તો કોઈ વાત થઇ શકે ને !

માધવીએ પોતાના મનને ટપાર્યુ : પ્રિયા આવીને એક વહેમનું બીજ શું રોપી ગઈ કે પોતે એ બીજમાંથી ઝાડ કરી નાખ્યું : અરે ! એ તો કહે જ ને , રાજાના શબ્દો ફરી ફરીને તાજાં થતાં રહ્યા, જલે છે તારી સફળતાથી , એ તો તને દેખાશે જ નહીં ને, તારી સહેલી છે ને ..અરે એટલું તો સમજ કે તને જલ્દી બ્રેક મળ્યો, હું મળી ગયો ને એને શું મળ્યું છે ? એ હજી પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે … તો જલન ન થાય ? પણ મારી આ સીલી ગર્લ કંઈ સમજે તો ને ?

લાખ વાર મનને મનાવ્યું છતાં કોણ જાણે કેમ આ વખતે પ્રિયાની વાત મનના તળિયે જામી ગયેલી લીલની જેમ ચોંટી ગઈ હતી. પ્રિયાને પંજાબી ફિલ્મમાં હિરોઈનનો રોલ તો મળ્યો હતો ને બાકી હોય એમ આ રીયલ લાઈફ હીરો પણ …એ બધી રાજને ક્યાં ખબર હતી ? એ જતી રહેશે પછી પોતે ??? પ્રિયા હવે શહેરમાં પ્રિયા પણ પોતાની પાસે નહીં હોય એ વિચાર જ ગભરામણ કરાવી ગયો માધવીના દિલમાં: આટલા મોટા શહેરમાં પોતે સાવ એકલી ??

પોતે એકલી ક્યાં છે ? , રાજ તો છે પોતાની સાથે ! માધવીના તર્કને આધાર આપવામાં મન પાછળ પડતું હોય તેવું અનુભવાતું રહ્યું . અચાનક મનમાં એક નામ ઉગ્યું : હા, શશી કોઈ મદદ કરી શકે !!

પોતાના વહેમના તમામ જવાબ હાથવેગાં હોવા છતાં મનના એક ખૂણે કંઇક ચૂભતું હતું . હા, આ શશી જ એક હતો જે કંઇક પ્રકાશ પાડી શકે. રાજા સાથે દિનરાત રહેતા આસિસ્ટંટ શશીને ફોન લગાડ્યો . રીંગ વાગતી રહી, કોઈ જવાબ નહોતો મળી રહ્યો .

‘ઓહો, કેટલી મૂર્ખ છું હું , રાજ મનાલીમાં હોય તો શશી થોડો અહીં હોવાનો , એની નિસર્ગોપચારની ટ્રીપ પતી ગઈ હશે એટલે એ હોવો તો જોઈએ રાજ સાથે મનાલીમાં જ ને !!…..’ ફોન કટ કરવા જતી જ હતી ને સામે શશીનો અવાજ સંભળાયો .

‘હલો, શશી … શું થયું ? હજી બીમાર છે ? અવાજ તો એવો લાગે છે ને …’ માધવીએ દિલથી શશીના હાલચાલ પૂછ્યા. આ મેન ફ્રાઇડે જેવો શશી બધું સાચવી ન લેતો હોત તો રાજ પોતાને સમય જ કઈ રીતે આપી શકતે ?

‘તું કેમ છે માધવી , મને હવે તો ઘણું સારું છે, પણ આ વિકનેસને કારણે હજી બીજા બે વિક તો પાકા ….એમ કહે છે કે જ્હોંડીસમાં જો પૂરતો આરામ ન થયો ને તો લીવર કાયમ માટે ડેમેજ કરી નાખે ….પણ એની વે થેંક યુ ફોર કોલિંગ ….’ શશી એવી ઠંડી રીતે વાત કરતો હતો જાણે એને વાત પતાવી દેવી હોય.

પોતે આટલો સમય ખબરઅંતર પણ ન પૂછ્યા એટલે કદાચ … માધવીને વિચાર આવ્યો: ‘ ઓહ નો, તને કમળો થયો હતો ? મને તો ખબર જ નહીં , ને રાજે પણ કંઇ કહ્યું નહીં …. અચ્છા … , એટલે તું મનાલીમાં પણ ક્યાંય ન દેખાયો .. હું સમજી કે ….’ માધવી રાજાનો બચાવ કરતી હોય તેમ કંઇક ભોંટપ સંતાડી રહી.

થોડીવાર મૌન છવાઈ રહ્યું .

‘ એ તને શું જણાવે? ને શા માટે જણાવે ? ‘ શશી જરા વાર રહીને શાંતિથી બોલ્યો .

‘કેમ તું માત્ર એનો સહાયક જ છે ? એનો મિત્ર નથી ? …. તું આટલો બીમાર છે તેની જાણ સાચે જ મને નહોતી …’ માધવી જરા ઓછ્પાઈ ગઈ. રાજે ખરેખર આવી તો કોઈ વાત જ નહોતી કરી.

‘કમળાની જાણ તો એને પણ નથી માધવી , હું પથારીવશ છું એ ય કદાચ એને ખબર નહીં હોય …’ શશીના સ્વરમાં નારાજગી સ્પષ્ટપણે વ્યક્ત થઇ રહી હતી.

‘હું કંઈ સમજી નહીં શશી …. ‘ માધવી ગૂંચવાઈ : તું બીમાર હોય ને તેની જાણ એને ન હોય , એવું બને ?

‘માધવી, ….. મને લાગે છે કે તો કદાચ તને કોઈ વાતની જાણ નથી …’ શશી હળવેકથી બોલ્યો : રાજાએ તો મને છ મહિના પહેલા જ છૂટો કરી નાખ્યો હતો ને !! તને નથી ખબર ??

‘શું …? ‘ હવે આશ્ચર્યચકિત થઇ જવાનો વારો માધવીનો હતો. રાજે પોતાના રાઈટ હેન્ડ જેવા સાથીને છૂટો કરી નાખ્યો ? ? તે પણ છ મહિના પહેલાં ? અને એ તો કહેતો હતા કે તબિયત નથી સારી રહેતી એટલે એને તો કોઈ નેચરોપથી ઉપચાર કરાવવો છે. બેએક મહિનામાં પાછો આવી જશે. તો સાચું શું ?

શશીને ખ્યાલ ન આવે તેમ થોડી આડીતેડી વાત કરીને ફોન મુક્યો પણ હવે અચાનક જ પ્રિયાની વાતમાં વજૂદ લાગવા માંડ્યું : ક્યાંક એવું તો નહીં હોય કે રાજ પોતાની સાથે પણ કોઈ રમત જ રમતો હોય ?

વિચારમગ્ન દશામાં જ ડ્રેસિંગ ટેબલ પાસે પડેલી પફી પર માધવી બેસી પડી , સામે પડઘાતું પ્રતિબિંબ પોતાને જ ઓળખાતું નહોતું. વજન વધવા લાગ્યું હતું , જેની અસર ચહેરા પર જણાવી શરુ થઇ હતી. માધવીએ હળવેકથી પોતાના ઉદર પર હાથ પસવાર્યો. માતૃત્વની છડી પોકારે કોઈ નિશાની હજી સુધી દેખીતી રીતે તો જણાતી તો નહોતી પણ હવે વાર કેટલી ? એ વિચાર સાથે જ દિલ એક ધબકાર ચૂકી ગયું : ક્યાંક રાજ ….?? કોઈ અણગમતાં ખ્યાલ પ્રવેશવા ન દેવો હોય તેમ માધવી આયના સામેથી ઉઠી ગઈ.: એક વાર રાજને ફોન લગાવવાની ટ્રાય તો કરવી જ રહી.

‘ગુડ મોર્નિંગ ….હોટેલ સ્નોલાઈન ‘ સામે કોઈક પુરુષ રીસેપ્શનીસ્ટ અવાજ સંભળાયો .

‘ કેન યુ પ્લીઝ કનેક્ટ મી ટુ રૂમ નંબર 101… પ્લીઝ? અવાજમાં અધીરાઈ ન છલકાઈ તેનું ધ્યાન રાખવું પડ્યું માધવીએ .

‘ઓહ , વોહ ફિલ્મ યુનિટ ?? ‘ નાનકડી હોટલનો રીસેપ્શનીસ્ટ એમ ફિલ્મ યુનિટને થોડો ભૂલી જાય ?

‘જી , ….’ માધવીએ ટૂંકો ઉત્તર આપ્યો .

‘મેમ, વો સબ ચેક આઉટ કર ગયે હૈ …. થોડે દિન હો ગયે…..’ ન ધારેલો ઉત્તર સાંભળીને માધવીના શરીરને ધ્રુજાવતી એક હળવી ચીલ ફરી વળી.

‘કબ ? કઈ હોટેલમાં ચેક ઇન થયા કહી શકાશે ? …’ ખબર હતી પોતાનો પ્રશ્ન કેટલો બેહૂદો છે, બેવકૂફીભર્યો પણ છતાં ય પૂછી લીધો .

ઉત્તર તો ધાર્યો હતો તે જ મળ્યો : વો તો નહીં પતા ….સોરી …

ફોન મુકીને માધવી ક્યાંય સુધી બેસી રહી . હવે મગજમાં એક જ ઘંટડી વાગી રહી હતી , પ્રિયા પ્રિયા …..એ સાચું કહી રહી હતી કે શું ? ….પોતે નારાજગીને કારણે વાત કરવાની બંધ કરી દીધી એ યોગ્ય નહોતું . પ્રિયાને પણ લાગી આવ્યું હોય તેમ અઠવાડીયાથી ગાયબ જ હતી.સમય અત્યારે રીસ કે રુઠવા મનાવવાનો નહોતો . ક્યાંક કંઇક ગરબડ હતી , કદાચ પ્રિયા પકડી શકે. ગમે એ થાય અત્યારે પ્રિયા સાથે વાત કરી લેવી જરૂરી હતી.

‘ અરે પ્રિયા , ફોન લે ….. ‘ કોઈ વયસ્ક સ્ત્રીનો અવાજ કાને પડ્યો ત્યારે માધવીને નવાઈ તો લાગી પણ એ વિષે ઝાઝી અટકળ કરે એ પહેલા તો પ્રિયા લાઈન પર આવી : ઓ હાય મધુ …. જે પણ કંઈ કામ કરતી હોય એ બધું મૂક એક બાજુ ને આવી જા મારા ઘરે…

‘અરે, પણ છે શું ? ‘ માધવીનો પ્રશ્ન આજુબાજુ થઇ રહેલા શોરબકોરમાં દબાઈ જતો લાગ્યો .

‘તું આવ તો ખરી , પછી માંડીને વાત કરું તો ? આખું વીક હું બહાર હતી એમની સાથે, અમૃતસર હરમિંદર સાહિબ દર્શન કરવા ગયેલા, એટલે ફોન પણ ન કરી શકી …’ પ્રિયાના અવાજમાં છલકાઈ જતી ખુશી માધવીના ચહેરા પર સ્મિત બની રમી રહી. : હવે ફોન મૂક , ચેન્જ કર અને આવ જલ્દી , રાહ જોઉં છું તારી ….

ફોન મૂક્યા પછી માધવી અવઢવમાં પડી ગઈ. પોતે ફોન તો કર્યો હતો પ્રિયાની સલાહ માટે પણ આ તો કંઇક જુદી જ વાત થઇ. પ્રિયા આટલો આગ્રહ કરે છે તો જવું જ રહ્યું .

નાના અમસ્તા રૂમમાં તો જાણે ભીડ જમા થઇ હતી. પ્રિયાની નાની બહેન એક તરફ પ્રિયાનો સમાન પેક કરી રહી હતી ને તેની કોઈક નવી બનેલી રૂમમેટ મદદ કરી રહી હતી. બે ચાર વયસ્ક મહિલાઓ પણ વાતે વળગી હતી.
‘આવ આવ મધુ ….’ માધવીને અંદર આવતાં જોઇને પ્રિયા એને ઉમળકાભેર આવકારવા આવતી હોય તેમ ભેટી પડી.

હજુ અનુમાન લગાવે પહેલા જ પ્રિયાએ સહુની ઓળખ માધવી સાથે કરાવવી શરુ કરી દીધી . અજિતના મુંબઈમાં રહેતાં સંબંધી હતા.

‘ વાત શું છે કે આ રૂમમાંથી લગ્ન કરવા જવું એટલે ….ને હવે તો ઘરેથી પણ બધા આવી રહ્યા છે ને ! ‘ પ્રિયા જરા શરમાઈને બોલી , ‘પાસે જ એક ફ્લેટ હાયર કર્યો છે એક મહિના માટે .. પછી તો જરૂર નહીં રહે. આજે જ શિફ્ટ થાઉં છું. ‘

નવા લોકો , પ્રિયાની બહેન , એની દૂરની ભાભીઓ , થનારાં સંબંધીઓ … પ્રિયાની આસપાસ એક નવી દુનિયા રચાઈ રહી હતી . માધવી પહેલીવાર પ્રિયાથી અંતર પડી ગયું હોવાનું અનુભવી રહી. પ્રિયાની નવી દુનિયા વસી રહી હતી તેમાં પોતાની જગ્યા તો ક્યાં હોવાની ?

‘જો સાંભળ , આજે શિફ્ટિંગનું બધું પતી જાય પછી પરમ દિવસે મહેંદી છે, એન્ગેજમેન્ટ છે સન્ડે , હું જાતે જ આવવાની હતી પણ તું જોઈ શકે છે ને કે કેટલી ધમાલ છે , હજી કાલે ઘરેથી બધા આવી જશે એટલે તો બસ સમય જ નથી રહેવાનો … જો હું પર્સનલી નહીં આવું તો ખોટું તો ન લગાડે ને ? ‘પ્રિયાએ કહ્યું તો એકદમ સાહજિકતાથી પણ માધવીને એમાં પણ અંતર અનુભવાયું .

ખરેખર તો આ સમય પ્રિયાની સાથે ઉભા રહેવાનો હતો પણ માધવીને ઘૂટન મહેસૂસ થઇ રહી હતી. હવે વધુ રોકવાનો અર્થ જ નહોતો. રહી રહીને રીસ ચઢી રહી હતી. પ્રિયાએ શા માટે પોતાને અહીં બોલાવી ? પોતાની આ નવી દુનિયાના દર્શન કરાવવા ?

ઘરે આવ્યા પછી તો માધવી વધુ વ્યગ્રતા અનુભવી રહી. અત્યાર સુધી તો લાગતું હતું કે એને રાજ સાથે પરણી જશે , નાનું પણ સુંદર ઘર હશે , બાળક આવશે એટલે ડેડીની રીસ પણ ઓછી થઇ જશે, તેની બદલે પોતે તો ત્યાં જ હતી ને પ્રિયાની ફ્લાઈટ ટેક ઓફ થઇ રહી હતી. આ કોઈ છૂપી ઈર્ષ્યા તો નહોતી ? આવી લાગણી તો પહેલા ક્યારેય અનુભવી નહોતી .
માધવીનું મન કોઈ અજબ વિષાદથી ભરાતું ચાલ્યું . આખી દુનિયામાં પોતે સાવ એકલી અટૂલી હોય તેમ. નાસીપાસ થઇ રહેલી માધવીને અચાનક જ મમ્મી ડેડી ને ઘર યાદ આવી ગયા.
ક્યાં હશે રાજ ? ….કેવી હાલતમાં મૂકીને ગાયબ થઇ ગયો તું ? ? માધવી વધુ કંઈ વિચારે ત્યાં તો ફોન રણક્યો .

‘ મધુ ……’ સામે છેડેથી ઉષ્માભર્યું સંબોધન સાંભળીને માધવીના ચચરાટ પર જાણે ફૂંક મારતું હોય એવી રાહત લાગી .ઓહ , મુંબઈથી સાત હજાર કિલોમીટર લંડનમાં બેઠેલી મમ્મીને ખબર કેમ કરીને પડી કે હું અત્યારે એને જ યાદ કરી રહી છું ?

‘મમ્મી ‘ ….. ‘ માધવી વધુ બોલે એ પહેલા તો ધ્રુસકાંએ કામ પૂરું કર્યું .

‘ વાત શું છે મધુ ? પ્લીઝ કહે મને ….મને ચિંતા થાય છે. પ્રિયાએ મને ફોન તો કર્યો પણ એ પણ કંઈ નહોતી બોલી, આટલા દિવસ હું તારા ફોનની જ રાહ જોતી રહી. પ્રિયાએ કહ્યું કે માધવી જ તમને ફોન કરશે ……ન તારો આવ્યો , ન એનો … વાત શું છે ? ‘ માધવીના ડૂસકાંએ સામે છેડે આરુષિની ચિંતા વધારી હોય તેમ લાગ્યું .

ઓહ તો પ્રિયાએ ફોન કર્યો હવા છતાં મમ્મીએ આટલાં બધાં દિવસ સામેથી એક ફોન ન કર્યો ? એનો અર્થ એમ કે ડેડી હજી મને માફ કરવાના મૂડમાં નહીં હોય એટલે મમ્મીને પણ ના પાડી હશે. માધવીએ મનમાં જ અટકળોના તોરણ બાંધી લીધા .

‘ના .. ખાસ કઈ નહીં મમ , આઈ મિસ યુ એન્ડ ડેડી વેરી મચ….’ માનો અવાજ સાંભળીને જાણે સ્વસ્થ થઇ ગઈ હોય તેમ માધવીએ અવાજમાં સાહજિકતા લાવવાનો પ્રયાસ કર્યો .

‘ એમ ? , તું બરાબર તો છે ને દીકરા ? ‘ સ્વસ્થ થઈને વાતચીત કરતી રહી છતાં કોને ખબર દીકરી કંઇક તો છુપાવી રહી છે તેવી શંકા માના દિલમાં બળવત્તર થતી ચાલી .

પૂરી વીસ મિનીટ વાત પછી માદીકરીનો ફોન પત્યો એવો જ આરુષિએ કંઇક વિચાર્યા પછી ઇન્ડિયા ફોન જોડ્યો , અને માધવીએ હાથમાં લીધું સવારનું ટેબ્લોઈડ , અબોર્શન કરનારાં ક્લિનિકની જાહેરાત જોવા માટે . ડોક્ટર પ્રિયાની સલાહ માનીને પોતાના ફેમિલી ડોક્ટર જેવા બની ગયેલા ડોક્ટર ભાવસારને ત્યાં જવું એની બદલે કોઈક ખાનગી નર્સિંગ હોમમાં જઈ અબોર્શન કરાવવું વધુ બહેતર હતું ને .
****

નામ , ઉંમર ભર્યા પછીની કોલમમાં હતું પતિનું નામ , માધવીનો હાથ ક્ષણવાર માટે થંભી ગયો , ને લખ્યું : રાજા .

ભરેલું ફોર્મ ચકાસી રહેલી મેટ્રન જેવી દેખાતી એક સ્થૂળ મહિલાની નજર માધવીને આરપાર વીંધી રહી હતી. અટક કે મિડલનેમ વિના માત્ર લખાયેલું નામ રાજા સંદેહથી જોઈ રહી હોય એમ માધવીને લાગ્યું . જાણે વર્ષોની એની પારખું નજરે એક જ ક્ષણમાં મામલો માપી લીધો હતો પણ એ વાત એને માટે કોઈ નવી નવાઈની નહોતી .

‘ રૂપિયા બે હજાર, અને હા, પહેલાં જ ભરવાના રહેશે ….આજે આપો છો કે કાલે ? ‘ જેવી કડક કાંજીવાળી એની સાડી હતી તેથી વધુ કરડો એનો અવાજ હતો.

‘કાલે કેમ ? આજે , હમણાં જ શક્ય નથી ? મારે આજે જ અબોર્શન કરાવવું છે ….’ માધવીના અવાજમાં ધાર હતી.

‘ આજે માત્ર ડોક્ટર તપાસશે , કાલે ખાલી પેટે આવવું પડશે …. સવારથી પાણી પણ પીવાનું નહીં …., હવે બેસો ત્યાં જઈને , તમારો ટર્ન આવશે ત્યારે ડોક્ટર બોલાવશે… ત્યારે જજો …. નેક્સ્ટ …..’

માધવી વેઈટીંગ રૂમના સોફા પર બેસી પડી. સામેના ટેબલ પર મેગેઝીન પડ્યા હતા : હેપ્પી પેરેન્ટિંગ …. યુગલ પોતાના નવજાત બાળકને નિહાળી રહ્યું હતું . સ્ત્રીના હાથમાં સફેદ કપડાંમાં લપેટેલું ગુલાબી ગુલાબી બાળક હતું , કદાચ તાજું જ જન્મ્યું હશે એવું એના ચહેરાં પરથી લાગતું હતું ને જન્મ આપનાર મા સંતોષની નજરથી એને જોઈ રહી હતી.પુરુષનો એક હાથ હતો પત્નીના ખભે અને બીજો હાથ હતો બાળકના માથે, કદાચ બાળકનું માથું પસવારી રહ્યો હતો , પોતાનાં સહચર્યની નિશાની હાથમાં હતી. માતાપિતા બનવાની આનંદની ઘડી , બંનેના ચહેરાં પર ખુશી બનીને છલકાઈ રહી હતી. માધવી એકટશ એ મેગેઝીનનું કવરપેજ પકડી જોતી રહી: પોતે આવી જ તો કલ્પના કરી હતી ને !! તેની બદલે પોતે આ શું કરવા આવી છે ?

મિસિસ પ્રિયા માથુર …… કોઈકે સાદ કર્યો .

‘અરે ઓ મેડમ , કબ કા આપ કા નામ પુકારા જાતા હૈ , સુના નહીં? ‘ પેલી કાંજીવાળી સાડીવાળી મેટ્રન માત્ર ચહેરાથી જ નહીં દિલથી કદરૂપી હતી. જાણે સામેની મજબૂરી એને પાશવી આંનંદ આપતી હોય તેમ પાસે આવી જોરથી બોલી ત્યારે માધવીની તંદ્રા તૂટી : ઓહ, સોરી , સોરી …

‘નામ પ્રિયા માથુર હી હૈ ના ? ‘ મેટ્રન સમજી ગઈ હતી કે બીજા કોઈના નામે રજિસ્ટર કરાવીને આ છોકરી ગર્ભપાત માટે કેમ આવી હશે. એવા સંજોગમાં પાશવી આનંદ આપતી એક નિષ્ઠુર કમેન્ટ કરવાનો મોકો કેમ ચૂકવો ?

માધવી સહેમીને નીચું જોઈ ગઈ. વેઈટીંગ રૂમમાં હાજર તમામ મહિલા સમજી ચૂકી હતી કે પોતે પ્રિયા માથુરના નામે અબોર્શન કરાવવા આવી હતી.

ડોક્ટર આશાલતા બર્વે, ડોક્ટરની કેબિન પરની નામની તકતી કહેતી હતી. દિલમાં થઇ રહેલાં થડકારા શમવાનું જ નામ નહોતા લેતા. ડોક્ટર આશાલતા આમ તો ભલી બાઈ લાગતી હતી. ઝાઝી વાત કર્યા વિના એને માધવીને તપાસવા માંડી: કેટલો સમય થયો ? છ વિક?

‘ વેલ, હું શ્યોર નથી પણ ….. ‘ દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું . પેટમાં તો જાણે ચકડોળ ફરી રહી હતી. વાત દીવા જેવી સાફ હતી , ડોક્ટર આશાલતાની આંખોમાં જાણે બિલ્ટઇન એક્સરે મશીન હતું .

‘ જુઓ મિસીસ માથુર ….સમય વધુ થઇ ગયો છે , છ કે આઠ નહીં, કદાચ બાર અઠવાડીયા કે એથી પણ વધુ …. એવા સંજોગોમાં મારી સલાહ છે કે તમે આ રિસ્ક લઇ રહ્યા છો. ડોન્ટ ડુ ધેટ …’

‘ડોક્ટર , મારા માટે શક્ય જ નથી , આ પ્રેગનન્સી મને ……’ માધવી આગળ વધુ બોલી ન શકી.

‘આઈ અંડરસ્ટેન્ડ , હું સમજી શકું છું તમારી પરિસ્થિતિ પણ, જો મારું માનો તો તમે પતિપત્ની એકવાર વિચારણા કરી લો …..’
ડોક્ટર આશાલતાની આ વાત સાથે જ માધવીના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો. એ સાથે જ ડોક્ટરે મામલો પામી લીધો .
ડો.આશાલતાએ પોતે આખી પરિસ્થિતિ સમજી ચૂકી છે તેની એક ઝલક આપીને વાત ફેરવી તોળી : મેં ઘણાં કિસ્સા જોયા છે , કે બાળક જ પછી માબાપને એક કરવાનું કારણ બને …. શક્ય છે તમારા કિસ્સામાં પણ એવું જ કંઇક બને ….

મન મક્કમ કરીને આવ્યા પછી ડોકટર આશાલતાની આ સમજાવટથી વિચાર બદલાય એ પહેલા જ નિર્ણય લેવો જરૂરી હતો.

‘ડોક્ટર બર્વે, મેં મારું મન બનાવી લીધું છે , ગમે તેવું રિસ્કી કેમ ન હોય પણ …. બસ….’ માધવીએ પોતાનો આખરી નિર્ણય લઇ લીધો .

‘અગેઇન આઈ વોર્ન યુ , ઇટ્સ નોટ સેફ ……મારું માનો તો સાથે તમારા હસબંડ ને કે પછી વડીલને સાથે લઈને આવો ‘ ડોકટરે સાવધાની વર્તતાં હોય એમ ફરી કહ્યું , પણ માધવીએ કાને ન ધરવું હોય તેમ પૂછી લીધું ; પણ એબોર્શન શક્ય તો છે ને ?

**********************

મધરાતનો ચંદ્રમા પૂરી કળાએ ખીલ્યો હતો પણ તેની ચાંદની માધવીને દઝાડી રહી હતી: પ્રિયા , શશી સહુ કોઈ ખોટાં હતા? ને એનો રાજ જ સાચો ?

મન એક પછી એક અંકોડા જોડી રહ્યું હતું . અચાનક જ અમનખાને પોતાની સાથે કરેલું ગેરવર્તન , એટલે એનો અર્થ એમ કે આખી દુનિયાને ખબર હતી કે રાજનું મન હવે ક્યાંક બીજે હતું , અને પોતે ? અને પોતે જ વાસ્તવિકતાથી બેખબર !!

મનનો ચચરાટ આંખથી વહી જતો રહ્યો. કેટલીય વાર રડ્યા પછી પહેલીવાર હળવાશ મહેસૂસ થઇ રહી હતી. કદાચ રીંગ વાગી રહી હતી. વોલકલોક દર્શાવતી હતી રાતના એક નો સુમાર.

‘હલો માધવી , ફોન કેમ નથી ઉપાડતી ? ‘ મેં સવારે કર્યો , સાંજે પણ ફોન કર્યો હતો ને !! ‘ માધવીની ચિંતા દુનિયામાં એને એકલાને જ હોય તેવી રીતે રાજા પૂછી રહ્યો હતો. એના અવાજમાં રહેલી ઉષ્મા માધવીના આળાં થઇ ગયેલાં મન પર મલમપટ્ટી કરતી રહી.

‘ હું ઘરે નહોતી ….’ નારાજગી છતી થાય તેવા ઠંડા અવાજે માધવીએ કહ્યું .

‘ઘરે નહોતી ?? તો ક્યાં હતી ?’ રાજા પૂછી તો એવી રીતે રહ્યો હતો જાણે કોઈ પઝેસીવ પતિ પોતાની નવીસવી પરણીને આવેલી પત્નીને પૂછતો હોય.

‘સવારે પ્રિયા પાસે ગયેલી , ….. ને સાંજે …..’માધવીએ એ હાથે રહીને વાત અધૂરી મૂકી .

‘ ને સાંજે ? …’ રાજાની ખાસિયત જેવી અધીરાઈ છલકાઈ .

‘સાંજે હું ડોક્ટરને મળી. … ‘ માધવીનો લાગણીવિહીન અવાજ સપાટ રાજાને ખટક્યો કદાચ .

‘જો મધુ , હું સમજું છું તું શું વિચારી રહી છે …. પણ માત્ર બે મિનીટ માટે મારી વાત શાંતિથી સાંભળીશ ? ‘ રાજાએ સમજાવટનો સૂર આલાપ્યો . આ જ સૂર પર હંમેશા એ મનમાની કરતો રહ્યો હતો.

માધવી હમેશની જેમ ચૂપ રહી સાંભળતી રહી.

‘ તું અહીં મનાલીમાં હતી ત્યારે પણ મેં તને એક જ વાત કહેલી ,યાદ છે તને ? ‘રાજા માધવીનો પ્રતિભાવ જોવા રોકાયો હોય તેમ થોડીવાર ચૂપ રહ્યો . મૂડ વીસેક ટકા સુધરે પછી તો મનાવી લેવી આસાન હતી.

રાજાએ ગળું ખોંખાર્યું ને સમજાવટ આદરી દીધી.: ‘જો કે માન્યું કે બાળકનું આગમન જરા વહેલું છે. આપણે આપણી લાઈફમાં સેટ થઈએ એ પહેલાં એક નવા જીવને સેટ કરવાની વાત મને જચતી નહોતી , પણ છેલ્લે તો મેં એ કહ્યું હતું ને કે આખરી નિર્ણય તું લેશે , તું કહેશે બાળક માટે લગ્ન કરવા છે તો એ પણ મને મંજૂર છે ….. કહ્યું હતું કે નહીં ?’

આટલું સાંભળતા જ માધવીના ચહેરા પર ફરી રોનક આવતી ગઈ. ‘ રાજ, સાચું કહું ? પ્રિયાની વાત સાંભળીને તો મારું દિલ બેસી ગયેલું …. એ કહેતી હતી કે તું કદી મારી સાથે લગ્ન નહીં કરે …

‘ઓહ, તો એમ વાત છે એમને ? એટલે કે નજૂમી પ્રિયા ભવિષ્યવાણી કરી અને તેથી આ મિસ માધવી સેન માની બેઠા કે તેમનો પ્રેમ તકલાદી હોય શકે પણ ફ્રેન્ડશીપ નહીં , એમ જ ને ?’ બંને સખીની મિત્રતા પર કટાક્ષ કરતો હોય તેમ રાજા હસવા લાગ્યો , પછી અચાનક ગંભીર થઇ ગયો : ‘ મધુ ,માન્યું કે એ તારી સહેલી , ને એ ગમે તે કહે ..પણ તને પોતાની જાત પર, મારા પર, આપણાં પ્રેમ પર તો વિશ્વાસ હોવો જોઈએને …..’ રાજાએ ફરી એ જ વાત શરુ કરી જે સાંભળી સાંભળીને માધવી વશીભૂત થતી જતી .

‘હા, એ વાત તો સાચી પણ રાજ, અહીં તો જાતજાતની અફવા ચાલે છે, ‘ એટલું બોલતા પહેલાં માધવી ક્ષણવાર માટે અચકાઈ પણ રાજાને કહેવું પણ તો જરૂરી હતું ને :
રાજ, અહીં તો એમ પણ વાત ચાલતી સાંભળી કે તું પેલા પ્રભાત ફિલ્મ્સવાળા મહેરાની દીકરી સાથે પરણી રહ્યો છે ….’

‘ અચ્છા , ને આ વાત ક્યાંથી સાંભળી ? કઈ ચકલી આવીને કહી ગઈ ? પેલી પ્રિયા જ ને ? …બીજું કોણ ? ને મેડમ એની વાત માની પણ લે ….’ રાજાના અવાજમાં વ્યંગ હતો : તો માધવી , આવીશને લગ્નમાં ?
‘પ્લીઝ રાજ, આવી વાત મજાકમાં પણ નહીં …..’ માધવી અકળાઈ : એક તો મારા પર શું વીતી રહ્યું છે તેની તને ખબર નથી ને આવી બેહૂદી મજાક આ સમયે સુઝે છે ?

‘તો કરું શું ? તું કંઈ સમજે તો ને !! ‘ રાજાના સ્વરમાં નિસ્પૃહતા હતી.

‘એ તો ઠીક પણ રાજ, તે શશીને પણ કાઢી મુક્યો ? કેમ ? ‘ અચાનક જ માધવીએ વાત બીજી દિશામાં ફેરવી .

‘અચ્છા , તો હવે એને તને સાધી ? મારાથી છૂટો થયો એટલે તને મારી વિરુદ્ધ ચઢાવી ? રાજા ગિન્નાયો : શું જમાનો આવ્યો છે ? ભલમનસાઈનો તો સમય જ નથી. ને જો માધવી કોને મારે મારી સાથે રાખવા કોને ન રાખવા એ બધું મારું કામ છે , આગળ પણ કેટલીયવાર કહ્યું છે કે તારે આ બધી વાતોમાં પડવું નહીં , ને રહી રહીને વળી તું શશીની વાતમાં આવે છે ? શશીએ તને ફોન શું આ બધું કહેવા કર્યો હતો ?’ રાજાના અવાજમાં કુતુહલતા હતી.

‘ના , શશી તો માંદો છે કેટલાય મહિનાથી અને આ પ્રભાત મહેરાવાળી વાત તો મને પ્રિયાએ કહી …’ માધવી ભોળી કિશોરીની જેમ બોલતી ગઈ : મેં એને કહ્યું જ કે આ વાતમાં કંઈ દમ નથી ..

‘હ્મ્મ્મ , મને હતું જ , કે નાની નાની ગેમથી પ્રિયાને સંતોષ નહીં જ થાય, એ સમય આવશે ગૂગલી ફેંકશે જ .. પણ હવે તો મારે તને આ વાત કરવી જ રહી… ‘રાજા કોઈ રાઝની વાત ખોલતો હોય તેમ બોલ્યો : આ પ્રિયા મારી પાછળ પડી હતી તે મેં તને ક્યારેય ન કહ્યું તે ગુનો મારો … કોઈક ભારે પત્તું ઉતરી ને સામેના ખેલાડીના હાવભાવ જોતો હોય તેમ રાજા થોડીવાર ચૂપ રહ્યો : મને એમ કે બે સખીઓની મિત્રતામાં ક્યાં તૂટ પડાવવી ?

રાજાની આ વાત સાંભળીને અંગેઅંગ ઝાળ લાગી ગઈ હોય માધવીના કાનની બૂટ તપીને રતાશ પકડી રહી : આ બંનેમાંથી સાચું કોણ ?

‘સાચી વાત તો ક્યારેક સામે આવશે જ મધુ , પણ હજી કહું છું તારો જે નિર્ણય હશે મને માન્ય રહેશે, એ પછી લગ્નનો હોય કે બાળકનો, અને હા એ સાથે એ પણ કહીશ કે આ પ્રેગનેન્સી ટર્મિનેશનનો તારો નિર્ણય પણ એટલો જ સાચો છે …… માધવીના મનમાં ઉઠેલા શંકાના તરંગોને શમાવી દેવા હોય તેમ હળવાશથી રાજા એને સમજાવી રહ્યો .

પૂરા એક કલાક સુધી વાતચીત કર્યા પછી પણ માધવી કોઈ નિષ્કર્ષ પર ન આવી શકી કે રાજા આખરે ચાહતો તો શું ? બાળક રાખવું કે અબોર્શન …
કોઈ નિર્ણય ભલે ન થયો પણ રાજા પોતાની સાથે ઉભો છે એટલો આધાર જ દિલને ધરપત આપતો ગયો .દિવસો પછી થયેલી વાતને કારણે મનને એક સંતોષ થઇ રહ્યો હતો , જાણે પાણી બહાર તરફડતી માછલીને ફરી કોઈએ પાણીમાં મૂકી દીધી હોય.

બસ, આજે નિરાંતે ઊંઘ તો આવશે !! માધવીના મનમાં અજબ શાંતિ પ્રસરી રહી.

ડીંગ ડોંગ ડીંગ ડોંગ …….

અલાર્મથી નહીં બલકે વાગી રહેલી ડોરબેલથી માધવીની નિદ્રા તૂટી .
સવારના પાંચ થયા હતા, આટલી વહેલી સવારે ….વધુ વિચાર્યા વિના બારણું ખોલ્યું .

મમ્મી ?? તું ? એ કઈ રીતે શક્ય છે ? માધવીની આંખો અચરજથી પહોળી રહી ગઈ .

ક્રમશ:

2 thoughts on “વેર વિરાસત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s