gujarati, Novel

વેર વિરાસત પ્રકરણ 12

2015-22-7--13-27-52

‘ હવે ઝડપ રાખો, જલ્દી કરો , આપણે ઓલરેડી લેટ છીએ …. ‘ માધવી થોડી ઉશ્કેરાઈને બોલતી હતી. એનો ચહેરો તંગ થઇ ગયો હતો. ઝડપભેર એક રૂમથી બીજા રૂમમાં ફરી રહી હતી. રિયા ને રોમાને પંચગનીની ટોચની કહી શકાય તેવી બોર્ડીંગ સ્કૂલમાં એડમીશન મળી ગયું હતું, ને ત્યાં પહોંચવા આડે માંડ બે દિવસ રહ્યા હતા.

‘ ઇના , બેબીઓ માટે વોટર બોટલ ભરી ને ? , બધો લગેજ કારમાં મૂકાઈ ગયો ? કંઈ રહી તો નથી જતું ને ? ‘

‘મધુ , રહી ગઈ છે તારી શાંતિ , થોડી ધરપત રાખ. બધું થઇ ગયું છે ….’ માસીએ માધવીના મોઢામાં દહીંભરેલી ચમચી મૂકી દીધી .

‘રિયા , રોમા અહીં આવો બેટા’ માસીને ખબર હતી કે છોકરીઓ દહીં ખાઈને મોઢું કટાણું કરશે એટલે નાની સાકરગાંગડી મૂકી તેમના મોઢામાં : આવો હવે , બધું શુભ થાઓ ….

રોમા તો કોઈ પિકનિક પર જવાનું હોય એવી આનંદમાં હતી. બંને છોકરીઓએ એક સરખાં ફ્રોક પહેર્યા હતા, એક સરખા શુઝ , એક સરખી હેરસ્ટાઈલ ને વાળમાં ભરાવેલી એક સરખી કલીપ.

છોકરીઓ ઘડીકમાં ખુશ પણ લાગતી ને ઘડીમાં માયૂસ, નવું વાતાવરણ , નવા લોકો, નવા મિત્રો , નવું નવું ભણવાનું …..અને હા, મમ્મીએ વારંવાર કહેલા શબ્દો , તમે જ બંને એકબીજા માટે ઉભા રહેશો તો સારું, બાકી ત્યાં ન તો મમ્મી હશે ન નાનીમા ..

મુંબઈથી પંચગની જવા સડસડાટ દોડી રહેલી કારમાં માધવીએ બંને દીકરીઓને બોર્ડીંગ સ્કુલમાં કેવું નવું નવું જાણવાનું , શીખવાનું મળશે એ બધી લોભામણી વાતો કરતી રહી હતી.

જે સાંભળીને રોમાના ચહેરા પર વારે વારે ખુશીની લહેર દોડી જતી માધવી જોઈ રહી હતી. સમસ્યા રિયા સાથે હતી.

‘પણ મમ , મને નથી જવું …, મારે નવા ફ્રેન્ડઝ નથી બનાવવા. મને ઘરે જ રહેવું છે ….’ આજે રિયાના અવાજમાં હમેશ કરતી એવી દાદાગીરીના ટોનનો અભાવ હતો.

‘ રિયા, દીકરા , ભણવું તો પડે જ ને ?’ માધવીએ રિયા સાથે કળથી કામ લેવું યોગ્ય ધાર્યું .

બધા જ એડમીશન ઈન્ટરવ્યુ તો સારા ગયા હતા, હવે બાકી હોય તેમ આ છોકરી છેલ્લે આજના એક ઇન્ટરવ્યુમાં બબાલ ખડી ન કરે તો સારું … માધવીના મનમાં એક હળવી ચિંતા બસ આ જ હતી.

એ જ થયું જેની દહેશત હતી. પ્રિન્સીપાલની ઓફિસમાં રિયાએ તો આખી સ્કૂલ માથે લીધી હોય તેવી ધમાલ મચાવી દીધી .

‘માધવી જી , બંને છોકરીઓ ભલે ટ્વીન્સ રહી પણ મને આ રિયા પ્રોબ્લેમ ચાઈલ્ડ લાગે છે. ‘ પ્રિન્સિપાલ જેરુ ઈરાની લાગતાં હતા ભારે ધીરજવાળા છતાં, તેમના ચહેરા પર આછેરી અણગમાની લકીર ફરકવા લાગી હતી. : જો આ બચ્ચું આ જ રીતે વર્તવાનું રાખશે તો મને નથી લાગતું કે અમે એને અહીં રાખી શકીએ …અડધે વચ્ચેથી બીજે ક્યાંક એડમીશન લેવું તકલીફભર્યું થશે એટલે પહેલેથી જ વિચારી લેજો , પછી એમ ન કહેતા કે મેં તમને ચેતવ્યા નહોતા .

‘નો નો મેડમ , એ હોમસીક થઇ ગઈ છે અને પહેલીવાર મારાથી છૂટી પડે છે , બાકી તો એ એની આ બહેન વિના ઘરે એકલી રહેશે પણ નહીં …..’ માધવી મહામહેનતે પ્રિન્સિપાલ મિસિસ ઈરાનીને સમજાવીને મુંબઈ તો પરત ફરી પણ મનમાં હળવો ફડકો તો બેસી જ ગયો હતો : આ રિયા ડાહી થઈને ત્યાં રહે તો સારું નહીંતર રોમાનું પણ વર્ષ બગાડશે ..

‘મધુ , જો રિયા ને રોમા હોસ્ટેલમાં છે એટલે હવે તું મને ન રોકીશ …..’ માધવીએ હજી ઘરમાં પગ મૂક્યો નહોતો ને ત્યાં તો માસી પોતાની વાત લઈને આવ્યા .

‘ માસી , હજી આજે જ તો છોકરીઓ ગઈ છે , મને થોડા દિવસ તો આપો, અને તમને એ તો ખબર છે ને કે મારી આર્ટ ગેલેરી માં નવી રેસ્ટોરંટ ખુલી રહી છે? તો ? તો , એ તો જોવા પણ નહીં રોકાવ ? પછી કહેશો તો હું તમને જાતે મુકવા આવીશ બસ ? પ્રોમિસ ……’ માધવીએ ગૂગલી ફેંકી . જે પાણીએ મગ ચઢે તે સાચાં .
માસીને અત્યાર સુધી બેબીઓ માટે , પોતાના નવા પ્રોજેક્ટના બહાના કરી ને પાલમપુર જતા રોકી શકી હતી પણ હવે તો એકેય બહાનું હાથવગું રહ્યું નહોતું .

માધવીએ ગ્લેમરવર્લ્ડ છોડી દીધાને જાણે યુગ વીતી ગયો હતો , વિશ્વજિત સેન દીકરી માટે વારસો જ એટલો ધરખમ મૂકી ગયા હતા કે માધવી કંઈ ન કરે તો પણ બંને દીકરીઓને સારામાં સારા શિક્ષણ આપી શકે અને લક્ઝુરીયસ જીવનશૈલી ભોગવી શકે. પણ વિના કોઈ પ્રવૃત્તિએ બેસી રહેવું તો માધવીની પ્રકૃત્તિમાં નહોતું . અચાનક જ માધવીનો પેઇન્ટીંગના શોખે આળસ મરડી હોય તેમ જાગી ગયો. એટલે શરુ કરેલી આર્ટ ગેલેરી જામી પણ સારી એવી ગઈ હતી.
આર્ટ કાફે હતું માધવીનું નવું સપનું ને એ હજી સેવે એ પહેલા તો સાકાર થઇ ચુક્યું હતું . મુંબઈમાં આવતાં દેશવિદેશના આર્ટીસ્ટ માટે મક્કા લેખાતું થઇ ગયું માત્ર નહીંવત સમયમાં , અને બાકી હોય તેમ રિયા ને રોમાને તો આજે જ બોર્ડીંગ સ્કુલમાં મુકીને આવી હતી.: હવે માસીને પોતાની પાસે રોકી રાખવા માટે કોઈ જડબેસલાક કારણ ક્યાંથી શોધવું ?

માધવીનું નવું બહાનું થોડું પાંગળું હતું છતાં આરતીએ મન રાખ્યું પણ માત્ર એક સપ્તાહ માટે. એક સપ્તાહ પછી માધવીએ પોતાના વચનને આધીન રહી માસીને મુકવા પાલમપુર જવું જ પડ્યું.

ચંદીગઢથી પાલમપુરના પ્રવાસમાં યાદ તાજી થઇ રહી છ વર્ષ પૂર્વેની , માધવીને થયું વર્ષોથી ધરબાઈને ધૂળ થઇ ગયેલી પેલી કડવાશ પાછી રૂંવે રૂંવે વ્યાપી જશે પણ એવી કોઈ અનુભૂતિ ન થઇ.
પણ,આરતીની નજર બારી બહાર દોડી રહેલાં રસ્તા પર હતી. જાણે એક એક પાન , એક એક ફૂલ , પથ્થર અને આવકારતો હોય.

માસી ભાણેજ આશ્રમ પહોંચ્યા ત્યારે બપોર ઢળી ચૂકી હતી ને વાતાવરણમાં સાંજની ઠંડક પ્રસરી રહી હતી.

‘અરે વાહ, આશ્રમ તો ભારે ટીપટોપ રાખ્યો છે ને કુસુમે ….’ માધવી નજીક આવી ચુકેલા આશ્રમને જોઇને બોલી. તાજો જ પેઈન્ટ થયો હોય તેમ આશ્રમ ચંદ્રની જેમ ઝળકી રહ્યો હતો.
આરતીના મનમાં આ વાત નોધાયાં વિના નરહી : કુસુમે રંગરોગાન માટે પૂછ્યું પણ નહિ ? ખર્ચ ક્યાંથી કાઢ્યો હશે ?

ટેક્સી આશ્રમમાં પ્રવેશી તેની સાથે નજરે ચઢ્યો સરસ લેન્ડસ્કેપિંગ કરેલો ગાર્ડન , નાનાં કોટેજીસ તો યથાવત પણ હતા પણ એની શકલસુરત બિલકુલ ફરી ગઈ હતી. આરતીને આઘાત પમાડે તેવી વાત તો એ હતી કે ઘણાં કોટેજીસમાં તો એરકંડીશનર દેખાયા. આ બધો ચમત્કાર ક્યારે થયો? હજી એ વિચારે એ પહેલા તો લાલ કોઠી નજરે ચઢી , જે હવે લાલને બદલે સંપૂર્ણપણે વ્હાઈટ વોશથી શોભી રહી હતી.

આધુનિકતાનો ઓપ કોટેજીસથી લઇ ગાર્ડનમાં તો હતો જ પણ લાલ કોઠી લેખાતા મેઈન હોલના તો દિદાર સંપૂર્ણપણે ફરી ગયા હતા. આખા કાચ અને માર્બલથી મઢેલા હોલને મેડીટેશન હોલમાં ફેરવી નાખ્યો હતો. ટેક્સી આવીને ઉભી રહી ને બે સેવક આવીને ઉભા રહ્યા, કદાચ લગેજ લેવા માટે .

માધવીની નજર આરતીમાસીના ચહેરા પરથી હટી નહોતી . માત્ર આશ્ચર્ય જ નહીં હળવો કંપ અનુભવી રહ્યા હોય તેમ આરતીનો ચહેરો ફિક્કો પડી ગયો હતો.
કુસુમે તો ધરમૂળથી શકલ ફેરવી કાઢી આશ્રમની , અને મને જાણ કરવાની જરૂર સુધ્ધાં ન સમજી ? આરતી સ્વગત બોલી પણ તેની બાજુમાં ઉભેલી માધવીના કામમાં આ વિચારો જઈને પડઘાયા .

‘ઓહ આવો આવો દીદી, પ્રણામ સ્વીકારો ….આમ અચાનક ? ન પત્ર ન ફોન ? ? .’ કુસુમ દોડતી આવી અને માસીને પ્રણામ કરતી હોય તેમ ચરણસ્પર્શ કર્યા. ખરેખર તો એના ચહેરા પરની રોનક અચાનક ઉડી ગઈ હોય તેમ છોભીલી પડી ગઈ હતી.
આરતીનું ધ્યાન કુસુમ પર નહીં પણ હવે મેડીટેશન હોલ બની ચુકેલી લાલ કોઠીમાંથી નીકળી રહેલા કોઈ સાધક જેવા યુવાન પર હતું .

પાંચ ફૂટ દસ ઈંચની ઉંચાઈ, અતિશય ગોરો વર્ણ પહેલી જ નજરે બયાન કરતા હતા કે આ કોઈ વિદેશી જ હોવાનો , પણ ભારતીય ફીચર્સ એની વર્ણસંકર હોવાની ચાડી ખાતા હતા.
નખશિખ ભારતીય વસ્ત્રોમાં સજ્જ એ સાધકે પહેર્યા હતા, કેસરિયા રાતાં રંગની કફની અને લાલ કિનારવાળી શ્વેત ધોતી, ગળામાં રુદ્રાક્ષ માળા હતી અને મુંડન કરેલાં મસ્તકના કપાળે ચંદન તિલક .

‘દીદી , આ છે સ્વામી સુકેતુ …. તમે જોયું , આખા આશ્રમની કાયાપલટના શ્રેયના સાચા અધિકારી તો એ છે !! ગમ્યું ને ? ‘

કુસુમે ઓળખાણ આપવાની ઔપચારિકતા પૂરી કરી એટલે સુકેતુએ આગળ આવીને આરતીને પ્રણામ કરવાની વિધિ પૂરી કરી.

આરતી સ્તબ્ધ રહી ગઈ હતી. એવું લાગતું હતું કે પોતાના ઘરમાં જાણે પોતે જ મહેમાન હોય. માધવી બાજુ ઉભી રહીને ચૂપચાપ આ બધું જોતી રહી.

ચરણસ્પર્શ પ્રણામ કરવા ઝૂકેલા સુકેતુની હરકત ન ગમી હોય તેવા કોઈક આછાં ભાવ આરતીના ચહેરા પર તરવરી રહ્યા હતા. એ પ્રણામનો અસ્વીકાર કરવો હોય તેમ બે ડગલા પાછળ હટી ગઈ. : કુસુમ , થાકી ગઈ છું. હું જરા આરામ કરી લઉં , એવું હશે તો હવે સીધા સવારે જ મળીશું .

આરતીએ પોતાના કોટેજ તરફ જવા પગ ઉપાડ્યા ને માધવી પાછળ દોરવાઈ ત્યાં તો કુસુમ ઓછ્પાઈ ગઈ તેમ આગળ ધસી આવી.

‘ તમારે માટે કોટેજ રેડી થઇ જ રહ્યું છે , દીદી , એમ કરોને એટલી વાર તમે મારા કોટેજમાં આરામ કરી લો……’

કુસુમની આ વાત આરતીને ચોંકાવી ગઈ. : એટલે ? મારા કોટેજમાં વળી શું કામ કાઢ્યું છે ? એ પણ મને પૂછ્યા વિના?

કુસુમના ચહેરા પર ક્ષોભ તરી આવ્યો: દીદી , આશ્રમમાં સાધકોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે એ સમાવેશ કરવા મારે તમારું કોટેજ ખોલવું પડ્યું.

‘સાધકોની સંખ્યા વધી ગઈ એટલે ? ‘ આરતી કંઈ સમજી ન હોય તેમ પૂછ્યું.

કુસુમ પ્રશ્નો ઉત્તર આપે એ પહેલા સુકેતુ આગળ આવ્યો : તમને જાણીને ખુશી થશે કે આશ્રમની ફાઈનાન્શિયલ હાલત સુધારવા યોગના અનેક કોર્સીસ ચાલુ કર્યા ને એટલે પછી તો દેશી વિદેશી સાધકોની સંખ્યા દિનબદિન વધતી જ રહી એટલે …એના ઉચ્ચારો પરથી સાફ જાહેર થતું હતું કે આ વિદેશી ખંતપૂર્વક ભારતીય ભાષાઓ શીખ્યો હોવો જોઈએ.

સુકેતુની વાત ઉપાડી લેતી હોય તેમ કુસુમ આગળ આવી : દીદી , કોટેજીસ તો માત્ર પંદરેક હતા, એટલે પાછળ જ્યાં શાકભાજી ઉગાડતાં હતા ત્યાં પણ દસ કોટેજીસ ઉભા કર્યા , છતાં પણ હવે ધસારો એટલો બધો રહેતો ને કે પછી ….

‘ઓહ , એટલે ….. ‘ આરતી આગળ બોલી ન શકી, એને માત્ર માધવી સામે જોયું . માધવી આખી પરિસ્થતિ પામી તો ચૂકી હતી પણ આ મામલે ચૂપ રહેવું વધુ યોગ્ય હતું .

‘………..અને સુકેતુજીની આમાં હથોટી છે, એ હરિદ્વારની સનાતન રાજયોગ સંસ્થાન માટે પણ આ જ પ્રકારની કામગીરી કરી ચૂક્યા છે, જુઓને એક સમયે માંદલી સંસ્થા બની ગયેલી ને આજે સનાતન રાજયોગની પાંત્રીસથી વધુ શાખાઓ ઇન્ડિયા ને વિદેશમાં છે. ‘

ઓહ, તો કુસુમને આ બધી જ્ઞાનપ્રાપ્તિ પણ સુકેતુએ જ કરાવીને આંજી કાઢી .. આરતીએ મનનો વિચાર છતો ન થઇ જાય એટલે વાત બદલી કાઢી .

‘ગૌરી ક્યાં છે કુસુમ ? ‘ કુસુમના મોઢે સુકેતુની ગવાઈ રહેલી અવિરત યશગાથાઓ સાંભળવી ન હોય તેમ માસીએ એની વાત કાપી .

‘ એને તો શિમલાની બોર્ડીંગ સ્કૂલમાં ભણવા મૂકી છે ને !! ‘ મુંબઈથી આવી પછી એને તો અહીં આશ્રમમાં ગમતું નહોતું , અહીં રહેતે તો શું ભણી શકતે ? ‘ કુસુમ જરા ઝંખવાઈ ગઈ .

પરિસ્થતિ સાફ હતી. આરતીમાસી થોડો સમય આશ્રમથી દૂર શું રહ્યા , કુસુમ આશ્રમની સર્વસ્વ બની બેઠી હતી , જેમાં આ ચિનગારી ચાંપનાર હતો સુકેતુ . કોઈક હિપ્પી જેવો હાફ અમેરિકન હાફ ઇન્ડિયન , બાપ અમેરિકન હતો ને મા ઇન્ડિયન . હિંદુ ધર્મ જાણવા પરખવા અમેરિકાથી ઇન્ડિયા તો આવ્યો ને એને હિમાચલની હવા માફક આવી ગઈ હોય તેમ જામી પડ્યો હતો.પોતાના મૂળ મજબૂત કરવા માટે એને કુસુમને હાથો બનાવી હતી .એને માટે સૌથી પહેલી જરૂર હતી કુસુમને આશ્રમની આર્થિક કટોકટી દૂર કરી આપવાની. હાથ પર સદાય રહેતી નાણાંકીય ભીડ થોડી હળવી થઇ ને કુસુમના મનમાં સુકેતુએ લાલચનું બીજ રોપી દીધું હતું . આધ્યાત્મની પણ કિંમત હોય , જપ,તપ , સાધના બધું મફત હોય છે એટલે જ તો કોઈને એની કિંમત નથી હોતી . એ જ વાત મોંઘી ફી આપીને શીખવી પડે આપોઆપ અપમાર્કેટ થઇ જાય. મેનેજમેન્ટ ભણેલાં સુકેતુના વસ્ત્રો ભલે શ્વેત કે કેસરી હોય મગજ તો બિલકુલ બિઝનેસમેનની જેમ ચાલતું, આશ્રમની કાયાપલટ પાછળનું મગજ કુસુમનું નહીં બલકે આ સુકેતુનું હતું .

થોડી જ વારમાં આરતીનું કોટેજ તૈયાર તો થઇ ગયું ને સેવક સમાન પણ મૂકી ગયો , છતાં આરતીના દિલનો કચવાટ શમવાનું નામ નહોતો લેતો . ત્રણ જ દિવસમાં પરિસ્થિતિ દીવાની જેમ સાફ થઇ ગઈ. પોતાના જ આશ્રમમાં આરતી હવે પરાઈ હતી. નવો સ્ટાફ, નવા લોકો , નવા નિયમો … બધું જ નવું હતું , સુકેતુ અને કુસુમનું બનાવેલું.

‘કુસુમ, તને આ બધું કરવા માટે મને એકવાર ફોન કરી વાત કરવાની પણ જરૂર ન લાગી ? ‘ આરતીએ મન પર પથ્થર મુકવાની ઘણી કોશિશ કરી છતાં રહી રહીને દિલમાં ચચરાટ કરાવતી વાત હોઠે આવ્યા વિના ન રહી શકી .
પહેલા આગળ પાછળ ફરતી કુસુમ આરતી સાથે સંવાદ ટાળતી હોય તેમ બે દિવસ સુધી ન ફરકી એટલે એક બપોરે કુસુમને મળવા બોલાવવી પડી હતી.

‘દીદી, હું તમને સાચી વાત કહીશ તો તમને નહીં ગમે…. ; કુસુમના અવાજમાં નમ્રતા હતી પણ જવાબમાં નહીં : જુઓને , તમે તો ચાલી ગયા માધવી દીદી સાથે, આશ્રમ કઈ રીતે ચલાવવો એ મારા માટે પ્રશ્ન થઇ ગયો હતો. એક સમય તો એવો આવ્યો કે ગૌશાળામાં ગાય માટે ઘાસ મંગાવવાના પૈસા નહોતા. અરુણનો પગાર બે મહિના ચઢી ગયો હતો. ત્યારે મને થયું કે તમારી પણ સંસારિક જવાબદારી છે , તમે મને જે કામ સોંપી ને ગયા તે તો મારે કુશળતાથી પૂરું કરવું રહ્યું કે નહીં ?

આરતી સ્તબ્ધ થઇને સાંભળતી રહી. જો કે એ વાત ખોટી પણ નહોતી કે આશ્રમના નિભાવ ખર્ચના નાણાંની જોગવાઈ પોતે ગમે તેમ કરીને કરી લેતી, ગુરુજીના આશીર્વાદ કે પોતાની તપસ્યા પણ આશ્રમે ક્યારેય આમ કટોકટીના સમય નહોતો જોવો પડ્યો .
‘પણ કુસુમ જો કોઈ સમસ્યા હતી તો તું જાણ તો કરી શકતી હતીને ? મેં તને નંબર તો લખાવ્યા હતા…. ને જયારે જયારે હું ફોન કરતી ત્યારેય ન તો તું કંઈ બોલતી ….’ આરતીને આખી વાત હવે એક ષડ્યંત્ર જેવી વધુ લાગી રહી હતી.

‘દીદી, મને તો થયું કે તમે મને આ માટે શાબાશી આપશો તેને બદલે …… ‘ કુસુમના બોલમાં કડવાશ હતી.: એ તો સારું થયું મને આ સુકેતુનો ભેટો થઇ ગયો. એને ભારે મદદ કરી મને…. ‘

ફરી એનું એ જ સુકેતુ પુરાણ .. આરતીએ પોતે જ કુસુમને વિદાય કરી દીધી . કુસુમની ઉંમર પણ એવી જ હતી , કદાચ એને પોતાને ખબર નહતી કે નહીં કે એ સુકેતુ તરફ ખેંચાતી જાય છે !
કુસુમ ભરયુવાનીમાં હતી. જ્યાં સુધી કોઈક નિયંત્રણ હેઠળ હતી ત્યાં સુધી મન ભટકાવાથી દૂર રહી શક્યું હતું, એ પરિબળ દૂર શું થયું , સાધકના ખોળિયામાં ધરબાઈને ગૂંગળાતી સ્ત્રી તેનામાં જાગી ઉઠી હતી તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું .
આવું ક્યાં નથી થતું હોતું ? આરતીએ ફરી મન મનાવવાનો પ્રયાસ કર્યો , પોતે ક્યાં અવગત નહોતી આ સંતત્વના સંસારની આંટીઘૂંટીઓથી , છતાં મનમાં કશુંક તૂટી રહ્યું હતું .

ત્રણ દિવસમાં આરતીની રહીસહી હિંમત પણ જવાબ દઈ દેતી ચાલી .

‘માધવી , તું જોઈ રહી છે જે હું જોઈ રહી છું ? ‘ માધવીએ માસીનું આવું હતાશ વર્તન ક્યારેય નહોતું જોયું .
‘આખેઆખા આશ્રમ પર કબજો કરી લીધો છે પેલા માણસે , અને આ ડોબીને તો કઈ સમજાતું હોય તેમ લાગતું નથી.’ માસીના અવાજમાં નિશ્વાસ પડઘાયો .

‘પણ માસી , તમે સર્વેસર્વા છો. તમે કાલે સવારે જ બંનેને બોલાવીને કહી દો ને કે આ બધું આશ્રમમાં નહીં ચાલે, એ લોકોને જ્યાં જવું હોય તો જઈ શકે છે.

‘તો તો તું કંઈ સમજી જ નહીં માધવી ….’ માસીના સ્વરમાં હળવી ચિંતા છતી થઇ રહી હતી.

‘આ વિષે આપણે કુસુમ સાથે વાત કરી લેવી જોઈએ, એને જ પૂછોને કે આવું કરવું શોભે છે એને ?’ માધવીમાં રહેલી પ્રેમિકા તો રાજાના લગ્ન સાથે જ મરી પરવારી હતી અને હવે એ જાગતી હતી એક સ્ત્રી , જેની આંખે ન તો કોઈ પાટાં હતા ન તો કોઈ મગજની બારી બંધ હતી.

‘ માધવી , મને લાગે છે આ કોઈ વિચારીને રમાઈ રહેલી ચાલ છે, હું જો સાચી હોઉં તો આ સુકેતુ કોઈ સાધક છે જ નહીં , વેપારી છે. એનું કામ જ છે નાની , નિર્દોષ હિંદુ સંસ્થાઓમાં પગપેસારો કરીને સંસ્થા ગળી જવાની અને પછી એના નામે હોટેલ જેવી વ્યાપારી પ્રવૃત્તિ કરવાની. ‘ આરતી માસી હજી શોકમાં હતા : તે જોયું માધવી , લાલ કોઠીમાં તો રીસેપ્શન કાઉન્ટર પણ હતું , જેવું હોટલોમાં હોય છે ને વળી પાછું એની પર હાજર કોઈ ગોરી સાધિકા….. હવે આ આશ્રમ ક્યાં રહ્યો? આ તો હોટલ છે … યોગ શીખવતી સ્પિરીચ્યુઅલ હાટડી જેવી રિસોર્ટ . આ ક્યાં હવે આશ્રમ રહ્યો જ્યાં સાધક નહીવત ભેટ ધરીને કે મફત રહેતા, હવે તો તેં જોયું નહીં રોજના હોટલની જેમ બિલ ફાડવામાં આવે છે? હવે એમાં મારું સ્થાન ક્યાં ? મને એ જ પ્રશ્ન ડરાવે છે.

‘માસી, તમે એમને બુક્સ ઓફ અકાઉન્ટ બતાડવા તો કહી જ શકો , અને આ આશ્રમના ટ્રસ્ટડીડ પ્રમાણે આશ્રમના વહીવટમાં …..’ માધવીના અવાજ પરથી લાગતું હતું કે આરતીમાસી કરતાં કુસુમની આ વર્તણુંક એને વધુ વિહ્વળ કરી ગઈ છે.

‘ના, મધુ, એ તો હરગીઝ નહીં કહી શકાય … ‘માધવી જોઈ માસીના મનમાં કોઈ વાત તો નક્કી આકાર લઇ રહી છે.

‘કેમ ? કેમ ન કહી શકાય ? આશ્રમ તમારો છે, વર્ષોની મહેનતથી તમે એને સિંચ્યો છે…’

‘મધુ , એ વાત સાચી કે વર્ષો સુધી આ આશ્રમને મેં મારી નિષ્ઠાથી ઉછેર્યો છે , પણ આ કોઈ મારી માલિકીનો નથી. એ તો મારા ગુરુજીનો હતો. હું તો માત્ર કેરટેકર હતી ને !! ‘ આરતીના અવાજમાં કોઈક ગહેરી ઉદાસી હતી. મૂળિયાં સાથે ઉખાડીને ફેંકી દીધેલાં ઝાડને થતી હોય તેવી કોઈક પીડાનો અંશ હતો એમાં .

‘માસી, તમારા ગુરુજીએ કુસુમને ન વારી ? એ તો બહુ કહેવાય કે નહીં ??’ માધવીને અચાનક બત્તી થઇ. એનો અર્થ કે ગુરુજીની આંખો પર પણ લીલી નોટનો જાદુ ચાલી ગયો એમ જ ને ?

‘મધુ , ગુરુજી માટે બોલતા પહેલા વિચાર કરજે !! ‘ આરતી માસી ગુરુજી પર મુકાયેલા આળથી ભડકી ગયા હોય તેમ લાગ્યું , માધવીને પહેલીવાર સંદેહ થયો : જે ગુરુજીને માસી જીવંત ભગવાન તરીકે પૂજે છે એ આ આશ્રમમાં તો નથી જ પણ સદેહે આ પૃથ્વી પર હશે કે કેમ ?

‘ઓહ’ માધવી જરા ઓછ્પાઈ ગઈ. પોતે બોલવા પહેલા વિચાર કરવો જોઈતો હતો. : તો હવે ?

‘મને ડર માત્ર એક જ વાતનો છે કે જો હું હમણાં વિરોધ કરીશ તો એક જ વાત બની શકે ……’ આરતી આગળ ન બોલી .

માધવીના ચહેરા પર પ્રશ્નાર્થ હતો. : તમને જ ઠેકાણે પાડી દે એમ જ ને ?

જે વાત માધવી ન બોલી શકી એ ઉત્તર આરતીએ પોતે જ આપી દીધો .

‘હા, મારું કાસળ જ કાઢી નાખે , કુસુમ નહીં , આ સુકેતુ અને તેના માણસો . તે જોયું નહીં આખા આશ્રમમાં જે સ્ટાફ ભરતી કર્યો છે તે સુકેતુએ કર્યો છે . કુસુમ પોતે જ સુકેતુના હાથનું રમકડું બનતી ચાલી છે. જેનો અંદાજ કદાચ હજી એને આવ્યો લાગતો નથી. … પણ આવશે ત્યાં સુધીમાં તો બહુ મોડું થઇ ચુક્યું હશે….’ એક ઊંડો નિશ્વાસ આરતીએ નાખ્યો .

‘તો હવે ?’

‘તો હવે કંઈ નહીં, અત્યારે સમય છે મૂંગે મોઢે તાલ જોવાનો . જે કરવાનું છે કુસુમ પર કરવાનું છે. એક પ્રકારની વાઢકાપ જ , પણ માનસિકરીતે, માઈલો દૂર બેસીને !!’

માસી શું કહેવા માંગતા હતા એ તો ન સમજાયું માધવીને પણ એ એટલું તો સમજી શકી કે માસી વાત કરે છે કોઈ હિપ્નોટીઝ્મની, કોઈક અગોચર શક્તિ થી મન બદલવાની , દૂર બેસીને કુસુમના વિચાર બદલવાની , જેથી એ સાચી દ્રષ્ટિથી ફરી જોઈ શકે અને સુકેતુની ફેલાવેલી જાળમાંથી મુક્ત થઇ શકે.

‘મને કોઈ ડર નથી, મૃત્યુનો તો નહીં જ પણ હું હમણાં રહી ગઈ અને આ ષડ્યંત્રનો ભોગ બની ગઈ તો તો પછી આ આશ્રમને કોઈ બચાવી નહીં શકે…..’ આરતીના મનમાં ચાલી રહેલા વાવાઝોડાનો એકમાત્ર હલ માધવી પાસે હતો : હમણાં ચાલો પાછા મુંબઈ મારી સાથે …. હું નથી ઇચ્છતી કે તમને કોઈક ….. ‘ માધવી આથી વધુ અમંગળ વાત ઉચ્ચારવા ન માંગતી હોય તેમ ચૂપ થઇ ગઈ.

અઠવાડિયું રોકાયા પછી આરતીએ મુંબઈ પાછા જવાની વાત કરી ને કુસુમના ચહેરા પર ધસી આવેલી હાશકારાની રતાશે વાત ખુલ્લી કરી દીધી . કુસુમ આખરે એ જ તો ચાહતી હતી પણ બોલી નહોતી શકતી .

‘ દીદી , તમે રહી ગયા હોત તો ? ખોટો વિવેક કરતાં સુકેતુ ને કુસુમ બંને સાથે બોલ્યા.

આરતીને તો ઠીક પણ માધવી પણ કુસુમના અવાજમાં રહેલી કૃત્રિમતા અનુભવી રહી.

‘ કુસુમ, ફરી આવતી રહીશ , પણ હમણાં તો માધવીને મારી જરૂર છે , દીકરીઓ નાની છે….. ‘ આરતીએ લગીરે અણસાર ન આવવા દીધો કુસુમને કે એ બધી વાત પામી ચૂકી છે.: તું એમ કર કે મને ગૌરીની બોર્ડીંગ સ્કુલનું પૂરું સરનામું આપી દે , મન થાય તો એનું મોઢું તો જોઈ શકું ને !!

પાલમપુરથી ચંદીગઢ , ત્યાંથી દિલ્હી અને દિલ્હીથી મુંબઈ …. પાલમપુરથી ચંદીગઢના રસ્તા એટલા બિસ્માર પણ નહોતા છતાં આરતીને લાગ્યું કે એ થાકી ગઈ.
માધવી સમજી રહી હતી માસીના દિલની હાલતને , પણ એમાં જો કંઈ કરી શકે તો એ આરતીમાસી પોતે જ ને ! માસીનું ધ્યાન થોડું બીજે દોરવાય એટલે રિયા રોમાની વાતોમાં પરોવવાની કોશિશ પણ કરી જોઈ છતાં ય આરતીના હાવભાવ ન બદલાયા તે ન જ બદલાયા .

‘માસી, એક રીતે સારું થયું કે ગૌરી બોર્ડીંગ સ્કુલમાં ગઈ. એ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે તેવું શિક્ષણ તો પામશે ને !! એમાં જીવ શું બાળવો ? જુઓને રિયા ને રોમા નથી ગયા ?’

માધવી જોઈ રહી કે પોતાની એકેય વાત જાણે માસી સુધી પહોંચ્યા વિના જ પવન સાથે ભળીને ઉડી ગઈ છે.
એની દલીલમાં હા કે ના ભણવાની વાત તો દૂર રહી પણ કોઈ પ્રકારનો સંવાદ જ ન કરવો હોય તેમ પૂરપાટ દોડી રહેલી ટેક્સીની સીટ પર માથું ઢાળીને આરતીની આંખો મીંચાયેલી જ રહી, ક્યાંક માધવી પોતાના મનમાં આરંભાઈ ચૂકેલા ચક્રવાતના એંધાણ પામી ન લે !!

ક્રમશ:

Advertisements

6 thoughts on “વેર વિરાસત પ્રકરણ 12”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s