gujarati, Novel

વેર વિરાસત 20

2015-22-7--13-27-52

બ્રહ્મમૂર્હતની છડી પોકારતી અલાર્મની કર્કશ બઝર વાગી એવી રિયા સફાળી બેઠી થઇ ગઈ. છેલ્લાં થોડાં મહિનાથી જિંદગીએ કરવટ બદલી હતી.

સૂર્યની કિરણ ન ઉગે એ પહેલા તો દિવસ શરુ થઇ હતો. યોગ, એકસરસાઈઝ ને બાકી હોય તેમ નૃત્ય અને હિન્દી , ઉર્દુના ઉચ્ચારણ બ્રશઅપ કરવા રાખેલાં ટ્યુશન ટીચરની અવરજવર શરુ થઇ જતી.
સાંઠ કિલોની કાયાને ગમે તેમ પિસ્તાલીસ પહોંચાડવાનું આદરેલું અભિયાન જેવું તેવું નહોતું ને તે પણ ગણતરીના સમયગાળામાં , કાઉન્ટડાઉન શરુ થઇ ગયું હતું. ટીક ટીક કરતી ઘડીઓ હવે તેના ભાવિની નિર્ણાયક હતી.
આ પાર કે પેલે પાર , હવે વચ્ચે કોઈ મુકામ નહોતો .
ટૂંક સમયમાં પરિણામ નજરે આવી રહ્યું હતું . પોતાની જાત સામે ફેંકેલા પડકારમાં
સાંગોપાંગ પાર ઉતર્યાનો આનંદ તો કોઈ હિસાબે વર્ણવી શકાય એવો નહોતો . કોઈ ક્લાસિક બ્યુટીને જોઇ લવ એટ ફર્સ્ટ સાઈટ વાળા રોમિયોની જે હાલત થાય તેવી જ મનોસ્થિતિ રિયાની હતી. પ્રથમ પ્રેમ બેડરૂમના ડ્રેસિંગ ટેબલનો આયનો હતો. વારે વારે આયના સામે ઉભી રહીને પોતાની જાતને નીરખતી રહેતી રિયાના માનવામાં નહોતું કે આયનો સાચું બોલતો હતો કે નહીં ? આયનો ક્યારેય જૂઠું નથી બોલતો એ તો સાંભળેલી અનુભવેલી હકીકત હતી પણ આ આયનામાં ઝીલાતું પ્રતિબિંબ ખરેખર પોતાનું જ છે ને ? કે પછી કોઈ સપનું ? એ વાત પર યકીન નહતો થઇ રહ્યો .પણ હવે એ હકીકત થઈને સામે આવી ચૂકી હતી.
હવે તો એ મંઝીલનો પહેલો પડાવ પાર થઇ ચુક્યો હતો. એ નેક્સ્ટ લેવલ પર આવીને ઉભી હતી.

ફિલ્મમાં રિયાની જેમ જ ઘણાં બીજા પણ નવા ચહેરાંને પહેલો ચાન્સ મળ્યો હતો. એ બધાને ઉતારો અપાયો હતો સ્ટુડિયો નજીક આવેલી થ્રી સ્ટાર કહી શકાય એવી હોટલમાં . નાનાંનાનાં ખોલી જેવા રૂમ ને લીલાશ પડતાં પિરોજી પેઈન્ટથી રંગાયેલી દીવાલો. ગોબરાં લાગે તેવાં બારી બારણાં શોકિંગ પિંક કલરથી રંગાયેલાં હતા. બાકી હોય તેમ શોભામાં અભિવૃદ્ધિ કરવા ઠેકઠેકાણે મુકાયેલાં પ્લાસ્ટીકના ફૂલ . આરતીને રિયા તો ચેક ઇન થતાં આ દેખાવ જોઇને ઠરી ગયા હતા , પણ બીજો કોઈ વિકલ્પ ક્યાં હતો ? પ્રમાણમાં સારી કહી શકાય તેવી તમામ હોટેલો સ્ટુડીઓથી કલાકના અંતરે હતી અને સહુથી મહત્વની વાત તો એ હતી કે રિયાની આ શરૂઆત હતી એ વખતે આ બધાં વાંધા વચકા કરવા એટલે મળેલી તકની બાદબાકી . હોટલ અરુચિકર તો લાગી પણ નાનીએ માંગેલા પોતાના અલાયદા રૂમની પણ વ્યવસ્થા ન થઇ શકી. પહેલીવાર નાનીએ કમને અલાયદા રૂમ વિના રહેવું પડ્યું . એમની પૂજા અનુષ્ઠાનમાં પડનારી બાધાથી થોડાં વ્યગ્ર હતા પણ બેડની સામે જ મૂકાયેલા લાઈફ સાઈઝ મિરરે રિયાને તો ખુશ કરી દીધી હતી. મિરર જ એક એવી ચીજ હતો જેમાં પોતાનું પ્રતિબિંબ જોઇને જ રિયા તમામ તકલીફ , ફરિયાદ , રંજ ભૂલી જતી.

નવા નીખરી રહેલા પોતાના રૂપના પ્રેમમાં પડતી ચાલી હતી રિયા . જાણે કોઈક અજાણ્યો કેફ હળવે હળવે ચઢી રહ્યો હતો મન પર … જિંદગી આટલી સુંદર , જીવવા જેવી ક્યારેય લાગી નહોતી ને.
આરતી તો ગમે તે પરિસ્થિતિમાં ઢળી જવામાં જ માનતી હોય એને ન તો કોઈ એતરાઝ જતાવ્યો ન અણગમો . આખરે રિયાની કારકિર્દી કંડારી હતી , ત્યાં આવા નાનામોટાં ઈશ્યુ શું ગણકારવા ?

માદીકરી અંતિમ પર આવીને ઉભા હતા. રિયા જો પોતાના નવા સ્વરૂપને સમજી નહોતી શકતી તો માધવી પણ ક્યાં પચાવી શકી હતી પરિસ્થિતિ ને !

માધવીએ તો પોતે જ કેદ સ્વીકારી લીધી હોય તેમ પોતાના રૂમમાંથી ભાગ્યે જ બહાર આવતી. એના દિલ પર પડેલા ઉઝરડાં આંખોમાં તરતાં સ્પષ્ટ દેખાતાં હતા. ચાલીસી વટાવ્યા પછી પણ માધવીની મોહકતા બરકરાર હતી , ઉંમર સાથે ફિલ્મસ્ટાર જેવી છીછરી ગ્લેમરના તો કોઈ અવશેષ ડોકાતાં નહોતાં બલકે જાજરમાન , ઠસ્સાદાર લલના જેવું સ્વરૂપ સામેનાને પ્રભાવિત કરવા પૂરતા હતા, પણ અચાનક જ એને ગ્રહણ લાગી ગયું હતું. ઊંડી ઉતરી ગયેલી ઉદાસ આંખોને કારણે . નીચે પડેલાં ડાર્ક સર્કલ વધુ ગહેરા થઇ દેખાતાં હતા. બેસી ગયેલાં ગાલ ને ચહેરો ફિક્કો તો પડી જ ગયો હતો અને બાકી હોય તેમ હળવી પીળાશ છવાતી ચાલી હતી. દિવસોથી માંદી હોય એવી સુરત થઇ ગઈ હતી માધવીની . એ ભાગ્યે જ કંઈ બોલતી , એક જ આશંકા એને સતત ડરાવતી રહેતી , ક્યાંક કોઈક રીતે રિયા રાજાને ન મળી જાય. આ બધાથી બેધ્યાન રિયા પાસે જોવા વિચારવાનો ન તો સમય હતો ન પરવા. બાકી હોય તેમ હવે એ તો પોતાથી દૂર જઈને બેઠી હતી.

માદીકરી વચ્ચે પડેલી તિરાડ હવે ખાઈમાં પરિવર્તિત થઇ રહી હતી અને જો આમ જ ચાલ્યું તો ??

દિવસો કેટલા વીત્યા એ ખ્યાલ આવે એ પહેલા તો શૂટનો પ્રથમ દિવસ આવીને ઉભો રહી ગયો.

‘રિયા આજે વહેલી ઊંઘી જા, કાલે ચહેરો ફ્રેશ લાગે જરૂરી છે. ‘ નાનીને કોઈ વાતની ગતાગમ ન હોવા છતાં જરૂરી લાગે તે શિખામણ આપતાં રહેતા : સવારે કેટલા , આઠ વાગ્યે પહોંચવાનું છે ને ? એટલે એ લોકોની કાર આવશે પીક અપ માટે?

‘… તે હું એકલી થોડી જઈશ , તમે પણ આવશો જ ને નાની .. ‘ રિયા સ્વાભાવિક રીતે બોલી હતી: આવતીકાલે પહેલીવાર હું કેમેરા ફેસ કરી રહી છું … પહેલી ફિલ્મ, પહેલો શોટ ….’ રિયાએ ખંચકાટ સાથે આરતીને પૂછ્યું હતું .

‘કેમ ડર લાગે છે હવે ? ‘

‘ના , ડર શેનો ? ‘ રિયા અચાનક મક્કમ થઇ ગઈ : પણ જાણે એવું લાગે છે કે સ્કૂલનો પહેલો દિવસ …

આરતી શું બોલે ? રિયાની વાત ખોટી નહોતી, એટલે જ તો એ સાથે આવી હતી ને ! પણ મનમાં થતું હતું કે કાશ એ પહેલો દિવસ છે તો અનુષ્ઠાનમાં વિતાવી શકે.

‘નાની , તમે મારી સાથે નીચે આવો છો કે હું એકલી જઈ આવું ? ‘ હોટેલમાં જ નીચે આવેલાં કોન્ફરન્સરૂમમાં રિયાએ જવાનું હતું, એના કોશ્ચ્યુમ્સથી લઇ બાકીની વાતો ત્યાં જ હતી.

જો કે જવાનું તો નીચે જ હતું ને વળી પોતાના જેવા જ નવા આર્ટીસ્ટ સાથે મિત્રતા તો થઇ રહી હતી એટલે આરતીને રિયા એકલી જાય એમાં કોઈ વાંધા જેવું લાગ્યું પણ નહીં.

‘તું કહે તો આવું પણ ચાલે એવું હોય તો …’ આરતી રિયા સાથે જવાના મૂડમાં નહોતી . એનું ચિત્ત માધવીમાં હતું.

આ વિષે વધુ ચર્ચા કર્યા વિના રિયા ચાલી ગઈ ને આરતી સૂનમૂન બેઠી તાકતી રહી ગઈ . સામે લહેરાઈ રહેલા શાંત સમુદ્રમાં ઓટને કારણે મસમોટી કાળી શિલાઓ સનબાથ લેતી હોય તેમ સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી. સમય ઓટનો હતો ને સામે દરિયાના ઓસરી ગયેલાં પાણીને કારણે શેખી મારતી હોય તેમ છાતી કાઢીને ઉભી હતી.

રિયા ગઈ એટલે પહેલું કામ આરતીએ ફોન કરવાનું કર્યું .
બે રીંગ માંડ ગઈ ને માધવીએ ફોન ઉપાડ્યો, એનો અર્થ એ પણ થયો કે માધવી ગેલેરી પર નથી ગઈ. રિયા ફિલ્મલાઈન લે તે આઘાત જીરવવો માધવી માટે અઘરો હતો.

‘ કેમ છે મધુ …? આજે ઘરે છે ? તબિયત તો ઠીક છે ને ? ‘ આરતીને કહેવું તો ઘણું હતું પણ કોઈ રીતે જબાન પર ન આવી શક્યું.
‘હા હા , કંઈ ખાસ નહિ , શરદી ખાંસી હતા એટલે દવા લીધી , ઘેન જેવું લાગતું હતું એટલે ઘરે છું. ..’ માધવી કદાચ દર્શાવવા માંગતી હતી કે રિયાની વાતથી એને કોઈ ફર્ક પડતો નથી.

‘શરુ થઇ ગયું એનું શૂટ ? ‘

‘ ,ના એ તો હવે થશે પણ હમણાં તો એ બહાર ગઈ છે …’ આરતી બોલે એ પહેલા માધવીએ કરેલી અટકળ પૂછી લીધી: તમને સાથે નથી લઇ ગઈ ?

તમને કહ્યું છે ને સેટ પર આવવાનું ….. ‘ માધવી રિયાનું નામ લેવાનું ટાળ્યું તે આરતીને ખટક્યું .

‘મધુ , હજી એ બાળક છે , ને તું એ ન ભૂલ કે તે પણ આ જ …. ‘ આરતી સમજાવટની વાત હજી શરુ કરે એ પહેલા જ માધવીએ કાપી નાખી.

‘માસી , હું પણ એ જ તો કહું છું , મા છું , દુશ્મન નથી એની …પણ …’ માધવીનો સ્વર જરા રૂંધાયો : એના મગજ પર સવાર ફિલ્મના ભૂતને તો સમજી શકાય પણ મને ડર બીજી જ વાતનો છે. ધારો કે કાલે પેલો ફરેબી એને ભોળવી લે તો ? મારે એ બધી પરિસ્થિતિનો સામનો નથી કરવો એટલું તો સમજો !! એ માણસ માટે એની માએ કેવી પરિસ્થિતિમાંથી ગુજરવું પડ્યું ? માધવીને બોલતાં શ્વાસ ચઢી આવ્યો હોય તેમ એ અટકી ગઈ.

‘ મને એક જ ડર છે માસી ..’ ઘર કરી ગયેલી ચિંતાએ માધવીની આંખોમાંથી ડોકિયું કાઢ્યું : ક્યાંક પેલો ફરેબી એના કાનમાં મારા વિરુદ્ધ ઝેર ન ભરી દે .. આ દિવસ જોવા માટે તો મેં આ દીકરીઓને જન્મ નથી આપ્યો ને !!

માધવીના મનમાં ઘૂંટાઈ રહેલો ડર જાણ્યાં પછી આરતીના મનમાં હાશકારો થઇ ગયો : ઓહ તો વાત અહીં હતી.

માધવીના મૌનનું કારણ માત્ર રિયા પરત્વે રોષ જ નહોતો બલકે હવે મહાન શોમેન તરીકે ઓળખાતો સેતુમાધવન ક્યાંક પેલું જૂનું રાજા કનેક્શન દીકરીને જણાવી એને પોતાથી દૂર ન કરી દે તે પણ ખરું, અને એ ડર વાજબી પણ હતો.

‘એમાં તારે ઝાઝી ફિકર કરવાની વાત નથી મધુ ..’ આરતીને મનોમન ગૂંચવી રહેલું જાળું દૂર થઇ ગયું હોવાનો સંતોષ ચહેરા પર છવાતો ચાલ્યો : એક વાત રિયા સાથે હું સ્પષ્ટ કરી લઈશ કે ક્યાંય ફેમિલી બેકગ્રાઉન્ડની ચર્ચા કરવી નહીં …ને… ‘

‘ માસી , તમે એમ માનો છો કે આ ખણખોદિયા પત્રકારો જપવા દેશે ? અને જો પેલાને ખબર પડી કે રિયા કોની દીકરી છે તો એ પણ પબ્લિસિટી સ્ટંટ માટે આગળ ધર્યાં વિના રહેશે નહીં અને તમે જાણો છો કે રાજા , આઈ મીન સેતુમાધવન કેવો તકસાધુ લોમડી છે એ … માસી તમને નથી ખબર કે …..’ માધવીએ ઊંચા થઇ રહેલા અવાજ અને વહી જતાં ઈમોશન પર સિફતથી કંટ્રોલ લઇ લીધો . કહેવાય છે ને કે દિવાલોને પણ કાન હોય છે !

‘મારી પાસે એનો એક રસ્તો છે મધુ …’ થોડીવાર વિચાર કર્યા પછી આરતીએ માધવી સામે જોયું . વિચારમાં ગરકાવ માધવીના ચહેરા પર પ્રશ્નાર્થ ડોકાયો .

‘મારે રિયા સાથે સેટ પર જવું જ જોઈએ . આમ પણ નવા કે ફેમસ હિરોઈન સાથે ઘરનું કોઈ હોય છે ને !! મારું જવું કોઈને અજુગતું પણ નહીં લાગે. ‘

‘તેથી શું ?’ માધવીને માસીની વાત હજી સમજાઈ નહોતી રહી.

‘ઓહો . હું સાથે જઈશ , એની નાની … કુટુંબમાં એકમાત્ર સ્વજન , કોઈ કંઈ લાંબી પૂછપરછ કરે તો એક જ વાત કે રિયા મારી પાસે જ ઉછરી છે . એમાં માબાપ કે બીજા સગપણ કોઈ શોધવા બેસે તો પણ ન મળે. ખરેખર તો આ સર્કલમાં પહોંચી જાય એટલે વાત પતી સમજ , કદાચ એ નવી હોય ત્યારે કોઈને થોડીઘણી જાણવાની ઇન્તેજારી થાય પણ એ કુતુહલનો મોક્ષ જ થઇ જાય તો પછી વાત જૂની થઇ જાય…’

માધવીએ માસીની આ દલીલમાં વજૂદનું વજન તો અનુભવ્યું. આ પણ વાત ખોટી નહોતી .

‘જો માધવી ,જે નિર્મિત થયું છે એ તો થઈને જ રહેવાનું છે , પણ હું છું ને !! આવતીકાલ તો કોઈએ જોઈ નથી પણ એના ડરથી આજ બગાડવામાં કોઈ શાણપણ છે ? ‘ માસીની શીખ હંમેશ ઘવાયેલા દિલ પર પીછાંની જેમ ફરતી ને જખમની પીડા હળવી થઇ જતી તેવો માધવીનો અનુભવ હતો. માસીએ કહી દીધું એટલે હલ પણ કોઈ શોધી જ કાઢ્યો હશે.
માધવીનો મૂડ બદલવા આરતીએ રોમાની પૂછપરછ કરી લીધી .

ને જેમ ધાર્યું હતું તેમ જ થયું . માત્ર ગણતરીની પળમાં માધવીનો મિજાજ બદલાઈ ગયો. માધવીની ગમગીની ગાયબ થઇ એટલે આરતીએ સંતોષનો શ્વાસ લીધો ને ફોન મુક્યો . માધવી સાથે વાત કરતી વખતે મનમાં ઘૂંટાઈ રહેલી એક વાત વધુ હાવી થઇ ગઈ : એવું તો નહીં હોય કે જન્મ આપનાર બાપ પ્રત્યે કોઈક પ્રકારનું વેર પોષી રહી હોય ને આ છોકરી? કદાચ બાપ પર વેર લેવા માંગતી હશે આ છોકરી ? એટલે તો આ મંઝિલ નથી પસંદ કરીને એને?

***************************

‘સર, ઓલ સેટ,’ જાનકીરેડ્ડીનું નામ શિસ્તપાલન માટે એવું તો પંકાયેલું હતું કે ભલભલા સ્ટાર્સ એમને આપેલાં શિફ્ટ શિડયુલ સામે હરફ ન ઉચ્ચારી શકે. સૂર્યોદય થવામાં ઘડી બાકી હોય ત્યારે પહેલી કિરણે સૂર્યપૂજા કરનાર જાનકીરેડ્ડી જ રહ્યા હતા ને તેમના આસિસ્ટંટ વાસુનો ફોન આવ્યો હતો.

‘વાસુ , બધાં ન્યુ કમર્સને આપણી શૈલી સમજાવી દીધી છે ને !! જાનકીરેડ્ડીએ પોતાની ટેવ પ્રમાણે પૂછી લીધું .
‘ જી , અને એ તમામનો મેકઅપ પણ લગભગ પતવા આવ્યો છે. ‘ ન માંગેલી માહિતી પણ વાસુએ આપી દીધી .
માત્ર વીસ મિનિટમાં તો સેટ પર ધમધમાટ મચી રહ્યો હતો. આમ પણ મુર્હુર્ત પૂજા અને અનેક વિધિઓમાં થોડો સમય તો જશે એ વાત નિશ્ચિંત હતી.
જાનકીસરના આગમન સાથે એ બધું ચાલુ થઇ ગયું .
વાસુ પોતાના બોસના હાથમાં જરૂરી કાગળ મૂકી ફરી અદ્રશ્ય થઇ ગયો.
જાનકી રેડ્ડીએ ઉપરછલ્લી નજર ફેરવી તેને એક બાજુએ મુક્યા : અરે , વાસુ ક્યાં છે ? બોલાવો એને .
વાસુ તરત જ અલ્લાદીનના જીનની જેમ હાજર થઇ ગયો.
‘વાસુ , એક નાનો ચેન્જ છે ટાઈટલમાં … ‘
‘અરે , એમ મારો ચહેરો ન તાક. વાત એમ છે કે મારે આજે જ પાર્થસારથીજી સાથે વાત થઇ. એમનું કહેવું છે મકાર કે રકાર , એટલે કે એમ કે આર પરથી ફિલ્મનું નામ રાખવામાં જ લાભ છે. અને એમને જયારે ખબર પડી કે હિરો નહીં બલકે હિરોઈનપ્રધાન ફિલ્મ છે એટલે એમને તો આ વિષે ફરી વિચારવાની સલાહ આપી. આપણે દર વખતે જોઈએ છીએ તેમ નવાં આર્ટીસ્ટ જન્મ તારીખ માંગી લીધી હતી ને … તારી પાસે છે ને હાથવગી ?’
વાસુએ ડોકું ધુણાવ્યું : એ તો કદાચ રેકોર્ડમાં હોય તો જોઈ લેવાય પણ …એ બધાનો અર્થ હવે ખરો ?

‘હા, મને પણ એ જ વિચાર આવ્યો હતો. પણ તું તો જાણે છે ને કે એમના કહેવાનું શું વજન પડે. હવે છેલ્લી બે ફિલ્મોમાં એમને કઈ કહ્યું નહોતું પણ આ તો જબરદસ્ત પ્રોજેક્ટ છે એટલે મેં જ એમને થોડાં દિવસ પહેલાં પૂછ્યું હતું પણ તે વખતે એ પ્રવાસમાં હતા. કાલે રાત્રે આવ્યા ને હું નીકળતો હતો ને એમનો ફોન આવી ગયો. જેને ન માનવું હોય એ લોકો માટે ઠીક પણ આપણે તો પાર્થસારથીજી બોલ્યા કે સત્યવચન ..’

‘ સર , એ તો પછી વિચારી લેવાશે ને , હજી તો આડે ઘણો સમય છે ને !! અત્યારે .. ‘

‘વાસુ , આ બધી દલીલ કરવા કરતાં જે બે નવી છોકરીઓને લીધી છે ને ને એક નવો સાઈડ હીરો એની જન્મતારીખ ફોનથી જણાવી દો , એ આપણાં ફોનની વાટ જોતાં હશે.’

વાસુ પાસે કરવા યોગ્ય કોઈ દલીલ બચી નહોતી, અને હજી તો શુકનના પૂજા હવન આરતી બાકી હતા એટલે ખાસ વાંધો પણ નહોતો.

વાસુને કામ સોંપીને દોઢ કલાકે જાનકીરેડ્ડી હવન પતાવીને ઉઠયા ત્યારે પાર્થસારથીની પધરામણી સેટ પર થઇ ચૂકી હતી.

‘અરે અરે , આપે આમ તકલીફ લેવી પડી…. ‘ જાનકીરેડ્ડી ઓછ્પાયા.

‘ જાનકી , ફિલ્મનું નામ જ યોગ્ય નથી. મને પહેલા જાણ કેમ ન કરી ? ‘ ઉંમરમાં , અનુભવમાં , જ્ઞાનમાં ઊંચેરા પાર્થસારથી જાનકીરેડ્ડીને તુંકારો કરી શકે એ વાત જ તેમની અનિવાર્યતા જતાવી દેતી હતી.
પાર્થસારથીની એક જ ટકોરે બોલતી બંધ કરી દીધી .
‘ના ના , એ તો બદલી કાઢીશું , કે પછી તમે કહેશો તેમ બીજાં શબ્દ ઉમેરી લઈશું …..ને હીરો હિરોઈન તો આપણાં જ છે. ‘ પાંગળો બચાવ કરવો હોય તેમ જાનકીરેડ્ડીનું મોઢું ઉતરી ગયું .

‘મેં કહ્યું નહોતું કહ્યું કે તારી આ ફેવરીટ ભાનુશ્રીનો બુધ ખાડામાં જઈ રહ્યો છે ? ને સાથે છે કોણ છે વેણુ કુમાર ને ? ….’ પાર્થસારથીના અવાજમાં ઉશ્કેરાટ હતો. : મેં તને યાદ હોય તો ચેતવ્યો હતો કે વેણુએ ભલે અત્યાર સુધી હિટ આપી , ભલે તારો માનીતો રહ્યો પણ થોડાં વર્ષ એને હાથ ન લગાડતો , એની શનિ દશા બેસે છે. એ તો ડૂબશે પણ તને લઈને ડૂબશે . નહોતો ચેતવ્યો ?’

જાનકીરેડ્ડીના ચહેરો પરથી નૂર ઉડી ગયું . ભૂત જોયું હોય એમ ગળામાંથી અવાજ નીકળી નહોતો શકતો : પણ હવે કરી શું શકાય ?
પાર્થસારથી થોડી વાર વિચાર કરતાં રહ્યા .
‘એક કામ કરી શકાય ..’ પાર્થસારથી વિચારીને કોઈ નિષ્કર્ષ પર આવ્યા હોય એમ લાગી રહ્યું હતું .

‘ હજી હવન સંપન્ન થયો છે , મુર્હુત તો બાકી છે ને ? ‘
જાનકીરેડ્ડીએ માત્ર માથું ધુણાવ્યું .

‘એવું કરી શકાય કે , આ વખતે જે પ્રોમિસિંગ સાઈડ કેરેક્ટર આર્ટીસ્ટ છે તેમને વધુ પ્રાધાન્ય આપીને ફિલ્મના મુખ્ય કલાકારો પરથી વજન હટાવી શકાય. પછી જરૂર પડે તો બીજા સ્ટાર્સ ક્યાં નથી લેવાતાં ?’

‘પણ એ બધા માટે હવે સમય ક્યાં છે ? ‘ વાસુ બોલવા ગયો પણ એને પાર્થસારથીની આંખોમાં અંજાયેલા ભાવ જોઇને ચૂપ થઇ જવું પડ્યું.
‘વાસુ , આપણાં નવા લોકોની કુંડળી પણ હશે જ ને !!’ જાનકી રેડ્ડીએ પાર્થસારથીની વાત માની લીધી હતી તેનો પૂરાવો પ્રત્યક્ષ મળી ગયો.
થોડી જ વારમાં તો નવા લીધેલા થોડાં કલાકારોની કુંડળી લઈને વાસુ હાજર થયો.
જાનકીરેડ્ડીની આ જ તો ખાસિયત હતી , કલાકાર ગમે એટલો સબળ હોય એના સિતારા બુલંદ ન હોય તો હાથ નહોતો લગાડતો અને તે પણ પાર્થસારથી જેને મંજૂરી વિના તો છીંક પણ ન ખાવાની જાણે પ્રતિજ્ઞા હતી..
મુર્હુર્ત શોટનું શિડયુલ અગિયાર વાગ્યાનું હતું છતાં સમયસર શરુ ન થઇ શક્યું.

જોવા જેવી વાત તો ગ્રીન રૂમમાં થઇ રહી હતી. એક તરફ રિયાનો મેકઅપ ચાલી રહ્યો હતો અને આરતીની માળા .
મેકઅપ કરાવતી વખતે રિયાનું ધ્યાન વારે વારે ધ્યાનસ્થ નાની પર જતું. એમને તો ઘરનો પૂજારૂમ હોય કે સ્ટુડીઓનો મેકઅપ રૂમ કોઈ ફરક ન પડતો હોય તેમ આંખો બંધ કરીને એકચિત્તે ધ્યાનમાં મગ્ન હતા.
રિયાએ એક નજર આઇનામાં નાખી. રોલ તો હતો એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની દીકરીનો, જે હમેશા દીવાસ્વપ્નમાં જ રાચે છે. એની ઉડાન કોઈક ઉંચી મંઝિલ છે. એ ડ્રીમ સિક્વન્સને ધ્યાનમાં રાખીને પહેલો શોટ હતો , અને એક ડાન્સ પરફોર્મન્સ …

‘મેમ, રેડી ? ‘ ગ્રીન રૂમના બંધ બારણાં પર ટકોરાં પડ્યા. રિયાનું દિલ એક ધબકાર ચૂકી ગયું . આઇનામાં રહેલી રિયા એને સધિયારો આપી હિંમત બધાવતી રહી.

છેલ્લાં થોડા મહિનાનો પરિશ્રમ મહેનત લાવ્યો હોય અને તેમાં મેકઅપની કમાલ તો જાદુઈ હતી. બાકીનું કામ કર્યું હતું વ્હાઈટ જ્યોર્જેટના અપ્સરા ડ્રેસે . જેમાં રિયા અસાધારણપણે મોહક લાગી રહી હતી. વ્હાઈટ શિફોન જ્યોર્જેટ પર ડલ ગોલ્ડ બોર્ડરનો ચાર્મ એને ચહેરા પર છવાયેલી આભાને અનેકગણી વધારી રહ્યો હતો. રિયા પોતાની ચેર પરથી ઉભી થઇ , મેકઅપમેન જરૂરી ટચઅપ કરી રહ્યો હતો. આરતીની સમાધિ હજી તૂટી નહોતી. રિયા દબાયેલા પગલે આરતી પાસે પહોંચી અને પલાંઠીવાળીને એક સાઈડ પર પડેલાં કાઉચ પર બેઠેલાં નાનીને ભાવથી પગે લાગી લીધું :
‘નાની , આઈ હેવ ટુ ગો …’
પોતે પણ ન સાંભળી શકે એટલા નીચા દબાયેલાં સ્વરે નાનીનું ધ્યાન ભંગ કરી દીધું . રિયા થોડી ખંચકાટ અનુભવતી હોય તેમ ઉભી રહી. અજાણતાં પણ પોતે નાનીના ધ્યાનભંગ કરવાનું નિમિત્ત બની ગઈ.
આરતીની આંખો ખુલી ને સામે રિયા ઉભી હતી. એને જોઇને જ આરતીના મોઢામાંથી આશીર્વાદ સરી પડ્યા.
‘મા જગદંબા તારી સાથે હો !! વિજયી ભવ : ‘ નાનીના આશીર્વાદ ક્યાંક બ્રહ્માંડ ફરીને આવતા હોય તેવા ગેબી લાગ્યા રિયાને .
રિયાને ત્યારે ક્યાં ખબર હતી કે નાનીની તપસ્યા આજે શું રંગ લાવવાની છે ?

ક્રમશ:

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s