Being Indian, Far Pavallions, Indian Summer

મસ્તાની : બાજીરાવની પત્ની કે નર્તકી ?

હિંદુ બ્રાહ્મણ રાજવી ને મુસ્લિમ નાચનારી , ને એમની દર્દનાક પ્રેમકહાણી એટલે બાજીરાવ મસ્તાની. વર્ષોથી આ જ ઓળખાણ રહી છે ઈતિહાસના આ બેમિસાલ પ્રેમીઓની.

એક બાજુ અજબ પ્રેમકહાની ને બીજી બાજુ દમામદાર ફિલ્મ , સંજય લીલા ભણસાલીએ ફિલ્મમાં પોએટીક લિબર્ટીને નામે કેટલી છૂટ ઇતિહાસ સાથે લીધી એ પાછો બીજો વિષય છે પણ હકીકત તો એ છે કે બાજીરાવ- મસ્તાની પ્રેમકહાનીને સંજય લીલા ભણસાલીએ જ નહીં આપણી દંતકથાઓએ અને ઈતિહાસકારોએ પણ તો તોડી મરોડીને જ પેશ કરી છે.

 

Peshwa_Bajirao_3mastaniHIS10.png
 

એમ કહેવાય છે કે ઈતિહાસ વિજેતા લખે છે. એટલે ઉજળું હોય તેટલું દૂધ નહીં ને ન્યાયે ઘણીવાર લખાયેલી ગવાયેલી કહાણીઓ પણ સત્યથી જોજનો દૂર હોય શકે.
જયારે આ બહુ ગાજેલી ફિલ્મ રીલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે જ પેશ્વાના વંશજો કોર્ટે ચઢ્યા, કારણ હતું ફિલ્મમાં લીધેલો પિંગા ડાન્સ. રાજવી કુટુંબના વારસોની દલીલ છે કે રાજઘરાનાની માનુનીઓ આમ નાચગાન કરતી હશે ? એ પણ એક નાચનારી સાથે ?
એ વાત જુદી છે કે સંજય લીલા ભણસાલી કોઈક અજબ વળગણ ધરાવે છે , હીરોના જીવનમાં આવેલી સ્ત્રીઓને સાથે નચાવવાનું ,પણ અહીં એ છૂટછાટની વાત નથી .
મુદ્દો એ છે કે બાજીરાવની પત્ની કાશીબાઈ મસ્તાની સાથે ન નાચી શકે એવું કોઈ કારણ હાલ રાજવી કુટુંબના સભ્યોએ આપ્યું છે તેવું નથી. પિંગા નૃત્ય બ્રાહ્મણ કુટુંબોની જ એક ધાર્મિક રસમનો ભાગ હતું. તે જમાનામાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ કુટુંબની સ્ત્રીઓને બહાર આવવાજવા પર પ્રતિબંધો હતા ત્યારે ઘરની ચાર દીવાલોમાં મનોરંજનને એક ઉત્સવ સાથે વણી લેવાયું હતું . પરિણીત સ્ત્રીઓ મંગલાગૌરના તહેવારમાં એટલે કે શ્રાવણ મહિનાના મંગળવારે ધાર્મિક વિધિઓ પછી ખાણીપીણી ને આનંદપ્રમોદ માટે આ નાચગાન કરતી જેમાં હાજરી માત્રને માત્ર મહિલાઓની જ રહેતી.
એવા વાતાવરણમાં કાશીબાઈ રાજઘરાનાની હોય એટલે ભાગ ન લઇ શકે એ કારણ વધુ પડતું છે.

મૂળ કારણ તો એ હોય શકે જે પેશ્વાઈ ઈતિહાસકારોએ ન લખેલા સંદર્ભગ્રંથો કહે છે તે, કે કાશીબાઈની શારીરિક પંગુતા અને કોઈક ઈતિહાસકારોનું સંશોધન કહે છે તેમ કાશીબાઈ અસ્થમા પેશન્ટ હતી.
આ છે વાસ્તવિકતા જે લગભગ અઢી દાયકાના સંશોધનો પછી નારીવાદી લેખિકા કુસુમ ચોપરાએ પોતાના પુસ્તક ‘મસ્તાની’માં મૂકી છે.

સિંગાપોરમાં જન્મેલા અને જકાર્તામાં ઉછરેલા કુસુમ ચોપરા કિશોરાવસ્થામાં ઇન્ડિયા આવ્યા ને રહી ગયા. અભ્યાસ પૂરો થયો પછી પત્રકાર તરીકે કાર્યરત રહ્યા , વર્ષો સુધી પત્રકારત્વ કર્યા પછી એ નવલકથાકાર છે સાથે સાથે પર્યાવરણ અને મહિલાઓની સમસ્યા સાથે સક્રિય રીતે જોડાયેલા છે. એમને બહુ ગાજેલા દિલ્હીના નિર્ભયા કેસ પર પણ પુસ્તક લખ્યું છે પણ મસ્તાની એમના દિલની ઘણી કરીબ રહી છે. કુસુમ ચોપરા કહે છે કે ‘ઇતિહાસે મસ્તાની સાથે ભારે અન્યાય કર્યો છે.’

હકીકત તો એ છે કે ઇતિહાસે આ મસ્તાની સાથે ભયંકર દુર્વ્યવહાર કર્યો છે. એક રાજવી કુટુંબની કન્યાને નાચનારી તરીકે વગોવી છે. જે કામ આજના સમયે મીડિયા કરે છે એ કામ ઈતિહાસકારોએ કર્યું હતું . જેને આજના સમયે આપણે કેરેક્ટર એસાસીનેશન કહીએ છીએ તે.
મસ્તાની હતી ક્ષત્રાણી, બુન્દેલખંડના મહારાજા છત્રસાલની દીકરી. પણ , એની મા હતી રુહાનીબાઈ , પર્શિયન મુસ્લિમ, જે પહેલા હૈદરાબાદના નવાબના દરબારમાં નર્તકી હતી.
મુસ્લિમ રુહાનીબાઈથી થયેલી મહારાજ છત્રસાલની દીકરી બાજીરાવને મળી એ એક પ્રકારની રાજનીતિ હતી.
ઈ.સ. 1727માં અલ્હાબાદના સૂબાએ બુન્દેલખંડ પર હૂમલો કર્યો હતો.મહારાજ છત્રસાલે એ માટે પોતાનું રાજપાટ બચાવવા પેશ્વા રાજવી બાજીરાવ પાસે મદદ માંગી હતી. જે તે વખતે બુન્દેલખંડ તરફ પોતાના સૈન્યની કવાયતમાં હતા. સંદેશ મળતાં બાજીરાવ પોતાના સૈન્ય સાથે મદદે પહોંચ્યા અને હૂમલાને નિષ્ફળ બનાવ્યો. બંને રાજવી વચ્ચે એક નવો સંબંધ બંધાયો. બુન્દેલખંડના રાજવીએ પોતાની દીકરી મસ્તાની બાજીરાવ સાથે પરણાવી એટલું જ નહીં પણ બાજીરાવને ઝાંસી , પન્નાની ખાણ અને ઘણા ગામ સહિત પોતાના રાજ્યનો 1/3 હિસ્સો પણ ને 33 લાખ સોનાના સિક્કાઓ કરિયાવર તરીકે આપ્યા હોવાની નોંધ છે તો પ્રશ્ન એ છે કે મસ્તાની બાજીરાવની ગણના નર્તકી કઈ રીતે થઇ ગઈ ?

એનો ગુનો એટલો કે એને જન્મ નર્તકીના પેટે લીધો હતો. ને તે પણ મુસ્લિમ . એ સુંદર ગાતી હતી. નૃત્યકળા જાણતી હતી. કૃષ્ણભક્ત તો હતી જ સાથે સાથે માનો ધર્મ પાળતી હોય એમ નમાઝ અદા કરતી હતી. નાચગાન સાથે એની તાલીમ એક કુશળ યોધ્ધા તરીકે પણ થઇ હતી. એ ઘોડેસવારી કરી જાણતી હતી.એટલું જ નહીં એ બાજીરાવ સાથે રણમેદાન પર ગઈ હોય તેવા સંદર્ભ પણ મળે છે. યુધ્દ્ધકલામાં પારંગત એવી મસ્તાનીની આ બધી કોઈ કળા ઇતિહાસે યાદ નથી રાખી. યાદ રાખી એક જ વાત એ નર્તકી હતી.
એટલું જ નહીં એને હમેશ બાજીરાવના જનાનખાનામાં રહેલી સ્ત્રીઓ પૈકી એક લેખાતી રહી છે. જયારે ખરેખર તો એ બાજીરાવની કાશીબાઈ પછી કાયદેસરની પરણેલી પત્ની હતી. એ વાત જૂદી છે કે એ બીજી પત્ની હતી , સાથે માતબર કરિયાવર લઈને આવી હતી પણ અર્ધમુસ્લિમ હતી તેથી કે જે પણ કારણ હોય બાજીરાવના માતા રાધાબાઈની આંખમાં ખૂંચતી હતી. બાકી હતું એમ કાશીબાઈની ઉપેક્ષા થતી રહી ને જયારે બંનેએ સાથે જ માતૃત્વ પ્રાપ્ત કર્યું ને કાશીબાઈથી થયેલું સંતાન નાની ઉંમરમાં જ ગુજરી ગયું.
મસ્તાની મુસ્લિમ ધર્મ તરફ વધુ ઝુકાવ ધરાવતી હશે એ પણ કદાચ કારણ હોય શકે દરબારી અને રાજવી કુટુંબની ખફગીનું . મસ્તાનીએ દીકરાનું નામ રાખ્યું હતું શમશેર બહાદૂર .
એ વાત તો સિદ્ધ હતી કે બાજીરાવના માતા રાધાદેવીએ મસ્તાનીને ક્યારેય સ્વીકારી નહોતી. ખરું કારણ માત્ર મુસ્લિમ કે નર્તકી હોવાનું નહીં બલકે રાજકારણમાં મસ્તાનીનું વધતું જતું વર્ચસ્વ અને કાશીબાઈની ઉપેક્ષા , ઘણાં બધા કારણોને કારણે મસ્તાની કેટલાય સમય સુધી નજરકેદ પણ રહી હતી. પુણેનું શનિવાર વાડા જે બાજીરાવનો મહેલ લેખાતો ત્યાં મસ્તાની રહી તો ખરી પણ એને માત્ર ઉત્તરપૂર્વ ભાગમાં જ હરવાફરવાની છૂટ હતી , એટલા માટે એક અલાયદો દરવાજો પણ બનાવ્યો હતો. જે મસ્તાની દરવાજા તરીકે ઓળખાતો હતો. મસ્તાની નારાજગી એટલી વધતી ગઈ કે મસ્તાની માટે શનિવારવાડાથી થોડે દૂર કોથરુડમાં નવો મહેલ બનાવ્યો હતો.

જો ઇતિહાસે કોઈ કામ કર્યું હોય તો એ છે બાજીરાવ મસ્તાનીના મૃત્યુને ડ્રામેટિક બનાવવાનું . પેશ્વાના ઈતિહાસકારો તો આ પ્રેમકહાનીનો અંત એકદમ ઇમોશનલ બતાડે છે.
દંતકથા પ્રમાણે તો બાજીરાવ પેશ્વા એક દિવસ પોતાના રાજ્યના પ્રદેશોની મુલાકાતે હતા અચાનક એમની તબિયત બગડી ને એમનું આકસ્મિક મોત થઇ ગયું . મસ્તાનીને આ સમાચાર મળ્યા એટલે એને પોતાના હાથમાં રહેલી વીંટીનો હીરો ચૂસી જીવનનો અંત લાવી દીધો .
વાસ્તવિકતા આ રોમેન્ટિક કહાણીથી માઈલો દૂર છે.
એ વાત તો સિદ્ધ હતી કે બાજીરાવના માતા રાધાદેવીએ મસ્તાનીને ક્યારેય સ્વીકારી નહોતી. મસ્તાનીનું વધતું જતું વર્ચસ્વ અને કાશીબાઈની ઉપેક્ષા , ઘણાં બધા કારણોને કારણે બાજીરાવના માતાએ મસ્તાનીને નજરકેદમાં ઘણો સમય રાખી હતી. તે વખતે પેશ્વાઓની કોઈ વિધિઓમાં શામેલ થવા બાજીરાવ પુણેથી દૂર હતા. મસ્તાનીની તબિયત બગડી તેના સમાચાર પણ બજીરાવથી છાનાં રખાયા હતા.
રોમેન્ટિક દંતકથા કહે હીરો ચૂસીને મોતને વાત પણ હકીકત તો એ હતી કે મસ્તાની બાજીરાવ કરતાં પહેલા મૃત્યુ પામી હતી.. કાશીબાઈ ને બાજીરાવના બીજા દીકરાનો જનોઈ પ્રસંગ હતો એવું બહાનું કરીને મસ્તાનીના મૃત્યુના સમાચાર પણ બાજીરાવથી છુપાવવામાં આવ્યા હતા. બાજીરાવના મૃત્યુના બે કારણો મળે છે. એક તો આલ્કોહોલિક બાજીરાવને માતાના આદેશ હેઠળ વ્યસનમુક્ત થવાનું હતું એટલે દારૂ અચાનક છોડવાને કારણે અસર સાથે હીટ સ્ટ્રોક,લૂ લાગવાથી મૃત્યુ થયું હતું .

મસ્તાની વિષે જે થોડાં અવશેષો આજે રાજા કેલકર મ્યુઝિયમમાં મુકાયા છે તેમાં એક છે પેઈન્ટીંગ છે જે મસ્તાનીનું હોવાનું મનાય છે પણ મામલો વિવાદગ્રસ્ત છે. વાત રહી મસ્તાનીના દીકરા શમશેર બહાદૂરની, જેને છ વર્ષે માનું સુખ ગુમાવ્યું એને કાશીબાઈએ દત્તક લીધો હતો એવી નોંધ મળે છે. જે દીકરાને બાજીરાવે બાંદાની જાગીર આપી હતી. એ મસ્તાનીનો દીકરો મરાઠા સૈન્ય તરફથી ઈ.સ 1761 પાણીપતના યુધ્દ્ધમાં ખપી ગયો હતો.
જોવાની ખૂબી તો એ છે કે ખોટાં અહમની આડમાં તવારીખો કઈરીતે વિસરાઈ જાય છે. આજે પણ પેશ્વાઈ ઈતિહાસકારોએ લખેલી એક વાત મસ્તાની માટે મળતી નથી. રાજ દરબારના રેકોર્ડ્સમાંથી પણ મસ્તાની ગૂલ છે. જાણે એનું કોઈ વજૂદ જ નહોતું બાજીરાવની જીંદગીમાં … કાશીબાઈ પહેલી પત્ની ખરાં , રાધાબાઈ માતા , બંને સ્ત્રીઓએ પોતાનો અધિકાર જીવનભર જતાવ્યો ને અકબંધ રહ્યોય ખરો , પણ બજીરાવનું નામ ધબકતું રહ્યું મસ્તાનીના નામ સાથે,આજે પણ બાજીરાવ મસ્તાની જીવે છે દંતકથાઓમાં.

publsihed in Chitralekha 28th Dec 15

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s