gujarati, Novel

વેર વિરાસત 23

2015-22-7--13-27-52

દિવસને પાંખ લાગી હોય તેમ ઉડી રહ્યા હતા.
એ ઉડાન તબદીલ થઇ રહી મહિનારૂપે. સમય સાથે અનુપમાની ખાસિયતો સંપૂર્ણપણે વિકસી ચૂકી હતી છતાં રિયા પોતે અનુપમા છે એ વાત સમૂળગી વિસરી જતી . એ સેટ પર અનુપમા હતી, જાનકી રેડ્ડીની નવી શોધ પણ ,ઘરમાં પગ મૂકતાવેંત એ રિયા બની જતી.

‘નાની , આજે એક ચોકલેટ ખાવા દો ..મૂડ ખરાબ છે. શૂટિંગ પરથી આવીને સીધી રૂમભેગી થઇ ગયેલી રિયા માત્ર દસ મિનિટમાં શાવર લઈને ફ્રેશ તો થઇને આવી છતાં ચહેરા પર થાક છતો થઇ રહ્યો હતો.
‘ કહેવાય છે કે ચોકલેટ ખાવાથી મૂડ ગમે એટલો ખરાબ હોય પણ સુધરી જાય ….’
ચટપટા ચાટ ને મિઠાઈની શોખીન રિયા ક્યારેક તો ચોકલેટ કે પાણીપુરી માટે કરગરી ઉઠતી ત્યારે નાનીની આંખો જરા ભીની થઇ જતી. રિયાનો ખાવાનો શોખ તો ગઈકાલની વાત થઇ ગઈ હતી.ચાટ ને ચોકલેટ વિના ચાલતું નહોતું તે છોકરીએ કેવો સંયમ કેળવી લીધો હતો પોતાની જીભના સ્વાદ પર.
ડાયેટીશિયન દ્વારા અપાયેલાં ચાર્ટ પ્રમાણે બે સફેદ ઝેરનો ત્યાગ જરૂરી હતો , એટલે રોજ જ નમક ને સાકર વિનાનો ખોરાક એક તપસ્વિનીની પ્રતીતિ કરાવતો હતો. રિયા શુટિંગ દરમિયાન દિનરાત નહોતી જોતી . મનગમતું કામ ક્યારેય થકાન નથી આપતું એ વાત પણ આખરે તો શરીર એનો ધર્મ બજાવીને રહેતું . રોજ બારથી ચૌદ કલાક કામ કરીને રિયા પછી ફરતી ત્યારે એના ચહેરા પર થકાન સાથે એક અજબ કાંતિ ખીલતી દેખા .દેતી રહેતી. એક સંતોષની આભા ચહેરાને વધુ તેજસ્વી બનાવતી રહેતી દેખાતી.
એની ભંગ થતી તપસ્યામાં પોતે નિમિત્ત બને ?

‘રિયા , સ્વયંશિસ્ત જેવું કંઈ હોય કે નહી , તું ખરેખર એવું ચાહે છે કે તારી મહેનત રંગ ન લાવે ? ‘ નાનીની વાત સાંભળવી ન હોય તેમ રિયા જાતે જઈને ફ્રીજમાં ચોકલેટ શોધી રહી હતી : નાની , તમે તો ફ્રીજમાં એક ટોફી સુધ્ધાં નહીં રાખી હોય , તમને જાણું ને !!

‘ એ તારા જ માટે છોકરી , કે તારું મન ન પીગળી જાય. જા…. ‘ આરતીએ થોડી ગુસ્સે થઇ હોવાનો ડોળ તો કર્યો પણ આખરે હૈયું પીગળી ગયું .
‘ક્રીસ્પર ક્મ્પાર્ટમેન્ટમાં નીચે રાખી છે. ‘ દીકરીની નબળાઈ જાણતી નાનીએ ખજાનાનું લોકેશન જણાવી દેતી હોય તેમ કહ્યું .

‘ઓહો નાની , એક પીસમાં શું આસમાન તૂટી પડવાનું હતું ?’ રિયા ચોકલેટનું રેપર ખોલતી બહાર આવી.

‘શરૂઆત તો એકથી જ થાય ને દીકરા, એક વાર નિયમ તૂટે તો પછી બીજીવાર તૂટતા વાર કેટલી ? ‘ નાનીએ એને પ્રેમથી વારી.
વજન ઉતારવાના પ્રયાસરૂપે ડાયેટીશિયને સાકર અને નમક પર સદંતર બાંધી ફરમાવી દીધી હતી એટલે ઘરમાં મીઠી ચીજ નહોતી બનતી . ન તો ઘરમાં ફરસાણ કે મિઠાઈ આવતાં .

‘ અચ્છા તો નાની એમ સમજો કે મૂડ માટે નહીં પણ સેલિબ્રેશનના નામે ખાવા દો એમ કહીશ તો ખાવા દેશો ? ‘ રિયા ફિક્કું સ્મિત કરતાં બોલી .

આરતી એના સ્મિતને જોતી રહી ગઈ. એ ફિક્કું જરૂર હતું છતાં મોહક લાગતું હતું . આ આખી કવાયતને શરુ થયાને માંડ વર્ષ થયું હતું પણ છેલ્લા થોડા સમયમાં તો નાની ને દીકરીની દુનિયા બદલાઈ ચૂકી હતી. મુંબઈથી આટલે દૂર મદ્રાસમાં રહેવું કેમ ગમશે એ વિચાર સહુથી પહેલા રિયાને જ આવેલો. પણ , હવે મુંબઈમાં પણ ક્યાં ગોઠતું હતું ? વિશેષ કરીને એકમાત્ર જીગરજાન સખી માયાનું જવું દિલ પર થયેલો એક ઘાવ હતો જેને જો કોઈ પૂરી શકતું હોય તો એ હતું કામ. ગળાડૂબ કામમાં વ્યસ્ત રહ્યા પછી કશું વિચારવાનો સમય પણ ક્યાં મળતો હતો?

રિયાથી વિપરીત દશા આરતીની હતી. એક સમયે માધવીના પરિઘમાં ઘૂમતી દુનિયામાં હવે હળવેકથી રિયા ગોઠવાઈ રહી હતી એની પ્રતીતિ આરતીને થતી. છતાં રોજ એકવાર માધવી સાથે ફોન પર વાતચીત ન થાય તો આરતીને અધૂરપ અનુભવાતી રહેતી. અચાનક જ આરતીને સવારે માધવી સાથે થયેલી વાતચીત તાજી થઇ આવી.

‘ માસી , એક રીતે તો હું નચિંત છું, કાલે મને કંઈ થઇ જાય તો મારી બંને દીકરીઓ અનાથ નહીં થઇ જાય. ને રોમા તો હવે એકદમ સેટ થઇ ગઈ છે.. .. રિયા …’ માધવી આગળ શું બોલે તે જાણવા પહેલાં જ આરતીએ વાત આંતરી .
‘મધુ , બોલવા પહેલાં બે ઘડી વિચાર તો કર તું શું બોલે છે ? ને સાંજના સમયે અશુભ ન બોલીએ , કોણ જાણે કઈ કાળઘડી ચાલતી હોય !! ‘
માધવી આવું કેમ બોલી એ વિશે ઝાઝું ધ્યાન આપ્યા વિના આરતીએ રિયા વિશે વાત શરુ કરી દીધી .
‘ માધવી , ખરેખર કહું છું , આ વાત હું કહું છું એટલે માનવી જરૂરી નથી પણ તું એકવાર અહીં આવી ને જો, રિયા જે રીતે મહેનત રેડે છે…. વજન કેટલું ઉતાર્યું છે , કેટલી સુંદર દેખાય છે ને સાચું કહું મધુ , ક્યારેક ક્યારેક તો એ કોઈક ચોક્કસ એન્ગલથી તો તારી પ્રતિકૃતિ જ દેખાય છે. બિલકુલ તું જ ઉભી હોય , જાણે કે વીસ વર્ષ પહેલાની માધવી …’
સામે છેડે માધવી માસીની વાતો સાંભળી રહી હતી. માસી શું કહેવાના , પોતે પણ ફિલ્મ મેગેઝીન મંગાવીને રિયાના છપાયેલા ફોટા ને ઇન્ટરવ્યુ જોયા જ હતા ને ! એમાં સૌથી સારી વાત એક જ લાગી હતી , રીએ જે રીતે વજન ઉતાર્યું હતું એ પછી એનામાં રાજાની ખાસિયતો ને દેખાવ ખાસ છલકતાં નહોતા. માસી સાચા હતા, એ હવે વધુ પોતાના જેવી લાગી રહી હતી.
રિયા તો હવે જાણે રિયા જ નહોતી રહી. સ્થૂળ કહી શકાય એવી કાયાને ઘાટીલી બનાવવા શું નહોતું કર્યું ?
ગહેરી શ્યામ ત્વચા હવે સોનલવર્ણી દેખાતી હતી. વધારાની ચરબી દૂર થવાથી રિયાના ફીચર્સ વધુ શાર્પ દેખાતાં થયા હતા અને આંખો વધુ પાણીદાર, બાકી હતું તેમ એમાં ઉમેરાઈ હતી આત્મવિશ્વાસની ઝલક જે રિયાને અનુપમા બનાવતી હતી.

‘ ના ….ની , તમને કહું છું …….આ લો, મોઢું ખોલો ….’ આરતીના મનમાં ચાલી રહેલા વિચારવર્તુળમાં કોઈએ કાંકરી ફેંકી હોય તેમ એ ઝબકી . સામે રિયા હતી, એના જમણા હાથમાં રહેલો ચોકલેટનો પીસ નાનીના પોતાના હાથે ખવડાવવા માંગતી હોય તેમ હાથ ધરીને ઉભી હતી. કદાચ એ ક્યારની સામે ઉભી હતી ને પોતે વિચારમાં ગૂમ હોવાથી જોઈ જ ન શકી.

‘શું વાત છે ? ‘ આરતીના અવાજમાં કુતુહલતા છલકાઈ.

‘ સેલિબ્રેશન ….બીજું શું ? અરે મોઢું તો ખોલો ‘ રિયાના ચહેરા પર થોડી બેફિકરાઈ હતી.

‘શેનું સેલિબ્રેશન ? શું વાત છે ? કંઇ બોલે તો સમજાય ને ‘

‘ઓહો નાની , ફિલ્મ પૂરી થવાના આરે છે. મારું તો કામ લગભગ પતી ગયું છે. બસ એકાદ મહિનો વધુ , પછી ટેકનિકલ ફિનિશિંગ … આજે એવું સાંભળ્યું કે બે મહિનામાં તો ફિલ્મ સાઉથ સરકીટમાં રીલીઝ થશે ને હિન્દીમાં એ પછી …’ રિયા બોલી તો હોંશભેર પણ પછી એનો અવાજ જરા પડી ગયો હોય તેવું આરતી એ અનુભવ્યું .

‘અરે આ તો ખરેખર શુભ સમાચાર છે , તો પહેલા કહેવું જોઈએ ને , તો તો આ ખુશાલીમાં આજે તારી ફેવરીટ ફિરની બનાવતે, એટલો તો તારો લાગો બને જ છે …..’ રિયાને ખુશ કરવાના આશયથી બોલાયેલા આરતીના શબ્દો રિયાને સ્પર્શ્યા હોય એવું ન લાગ્યું .

‘કેમ રિયા ? કોઈ સમસ્યા છે ? વાત શું છે ? કંઇક ….?’ મન ન કળી શકાતાં આરતીએ રિયાને સીધું જ પૂછી લીધું .

‘ના ના નાની , સમસ્યા તો શું ? પણ … બેક ટુ પેવેલિયન ….હવે તો જવું પડશે મુંબઈ ….’ રિયાએ વેધક નજરે નાની સામે જોયું : પાછા હતા ત્યાંના ત્યાં ને !!

‘અરે ? તો શું થયું ? માધવીએ તો તને મોડી પણ વધાઈ તો આપી હતી ને ? ને હવે તને મમ્મી સામે વાંધો શું છે ? કેટલા પ્રેમથી વારે વારે ફોન કરીને તારા ખબરઅંતર પૂછતી રહે છે ! હવે જો તું આવો પૂર્વગ્રહ રાખે તો બિલકુલ અયોગ્ય છે રિયા …..આરતીએ રિયાને વારી . આ માદીકરી વચ્ચે સમજૂતીના તાર જોડાયેલાં રાખવાનું કામ લોઢાનાં ચણા ચાવવા જેવું હતું .

બેમાંથી કોને કહેવું ? રિયા તો નાદાન પણ માધવી, જે હવે હળવેકથી પીગળી રહેલી હિમશિલાની જેમ ઓગળી રહી હતી !!

‘ઓહ ના ના , એ વાત નથી નાની …. મમની નારાજગી હવે પહેલા જેવી નથી રહી એ તો મને પણ સમજાય છે પણ આ ફિલ્મ પછી આગળ શું ? એ વિચાર મને ડરાવી દે છે …’

‘ ગાંડી છે ? આવું નેગેટીવ વિચારે છે ?? અરે ! આ ફિલ્મ તને આસમાને નહીં બેસાડી દે ? રોજ તો એવું જ બધું છપાય છે ને !! ‘ નાનીએ સેન્ટરટેબલ પર પડેલું એક અંગ્રેજી અખબાર હાથમાં લઇ સવારે વાંચેલી લેખ શોધવા માંડ્યો જેમાં રિયા માટે પણ ઘણું લખાયું હતું .
‘ના, નાની . વાત એ નથી. પણ મને તો એમ હતું કે આ ફિલ્મ દરમિયાન જાનકી રેડ્ડી જ મને એમના પ્રોડક્શન હાઉસ માટે કરારબદ્ધ કરી લેશે, જે અહીંની પ્રથા છે ,પણ એવું તો ન થયું ! ને સામે તો કોઈએ હજુ મને કોઈ ઓફર નથી … ક્યાંક …’ રિયાના ચહેરા પર હળવી ચિંતાની રેખા ઉભરી આવી.
નાની પાસેથી કોઈક જવાબ મળવાની આશામાં રિયા આરતીનો ચહેરો તાકતી રહી પણ મળ્યો નહીં .

‘રિયા , શું ખબર મુંબઈમાં તારા માટે આથી મોટી તક રાહ જોતી ઉભી હોય ? ‘ થોડીવાર વિચાર્યા પછી નાનીના સહજરીતે કહેવાયેલાં શબ્દો રિયાના ચહેરા પર જાદુઈ પિચ્છની જેમ ફરી વળ્યા હોય તેમ થોડો ખીલ્યો , એને સામે પડેલી ચોકલેટના સ્લેબમાંથી ફરી એક ટુકડો તોડીને મોઢામાં મૂકી દીધો: જુઓ વઢતાં નહીં, તમે આ જે બોલ્યા એ ખુશીમાં મોઢું મીઠું કર્યું ..
રિયાના ચહેરા પર નવયૌવનાના મોહક સ્મિતની બદલે નાની બાળકી કોઈ શરારત કરતી હોય તેવી માસૂમ અંચઈ તરવરી રહી હતી.

‘નાની હવે તમે બોલ્યા છો ને તો એ થઈને જ રહેશે , તમને ખબર છે રેહાના શું કહે છે તમારા માટે ?’

‘ રેહાના ? કોણ પેલી તારી મેકઅપવાળી ? ‘ રિયાની રેહાનાવાળી ટકોરથી આરતી થોડી ગંભીર થઇ ગઈ.

‘નાની , તમને પહેલાં પણ કહ્યું કે મેકઅપવાળી એવું નહીં બોલવાનું , એને મેકઅપ આર્ટીસ્ટ કહેવાય …’ રિયા હસવા લાગી . ચોકલેટથી કે પછી નાનીની વાતથી મૂડમાં આવી રહી હતી.
‘એ જવા દે , તું એ કહે કે શું કહેતી હતી એ રેહાના ?’

‘ઓહો, નાની … તમે તો નહીં જેવી વાતને પકડી રાખો , એ તો તમારા વખાણ કરતી હતી , કહેતી હતી કે નાનીમા છે કમાલના તિલસ્મી , એમની વાણીમાં કોઈ જાદુ છે. જે બોલે સત્ય વચન થઇ જાય…’ રિયા સ્વાભાવિકતાથી બોલી રહી હતી , એનું ધ્યાન આંગળી પર ચોંટી ગયેલી પીગળેલી ચોકલેટમાં હતું .

‘આ રેહાના તો ભારે પેચીદી લાગે છે, એ મારા વિશે શું જાણે ? ‘નાનીના અવાજમાં હળવી રીસ હતી, જાણે મનમાં જાગેલી કુતુહલતાને દબાવી રાખવા જ છતી કરી હતી.

‘અરે શું નાની તમે પણ !! તમે એને કોઈક વાર કંઇક કહ્યું હશે ને એ સાચું પડી ગયું બસ , એવું માનવા લાગી ‘
રિયાનું ધ્યાન હજી પીગળી ગયેલી ચોકલેટમાં હતું , એને નાનીના ચહેરા સામે જોયા વિના જ વાત ચાલુ રાખી .
‘ તમે રેહાનાને એવું કહ્યું હતું કે એનો બોયફ્રેન્ડ તારીક એને નહીં પરણે ?’ રિયાએ નાનીની સામે જોયા વિના જ પૂછ્યું : ને તમે એવું પણ કંઇક કહેલું કે એની અમ્મીને બ્રેસ્ટ કેન્સર ભલે ડીટેક્ટ થયું હોય પણ સર્જરી નહીં કરાવવી પડે … સાચે એવું કહ્યું હતું ? ‘ રિયાએ ચોકલેટ છોડી નાની સામે તાકી રહી.
આરતીને શું બોલવું ન સમજાયું એને રિયા સામે જોયું , એ હવે ચોકલેટ મોઢામાં મૂકીને પર મૂકીને નાનીના જવાબની રાહ જોઈ રહી હોય તેમ લાગ્યું .

‘ ગાંડી છે આ તારી રેહાના , અરે ભાઈ , એના એ મુફલીસ પ્રેમીને જોઇને હું તો શું કોઈ પણ કહી શકે કે આ મિયા મજનું છે, એક નંબરનો લોફર , ને વાત રહી એની અમ્મીના કેન્સરની, તો એ કોઈ એવી વાત નહોતી કે ન કહી શકાય , બ્રેસ્ટ કેન્સર તો હવે અસાધ્ય રહ્યું નથી ને એ જ બોલી હતી કે હજી શરૂઆતના સ્ટેજમાં છે. …’ આરતી કોઈ સફાઈ આપી રહી હોય તેમ એક જ શ્વાસે બોલી ગઈ.

‘હા તે જ ને ! મેં પણ રેહાનાને એ જ કહ્યું કે એ નાનીએ એમ જ કહ્યું ને સાચું પડી ગયું , બાકી જો એવી જ વાત હોત તો નાનીએ મમ્મી ને મારી વચ્ચેની દૂરી ચપટી મારતાં અલોપ ન કરી દીધી હોત, આટલા વર્ષ લાગતે ?? ….. ‘ રિયાએ કહ્યું હતું સાહજીકતાથી પણ આરતીનો ચહેરો જરા ઝંખવાયો .
એક ઊંડો શ્વાસ લઈને ચૂપકીદી બરકરાર જ રાખી .
‘સોરી નાની , મારા કહેવાનો ભાવાર્થ તમને દુભાવવાનો લગીરે નહોતો .’ રિયાને લાગ્યું કે પોતે વિના કોઈ કારણે નાનીનું દિલ દુખવી બેઠી , માદીકરી વચ્ચે અંતર ઓછું કરવામાં મળેલી મોડી સફળતાને બિરદાવવાને બદલે પોતે આવું બોલીને વિના કારણે નાનીને સંતાપ કરાવી નાખ્યો પણ રિયા ક્યાં વાંચી શકતી હતી નાનીના મનની વાત.

નિયતિ સામે કોઈનું કંઈ ચાલ્યું છે ? જો એવો વચનસિદ્ધિ યોગ હંમેશ બનતો હોત તો પોતાના નસીબમાં પણ નાની બેન આરુષિની જેમ સુખી સંસાર હોત ને !! વચનસિદ્ધિથી આશ્રમમાં જીવન વિતાવવાનો યોગ મિથ્યા ન કરતે ?

*************************

‘ જાનકી , મને લાગે છે કે ફિલ્મનું નામ આપણે બદલી નાખવું જોઈએ ‘ સવારની કોફી પૂરી નહોતી થઈને અચાનક ટપકી પડેલાં પાર્થસારથીના ફોનથી જાનકી રેડ્ડી વ્યાકુળ થઇ ગયા.
‘હવે અત્યારે ? પણ ….’ જાનકી રેડ્ડીની કોઈ વાત ન સંભળાવી હોય તેમ પાર્થસારથીએ વાત આંતરી : જો માનું છું કે આ વાત મારે થોડી વહેલી કહી દેવી જોઈતી હતી પણ હું દિલ્હીમાં હતો… અને ત્યાં ભારે વ્યસ્ત થઇ ગયો એટલે , બાકી હોય તેમ મને સપને ખ્યાલ જ નહીં કે તું ફિલ્મ શિડ્યુલ પ્રમાણે પૂરી કરી શકીશ .

જાનકી રેડ્ડી પાસે મૂંગા થઇ સાંભળી લીધા વિના કોઈ વિકલ્પ પણ નહોતો .

‘પોસ્ટર્સ , હોર્ડિંગ્ઝનું કામ પતી ગયું ?’

‘ ના , કામ ચાલુ છે. એને તો પહોંચી શકાય પણ ફિલ્મમાં પણ એડિટીંગ જરૂરી બનશે ને ! ‘ પહેલીવાર જાનકી રેડ્ડીને ગુરુજીની વાત જીવ પર આવી : હોલીવુડથી આવેલા ટેક્નિશિયનો તો પાછા પણ ગયા , એ તો સારું છે કે વાત ભારે મોટી નથી ને ઇન હાઉસ પતી જાય એવી હતી પણ …
‘જાનકી , એ જે પણ કરવાનું હોય કરી લો, પણ ફિલ્મનું નામ રહેશે લવસ્ટોરી 2080 , બસ ફાઈનલ’
‘પણ ગુરુ જી , એ હિન્દી વર્ઝન પુરતું રજીસ્ટર કરાવેલું રાખ્યું છે પણ હજી મન નથી માનતું , આ તો એકદમ બી ગ્રેડની હિન્દી ફિલ્મ જેવું નામ છે….’ જાનકી રેડ્ડી આગળ બોલે એ પહેલા જ પાર્થસારથીએ એને અટકાવ્યા .
‘ એ જ જાનકી , એ જ , હું તને એ જ કહેવા માંગું છું , નામ પાછળ તારું જે લોજીક હોય તે પણ ખરું કારણ છે એનો ટોટલ નંબર , અંકશાસ્ત્ર પ્રમાણે એ વધુ ફળશે ….’
વધુ વાતચીતનો તો અવકાશ નહોતો . ગુરુજી ઉતાવળમાં હશે એવું જાનકી રેડ્ડી કલ્પી શકતા હતા. હવે એ જ કરવાનું હતું જે એમને કહ્યું હતું . જે ખાસ મુશ્કેલ તો નહોતું પણ છેલ્લી ઘડીએ આવી પડેલાં નિરર્થક ટેન્શન જેવું લાગી રહ્યું હતું .
રીલીઝને આડે હવે ગણતરીના દિવસો હતા અને તૈયારી પૂર જોશમાં હતી. જાનકી રેડ્ડી માટે આ ફિલ્મ એમની લાંબી કારકિર્દીના શિરમોર જેવી હતી. એ ક્યાં એમને ટોચ પર બેસાડી દેવાની હતી ક્યાં મારવાની હતી કે બધું વેચીસાટીને પોતાના ગામ પુડુકોટાઇમાં જઈને શેષ જિંદગી વ્યતીત કરવી પડે એવી પરિસ્થિતિ ઉભી કરી શકે એમ હતી. દક્ષિણ ભારતીય ફિલ્મોની તવારીખમાં ઉમેરાઈ રહેલું એક સોનેરી પાનું પણ બની રહેવાની હતી ને . એક એવી ફિલ્મ જે પાંચ ભાષામાં સફળતાના શિખર સર કરવાનો પ્રયત્ન કરી રહી હોય. એને માટે થયેલા ગંજાવર ખર્ચમાં કોઈ કચાશ ન વર્તાય એ તમામ તૈયારી રેડ્ડીએ રાખી હતી.

મોટાં શહેરોના રસ્તાઓ પર હોર્ડિંગ ઝૂલી રહ્યા હતા. સૌથી નવાઈની વાત હતી ફિલ્મના પોસ્ટર્સ હોય કે હોર્ડિંગ્ઝ હીરોને મહત્વ ન અપાતાં ફોકસ હતું સ્પેશિયલ ઈફેક્ટને અને નવી પદાર્પણ કરી રહેલી અભિનેત્રી અનુપમા પર .
‘ સર , બધે ફરી આવ્યો પણ પેલીએ શું જાદુ કર્યો છે ખબર નહીં પણ પોસ્ટર્સ પર એને જ હાઈલાઈટ કરી છે રેડ્ડીએ !! ‘ વેણુકુમારના માણસો જ્યાં જતા એક સરખો જ રીપોર્ટ આવી રહ્યો હતો.

વેણુકુમારનું જડબું સખ્ત ભંસાઈ રહ્યું . પેલા આયુષ્માનને જેમ તેમ ચીત કરી ફિલ્મ હાંસલ કરી , ભાનુશ્રીનો કાંટો તો કુદરતી કૃપાથી નીકળી ગયો ત્યાં આ નવું વિઘ્ન ક્યાં આવી પડ્યું?

પંડિત તાલીરામ સાચું જ કહેતો હતો , વિઘ્નનાશ માટે એક ગણ હોમ કરાવી લો , ભલે પાંચ દસ લાખ થઇ જાય પણ ફાયદો જરૂર થશે પણ પોતે ન માન્યો . વેણુકુમારના ચહેરા પરની રેખા વધુ તંગ થઇ. છેલ્લાં એક દાયકાથી સિક્કા પાડી આપતો હતો ત્યારે આ જ રેડ્ડી પોતાની આગળ પાછળ ભાગતો હતો અને હવે ?

પણ, આ સમય શું થઇ રહ્યું છે તે વિચારવાનો નહોતો , શું થઇ શકે તે વિચારવાનો હતો.
સાંજ પડી ગઈ હતી અને વેણુકુમારના ડ્રિંક સેશનનો સમય થઇ ચૂક્યો હતો છતાં એને ચેન નહોતું . ખરેખર તો વેણુકુમાર ક્યારેય કોઈ વ્યસનને તાબે નહોતો થયો પણ છેલ્લે છેલ્લે કારકિર્દીનો ગ્રાફ તળિયે જવા લાગ્યો ત્યારે નામાંકિત નિર્માતાઓને ઘરે બોલાવીને પાર્ટીઓ કરવામાં ક્યારેપોતે નશાનો આદી થઇ ગયેલો ખબર જ ન પડી.
સાંજ ઘેરાવા લાગી હતી છતાં વેણુ પોતાના બેડરૂમના વરંડામાંથી તસુભર ન હાલ્યો ત્યારે પત્નીને ચિંતા થઇ આવી.

‘ કોઈ ચિંતા છે ? સમય તો ખુશીનો છે , હમણાં જ અંબિકાનો ફોન હતો. હજી તો ફિલ્મ રીલીઝ નથી થઇ પણ બુકિંગ રીપોર્ટ પોઝીટીવ છે. ‘ અંબિકા નામાંકિત ફિલ્મ મેગેઝિનની એડિટર હતી પણ સાથેસાથે શાલિનીની દોસ્ત પણ ખરી.
વેણુની પત્ની શાલિની એક જમાનાની ખ્યાતનામ હિરોઈન હતી. બંનેની કેમેસ્ટ્રી સ્ક્રીન પર કમાલનો રંગ લાવતી. ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી ત્યાં સુધી સીમિત ન રહી ને બંને પડ્યા પ્રેમમાં , પરણી ગયા પછી શાલિનીએ પહેલું કામ ક્ષેત્રસંન્યાસ લેવાનું કર્યું હતું . સિલ્વર સ્ક્રીન પર વર્ષો સુધી દબદબો ભોગવ્યા પછી હવે એને ઘરગૃહસ્થીની સામ્રાજ્ઞી બનીને રહેવું હતું .

‘શાલુ , એક સમસ્યા થઇ ગઈ છે…..’ મનમાં ઘૂમરાઇ રહેલી વ્યથા મિત્ર જેવી પત્ની પાસે ઠાલવી દેવાથી વેણુને થોડી હળવાશ લાગી હોય તેમ શાંતિ અનુભવી રહ્યો . શાલિની માત્ર સારી અભિનેત્રી જ નહોતી , ખરાં અર્થમાં સહધર્મચારિણી હતી, કુશળ વહીવટકર્તા પણ ખરી. વેણુકુમાર તો માત્ર કમાઈ જાણતો પણ તેની કમાણીના ઇન્વેસ્ટમેન્ટ્સનો હવાલો પણ હોમ મિનિસ્ટર બનેલી શાલિની પાસે રહેતો .

‘ સમસ્યા ?’ શાલિનીને નવાઈ તો લાગી , અનુમાન તો એવું હતું કે આ મેગા ફિલ્મથી વેણુકુમારની હાલકડોલક થઇ રહેલી કારકિર્દીનો ગ્રાફ સ્થિર થશે તેને બદલે આ વળી નવો ફણગો શું ફૂટ્યો?
‘અરે , આ જાનકીનું નવું તૂત , ‘ વેણુ એટલું બોલી ખામોશ થઇ ગયો.

‘કોણ પેલી નવી છોકરી અનુપમા ? લો કરો વાત ! તમે એનાથી ડરી ગયા ? ; શાલિનીના હોઠ પર વ્યંગભર્યું સ્મિત રેલાયું : અરે , એની હેસિયત છે તમારો મુકાબલો કરવાની ?
વેણુ જોતો રહી ગયો પોતાની આર્યનારી પત્નીને , બિચારી ક્ષેત્રસંન્યાસ લઈને શું બેસી ગઈ કે સિટીમાં લાગેલાં પોસ્ટર્સ પણ જોવા નથી ગઈ.
‘શાલુ , સિટીમાં લાગેલાં હોર્ડિંગ્ઝ વિષે અંબિકાએ તને કંઈ નથી કહ્યું ?’
‘ હ્મ્મ , કહ્યું . પણ તેથી શું ? ‘ શાલિની સ્વસ્થતાથી બોલી : હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી આ ફિલ્મ કોઈની મોહતાજ નથી. એની સફળતાનો આધાર ન તો હીરો પર છે ન હિરોઈન પર, એના મુખ્ય હીરો ને હિરોઈન છે સ્ટોરીલાઈન અને સ્પેશિયલ ઈફેક્ટ્સ , એમાં ન તો તમે કશું કરી શકો એમ છો ન પેલી અનુપમા . ને જો જો આ સફળતાનો ફાયદો સહુને થશે. માત્ર જાનકી રેડ્ડીને નહીં, સહુને …
વેણુ જબરદસ્ત કોઠાસૂઝ ધરાવતી જાજરમાન પત્નીને જોતો રહી ગયો. એને માર્કેટમાંથી તમામ રીપોર્ટસ મળતાં હશે પણ પતિનો આત્મવિશ્વાસ ન તૂટી જાય એટલે એ બહાદૂર મંત્રીની જેમ અડીખમ પડખે ઉભી હતી.
સાંજનું અંધારું વધુ ગહેરાતું ચાલ્યું હતું, કદાચ પોતાના પતિના મનમાં ઘૂમી રહેલા ડરની જેમ. શાલિની થોડીવાર તો ચૂપ રહીને તાલ જોતી રહી. પછી લાગ્યું કે હવે તો મૌન તોડવું જ પડશે.
‘જુઓ , હવે નાહકની ચિંતા કરવાનું બંધ કરો. મને ખબર છે ત્યાં સુધી અનુપમા ફરી મુંબઈ ભેગી થઇ જાય તો આ સમસ્યા ટળી શકે તેમ છે. એમાં કરવાનું કશું નથી……’
પતિ પર પોતાના કહેવાની અસર શું થાય છે એ જોઇને શાલિની બોલી.
‘તમને ખબર છે ને કે મારો કઝીન કુમારન હવે મુંબઈમાં છે ? ‘
વેણુકુમાર જરા વિચારમાં પડ્યો: કુમારન આખી વાતમાં ક્યાં આવ્યો ?
‘એમ અથરાં ન થાવ. ‘ શાલિની પતિની વ્યગ્રતા સમજી રહી હોય તેમ પાસે આવીને હાથ પર પોતાની હથેળી પસવારી બોલી : એ પ્રોડ્યુસર બની ગયો છે , જો કે એ વાત અલગ છે કે હજી ટોચમાં ગણના પામે તેવો મહારથી નથી બન્યો પણ હું એને કહું છું કે એની નવી ફિલ્મ માટે અનુપમાને સાઇન કરે. એ મને ના નહિ પાડી શકે , એને જરૂર હતી ત્યારે મેં એને બધી રીતે આધાર આપ્યો હતો.

શાલિનીની વાત સાંભળ્યા પછી પણ વેણુકુમારની વ્યગ્રતા ઓછી થતી ન જણાઈ એટલે શાલિનીએ ચોખવટ કરવી પડી : અરે , એમ કરવાથી અનુપમા નામનું વિઘ્ન અહીંથી તો ટળે કે નહીં ?
‘એટલે એને હિન્દી ફિલ્મમાં પ્રવેશવાનો રસ્તો તું બનાવી આપે એમ ? ‘ વેણુને પત્નીની વાત ગળે ઉતરી નહોતી .

‘ એ હિન્દી ફિલ્મમાં જતી હોય તો ખોટું શું ? તમે તો નથી જવાના ને ત્યાં ? બાકી તમે ઈચ્છો છો કે એ અહીં રહે ને હિન્દી ફિલ્મોની જેમ હિરોઈનકેન્દ્રી ફિલ્મોનો યુગ આપણે ત્યાં શરુ થાય ને તમે હો કે મોહનલાલ કે આયુષ્યમાન … બધા જ આઉટ થઇ જાવ ?
‘હમમ એ વાત તો સાચી , ‘ ઘણા સમય પછી વેણુના ચહેરા પર એક સ્મિત ફરક્યું , ભગવાને પણ શું પત્ની આપી છે, બ્યુટી વિથ બ્રેઈન. પણ એ ભાવ એને કળાવા ન દીધા .
‘શાલુ , તારો ભાઈ તો બગાસું ખાતા પતાસું આવી ગયું હોય તેવો ભાગ્શાળી પાક્યો .’
*******************

અઠવાડિયા પછી લવસ્ટોરી 2080ના પ્રીમિયરમાં સહુ કોઈ જમીનથી ચાર વેંત અધ્ધર ચાલી રહ્યા હતા. જાનકી રેડ્ડી તો સાત પેઢી તરી જાય એવી ટંકશાળ પડી જાય તેવા આવી રહેલી વિતરકોની ઓફરથી આસમાનમાં વિહરમાન હતા.
‘ ગુરુજી , ઈચ્છા તો છે ભાનુની જેમ અનુપમાને પણ પાંચ વર્ષ સુધી કરારબદ્ધ કરી લઉં , જે આર સાથે …’ જાનકી રેડ્ડીએ પાર્થસારથીની અનુમતિ માંગતા પૂછ્યું .
‘ એટલે ?? એ વિશે હજી કાગળપત્તર કરવા બાકી છે ? ‘ પાર્થસારથીને નવાઈ લાગી .
‘હા, એકદમ નવી છોકરી હતી , એટલે મને થયું તેલ જોઈએ ને તેલની ધાર…. એટલે ‘ રેડ્ડીએ આગળ વધુ દલીલ ન કરી.
જાનકી રેડ્ડી તો હજી પોતાના આસમાનમાં વિહરી રહ્યા હતા. એમને ક્યાં ખબર હતી કે એમની અનુપમાને માટે દક્ષિણ ભારતીય ફિલ્મ એક પગથીયું હતી, એની ઉડાન તો મુંબઈ તરફ પ્રયાણ કરવા સજ્જ હતી.
‘નાની , એટ લાસ્ટ , માય ડ્રીમ કમ્સ ટ્રુ … રિયા ખુશખુશાલ હતી. છેલ્લા બે દિવસમાં તો દુનિયા ફરી ગઈ હતી ને !
નાની તો નાની ફિલ્મ તો હિન્દી હતી, કોઈ ડબ્ડ વર્ઝન નહીં, આખરે નિર્માતા નિર્દેશક કુમારન સાથે કામ કરવા મળે એ જ તો મહોર હતી પોતાની ટેલેન્ટની .

ક્રમશ:

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s