Novel

વેર વિરાસત 24

2015-22-7--13-27-52

ચેન્નાઈની ફિશરમેન્સ કોવમાં વિદેશી કારનો જમાવડો થઇ રહ્યો હતો.
મોંઘાદાટ સુટ્સ ને ટકસીડોમાં સજ્જ પ્રોડ્યુસર્સ ને ફિલ્મી સિતારાઓ , ભારેખમ કાંજીવરમ ને જડાઉ આભૂષણો અને હેવી મેકઅપથી લદાયેલી સુંદરીઓથી હોટેલની લોન ઝગમગી ઉઠી હતી.
સમુદ્રને આલિંગન કરીને આવતાં પવનની હળવી ખારી લહેરખી , એની સાથે મસ્તીથી લહેરાઈ રહેલાં પામ ટ્રીઝ હવા સાથે ગેલગપાટે ચડ્યા હોય તેમ ઝૂમી રહ્યા હતા.
દરિયા પરથી વહીને આવી જતી ખારાશ સામે હંમેશ હોય તેવો કોઈ રોષ આજે એમને નહોતો , અવસર જ એવો હતો ને !! ગાર્ડનના ઘેઘૂર વૃક્ષો પર ચમકી રહી હતી ઝીણી ઝીણી તારા જેવી લાઈટ્સ . વારે વારે જુદી જુદી પેટર્નમાં ઝબુક ઝબુક કરીને પોતાનું મહત્વ જતાવ્યા કરતી હતી. શાસ્ત્રીય કર્ણાટકી સાથે હિન્દી અને અંગ્રેજી ફ્યુઝન મ્યુઝીક વાતાવરણમાં હળવું હળવું ગુંજી રહ્યું હતું . આખરે આ કોઈ લેન્ગવેજ ફિલ્મ નહોતી ને !! ખાણીપીણીની તો જયાફત ઉડી રહી હતી , ચુસ્ત વેજીટેરીયન અને આલ્કોહોલની સામે નજર સુધ્ધાં ન કરનાર જાનકી રેડ્ડીએ વિદેશી સ્કોચની નદીઓ વહાવવી હોય તેમ બાર ભવ્ય રીતે સજાવવાની સૂચના આપી દેવામાં આવી હતી. ક્યારેય નહીં ને નોનવેજીટેરીયન ફૂડ પણ પીરસવાનો ઓર્ડર હોટલના મેનેજમેન્ટને મળ્યો હતો અને બાકી કોઈ કમી રહી જતી હોય તેમ મુંબઈથી બ્લુ નાઇલ કલબમાંથી ખાસ બોલાવેલી બેલે ડાન્સર્સ તો સહુને ચકચૂર કરવા જ આવી હોય તેમ બારીક જ્યોર્જેટના પારદર્શક કશ્ચ્યુમમાંથી પોતાની સુડોળ સાથળ ને ઉરોજ દેખાડવાનો એક પણ પ્રયાસ જતો નહોતી કરીને ફાંદાળા ફાઈનાન્સર્સથી લઇ સહુ કોઈના મગજમાં જામગરી ચાંપી રહી હતી.

વાતાવરણમાં સ્પાર્ક હતો. દક્ષિણ ભારતીય ફિલ્મોની તવારીખમાં એક નવું પાનું ઉમેરાઈ રહ્યું હતું . આ પ્રકારની આવી કોઈ પાર્ટી તો ક્યારેય નહોતી થઇ પણ આવી ફિલ્મ પણ પહેલીવાર જ તો સર્જાઈ હતી ને !! પાંચ ભાષામાં ડબ કરીને જાનકી રેડ્ડીએ એક સાથે કેટલાંય પક્ષી માર્યાં હતા. જે રીતે ફિલ્મનું નિર્માણ અને માર્કેટિંગ થયું હતું તે રીતે તો જેઆરના સિતારા ફરી જવાના હતા. રેડ્ડીની સાત પેઢી તરી જાય એટલી હદે. પાર્ટી શરુ થાય એ પહેલા મોટાભાગના મહેમાનો ફિલ્મ જોઈ ચૂક્યા હતા, આ વિશેષ સ્ક્રીનીંગ ગોઠવવાનો હેતુ જ એ હતો કે રીલીઝ પૂર્વે પાણી માપી લેવું .એ પછી શરુ થઇ હતી ઝાકમઝોળ પાર્ટીની .
કોઈ કચાશ ન વર્તવી હોય તેમ જાનકી રેડ્ડીએ માત્ર દક્ષિણીઓ પૂરતી વાત સીમિત ન રાખતાં મુંબઈના નામાંકિત લેખાતાં પ્રોડ્યુસર્સ , ડિરેક્ટર્સ , ફિલ્મ સ્ટાર્સને આમંત્રિત કર્યા હતા. સહુનું આકર્ષણનું કેન્દ્ર હતી અનુપમા . નવા નિશાળિયા જેવી છોકરીએ દિગ્ગજ કહેવાય એવા હીરો વેણુની છૂટ્ટી કરી નાખી હતી એ એક જ વાત સહુના હોઠ પર રમી રહી હતી.

‘જો કે એક વાત કહેવી પડે ….. લગભગ એંશીની પાસે પહોંચેલા ફિલ્મી દુનિયામાં દિગ્ગજ તરીકે સન્માન પામતાં અંબરીશકુમારે પોતાના વ્હીસ્કીના ગ્લાસમાં આઈસક્યુબ ઓગળે એટલે હળવેથી ગોળ ગોળ ઘૂમાવ્યો . આંખો મનભરીને વાતાવરણ પી રહી હોય તેમ જાનકી રેડ્ડીના ખભે ડાબો હાથ રાખીને કહી રહ્યા હતા : જો તમે આમ જ ફિલ્મ બનાવશો તો હિન્દી ફિલ્મોની તો દશા બેસી જવાની ….
જાનકી રેડ્ડીએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી તે ગુરુતુલ્ય વ્યક્તિ આ વખાણ કરે એ વાત જ એમને પોરસાવી ગઈ.

‘ સર , આપની આ વાતને હું કોમ્પ્લીમેન્ટ જ નહીં , આશીર્વાદ પણ માનું છું ….’ જાનકી રેડ્ડીએ હસીને પોતાના હાથમાં રહેલા ગ્લાસમાંથી એક ચૂસકી ભરી.

‘ અરે , અબ તો યે જીન વોડકા છોડો , યે તો સબ શરબત હોતા હૈ , બઢિયા ફિલ્મ બનાઈ હૈ , અબ તો સ્કોચ કી બાત બનતી હૈ ….’ અંબરીશકુમાર હતા પંજાબી જાટ , પહેલા હીરો ને પછી પ્રોડ્યુસર બન્યા હતા , ભયંકર મિજાજી ને પરફેક્શનના આગ્રહી , એમને માટે ઇન્ડસ્ટ્રીમાં એક જ વિશેષણ વપરાતું, મિડાસ . એ જેને સ્પર્શે એ સોનું બની જાય , એ પછી હીરો હિરોઈન હોય કે સંગીતકાર , લેખક હોય કે સેટ ડીઝાઈનર.

એમને આમ છુટ્ટે મોઢે પ્રશંસા કરતા સાંભળીને જાનકી રેડ્ડીનો ચહેરો મલક મલક થઇ રહ્યો હતો જાણે પગ તળેની જમીન મહેસૂસ નહોતા કરી શકતા એમ બે વ્હેંત ઊંચા થઇ ચૂક્યા હતા.

‘સર, એક બાત તો હૈ , જિંદગી લગાવી દીધી છે આ ફિલ્મ પર, કાલે હવે એક પણ ફિલ્મ ન બનાવું ને તો પણ …..’ જાનકી રેડ્ડીએ પોતાના હાથમાં રહેલા ગ્લાસમાં રહેલા નારિયેળ પાણીની ચૂસકી લીધી. વર્ષ પહેલાં જ હેપાટાઈટીસ સી પોઝીટીવ છે એ રીપોર્ટે જ તેમને આવું યાદગાર સર્જન કરવા પ્રેર્યા હતા. માનો કે હવે દુનિયા છોડી જવી પડે તો પેઢીઓ યાદ કરે , શું ફિલ્મ બનાવી હતી ….

‘અરે પણ હિરોઈન ક્યાં છે ? સાંભળ્યું કે બહુ મોટો જુગાર ખેલી નાખ્યો એક સાવ નવોદિત પર ?’ અંબરીશકુમારની આંખો અનુપમાને શોધી રહી હતી.

‘ એ અહીં જ હશે , હમણાં તો હતી ….’ જાનકી રેડ્ડીએ એક માણસને બોલાવી, અનુપમા જ્યાં હોય ત્યાંથી આવવા સંદેશ મોકલ્યો .

પેલો નજર બહાર ગયો પણ નહોતો કે અચાનક જ જાનકી રેડ્ડીની નજર થોડે દૂર ઉભેલી અનુપમા પર પડી.
‘ અરે , આ તો રહી, આપણે શોધી રહ્યા છીએ ને એ તો આ ઉભી …..’ જાનકી રેડ્ડીએ હસીને અંબરીશકુમાર સામે જોયું. એમની નજર પણ એ જ દિશામાં સ્થિર હતી.

‘આ …..’ અંબરીશકુમારની દ્રષ્ટિ કોઈક ચુંબક અનુભવી રહી હોય તેમ ચોંટી હતી.

‘હા એ જ …. ‘ જાનકી રેડ્ડીએ સમર્થન આપ્યું . મનમાં થયું પણ ખરું : એમ જ થોડી આટલી મોટી બાજી લગાવી દીધી હશે ?

જાનકી રેડ્ડી ને અંબરીશકુમારથી માત્ર દસેક ફૂટ દૂર અનુપમા ઉભી હતી , કોઈ અજનબીની જેમ, એની આંખોમાં રહેલી હળવા ગભરાટ અને મૂંઝવણ અનુભવી આંખોથી છાનાં રહી શકે એમ તેમ નહોતા . વલ્લરીના કેરેક્ટરને નખશિખ ન્યાય આપવો હોય તેમ વ્હાઈટ શિફોન જ્યોર્જેટના ફ્લોઈંગ ડ્રેસ પર ડ્રોપ પર્લની લાંબી લાંબી સેર અને ખુલ્લાં લહેરતાં વાળની બ્યુટીને વધુ ઉજાગર કરતો એ જ મોતીની સેર સાથે મેળ ખાતો પર્લ અને ક્રિસ્ટલમઢ્યો નાનો ટીયારા .. અનુપમાની માંસલ ત્વચા જાણે સુવર્ણભસ્મથી ચમકતી હોય તેમ હળવી તાંબાવર્ણી હતી , અધખુલ્લા ગાઉનમાંથી છતાં થઇ રહેલાં કમનીય વળાંકો સ્પષ્ટરીતે છતાં થતાં હોવા છતાં એમાં બિભત્સતાનો અંશ નહોતો . એક અલૌકિક શ્યામલ બ્યુટી ઉજાગર થઇ રહી હોય તેમ પરગ્રહવાસી વલ્લરી એવી અનુપમા સહુનું ધ્યાન ખેંચતી હતી.

‘હમણાં જ પરિચય કરાવું આપનો …’ કહેતાંની સાથે જ જાનકી રેડ્ડીએ એ દિશામાં જવા પીઠ ફેરવી કે અંબરીશકુમારે એનો હાથ કોણીએથી ઝાલી લીધો .

‘વેઇટ , વેઇટ ….. જાનકી ,હું આ હિરોઈનની વાત નથી કરતો …. હું પૂછતો હતો કે આ એની બાજુમાં ઉભી છે તે લેડી કોણ છે? ‘

‘કોણ ? કોણ ? ‘ જાનકી રેડ્ડીએ અનુપમાની બાજુમાં ઉભેલી સ્ત્રીઓને પહેલીવાર ધ્યાનથી જોઈ. અત્યાર સુધી એ તરફ તો ધ્યાન જ નહોતું ગયું .

‘હશે કોઈ ફેમિલી મેમ્બર , જો કે આ તો એની નાનીમા છે . ‘ જાનકી રેડ્ડીએ ક્રીમ કલરની ટશર સાડીમાં સજ્જ આરતી સામે જોઇને કહ્યું.

‘ના ના , હું એની વાત નથી કરતો , આ એની ડાબી બાજુએ ઉભી છે તેની વાત કરું છું. ‘

જાનકી રેડ્ડીએ ફરી પાછળ ફરીને જોયું અંબરીશકુમારે હાથમાં રહેલા ગ્લાસમાંથી એક નાની ચૂસકી ભરી , અને ડાબા હાથમાં રહેલી સિગારનો ઊંડો કશ લઇ પોતાની યાદશક્તિ પર જોર નાખતા હોય તેમ વિચારી રહ્યા : આ લેડીને ક્યાંક તો જોઈ છે એ વાત નક્કી, પણ ક્યાં ?

જાનકી રેડ્ડીને કંઈ ઓળખાણ પડી હોય એવું લાગ્યું નહીં એટલે અંબરીશકુમારે અટકળ કરવાને બદલે સીધું પૂછી નાખવું જ જરૂરી સમજ્યું .
‘આ અનુપમાની મધર છે શું ? ‘ અંબરીશકુમારે આંખથી જાનકી રેડ્ડીનું ધ્યાન દોર્યું .

જેની સામે ઈશારો હતો એ મહિલાની ઓળખાણ તો પડી નહીં પણ હતી કોઈક જાજરમાન શાલીન સન્નારી . વ્હાઈટ એન્ડ રેડ બાલુચારી સાડી ને એની સાથે મેળ ખાતાં જડાઉ આભૂષણો , ચહેરા પર હળવો મેકઅપ અને વાળ સોફ્ટ બન અંબોડો કરીને બાંધ્યા હતા, જેમાં શોભી રહ્યો હતો તાજાં જૂહીના ફૂલનો ગજરો . વિશેષ કોઈ તત્વ ધ્યાન ખેંચી રહ્યું હોય તો ઉંમર સાથે નિખરેલું વ્યક્તિત્વ , સાદગીમાં મઢાયેલી સુંદરતા ફિલ્મી ઇન્ડસ્ટ્રીની ચમકદમકથી તદ્દન જૂદી પડી જતી આ માનૂની હશે કોઈ આર્ટીસ્ટ એટલું તો પ્રતીત થઇ જ રહ્યું હતું . ધીમા અવાજે જાણે અનુપમાની નાની સાથે વાતે વળગી હતી , એને તો પાર્ટીમાં કોણ આવી રહ્યું છે , કોણ ઉપસ્થિત છે એ જાણવામાં પણ જાણે રસ નહોતો .

‘અરે ના ના , મને જે પ્રમાણે જાણકારી છે તે પ્રમાણે તો અનુપમાના પેરેન્ટ્સ કોઈક એરક્રેશમાં જ ગુજરી ગયા હતા, આ નાનીએ જ એને એકલે હાથે ઉછેરી છે , એ અહીં પણ એની સાથે રહે છે. બાકી તમને તો ખબર છે ને હિરોઈનની મા સાથે હોય તો પોતાની શેખી બતાવ્યા વિના રહે ખરી ?

‘એમ ? ‘ જાનકી રેડ્ડીએ અંબરીશકુમારને વિચારમગ્ન હાલતમાં જ છોડીને જવું ઉચિત માન્યું.

બીજી જ ક્ષણે અનુપમાને લઈને જાનકી રેડ્ડી પોતાની તરફ આવતાં જણાયા એટલે અંબરીશકુમારે પોતાના મગજમાં ઉપડેલી ખંજવાળ પર ન છૂટકે બ્રેક મારવી પડી. : અનુપમા એકલી જ જાનકી રેડ્ડી સાથે પોતાની તરફ આવી રહી હતી. થોડી ક્ષણો ઔપચારિક વાતમાં ગઈ ને અંબરીશકુમારની નજર ફરી પેલી બે સ્ત્રીઓને શોધી રહી. ત્યાં સુધીમાં તો એ બંને અન્ય મહેમાનોની ભીડમાં ક્યાંક ગુમાઈ ગઈ હોય તેમ નજરે જ ન ચઢી.

અનુપમા સાથે અંબરીશકુમારની ઔપચારિક ઓળખાણ આપતી વખતે જાનકી રેડ્ડીના નજર બહાર એક વાત ન ગઈ , અંબરીશકુમારને હિરોઈન કરતા વધુ રસ એની સાથે રહેલી મહિલામાં કેમ પડી ગયો ?
એ વિશે ઝાઝી અટકળ કરવાને અવકાશ પણ ન મળ્યો હોય તેમ એક પછી એક મહેમાનોના અભિવાદનમાં રોકાઈ જવું પડ્યું . એવી જ હાલત અંબરીશકુમારની પણ હતી. જાનકી રેડ્ડી સાથે છૂટાં પડ્યા પછી અંબરીશકુમારને એક ને એક જ વાત પજવતી રહી : આ ચહેરો જાણીતો તો જરૂર હતો … !!

********************

‘માસી , મેં તમને કહેલું કે મને આમ પ્રીમિયર માટેની પાર્ટીમાં આવવા દબાણ ન કરો , પણ તમે ધરાર ન માન્યા તે ન જ માન્યા …..’ મોડી રાત્રે પાર્ટી પૂરી થયા પછી થાકેલી રિયા પોતાના રૂમમાં ગઈ અને માસી ભાણેજને પહેલીવાર વાત કરવાનો અવકાશ મળ્યો .

‘ અરે , મધુ …. આ તે કોઈ વાત થઇ ? આ એની જિંદગીની પહેલી સફળતા છે , તે પણ જેવીતેવી નહીં , તે જોયું નહીં કેવો વટ હતો તારી દીકરીનો ? તને ખુશી ન થઇ ? ‘ આરતીને માધવીની વાત પર થોડી અકળામણ થઇ આવી. આ મધુને શું કહેવું ? એ ક્યારે દીકરીનું દિલ સમજી શકશે ?

‘માસી , વાત એવી નથી …. તમને તો શું કહેવું ? ‘ માધવીના અવાજમાં વ્યગ્રતા હતી .

‘ તને એ ન દેખાયું કે કેટલી ખુશ હતી એ? મધુ એ ખુશી માત્ર પોતે મેળવેલી સફળતાની નહોતી , પહેલીવાર તે આમ સરપ્રાઈઝ વિઝીટ કરીને એને કલ્પી ન શકાય એવી ગિફ્ટ આપી દીધી , જેને માટે આ છોકરી બચપણથી તરસતી રહી છે. સાચું કહેજે , પોતાની જાત સાથે પ્રમાણિક રહીને કહેજે , તેં આખી જિંદગી એને ધુત્કારવામાં કોઈ કમી રાખી છે ? ‘

માધવી નીચું જોતી રહી ગઈ. માસીની વાત બિલકુલ ખોટી નહોતી પણ માસીને કેમ કરીને સમજાવવા ? કે આ ઇન્ડસ્ટ્રીમાં પોતે આમ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ રીતે સંકળાવા નહોતી માંગતી .
એમને તો ફોન પર રીતસર ખખડાવી જ નાખી હતી જાણે પોતે વીસ વર્ષ પહેલાની માધવી હોય.

માધવીને થયું કે માસીને આ દિલની વાત અત્યારે કહેવી જ જોઈએ નહીતર તો ભવિષ્યમાં આવાં પ્રસંગો તો રોજ આવશે , આજે તો અહીં સુધીની વાત હતી , કાલે રિયા હિન્દી ફિલ્મ કરે ને આમ પોતે જવું પડે ને ક્યાંક રાજ સાથે આમનેસામને થઇ જવું પડ્યું તો ??

રાજાના વિચારથી જ માધવીનો ચહેરો ફરી સખ્ત થઇ ગયો. આરતીમાસી સમજ્યા માધવીના ગુસ્સાનું કારણ ફરી રિયા ન બની જાય પહેલાં પાળ બાંધવી હોય તેમ સમજાવટ આદરી બેઠાં : એ બધી વાત છોડ , તું ફક્ત એ કહે કે તેં કદીય એને આટલી ખુશ જોઈ છે ? આટલી આત્મવિશ્વાસ સાથે પેશ થતી જોઈ છે ? પોતાના સંતાનોની આવી સિધ્ધીની પળ જોવા મળે એ જ તો માબાપનું એક માત્ર સ્વપ્ન હોય કે નહીં ? આજે એ સપનું સાકાર થતું જોઇને તારી છાતી ગજ ગજ ન ફૂલી ? ને તને ખબર છે એ કેટલી ખુશ થઇ ગઈ છે તારી આ સરપ્રાઈઝ વિઝીટથી ?’

‘માબાપનું સ્વપ્ન ? હહ …’ માધવીએ ચાહ્યું નહોતું છતાં એક તુચ્છકાર આવી ગયો જીભ પર.

‘ પણ સાચું કહું ? માસી તમે આમ જીદ ન પકડી ને બેઠાં ન હોત તો હું સાચે નહીં આવતે ….’ હાથમાં પહેરેલું કંગન હળવે હળવે ઉતારી રહેલી માધવીના મનમાં કોઈક ગડમથલ ચાલી રહી હતી એટલું તો માસી સમજી શક્યા.
‘હવે છોડને મધુ આ બધી વાતને , તું આવી બે દિવસ માટે ને એમાં આ બધું લઈને ક્યાં બેઠી ? ‘ માસીએ છેલ્લી ગૂગલી ફેંકી માધવીને ચૂપ કરવાની : જો , થોડાં દિવસ વધુ , બાકી ફરી આપણે સહુ સાથે જ હોઈશું ને !!
માધવીએ માસીની વાત સાંભળી ને પણ કોઈ ઉત્તર ન આપ્યો એટલે આરતીમાસીએ વાતને ત્યાં જ પૂર્ણવિરામ આપી ઉભા થઇ જવું ઉચિત માન્યું , કાલે કેટલા વાગે છે ફ્લાઈટ તારી ?

‘વહેલા ઉઠવાની જરૂર નથી , બપોરની ફ્લાઈટ છે , આરામથી ઉઠ્જો , હું પણ વહેલી નહીં ઉઠું ….’

બીજે દિવસે સવારના બ્રેકફાસ્ટ પછી એરપોર્ટ જવા નીકળેલી માધવીને ખબર નહોતી કે હજી એક મોટું સરપ્રાઈઝ તો એરપોર્ટ પર તેની રાહ જોઈ રહ્યું હતું .

સામાન્યરીતે મુંબઈના ટ્રાફિકથી ટેવાયેલી માધવી તો ધારણા પહેલાં જ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી.
બિઝનેસ ક્લાસ લાઉન્જમાં એક કોર્નર પરની રેક્લાઈનર પર આરામથી માથું ટેકવી સામે પડેલું અખબાર હાથમાં લીધું . અખબારમાં આગલી રાતની બહુ ગાજેલી પાર્ટીનો રીપોર્ટ તો જરૂર હોવાનો. માધવીની ધારણા સાચી પડતી હોય તેમ એક આખું પાનું ભરીને ફોટોગ્રાફ્સ ને રીપોર્ટસ છપાયા હતા.

પ્રોડ્યુસરે તો પબ્લિક રીલેશનમાં ખાસ્સાં પૈસા ખર્ચ્યા હશે : માધવીની અટકળ અવ્યવહારુ નહોતી .
માધવીએ ધ્યાનથી ફોટોગ્રાફ્સ જોવા માંડ્યા , હાજર રહેલા નામાંકિત લોકોના ફોટોગ્રાફ્સ તેમની હેસિયત પ્રમાણે ચમકાવ્યા હશે એવો અંદાજ લગાવવો ખોટો નહોતો .

ક્યાંક પોતાનો ફોટો ન છપાયો હોય , એ વિચાર સાથે જ માધવીના હાથમાંથી હળવી કંપારી પસાર થઇ ગઈ. એનો ડર બેબુનિયાદ તો નહોતો જ , અનુપમાની આજુબાજુ ઉભા રહેવાની આ કિંમત … માધવીએ વિચાર્યું પણ એ જ સાથે એક હાશકારો થયો . ફોટોગ્રાફના કેપ્શનમાં પોતાનો કે આરતીમાસીના નામનો ઉલ્લેખ જ નહોતો .

‘હાશ ……’ માધવીએ ઊંડો શ્વાસ ભર્યો , ચાલો એક મોટું મિશન વિના કોઈ વિઘ્ને પતી ચુક્યું હતું . આરતી માસીની જીદ પહેલીવાર માધવીને યોગ્ય લાગી: સાચી વાત હતી , એક મા તરીકે રિયાને અન્યાય જ તો કરતી આવી હતી , આજે પહેલીવાર એવું બન્યું કે બધાના મનમૂટાવ વિના પ્રસંગ પાર પડ્યો .

માધવીએ વધુ કંઈ પાનાં ફેરવ્યા વિના જ પેપર બંધ કરી સામે રહેલા ટેબલ પર મૂક્યું ત્યાં જ એની પીઠ પર પ્રશ્ન અથડાયો :
એક્સક્યુઝ મી …. આર યુ માધવી બાય એની ચાન્સ ?
ક્રમશ:

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s