gujarati, Novel

વેર વિરાસત 25

2015-22-7--13-27-52

‘એક્સક્યુઝ મી …. આર યુ માધવી બાય એની ચાન્સ ?’

માધવી પીઠ પર અથડાયેલા પ્રશ્નથી ચોંકી . એને પાછળ ફરીને જોયું તો વહેમની પુષ્ટિ થઇ ગઈ. પાછળ ઉભા હતા અંબરીશ કુમાર. પોતે જઈ રહી હતી એ જ ફ્લાઈટમાં કદાચ એ પણ મુંબઈ જઈ રહ્યા હતા.

ઘડીભર માટે માધવીને લાગ્યું કે એનું મોઢું સુકાઈ રહ્યું છે: જી …. ?
એના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો. હવે આમ કોઈ જૂની ઓળખ તાજી કરવી એટલે। .. રાજાને પોતાના વર્તમાન વિશ્વથી માહિતગાર કરવો.

બીજી જ ક્ષણે માધવીએ પોતાની જાત પર કાબૂ કરી લીધો .
‘કોણ હું ? ‘ આજુબાજુ કદાચ કોઈને સંબોધતા હશે એવી અદાથી માધવીએ આસપાસ જોઇને પૂછ્યું , સાથે સાથે એટલું બોલતાં તો એને ભ્રુકુટી એવી રીતે સંકોચી કે સામે ઉભેલા અંબરીશકુમાર ખિસીયાણા પડી ગયા. એના ચહેરા પર કોઈ ભૂલ થઇ ગઈ હોય તેવા ભાવ તરી આવ્યા , છતાં ત્યાંથી ખસી જવાનું વિસરી ગયા હોય તેમ અંબરીશકુમાર તો ઉભા જ રહ્યા .

આંખ તથા અવાજમાંથી ટપકતી નિસ્પૃહતા અને રુક્ષતા અંબરીશ કુમાર સહન નહીં જ કરે એવી અટકળ તો માધવીએ મનોમન કરી જ લીધી હતી. જે થોડે અંશે સાચી પણ હતી. છતાં પણ ન હટયા એટલે માધવી પાસે હળવું સ્મિત ફરકાવવા સિવાય કોઈ વિકલ્પ પણ ન રહ્યો .
‘સોરી , આયેમ નોટ માધવી સેન …..’ કદાચ એવું કહી એને અંબરીશ કુમારને આડકતરી રીતે કહી દીધું કે , પ્લીઝ બક્ષો મને.

માધવીના આવા વ્યવહારથી અંબરીશ કુમાર ક્ષણ માટે જરા ઓછ્પાઈ તો ગયા જ.

‘સોરી સોરી લેડી , મારી ઓળખવામાં જરા ભૂલ થઇ ગઈ. પ્લીઝ એક્સક્યુઝ મી … ‘ અંબરીશ કુમાર માધવી બેઠી હતી ત્યાં થોડે દૂર રહેલા કાઉચ પર જમાવ્યું . એમનો ઝંખાવાયેલો ચહેરો બયાન કરતો હતો મુંઝારો : પોતાની નજર આમ થાપ તો ન ખાય પણ મને ય શું સુઝ્યું તે આમ કોઈ સાથે સામે વાત કરવા ધસી ગયો ? પોતાની બાલીશ વર્તણુક માટે થઇ રહેલો ચચરાટ ખંખેરી નાખવો હોય તેમ અંબરીશ કુમારે સામે પડેલા અખબારમાં મન પરોવ્યું .

અંબરીશ કુમારે કુતુહલતાથી કૂદાકૂદ કરી રહેલા મન પર લગામ તો કસી અને આંખ અખબારમાં પરોવી રાખી પણ તેમનું ધ્યાન તો લગીરે હટ્યું નહોતું માત્ર થોડાં ફૂટના અંતરે બેઠેલી માધવી પરથી . પોતે આ લેડીને માત્ર માધવી છો એમ પૂછ્યું ને જવાબ મળ્યો , ના સોરી , હું માધવી સેન નથી.
અંબરીશ કુમારના હોઠ પર એક માર્મિક સ્મિત રમી ગયું . કહેવાય છે ને કે સ્ત્રી ગમે એટલી ચબરાક હોય પણ એની નબળાઈ હોય છે ભાવુકતા . સ્ત્રી જયારે જયારે ભાવાત્મક પરિસ્થતિનો સામનો કરવામાં કેવી નાની પણ જબ્બર ભૂલ કરી શકે તેની સાબિતી આજે મળી ગઈ હતી.

માધવીની મનોસ્થિતિ ખાસ જૂદી નહોતી , એ પણ વાંચી તો રહી હતી અખબાર પણ એનું મન તો પહોંચ્યું હતું બે દાયકા પૂર્વેના સમયમાં .

રાજ પોતે તો ઈચ્છતો હતો કે અંબરીશ કુમારની ફિલ્મ એ કરે. એટલા માટે સાથે લઈને બે ત્રણવાર મળ્યો પણ હતો. અંબરીશકુમારને માધવીને તક નહોતી આપવી એવું કોઈ કારણ નહોતું પણ એ તક આપે એ પહેલા તો માધવી ને રાજાની દુનિયા બદલાઈ ગઈ હતી ને !! પણ આ નાનકડી ઇન્ડસ્ટ્રીમાં એમ ક્યાં કોઈને ભૂલે ?

પોતે આવું વર્તન નહોતું કરવું જોઈતું , માધવીને મનમાં સંતાપ કરાવી ગયો પોતાનો વ્યવહાર . કોઈ વયસ્ક વ્યક્તિ સાથે આવી વર્તણૂંક કરે ?

માધવી જેમ જેમ વિચારતી ગઈ , જાળ વધુ ઘટ્ટ બનતી ગઈ.
ધારો કે એ હવે રાજાને જણાવે તો ?
પાર્ટીમાં પોતે રિયા સાથે ઉભી હતી ત્યારે પણ અંબરીશકુમારની નજર વારંવાર ફરી રહી હતી , એટલે તો પોતે ત્યાંથી ખસી ગઈ હતી પણ હવે જો એ જાણે કે રિયા એટલે કે આ જાનકી રેડ્ડીની વલ્લરી , અનુપમા પોતાની દીકરી છે ને એ વાત રાજા સુધી પહોંચી જાય તો ?

એ વાતની દહેશત જ માધવીને ડરાવી નાખવા પૂરતી હતી. ફરી એકવાર એ માણસ પોતાની જીંદગીમાં પ્રવેશે ? દીકરીના માધ્યમથી ? નહીં , હરગીઝ નહીં …….

માધવીના મગજમાં જામી રહેલું ચક્રવાત થંભવાનું નામ નહોતો લેતો ત્યાં તો ફ્લાઈટ બોર્ડ કરવાનો સમય થઇ ગયો.
એરક્રાફ્ટમાં પ્રવેશ્યા પછી માધવી જોઈ શકી કે અંબરીશ કુમાર પણ પોતાની બરાબર બાજુની રોમાં જ છે પણ એ વિષે એને ધ્યાન જ ન આપ્યું . બસ હવે તો બે કલાકની તો વાર હતી. વહેલું આવે મુંબઈ .

મુંબઈ પહોંચ્યા પછી તો અઠવાડિયું ધમાલમાં વીતી ગયું , બસ થતી રહેતી વાત લવસ્ટોરી 2080ની. હિન્દી વર્ઝનનું પ્રીમિયર પણ નહીવત સમયમાં જ હતું અને તે માટે રિયા ને આરતીમાસી મુંબઈ આવી રહ્યા હતા.
‘મધુ , બસ હવે તો આવ્યા જ સમજ , ને બીજા એક ગુડ ન્યુઝ આપું … ‘ માસી સામે છેડે મલકી રહ્યા હશે એવું અનુમાન માધવી કરી શકતી હતી.

‘ત્યાં નવી ફિલ્મ સાઈન કરી રિયાએ ? એમ જ કહો છો ને ? ‘ માધવીએ માસીની વાત વધાવી.

‘ હ્મ્મ , હવે આનો શું જવાબ આપું ? ‘ આરતી માસી હસીને બોલ્યા : સાઈન તો કરી છે પણ અહીં નહીં …..

‘તો ?’ માધવીનું આશ્ચર્ય બેવડાયું .

‘મધુ , એ જ તો ખુશખબર છે …રિયાને આ લાઈન ફળી , એને ફિલ્મ તો મળી તે પણ હિન્દી , મુંબઈ જ રહેશે ને હવે. આપણી નજરની સામે …’ આરતી માસી ખુશ થઈને બોલ્યા પછી જરા ગંભીર થઈ ગયા : જો કે એ ફિલ્મ હિન્દી ખરી પણ રિયા કહેતી હતી કે બેનર એવું મોટું નથી , પણ એમાં કામ કરવું એ પણ એક સિદ્ધિ જ છે.’

‘એમ ? કોની વાત કરો છો ? ‘ માધવી કુતુહલતા ન રોકી શકી .

‘વધુ વિગતો તો એને મને કહેલી પણ અત્યારે યાદ નથી. પણ ટૂંકમાં હવે સમજને કે એનો સિતારો ચમકી રહ્યો છે….’ માસીના છલકાઈ રહેલા રાજીપા પર બ્રેક મારવી માધવીને જચ્યું તો નહીં પણ કરવું પડયું :સારું સારું , હવે આવો એટલે વાત.

ફોન મુક્યા પછી પણ માધવી ક્યાંય સુધી બેઠી રહી. જિંદગી ખરેખર હવે મુસ્કુરાવાનો મોકો આપી રહી હતી. પહેલીવાર માધવીને રિયા પર પ્રેમ ઉભરાયો સાથે સાથે એની સાથે કરેલા વ્યવહારનો ચચરાટ પણ તાજો થતો ગયો. ખટમીઠી ભાવુકતાને ટકવા ન દેવી હોય તેમ ફોનની રીંગ સંભળાઇ : નક્કી રોમાનો કોલ હોવો જોઈએ .

માધવીએ વોલક્લોકમાં નજર નાખી , રાતના સાડા બાર થવા આવ્યા હતા.
‘ હાય મમ , સોરી , ઊંઘી તો નહોતા ગયા ને ? મેં ડીસ્ટર્બ તો નથી કર્યા ને ?’ સામે ખુશીથી છલકાતો રોમાનો અવાજ કાને પડ્યો .

‘રોમા, તું ત્યાં ભણે એટલે ત્યાંના લોકો જેવી ફોર્માલિટી કરતી થઇ જાય એમ ? હા , પહેલા તો એ કહે કે આટલા દિવસે મમની યાદ આવી ? કદી સામેથી ફોન કરવાનું શીખી જ નથીને !!’

માધવીને આ વાંધો તો રોમા ભણવા ગઈ ત્યારથી જ હતો. પહેલા થોડો સમય માધવી જ સામેથી ફોન કરતી , ક્યાંક એની પાસે પોકેટમની ખૂટી ન જાય. પણ પછી તો રોમાનું બહાર રહેવાનું જ એટલું થતું ચાલ્યું કે જયારે પણ ફોન કરે જવાબ આન્સરિંગ મશીન જ આપી દેતું . માધવીએ છોડેલો મેસેજ સાંભળીને પણ રોમાને ક્યારેય યાદ રાખીને મમ્મીને ફોન કરવાનું નહોતું સૂઝતું એ વાત માધવીને ભારે લાગી આવતી .

‘ઓહો મમ …તમને તો ખબર છે ને હું રોજ કેવી રખડપટ્ટી કરું છું ..’ રોમાએ મમ્મીની ફરિયાદ પાણી પાણી કરી દેવી હોય તેમ સામેથી લાડ કરતી રહી.

‘ એ બધી વાત જવા દો મને એ કહો કે તમને બિરીયાની કઈ રીતે બનાવવી ખબર છે ? ‘ રોમા મૂળ મુદ્દા પર આવી ગઈ હોય તેમ બોલી.

‘ શું ? બિરિયાની ? આ કિચનક્વીન બનવાના ધાખારાં ક્યાંથી ઉપડ્યા ? તું ત્યાં આ બધાં મરચાં મીઠાંના પ્રયોગો કરવા ત્યાં ગઈ છે ? ‘ માધવી સમજી ન શકી કે રોમાને અચાનક થઇ શું ગયું છે .

‘મમ , એ બધી વાત પછી , તમે મને બિરીયાની બનાવતાં શીખવો , હમણાં ને હમણાં, અને હા સમોસા આવડે છે? તો એ પણ સમજાવો .’ રોમાને જાણે મમ્મીની એકેય વાત સ્પર્શતી નહોતી .

‘રોમા, એ બધું છોડ , પહેલા મને એ કહે કે આ સમોસા ને બિરિયાનીનું ભૂત કઈ રીતે ઉપડ્યું છે ? ‘ માધવીના આશ્ચર્યની સીમા નહોતી . પોતે જ ક્યારેય કિચનમાં પગ નહોતી મૂકતી તો દીકરીઓ પાસે એ બધી અપેક્ષા રાખવાનો તો વિચાર સુધ્ધાં ફરક્યો નહોતો .

‘મમ. પ્લીઝ , મને હતું જ કે કદાચ તમને પણ નહીં ખબર હોય પણ તમે એ ગમે ત્યાંથી સમજી ને મને સમજાવો . કાલ સુધી કહેશો તો ચાલશે …’

માધવીને લાગ્યું કે હવે વાત થોડી ગંભીર છે , પોતે માને એટલી હળવી નથી. : રોમા, એ તો હું તને સમજાવી દઈશ પણ હવે તું મને એટલું સમજાવે કે આ બધા પાછળ મૂળ કારણ શું છે …

એક ક્ષણ માટે ફોનના બંને છેડે ચૂપકિદી છવાઈ રહી. રોમાને લાગ્યું કે આ મોકો ચૂકવા જેવો પણ નથી.
‘ મમ , મીરો ઘરે ડીનર પર આવે છે . અને તમે એને મળ્યા નથી એટલે વધારે તો શું કહું પણ મીરો ઈઝ મીરો, એ જેટલો સરસ આર્ટીસ્ટ છે એથી કંઈગણો વધુ ઉમદા માણસ છે. છેલ્લાં કેટલાય સમયથી અમે મિત્રો છીએ ને મમ શું કહું ? અને એ દિલથી બાદશાહ છે’

‘ઓહ , એટલે એમ કહે ને કે તું મીરો માટે આ બધું કરે છે …’ માધવીને આશ્ચર્યનો ઝટકો લાગ્યો હતો પણ એ પચાવવો જ રહ્યો .

‘વેલ , એમ જ સમજો , મમ , મીરો લવ્ઝ ઇન્ડિયા , ઇન્ડિયન ફૂડ , ઇન્ડિયન કસ્ટમ્સ …. ને જોવાની વાત તો એ છે કે એ બધા વિષે એ મારા કરતા વધુ જાણે છે. ‘ આટલું બોલીને ચૂપ થઇ ગયેલી રોમાના ચહેરા પર છવાયેલી લાલીની કલ્પના માધવી ન કરી શકે એટલી મુર્ખ નહોતી .

‘રોમા , તું ને રિયા બંને હવે નાદાન નથી. તમે લોકો જે કરો તે હવે સમજી વિચારીને કરજો . એક દાખલો ખોટો ને દશા ને દિશા ફેરવાઈ જાય. ક્યાંક તારું પેઈન્ટર બનવાનું સ્વપ્ન રોળાઈ ન જાય. કેનવાસ, કલર્સ ને બદલે કિચન ને બાળોતિયાંમાં કદાચ અત્યારે તને તારું બ્રહ્માંડ દેખાતું હોય તો ફરી એક વાર વિચારી લેજે , યાદ રાખજે જિંદગી સહુને દાખલા ગણવાની તક બીજીવાર નથી આપતી ….’ માધવીને પોતાનો જ અવાજ ભારે થઇ જતો હોય તેમ લાગ્યું .

‘ઓહો મમ , પ્લીઝ , વી આર જસ્ટ અ ફ્રેન્ડ , નથિંગ મોર , નથિંગ લેસ…. તમે તો શું શું બધી અટકળ કરી નાખી ? ‘ માધવીને ભાવુક થઇ ગયેલી જોઇને સામે છેડેથી રોમાનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો : હવે કંઈ એવો સમય છે કે બે વ્યક્તિ મિત્ર શું બને એટલે પ્રેમમાં પડી ગયા હોય તેમ માની લે ? અને પછી સીધા લગ્ન કરી લે ? ને બાળકો …….મમ, તમે પણ બસ …..

સામે છેડે માધવી કશું નથી બોલી રહી એ સમજીને રોમા ગંભીર થઇ ગઈ. :મમ , સાચે કહું છું , અમે ખરેખર સારા મિત્રો છીએ , આ ઘડીએ તો એથી વિશેષ કંઈ નહીં , જે દિવસે એ પ્રકારની કોઈ વિચારણા કરીશ પહેલી વાત તમને જ કરીશ ને , તમારા સિવાય છે કોઈ ?

માધવી અનુભવી શકી રોમાના અવાજમાં રહેલા સચ્ચાઈના રણકાને . એનાથી થોડી હાશ લાગી .
એ પછી આ વિષે બંનેમાંથી કોઈને આ વિષે વાત કરવી યોગ્ય ન લાગતું હોય તેમ રિયાની નવી ફિલ્મની અને માધવીની ગેલેરીમાં આવી રહેલા ફેસ્ટીવલ વિષે વાત થતી રહી.
ફોન મુક્યા પછી પણ માધવી ત્યાંની ત્યાં બેઠી રહી. મન વિના કોઈ કારણ વ્યગ્રતાથી ઘેરાતું ચાલ્યું . મનનો ભાર ખંખેરી ફેંકી દેવો હોય તેમ એ ઉઠીને બાલ્કનીમાં આવીને ઉભી રહી. સામે લહેરાઈ રહેલો સમુદ્ર સંસારના તમામ સંતાપ હરી એ તમામ ખારાશ છાતીમાં ધરબીને બેઠો હતો છતાં મસ્તફકીરની જેમ ગીત ગાવાનું નહોત ભૂલતો . સમુદ્રની સાવ લગોલગ રહેવા છતાં આ ગુણ પોતે કેમ આત્મસાત નથી કરી શક્તિ ? મનને વારવાના માધવીના લાખ પ્રયત્નો પછી પણ એ તો બંને દીકરીઓ વિષે વિચારતું રહ્યું . ન જાણે જિંદગી પણ શું અજીબોગરીબ પેઇન્ટિંગ બનાવે છે. રોમા એક દિવસ મોટી થઈને કંઇક કરી બતાડશે એવી આશા પર ન જાણે કેમ પાણી ફરી જતું હોય તેમ કેમ લાગી રહ્યું હતું ? ને સામે છેડે રિયા ? જે હમેશા ગુડ ફોર નથિંગ લાગ્યા કરતી હતી એ કેવા શિખરો સર કરવા કમર કસીને બહાર પડી રહી હતી….!
અને એક દિવસ રાજાને આ બંને દીકરીઓના અસ્તિત્વની જાણ થાય તો ?
ભટકી ભટકી ને માધવીનું મન આખરે તો એ જ ગલીમાં પહોંચ્યું હતું જ્યાં એને પોતે જ નો એન્ટ્રીનું બોર્ડ લગાવી રાખ્યું હતું .
દિમાગે ભલે રાજાને ભલે તડીપારની સજા ફરમાવી દીધી હતી પણ દિલ તો ક્યારેક ગદ્દારી કરી ને જ રહેતું તેનું શું કરવું ?

********************

‘ હલો સર , અરસા હો ગયા આપ કો દેખે ….. ‘ અંબરીશ કુમારની પીઠ પર અવાજ અથડાયો . એમને પાછળ ફરીને જોયું . અટકળ સાવ સાચી હતી. એ માધવન જ હતો.

‘ અરે રાજા , ગુમ તો તું થઇ ગયેલો . વર્ષોથી ન તો તું કોઈની પાર્ટીમાં આવે ન કોઈને બોલાવે …. હા ભાઈ , મોટો માણસ ને !! ‘ અંબરીશકુમારે થોડી મજાકમાં ને બાકીની વાત દાઢમાં કહી દીધી .

નામાંકિત ફિલ્મ સ્ટાર એન્ડ સ્ટાઈલ મેગેઝીનની ગોલ્ડન જ્યુબિલી પાર્ટી હતી. એમાં ન જવાની ગુસ્તાખી તો કયો માધાંતા પણ કરી શકે ?

જયારે ફિલ્મઉદ્યોગમાં નવોસવો હતો ને રાજા તરીકે ઓળખાતો ત્યારે આ અંબરીશ કુમારે ઘણી મદદ કરી હતી. એકવાર પોતે માધવીને તેમના બિગ બેનરમાં સ્થાન મળે એ માટે પણ ઘણીવાર મળ્યો હતો. ને પછી આખા સમીકરણો બદલાઈ ગયા , રાતોરાત . માત્ર ઔપચારિકપણે હાય હલો કરીને અંબરીશકુમાર તો પોતાના બીજા ગ્રુપમાં ટોળટપ્પે લાગી ગયા. સેતુમાધવન ભીડમાં સાવ એકલો ઉભો હતો. હવે આ બધી આદત જ નહોતી રહી ને !
રાજા રાતોરાત બની ગયો આર. સેતુમાધવન , પોતે જ એક મસમોટું નામ ને હવે એને બીજા બેનર્સના માલિકોની આગળપાછળ ફરવામાં રસ નહોતો ને . ન એ પાર્ટીઓમાં જતો ન એ પાર્ટીઓ આપતો . સહુ સમજતા કે રાજાના મગજમાં મોટા બની જવાની રાઈ ભરાઈ ગઈ છે. કાશ એ સહુ કોઈને સાચી પરિસ્થિતિથી વાકેફ કરી શકતો હોત તો ?
એના મન પર તાદશ થઇ આવ્યું એ દ્રશ્ય, એક આવી જ પાર્ટીમાં એ મધુરિમા સાથે ગયો હતો.
ખુશનુમા વાતાવરણમાં પાર્ટી ચાલુ હતી ને કોઈકે એક સોહામણી અપકમિંગ છોકરીની ઓળખ માધવન સાથે કરાવી , ઓળખાણ કરાવનાર તો ત્યાંથી ખસી ગયો પણ પેલી છોકરી માધવન સાથે વાતો કરતી રહી. ખરેખર તો એ મળવા આવી હતી તે વાત સાવ મામૂલી હતી, છોકરી નવી હતી, કામની તલાશમાં હતી અને જો કંઈ લાયક રોલ હોય તો ધ્યાનમાં રાખવા માટે . સામાન્યરીતે જે પ્રમાણે પાર્ટીનો માહોલ હોય છે તેમ નેટવર્ક વધારવા માટે આવી હતી ને ત્યાં તો અચાનક જ મધુરિમાને અટેક આવ્યો હોય તેમ સીન ભજવાઈ રહ્યો હતો.
એને લાગ્યું કે આ છોકરી પોતાના પતિને પ્રેમજાળમાં ફસાવી એમનું કામ કઢાવવા આવી છે.
માધવન જયારે આ છોકરી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે દૂર કોઈ સાથે વાતમાં મશગૂલ મધુરિમાનું ધ્યાન ગયું ને પછી શું ? મધદરિયે શિકાર જોઇને શાર્ક માછલી લપકી ને આવી હુમલો કઈ નાખે તે જ અદાથી એ અચાનક પાસે આવી પંહોચી અને હાથમાં રહેલો વાઈનનો ગ્લાસ પેલી છોકરીના માથા પર ઢોળી દીધો .
અફડાતફડી મચી ગઈ. તમાશાબીનને તેડું મળ્યું ને બાકી હોય તેમ મધુરિમાએ કતરાતી નજર માધવન સામે નાખી ચાલતી પકડી હતી.
વિના કોઈ વાંકે માધવન દંડાઈ ગયો હતો. એ વખતે તો ઝાઝા લોકો જાણતાં નહોતા મધુરિમાની આ માનસિક માંદગીને પણ મધુરિમા માનસિકપણે અસ્થિર હતી એની વાત ત્યારે જ જગજાહેર થઇ ગઈ હતી. તે છતાં દંડ મળ્યો હતો માધવનને . એ હતો બદનામીનો , આવી પાગલને પરણ્યો માત્ર એના બાપની મિલકત માટે ને !! બસ એ મહેણું જિંદગીભરનું બની ગયું . માધવને એ પછી પાર્ટીઓમાં જવું આવવું જ બંધ કરી દીધું હતું .
પણ આજની વાત જુદી હતી. અને હવે પોતાનો સમય પણ અલગ હતો.
પાગલ સ્ત્રી સાથે જીવવું કેટલું દુષ્કર હોય શકે એનો અનુભવ તો થઇ જ ચુક્યો હતો પણ હવે જો હાથપગ ન મારે તો એ ડૂબી મરશે એ વાત પણ નક્કી હતી.

એટલે જ તો એ આવ્યો હતો આજે. પાર્ટી જુહુની દરિયા કિનારે આવેલી બીચ રિસોર્ટમાં હતી , પૂલ સાઈડ પર તો જાણે મહેરામણ ઉમટ્યું હતું , માધવને ત્યાંથી હટી ને કોર્નરનું એક શાંત ટેબલ જોયું , બેઠાંબેઠા તમાશો જોઈ હાજરી પૂરાવી નીકળી જવું એવી કોઈક ગણતરી સાથે .
અચાનક જ માધવને અંબરીશ કુમાર પોતાની તરફ આવી રહ્યા હતા.
એમને સાવ નજદીક આવીને એક હાથે ચેર ખેંચવાનો પ્રયત્ન કર્યો : બેસી શકું અહીં ?
‘ ઓહ સર …. માય પ્લેઝર …..’ સેતુમાધવન એમને ચેર ખેંચી આપવામાં ઉભો થયો.
અંબરીશકુમાર શાંતિથી ચેર પર ગોઠવાયા . જમણાં હાથમાં પકડેલો વ્હિસ્કીનો ગ્લાસ ટેબલ પર મુક્યો અને બે હાથ પાછળ લઇ હળવી રીતે શરીર સ્ટ્રેચ કર્યું .
માધવન એમની આ હરકત શાંતિથી જોતો તો રહ્યો હતો પણ હવે એને આખી વાત વિસ્મય પમાડી રહી હતી. : અંબરીશ કુમારના મનમાં શું વાત ઘૂમી રહી છે ?

ક્રમશ:

Advertisements

2 thoughts on “વેર વિરાસત 25”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s