વેર વિરાસત 27

2015-22-7--13-27-52
‘ મધુ , કાલે સવારની ફ્લાઈટથી પહોંચી જઈશું …..તું ઘરે રહેજે , ગેલેરી પર ચાલી ન જઈશ … ‘ આરતી માસીએ ન ચાહવા છતાં વાતમાં વજન ઉમેરાય એ હેતુથી છેલ્લે કહેવું પડ્યું : રિયાને આનંદ થશે જો તું ઘરે રહેશે …

માધવીએ સમો જવાબ આપ્યા વિના ફોન તો મુક્યો પણ મન વિચારી રહ્યું : આ પણ કેવો જોગાનુજોગ કે એક દીકરી કારકિર્દીનું શિખર સર કરવા પોતાની જાત સાથે પ્રેમમાં પડી રહી છે ને બીજી ખરેખર કોઈક અજનબીના.

માધવીનું મન રોમાની સાથે છેલ્લી વાત થયા પછી માની નહોતું રહ્યું . એકલી છોકરીને આમ સાવ અજાણ્યા ગામમાં મૂકી દેવાની ભૂલ પોતે કેમ કરી દીધી ? એ વિચારથી થોડો ચચરાટ થઇ આવ્યો . માસી સાથે આ વાત ચર્ચવી જ રહી , એ કદાચ કોઈ રસ્તો કાઢી શકે. માધવીએ રોમા વિષે આરતી માસીને કહેવા મન બનાવ્યું તો ખરું અન વિચાર પડતો મુક્યો : આમ પણ હવે એમના ઘરે આવવામાં બેચાર દિવસ તો જ બાકી હતા. એવામાં ફોન પર આ બધી પહેલીઓ ગૂંથવી એના કરતાં સામસામે બેસીને વાત થાય તો કંઇક પ્રકાશ પડે.

‘મધુ, વાત શું છે ? હું જોઈ રહી છું તું ક્યાંક ગૂંચવાઈ રહી છે…. ‘ દૂર અંતરે બેઠાં બેઠાં પણ માસીએ તો માધવીનું મન કળી જ લીધું . એટલે પછી માધવી એ આખી વાત કહી દીધી : તમે માનો કે ન માનો , એ બોલતી નથી પણ મારું દિલ કહે છે કે રોમા કોઈકના પ્રેમમાં પડી ચૂકી છે કે પછી પડી રહી છે…..
માધવીએ એ પછી રોમાએ ઇન્ડિયન વાનગીઓ બનાવવા માટે રીત જાણવા કરેલો ફોન ને એના પેલા વિદેશી મિત્ર વિશેની વાત ટૂંકાણમાં કહી જ નાખી .
સામે છેડે આરતી માસી શાંતિથી માધવીને સાંભળતા રહ્યા .
માધવીના અવાજમાં ક્યારેક ક્યરેક ઉગ્રતા છતી થઇ રહી હતી. : એને મોકલી છે આર્ટ ભણવા ને એને ધખારાં ઉપડ્યા છે કિચન ક્વીન બનવાના… !!

‘ લે , આટલી નાની વાત માટે ગૂંચવાયા કરતી હતી ? ‘ આરતી માસીએ ઉશ્કેરાટ પર ઠંડુ પાણી રેડવું હોય તેમ શાંતિથી પૂછ્યું એટલે માધવી છેડાઈ પડી .

‘માસી , મને ખબર છે કે તમને રિયા વધુ વ્હાલી પણ એટલે રોમા વિષે બે ઘડી વિચાર પણ ન કરી શકો ? અરે !! એ છોકરી મને આટલે દૂર બેઠી બેઠી બિરયાની ને સમોસા કેમ બનાવવા તેની રીત પૂછે છે ને તે પણ કોઈક વિદેશી મિત્ર માટે , તમને એમાં કંઈ જ ગંભીર વાત નથી લાગતી ?’

‘ઓહો મધુ , તું ખરેખર કયા જમાનામાં જીવે છે ? એને એક માત્ર નાની અમથી માહિતી શું માંગી તે વિચારી લીધું કે રોમા એ વિદેશી યુવકના પ્રેમમાં પડી ગઈ ? , શું કહું તને ?’

આરતીને વાતની ગંભીરતા સ્પર્શતી જ નથી એ જોઇને માધવીએ એ વિષે વધુ ચર્ચા બંધ કરવું વધુ યોગ્ય સમજ્યું : માસીને હમણાં રિયા વિષે પૂછીશ તો ચાલુ થઇ જશે એ પછી કદાચ રોમા વિષે વાત સાંભળે ખરા.

‘ રોમાની છોડો , શું છે હવે આપણાં આ મેડમનો પ્રોગ્રામ?’ માધવી જરા વ્યંગ્ય કરીને બોલી , અલબત્ત એમાં હંમેશા હોય તેવી તીક્ષ્ણતા ગાયબ હતી બલકે રમૂજ ભળેલી વધુ લાગી આરતીને .

‘ તું ગમે તે કહે પણ છોકરી છે નસીબદાર મધુ …’ આરતી માસી ગંભીર થઈને બોલ્યા : તું નહીં માને પણ હજી અઠવાડિયા પહેલાં એ એવી તો નિરાશ થઇ ગયેલી….. આ ફિલ્મ એવી તો છે જ એવી ગંજાવર કે એની સામે કોઈ પણ ફિલ્મ નાની જ લાગે પણ એનો હીરો વેણુ ને એની પત્ની શાલિની , શું લોકો છે !! ખરેખર ખાનદાન કહી શકાય એવા . શાલિનીએ પોતે જ આગળ પડીને પોતાના કોઈક પિતરાઈ ભાઈની ફિલ્મમાં રિયા માટે લોબિંગ કર્યું , ને આમ તો મેં તને કહેલું ને કે બધું ફાઈનલ જેવું જ છે. એક રીતે સારું થયું કે હવે એને તરત જ બીજી એક તક મળી ગઈ ….’

‘ એટલે રિયાને હિન્દી ફિલ્મ પણ મળી ગઈ ? એમ ? ‘ માધવીના અવાજમાં મોટો પ્રશ્નાર્થ અંકોડા ભરીને બેઠો હતો.

‘ હા , પણ હજી આગળ તો સાંભળ ….’ લાગી તો એમ રહ્યું હતું કે માસીને બધી માહિતી ફોન પર જ આપી દેવી હતી.

‘માસી , એક કામ કરો , થોડી વાત રૂબરૂ કરવા પણ તો બાકી રાખો !! બે દિવસમાં અહીં ગેલેરીમાં એક સ્પેનીશ આર્ટીસ્ટનું એક્ઝીબીશન છે. નવો આર્ટીસ્ટ છે , પહેલીવાર ઇન્ડિયા આવ્યો છે. એને મારી મદદ જોઈએ છે ને કામ ઘણું બાકી છે…’ માધવીએ વાત ટૂંકાવી .

‘હા , એ પણ ખરું … ચલ તો હવે મળીએ ત્યારે … ‘ આરતીએ ફોન મૂકી એક સંતોષનો શ્વાસ લીધો :એક વાત તો નક્કી હતી માધવીની નારાજગી ઓછી તો થઇ હતી પણ , આ માદીકરી વચ્ચેનું અંતર દિવસે દિવસે આમ જ ઘટતું રહે, એથી વિશેષ શું જોઈએ ?
######

‘ શમ્મી , યાદ છે ગયા વર્ષે આપણે થોડાં નવા ચહેરા માટે મહેનત કરેલી ? ‘ શમ્મીને સવારમાં આવેલા બોસના ફોને અચંબામાં નાખી દીધો .
બે ક્ષણ સુધી શમ્મી મૌન રહી યાદ કરતો રહ્યો કે વાત કોની હોય શકે !
‘અરે, મેં તને કહેલું કે આ રફ કટનો હીરો છે. ને પછી એને કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મ મળી ગયેલી ……’
રિયા નામ તો યાદ નહોતું પણ અનુપમાના નામથી તો માહિતગાર હતો છતાં માધવન જાણી જોઇને અવાજમાં બેફિકરાઈ છતી થાય તેમ બોલ્યો હતો.
‘જી સર, રિયા …. મહેર લાવી હતી એ આર્ટીસ્ટ ….’ શમ્મીની કમ્પ્યુટર મેમરી વિષે માધવન અજાણ નહોતો .
‘હા, હા , એ જ , હવે શું છે ? મને લાગે છે કે એ જ છોકરી આ લવસ્ટોરી 2080ની હિરોઈન છે , રાઈટ ?’
‘ જી સર …’ શમ્મી ટૂંકો જવાબ વાળી ચૂપ થઇ ગયો.
‘શમ્મી , ફરી અપ્રોચ કરો એને., મને લાગે છે કે આપણને ભલે એ ત્યારે પસંદ આવી હતી પણ હવે તો એની સાથે એક હિટ આપવાનું લેબલ પણ કામ લાગશે !!
શમ્મીએ બોસની વાત સાંભળીને ફોન તો મૂક્યો પણ પહેલો વિચાર ફરક્યો : સાઉથની મલ્ટી લેન્ગવેજ કરીને હવે તો એ છોકરીના મગજમાં સ્ટારડમની હવા ઘૂસી ગઈ હશે ને , હવે એ આપણી લો બજેટ ફિલ્મ માટે હા થોડી પાડવાની ?
#####

‘ને આ તારી પસંદની ફિરની અને આ પણ …..’ ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયેલી રિયાની પ્લેટમાં માધવીએ હસીને આલૂ ટીકી મૂકી .

‘ઓહ વાઉ ‘ કહીને રિયાએ બોલ તો હાથમાં લીધો પણ તેમાંથી ચમચી પર માત્ર નામની ફિરની લઇ ચાખી ને બોલ બાજુ પર મૂકી દીધો .

‘ને આ ટીકી …. ‘ રિયાએ એક નજરે પોતાની અતિશય ભાવતી વાનગીને હાથમાં લઈને જોઈ, પછી એ નાક સુધી લઇ ગઈ. એક ઊંડો શ્વાસ લીધો જાણે એ નાકથી ટીકીની લિજ્જત લેતી હોય ને નીચે મૂકી દીધી : ઓહ નો મમ , તમારે મને ફરી પાછી પહેલા જેવી બટાટું બનાવી દેવી છે ? ‘ રિયાએ હસીને ટીકી કાઢીને ફરી સર્વિંગ પ્લેટમાં મૂકી દીધી .

‘ વાહ, શું વાત છે ? ક્યારથી શીખી આવો ડાયેટ કંટ્રોલ ? ‘ માધવી હસી ને હેરતથી આરતી માસી સામે જોતી રહી ગઈ.

‘ આને કહેવાય સેલ્ફ કંટ્રોલ મમ … ‘

‘હા, એ તો મને પણ ખબર છે પણ આ બધું શિખવ્યું કોણે ? મેં તો કોઈ દિવસ તને આમ જોઈ નથી !!’ રિયાની બદલાયેલી વર્તણુંક માધવીને સાચે જ હેરત પમાડી રહી હતી.
ક્યાં બે હાથે મિઠાઈ , ફરસાણ પર મારો રાખતી રિયા ને આ રિયા !! જાણે બે અલગ જ વ્યક્તિઓ !

‘મમ , હું એક બૂક વાંચતી હતી એમાં કોઈકે કહ્યું હતું એ મને બહુ સ્પર્શી ગયું કે ગમતી વસ્તુઓ છોડી દેવાથી છોડી દીધી એવું થોડું છે ?’ રિયા સ્મિત કરીને બોલી
: ટીકી ને ફિરની પેટમાં ન ગયા પણ આંખ ને નાક વાટે તો મનને મળ્યા ને !!

માધવી અવાચક થઈને રિયાનું લોજીક સાંભળતી રહી ગઈ. આ રિયા જ હતી ? એનું સ્મિત સુધ્ધાં મોહક બની રહ્યું હતું . રિયાની બોલવા , ચાલવાથી લઇ આંખોથી વાત કરવાની ભાષામાં નવું પરિમાણ ઉમેરાયું હતું .
માધવી ઘડીમાં રિયાની વાત સાંભળતી ને ઘડીમાં આરતી માસી સામે જોતી રહી ગઈ . આરતીમાસીને તો આ બધાની કોઈ નવાઈ ન લાગી હોય તેમ મરક મરક હસીને જમતાં રહ્યા , જાણે માધવીના મનમાં જન્મેલા સંશયને અકબંધ રાખવો હોય તેમ, માધવીના મનમાં એક જ પ્રશ્ન ઉઠતો રહ્યો : આખરે રિયામાં આવેલા આ પરિવર્તનનું કારણ કોણ હતું ? આરતી માસી ? કે પછી આ નવી નવી દોસ્ત બનેલી સફળતા ?

જો કે રિયાના વ્યવહારથી માધવી જેટલી ચકિત થઇ હતી એવું જ કંઇક રિયાના પક્ષે પણ હતું . મમ્મીના વ્યવહારે પણ રિયાને એવી જ ઉલઝનમાં નાખી હતી.
રિયા ને માસી ઘરે આવ્યા ત્યારથી માધવીએ કોઈ કચાશ પોતાના વ્યવહારમાં વર્તી નહોતી .
રીસીવ કરવા માધવી પોતે એરપોર્ટ પર આવી છે એ જાણ્યા પછી તો આરતી ને રિયા બંને ક્ષણભર તો અવાચક રહી ગયા હતા. બાકી હતું તેમ કદીય પગ વાળીને ન બેસનાર માધવીએ ગેલેરી પર જવાને બદલે બે દિવસ ઘરે જ વિતાવવાનું નક્કી કરી રાખ્યું હતું .

માધવીના મનમાં વિચાર તો ફરક્યો હતો કે પોતાના આ વર્તન ને ક્યાંક રિયા એની સફળતા સાથે ન જોડી દે. પણ, મન ન માન્યું એનું કારણ એક બીજું પણ હતું . એ હતી મનમાં ઊંડે ઊંડે આકાર લેતી આશંકા, એકવાર સફળ થયા પછી રિયા કોઈના કહ્યામાં રહેવાની નહીં એવા સંજોગોમાં કાલ તો કોણે દીઠી છે ? રાજા તો હવે પ્રભાત ફિલ્મોનો સર્વેસર્વા હતો અને આર. સેતુમાધવન નામ જ એવું મોટું હતું કે કોઈને પણ એના બેનરની ફિલ્મોમાં કામ કરવાનો મોહ હોય સ્વાભાવિક છે. કાલે ઉઠીને ક્યાંક રિયા એની સાથે ….. માધવીને વિચારીને પણ ડર લાગ્યો હોય તેમ એને આંખો બંધ કરી દીધી .
રિયા ભવિષ્યમાં માધવન સાથે ફિલ્મ કરે તો ? એ વિચાર માત્ર માધવીને ધ્રુજાવી ગયો. એ માણસ પોતાના વિષે રિયાના કાનમાં ઝેર ભરવામાં કોઈ કચાશ નહીં વર્તે એ પણ નક્કી ….

‘મધુ , તને થઇ શું ગયું છે ? વારે વારે ક્યાં ખોવાઈ જાય છે ?’ માસીએ માધવીના મનમાં ચાલી રહેલા તુમુલ દ્વંદ્વને નહોતું પારખ્યું એમ તો નહીં પણ એ વિષે ચર્ચા કરવી યોગ્ય નહોતી સમજી .

માધવી થોડીવાર તો માસીને જોતી રહી , પોતાને પજવી રહેલી વાત કરવી કે ન કરવી ?
આખરે દિલ ન જ માન્યું , માસીને કહીશ તો હળવાશ તો નક્કી લાગશે એવું વિચારીને માધવીએ દિલ ખોલી જ નાખ્યું: ‘માસી , જુઓ તમને તો ખબર છે કે મારી ગેલેરીમાં અત્યારે શું ચાલે છે , છતાં હું ઘરે રહી છું કે રિયાના મનમાં લગીરે ઓછું ન આવે … ‘

બે દિવસ દરમિયાન માદીકરી વચ્ચે તાર તો સંધાય રહ્યા હતા પણ રિયાનું વર્તન ક્યારેક માધવીને અચરજ પમાડી જતું હતું .
‘માસી , તમને નથી લાગતું કે એ મારી તમામ વાતના જવાબ કેવાં ઉષ્માવિહીન રીતે આપે છે …, હજી પણ તમને મારો જ વાંક લાગે છે ? ‘ મનમાં ચાલી રહેલી ગડમથલ માસીને કહી જ દેવાથી થોડી હળવાશ તો જરૂર અનુભવાતી રહી.

‘ મધુ , સાચી વાત છે , હું એ જોઈ જ રહી છું. તને શું એમ લાગે છે કે આ વાતો મારા ધ્યાન બહાર છે ?’ માધવીને સારું લાગ્યું કે ચાલો માસીને પણ આખી વાત સમજાઈ તો રહી છે.

‘પણ મધુ , દરેક વાતને થોડો સમય તો આપવો પડે ને !! માન્યું કે તું દિલથી આ બધું જ કરે છે પણ તું એ ન ભૂલ કે નાનપણથી એના દિલમાં જામેલી કડવાશ ધોવાતાં થોડો સમય તો લાગે જ ને !! ‘

આરતીએ વાત સિફતથી ઉડાવી દીધી પણ સ્મરણ થઇ આવ્યું આગલી રાતે રિયાએ કરેલા પ્રશ્નનું .
‘નાની , તમે શું માનો છો ? માણસની સફળતા ગમે એવા સમીકરણો બદલી કાઢે ?ને ધારો કે એ પછી ન ટકે તો ફરી ?? ‘ રિયા સીધું તો નહોતું કહી શકી પણ આરતીને સમજતાં વાર નહોતી લાગી કે રિયાને માધવીના સારા વ્યવહારનો પણ ડર લાગી રહ્યો છે.
એક સફળ ફિલ્મ આપવાથી થયેલી વાહ વાહની ચાંદની ક્યાંક ફરી અદ્રશ્ય ન થઇ જાય.

‘માસી , શું વિચારમાં પડી ગયા ? ‘ માધવીએ આરતીના મનમાં ચાલી રહેલી વાત જાણવી હોય તેમ પૂછ્યું .

‘ના , એ જ , બીજું શું ? સમય સમયનું કામ કરશે મધુ , આ વિષે બહુ વિચારવું છોડી દે. બલકે હું તો કહું છું , કોઈ વાત વિષે વિચાર્યા કરવાને બદલે આ ઘડીને માણતાં શીખ ‘ આરતીએ પોતાની વાત માધવી ધ્યાનથી સાંભળી રહી છે તેની ખાતરી કરી લીધી : તને હમેશ એ જ ચિંતા રહેતી હતી ને કે બંને દીકરીઓને તું મોટી કેમ કરીને કરીશ? ક્યારેય સ્વપ્ને પણ એવી કલ્પના હતી કે બંને દીકરીઓ તને ગૌરવ અપાવે તેવા રસ્તે ચાલી નીકળશે ? માસીએ બાજુમાં બેઠેલી માધવીનો હાથ લઈને ચૂમી લીધો ને વાળ પર હાથ પસવાર્યો : જયારે જયારે હું આનંદમાં જોઉં છું ત્યારે મને મારી આરુષિ જ યાદ આવી જાય છે. મેં એને આપેલા વચનને નિષ્ઠાપૂર્વક પાળવાનો પ્રયત્ન કર્યો છે , કદાચ ક્યાંક ઉણી ઉતારી હોઉં તો …..’ આરતીનો સ્વર થોડો તરડાયો .

‘અરે ના માસી , પ્લીઝ , કેવી વાત લઈને બેસી ગયા ? તમે તો વચન આપ્યું ને દિલથી નિભાવ્યું , પણ મેં ? મેં પણ તો મમ્મી ડેડીને કહેલું કે હું મારી દીકરીઓને એવું શિક્ષણ આપીશ કે ડેડી એમના વ્યાજ પર ગર્વ મહેસૂસ કરે , તેની બદલે એક ને બનવું છે પેઈન્ટર ને બીજી તો ….માધવીની સ્વભાવગત કડવાશ ફરી રિયા સાથે ન ઘોળાય તે માટે સાવધાન થઇ જતા હોય તેમ આરતીએ માધવીના મોઢા આગળ હાથ ધરી દીધો .
‘મધુ , આગળ ન બોલીશ . જે નથી મળ્યું , નથી થયું એના અફસોસમાં જિંદગી વિતાવી દેવાને બદલે જે મળ્યું છે એ માણતાં શીખ , એને માટે ભગવાનને થેંક યુ કહેતા શીખ….ક્યારેક તને સમજાશે કે દુનિયામાં એવા અભાગિયા પણ હોય છે જેમની પાટી પર તો જિંદગીએ જમાનું ખાનું જ નથી રાખ્યું હોતું, છતાં એ લોકો જીવે છે. પ્રેમથી , આનંદથી .. કદાચ કોઈને લાગે કે એ લોકો બીજા ને માટે જીવે છે પણ સાચું કહું , ખરેખર તો એ બહાનું તેમની જિંદગી જીવવા જેવી બનાવતું હોય છે , બાકી તો ……’ આરતીને બોલતાં બોલતાં હાંફ ચઢી આવી.
માધવી એમને વિસ્ફારિત આંખોથી તાકી રહી છે તેનો ખ્યાલ આવતા જ આરતીએ પોતાની જાતને સંભાળી લેવી પડી.

‘ અરે , આ બધી વાતમાં તમને પૂછવાનું તો ભૂલી જ ગઈ !! ક્યાં છે રિયા ? સવારથી દેખાતી નથી ….’ માધવીએ હાથે રહીને રિયાની વાત ઉખેળી , માસીના મનને ખુશ કરવા રિયા સહુથી મોટું કારણ હતી ને !
‘ એ કોઈને મળવા જવાની હતી એવું તો કંઇક કહેતી હતી. આવતી જ હશે , ક્યારની ગઈ છે……’ આરતી માસીએ જવાબ આપ્યો . માધવીનું અનુમાન સચોટ હતું . માસીનો જીવ આખરે રિયા હતી, એની વાત શું નીકળી એમનો કચવાટ અલોપ થઇ ગયો હતો.

આરતીના કચવાટને જવા મોકલો માર્ગ મળ્યો પણ એ સાથે જ માધવીના મનમાં ચાલી રહેલી ગડમથલને બેસણું મળ્યું : ક્યાંક રિયા માધવન સાથે તો નહીં મળવાની હોય ને !! ભવિષ્યમાં એ ભૂલેચૂકે એ ભૂલ ન થાય એ માટે પોતે કંઈ કરે એ કરતા આરતીમાસી પર આ જવાબદારી નાખી દેવાથી કામ માખણમાં છરી ફેરવવા જેવું આસાન થઇ જાય.
‘માસી , એક વાત તમને કરવી હતી …’ માધવીએ પૂર્વભૂમિકા બાંધી ને અચાનક જ આરતી માસીને યાદ આવી તેમની દવાની .
‘મધુ , એક જ મિનીટ , હું મારી ખદીરાવટી લઇ આવું , કાલે રાત્રે મારે આઈસક્રીમ નહોતું ખાવું જોઈતું . ગળું આવી ગયું લાગે છે. ‘ આરતી ઉઠીને પોતાના રૂમમાં ગાઈને ડોરબેલ રણકી .
શકુએ બારણું ખોલ્યું ને વાવાઝોડાની જેમ રિયા ધસી આવી.

‘ નાનીમા, નાની ……. ક્યાં ગયા ? લિવિંગ રૂમમાં બેઠેલી માધવી રિયાને જોઈ રહી. ખુશખુશાલ ચહેરે રિયાને કોઈ વધામણી ખાવી હતી.

‘ નાની અંદર એમની દવા લેવા ગયા છે પણ વાત શું છે , બોલ તો ખરી …..’

‘અરે , નાની ને તો આવવા દો , પહેલા તો નાનીને કહીશ ને !! ‘ રિયાના અવાજમાં ઉત્સાહ સમાતો નહોતો પણ માધવીને એ વાત ચાબૂકની જેમ વાગી . રિયા માટે નાની જ સર્વસ્વ હતા ? પોતે કંઇ જ નહીં ?

માધવીએ ચહેરા પર તરી આવેલી ભોંટપ સંતાડવાનો પ્રયાસ પણ ન કરવો પડ્યો . રિયાએ મમ્મીનો ઓછ્પાઈ ગયેલો ચહેરો જોયો જ ક્યાં હતો ?

એટલીવારમાં તો હાથમાં વટીની શીશી લઈને આરતીમાસી બહાર આવતા દેખાયા .

‘નાની , નાની …..’ રિયા જઈને આરતીને વળગી પડી.

‘હા, મને ખબર છે. ફિલ્મનું નક્કી થયું હશે એમ જ ને ! પણ એ તો ખબર જ હતી ને ! વેણુકુમાર ને શાલિનીએ પણ કહ્યું હતું ને !! ‘ આરતી એવી રીતે બોલી રહી હતી જાણે રિયાની રજેરજ વાત જાણતી હોય.

‘ના નાની, એ વાત નથી ….. આ તો એનાથી વધુ મોટી ખુશખબર છે !!’ રિયા હજી નાનીને બાથ ભરીને ઉભી હતી.

‘હવે મને છોડ ને તું બેસ, શાંતિથી કહે આખી વાત …’ માધવીની બાજુમાં આરતીએ સોફા પર જમાવ્યું ને રિયા ને સામે બેસવાનો ઈશારો કર્યો છતાં એ તો ઉભી જ રહી. એના પગ જાણે જમીન પર ટકતાં નહોતા .

‘નાની , તમને ત્યાં સુધી તો ખબર છે ને કે કુમારન મને એમની ફિલ્મમાં લેવા તૈયાર હતા….? ‘

‘હા, એ વાત મેં તારી મમને પણ કહી હતી. હવે આગળ શું ?’ આરતીએ માધવી સામે જોયું .

‘ નાની ,મમ … કુમારન તો નાની , નોન કમર્શિયલ ફિલ્મો માટે જાણીતા છે પણ એમને આ વખતે કમર્શિયલ ફિલ્મ માટે કોઈક ફાઈનાન્સરે સામેથી અપ્રોચ કર્યો છે., એટલે હવે આ ફિલ્મ નાની , લો બજેટની નહીં પણ ફૂલફ્લેજ્ડ કમર્શિયલ ફિલ્મ હશે ….’

‘એમ ? એ તો સરસ વાત છે !! ‘ આરતી માસીની નજર માધવીના ચહેરા પર સ્થિર હતી. ન જાણે માધવી આખી આ વાત સાંભળીને ઠરી ગઈ હોય તેમ ચૂપચાપ સાંભળી રહી હતી.

‘મધુ ! છે ને આ તારું લાખેણું માણેક ? ‘ માસી હસીને બોલ્યા , ક્યાંક મધુ પોતાની જાતને રિયાથી દૂર ન કરી બેસે .

‘એ તો બધું ઠીક ! પણ રિયા , આ નવો ફાઈનાન્સર છે કોણ ? ‘ માધવીએ બીજી કોઈ વાત કરવાને બદલે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે આરતીને ખ્યાલ આવ્યો કે માધવીના દિલમાં દહેશત ઘર કરી રહી છે : ક્યાંક પેલો ફરેબી હવે બાપ બનતો ન આવી ચઢે !!

ક્રમશ:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s