Being Indian, Bela ke phool, Opinion

ઓ ગો બિદેશીની …

tagore.jpg
“आमि चीनी गो चीनी, तोमार ए ओ गो बिदेशिनी, तूमी थाको सिंधु पारे, ओ गो बिदेशिनी”

આમિ ચીની ગો ચીની , તોમર એ ઓ ગો બિદેશિની , તૂમી થાકો સિંધુ પરે , ઓ ગો બિદેશીની …

સમુદ્રપાર રહેનાર ઓ વિદેશીની , તને હું જાણું છું…
આ ગીત તો છે સત્યજિત રેની ચારુલતા ફિલ્મનું ,પણ એ પાછળની કહાણી બહુ ઓછા લોકો જાણે છે.

રવીન્દ્રનાથ ટાગોરનું આ ગીત મૂળ લખાયેલું હતું તેમની અંતરંગ મિત્ર માટે . એમ મનાય છે કે કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આર્જેન્ટીનાની રહેવાસી , લેખિકા એવી પોતાની વિદુષી મિત્ર વિક્ટોરિયા ઓકામ્પોને ઉદ્દેશીને આ ગીત લખ્યું હતું. જે સત્યજિત રેએ પાછળથી પોતાની ફિલ્મ ચારુલતામાં લીધું હતું .
આજે સદીઓ પુરાણી આ પ્રેમકહાની ફરી તાજી થઇ રહી છે એની પાછળ કારણ છે બની રહેલી ફિલ્મ . જે આધારિત છે ઠાકુર ને બિદેશીનીના કહેવાતા પ્રણય પર.

આર્જેન્ટીનાના જાણીતા ફિલ્મમેકર પાબ્લો સીઝર એક આંતરાષ્ટ્રીય લવ સ્ટોરીની તલાશમાં હતા અને એમને મળી આ સ્ક્રીપ્ટ. જેની પર એ લગભગ સાત વર્ષથી મહેનત કરી રહ્યા છે. જે ટાગોર ને વિક્ટોરિયાના પ્રેમ પર આધારિત હશે. આ ફિલ્મમેકર સીઝર છે કોણ અને શા માટે આ જ વિષય પર ફિલ્મ બનાવવા માંગે છે એ જાણવાની કુતુહુલતા સહેજે થાય.

સીઝર પોતે શાંતિનિકેતનની શિક્ષણપ્રણાલીના ચાહક રહ્યા છે. બાકી હોય તેમ વિક્ટોરિયા ઓકામ્પો આર્જેન્ટીનાના સાહિત્ય જગતમાં મોટું નામ આજે પણ ધરાવે છે એટલે પણ રસ પડ્યો હતો આ વાર્તામાં , પરંતુ સહુથી મોટું ઘટક છે પ્રેમકહાનીનું આગવું તત્વ. જેને પ્લેટોનિક લવ કહેછે તે અશરીરી પ્રેમની આખી આ વાત છે.

શાંતિનિકેતનમાં શરુ થનાર ફિલ્મ શૂટિંગ આ મહિનાથી શરુ થઇ રહ્યું છે , ફિલ્મનો થોડો ભાગ આર્જેન્ટીનામાં પણ શૂટ થશે.

આ નોખી લવસ્ટોરીની વાત એવી છે કે ટાગોર અને વિક્ટોરિયા બંને સાહિત્યપ્રેમી હતા, અતિશય વિચક્ષણ બુદ્ધિપ્રતિભાવાળા સર્જક , પણ જિંદગીના જે મકામ પર એ બંને મળ્યા ત્યારે ટાગોરની ઉંમર હતી 63 અને વિક્ટોરિયા હતી 30ની.

ખરેખર આ વિદેશીની અને કવિવર વચ્ચે શું સંબંધ હતો એ વાતો તો ફિલ્મ થોડી પોએટીક લીબર્ટી લઈને કહેશે પણ વાત જેવી પ્રચલિત છે સાવ તેવી પણ નથી.
આ બે પાત્રો પર એક પુસ્તક લખાયું છે ઇન યોર બ્લોસ્મિંગ ફ્લાવર ગાર્ડન એમાં આવી ઘણી નાની નાની રોચક વિગતોનો ઉલ્લેખ થયો છે.
એમ કહેવાય છે કે ફિલ્મ મોટાભાગે ડોક્યુમેન્ટ્સ ને ડાયરીના સ્મરણો પર જવાયેલી તવારીખ પર આધારિત રહેશે , પણ રીલ અને રીયલ દુનિયા વચ્ચેનું અંતર સહુ કોઈ સમજી શકે છે .
આ સમયગાળો ધ્યાનમાં લેવાય તો ટાગોરને સાહિત્ય માટેનું નોબેલ પ્રાઈઝ મળ્યું 1913માં , તે સાથે જ તેમની ખ્યાતિ ચારેબાજુ પથરાઈ ગઈ હતી. નામ વિશ્વવિખ્યાત થઇ ચૂક્યું હતું. એમની ગણના ગોતે અને વિક્ટર હ્યુગો જેવા સર્જકો સાથે થતી રહી હતી. એવી દોમ દોમ પ્રસિદ્ધિમાં ઝૂમતા ટાગોર બ્યુનોસઅરીઝ ગયા હતા .
સાલ હતી 1924ની. સાઉથ અમેરિકાના સાહિત્ય અને કળા સર્જક જૂથમાં એમનું નામ જાણીતું હતું, અને ત્યાં આર્જેન્ટીનામાં મેળાપ થયો આ વિદેશીની એટલે કે વિક્ટોરિયા ઓકોમ્પનો.
સમય હતો વર્ષના અંત ને આરંભનો.. 1924 ડિસેમ્બર અને 1925 જાન્યુઆરી. કવિવર થાક્યા હતા લાંબી સફરથી. તબિયત પણ અતિશય નાદુરસ્ત હતી. એમની સંભાળ લઇ રહ્યા હતા એમના એક અંગ્રેજી સાહિત્યકાર મિત્ર, એ તેમની બધીરીતે સારસંભાળ રાખી રહ્યા હતા, શારીરિક અને આર્થિક પણ . એવે સમયે મુલાકાત થઇ આ વિદુષીની. એ વિષે જાણનાર લોકો કહે છે કે વિક્ટોરિયામાં એક નહીં અનેક ખૂબીઓ હતી. એક તો એ બુદ્ધિશાળી મહિલા તો હતી જ એને ગીતાંજલિનો ફ્રેંચ અનુવાદ વાંચીને અભિભૂત થઇ ચૂકી હતી અને સાથે સાથે અસાધારણ સુંદરી હતી. એટલું જ નહીં અતિશય શ્રીમંત પણ હતી.

ગીતાંજલિ વાંચ્યા પછી અહોભાવ તો હતો જ ને ખબર પડી કે નાદુરસ્ત તબિયત સાથે ટાગોર પોતાના મિત્ર સાથે હોટેલમાં રોકાયા છે , એટલે વિક્ટોરિયા એમને પોતાને ત્યાં લઇ ગઈ. ઘર કોઈ મહેલથી કમ નહોતું . વિક્ટોરિયાએ માત્ર ટાગોરને જ નહીં એમના મિત્રને પણ આમન્ત્ર્યા હતા. પણ, એ સાહિત્યકાર મિત્રને વિક્ટોરિયાની મહેલ જેવી વિલા અને ટાગોર માટેની અસાધારણ પઝેસીવનેસે પજવી નાખ્યા , એટલે એમને ત્યાંથી ખસી જવાનું પસંદ કર્યું.
પણ, આ આખી વાત એમને જાહેરમાં લખી નાખી અને એટલે ત્યાંથી ચર્ચા શરુ થઇ આ કહેવાતી લવસ્ટોરીની.જે મિત્ર ટાગોરને મૂકીને ખસી ગયા એને તો આ અંગે ઘણાં આક્ષેપો મૂક્યા હતા. એમને લાગ્યું કે વિક્ટોરિયાની રળિયામણી વિલા ઘર નથી બલકે પાગલખાનું છે જેમાં ટાગોર કેદ છે.

જો કે આ વાત કેટલી સાચી એ તો ક્યારેય પૂરવાર ન થઇ શકી કારણ કે વિક્ટોરિયાની આત્મકથા લખનાર લેખક તો કોઈ બીજી જ વાત કરે છે. એ પ્રમાણે તો જયારે ટાગોર વિક્ટોરિયાના ઘરે રહેતા હતા ત્યારે એ ન તો ટાગોર ના પ્રેમમાં હતી ન કે એના પ્રિય એવા એક જર્મન જમીનદાર લેખકના , એ તો એક વકીલના પ્રેમમાં ગળાડૂબ હતી. વિક્ટોરિયાની નબળાઈ હતી બૌધિકો વચ્ચે મહાલવું એટલે ટાગોરની જેમ તે વખતે એક નામી જર્મન જમીનદાર જે ખૂબ સારો લેખક હતો તે અને એ ઉપરાંત અન્ય એક લેખક સાથે પણ એવી જ ઘનિષ્ટતા ધરાવતી હતી. વિક્ટોરિયા માટે આવા વિદ્વાનોની કંપની એક વળગણ હતી જેને ટાગોરસહિત ઘણાં પ્રેમ સમજી બેઠા હતા.

હા, એ વાત જૂદી હતી કે ટાગોર વિક્ટોરિયાના અહોભાવને પ્રેમ માની બેઠા હોય. રવીન્દ્રનાથ ટાગોરના આત્મવૃતાંતના લેખક આ વાત વારંવાર ટાંકતા રહ્યા છે. એ વાત સ્પષ્ટ હતી કે ટાગોરને વિક્ટોરિયાની કંપની બહુ ગમતી હતી. કદાચ એટલે જ એમને વિક્ટોરિયાને નામ આપ્યું હતું વિદ્યા ,અને એની પર એક કાવ્યસંગ્રહ કર્યો હતો , પૂરબી , જેમાં લગભગ બાવન જેટલી કવિતા વિદ્યાને અનુલક્ષીને લખી હતી.

એ વખતે ટાગોરની ઉંમર હતી 63 , એટલે કે વિક્ટોરિયાના પિતાની ઉંમર જેટલી . કવિતાના તત્વનું હાર્દ કવિવરના મનના કમાડ ભલે ખોલી નાખતું હોય પણ કહાની ત્યાં દફન થઇ ગઈ . એ પછી છ વર્ષે વિક્ટોરિયાના એક પેઇન્ટિંગ એક્ઝીબીશનમાં બંને સાથે જોવા મળ્યા તે , બસ પછી આગળ કોઈ સંદર્ભ મળતા નથી.
ટાગોર ભારત પાછા આવ્યા પછી એમની સાથે પત્રવ્યવહારથી જોડાયેલા રહ્યા હતા. એ પોતાની વિદેશીનીને વારંવાર ભારત આવવાનો અનુરોધ કરતા રહ્યા પણ …

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર શ્યામાપ્રસાદ ગાંગુલી ટાંકે છે તે પ્રમાણે ટાગોરનો એક કવિતા સંગ્રહ હતો વિદ્યા જે એમને પોતાની આ મિત્રને પણ 1926માં મોકલ્યો હતો તે તો ખરેખર એને માટે જ લખાયેલો હતો. વિક્ટોરિયા જેને ટાગોર બિદેશીની તરીકે ઉલ્લેખતાં એને વિદ્યા નામ પણ એમને જ આપ્યું હતું .એમ કહેવાય છે કે ટાગોર સાથે જોડાયેલા તમામ લોકો એક કે અનેકવાર ભારત આવી ગયા હતા પણ જેને ખાસ આમન્ત્રવા માંગતા હતા એ વિક્ટોરિયા ક્યારેય ભારત ન આવી , ટાગોર એમને આગ્રહ કરતાં રહ્યા છતાં પણ એ વિદેશીની ભારત ન આવી તે ન જ આવી.
ટાગોરે એ વિષે લખ્યું હતું
भुवन घुमिया शेषे, एसेछी तोमार देशे, आमि अतिथि तोमार द्वारे, ओ गो बिदेशिनी.
દુનિયા આખી ઘૂમી હું તારે દેશ આવ્યો છું , તારે દ્વારે ઉભો છું , ઓ વિદેશીની ….
પણ, વિક્ટોરિયા , ટાગોરની એ વિદેશીની ક્યારેય એમના આંગણે અતિથિ થવા ન આવી તે ન જ આવી.

છેલ્લે છેલ્લે :
જાને ક્યા ઢુંઢતી રહેતી હૈ આંખે મુઝ મેં
રાખ કે ઢેર મેં શોલા હૈ ન ચિંગારી હૈ

~કૈફી આઝમી

Advertisements

6 thoughts on “ઓ ગો બિદેશીની …”

 1. અદભુત. ખુબ સરસ રજુઆત. આભાર. – જુ.

  *– જુગલકીશોર. *
  –––––––––––––––––––––––
  Net–ગુર્જરી : https://jjkishor.wordpress.com/
  સંનિષ્ઠ કેળવણી : https://shikshandarshan.wordpress.com/
  વેબગુર્જરી : http://webgurjari.in/
  आयु-Digest : https://ayurjagat.wordpress.com/

  2016-02-01 13:54 GMT+05:30 Selfie :

  > Pinki Dalal posted: ” “आमि चीनी गो चीनी, तोमार ए ओ गो बिदेशिनी, तूमी थाको
  > सिंधु पारे, ओ गो बिदेशिनी” આમિ ચીની ગો ચીની , તોમર એ ઓ ગો બિદેશિની , તૂમી
  > થાકો સિંધુ પરે , ઓ ગો બિદેશીની … સમુદ્રપાર રહેનાર ઓ વિદેશીની , તને હું
  > જાણું છું… આ ગીત તો છે સત્યજિત રેની ચારુલતા ફિલ્મનુ”
  >

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s