Being Indian, Indian Summer, Opinion

મિશન રોટી બેંક

ધારો કે તમારે ઘરે પાર્ટીનું આયોજન થયું છે.

મહેમાનોની સંખ્યામાં પાંચ દસ વધુ ગણીને તમે એ પ્રમાણે ખાણીપીણીનો બંદોબસ્ત કર્યો છે.

દરેક આદર્શ યજમાન કરે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હોવાથી આવેલાં મહેમાનોની ગણતરી ઉપરાંત વધુ જોગવાઈ રાખી છે. હવે સમસ્યા ત્યાં જ છે. મહેમાનો ભલે નિર્ધારિત હોય પણ રાંધેલા ધાન વધે જ , એટલે મહેમાનો એક એક કરીને વિદાય લે ત્યારે એમને ટેક અવે જેવું સોહામણું નામ ધરી વધેલું ફૂડ પેક કરી આપવાનું મિશન ચાલે .

મહેમાનોઓને રસ પડે તે ખાણીપીણીની ચીજો તો ઉપડી જાય જેમ કે મિઠાઈ , ફરસાણ કે ડીઝર્ટ પણ રાંધ્યા ધાન રઝળે તેનું કરવું શું ?

એમાં પણ આખો જલસો પતે પછી મહેમાનોની સરભરા અને દિવસભર થાકીને ઠૂસ થઇ ગયેલી ગૃહિણીના માથે એક મહાઅભિયાન બાકી હોય , વધેલી રસોઈનું કરવું શું ? અને ત્યારે તો ખાસ કે એમાં પણ ઘરમાં જમ્બો સાઈઝનું ફ્રીજ ન હોય …

આ સમસ્યા તો કોઈ પણ ગૃહિણી કે યજમાનની હોય શકે પણ મુંબઈના ડબ્બાવાળાઓએ એનો પણ હલ શોધી કાઢ્યો છે. જેનાથી એક પંથ દો કાજવાળી વાત શક્ય બને. એક તો વધેલું ધાન ગટરભેગું થવાને બદલે કોઈકને મોઢે જાય. સાથે સાથે ગૃહિણીની ચિંતા પણ ઓછી થઇ જાય.
_R6H1954

જો પ્રશ્ન થતો હોય કે આ મુંબઈના ડબ્બાવાળા કોણ છે ? તો જાણવું જરૂરી છે કે એની ઓળખાણ કોઈને ન કરાવવાની હોય. થોડાં સમય પહેલા આવેલી ઈરફાન ખાનવાળી લંચબોક્સ ફિલ્મ જોઈ હોય તો એ છે આ ડબ્બાવાળા , જો કે ફિલ્મમાં કરે છે એવા છબરડા લાખે એક થાય છે.

મુંબઈની ખાસિયતનો એક અનન્ય ભાગ હોય તો એ છે મુંબઈના ડબ્બાવાળા . એમના વિના તમે મુંબઈનું ચિત્ર પૂરું ન કરી શકો. આ ડબ્બાવાળા એટલે પાંચ હજાર મહેનતકશ મરાઠી માણુસ, જે ટ્રેન અને સાઈકલ પર મુંબઈની ઓફિસોમાં લગભગ બે લાખ લોકોને ઘરનું જમણ પહોંચાડવાનું કામ કરે છે. એમને ન મુંબઈનો ધોધમાર વરસાદ નડે ,  ન તાપ તડકો , ન ટાઢ. એ લોકોની નિયમિતતા માટે ફોર્બ્સ મેગેઝીને સિકસ સિગ્મા રેટિંગ આપ્યું હતું .

કારણ છે તેમની વિતરણ વ્યવસ્થા . મુંબઈની ભૌગોલિક પરિસ્થિતિથી સહુ કોઈ જ્ઞાત છે. એક મગરમચ્છ જેવી લાંબી પૂંછ ધરાવતી નગરીમાં એક્વાર કામે નીકળ્યા પછી બપોરે જમવા કિક મારીને ઘરે ન પહોંચી જવાય. ઘરને ઓફિસ વચ્ચે અંતર હોય કલાક થી દોઢ કલાકનું , કોઈક પણ ઓફિસ જનાર માણસ માટે ટ્રેનમાં શ્વાસ ન લેવાય એવી ભીડમાં ધક્કા ખાતાં ખાતાં ટીફીન લઈને જવાની વાત અશક્ય છે .

ભીડની જ વાત શું કરવી ? આજથી સવાસો વર્ષ પહેલા ટ્રેનો ખાલીખમ દોડતી હશે ત્યારે પણ વહેલી સવારે સાથે ટિફિન લઈને કામધંધે લઇ જવાની વાત બનતી નહોતી લાગી ત્યારે 1890માં મહાદેવ બચ્ચે નામના એક ભાઈને લોકોને ઘરનું ખાવાનું મળે એટલે ડબ્બા સર્વિસ ચાલુ કરવાનો વિચાર આવ્યો હતો. એક નાનું અમસ્તું સંગઠન , જેમાં માત્ર 100 ટીફીન પહોંચાડતા. સમય સાથે વ્યાપ વધ્યો અને આજે સંખ્યા પહોંચી છે બે લાખ ટીફીન પર.

જોવાની ખૂબી તો એ છે કે આ આખી વ્યવ્સ્થા જે રીતે ગોઠવાઈ છે તે જાણે કે કોઈ મેનેજમેન્ટ માસ્ટરે રચી હોય એમ લાગે.

આખી આ પ્રક્રિયામાં એટલે કે પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી ટીફીન પહોંચાડવાની ક્રિયા કલર , નંબર ને કોડથી કરવામાં આવે છે. વિતરણ વ્યવસ્થા એટલી અનોખી છે કે એ માટે મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમની વિતરણ વ્યવસ્થાને સ્ટડી કરવા માટે સ્થાન અપાયું હતું. રોજના બે લાખ ડબ્બાની હેરફેર થાય તેમાં ભૂલનું પ્રમાણ એટલે કે એક નો ડબ્બો બીજાને મળવો , (લંચબોક્સ મૂવી ફરીવાર જોઈ લેજો ) એ 10 લાખે માત્ર 9 વાર બને છે.
ડબ્બાવાળાઓની આ ચોક્કસાઈભરી વિશેષતા વિષે વાંચીને પ્રિન્સ ચાર્લ્સ આ ડબ્બાવાળાની સેવાથી એટલા પ્રભાવિત થયા હતા કે 2005માં એ મુંબઈની મુલાકાતે આવ્યા ત્યારે એમના વિશલીસ્ટ પર હતી ડબ્બાવાળાની મુલાકાત. પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળાના અસોસિએશન સાથે આ હેરતભરી સિસ્ટમ સમજવાનો પ્રયાસ હતો પણ પછી થોડા જ સમયમાં પ્રિન્સ ચાર્લ્સ કમીલિયા પાર્કર સાથેના લગ્ન કરી રહ્યા હતા એમાં આ ડબ્બાવાળાઓને તેમાં આમન્ત્ર્યા પણ હતા. કહેવાની જરૂર છે કે આ શિવાજીના વંશજો બ્રિટનની વહુરાણી માટે શાલુ ( સેલું ) લઈને પહોંચ્યા હતા.dabawala-big.jpgdabbawala_0914-9

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પણ ડબ્બાવાલાની યુનિક વિતરણ વ્યવસ્થા પર ચેપ્ટર ભણાવાય છે. એ જાણીને વર્જિન એરલાઈન્સના રિચર્ડ બ્રેન્સન પણ આ ડબ્બાવાળાઓની મુલાકાત લેવાનું ચૂક્યા નથી. પણ આ તો થઇ જાણીતી વાતો. જે ડબ્બાવાળાઓ પોતાની સેવા માટે જગમશહૂર છે એ સેવાને હવે થોડા વર્ષોથી ઘસારો લાગી રહ્યો છે, એનું કારણ બીજું કંઈ નહીં પણ બદલાઈ રહેલો યુગ છે. પેઢી દર પેઢી ચાલતા રહેલા આ કામમાં નવી ભણેલી જનરેશનને રસ ન હોય સમજી શકાય એવી વાત છે.

અલબત્ત , આજકાલ આ ડબ્બાવાળાઓ બીજા એક કારણસર ન્યુઝમાં છે.

એ છે એમનું નવું મિશન રોટી બેંક .
આપણે સહુએ એ જ હશે કે જયારે જયારે કોઈ લગ્ન સમારંભમાં જઈએ કે પછી પાર્ટીમાં ત્યાં થતો ખાણીપીણીનો બગાડ આંખમાં કસર લાવી દે. પોતે પણ પ્લેટમાં ઠાંસી ઠાંસીને ભર્યું હોય પછી એમ જ બગાડ કરીને પ્લેટ બીનમાં મૂકતા અફસોસ પણ ભારે થાય. જો કે હવે સમજુ લોકો પ્લેટ ભરવાની ગુસ્તાખી કરતા નથી છતાં પાર્ટી કે લગ્નપ્રસંગે ખાવાનો બગાડ ન થાય એ શક્ય નથી.

ડબ્બાવાળાભાઈઓને એક નવતર આઈડિયા સુઝ્યો કે આ પ્રકારના શુભ પ્રસંગોમાં વધતું ખાવાનું જો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે તો કેવું ? અને એ વિચાર સાથે શરુ થયું એક અભિયાન રોટી બેંક .

જે કામ એનજીઓ કે સામાજિક સંસ્થા કરે એવું કામ આ ડબ્બાવાળા ભાઈઓએ માથે ઉપાડી લીધું. ઘર , ઓફીસ કે પછી શુભ પ્રસંગોએ આવેલું ખાવાનું જો તમે એમને ફોન કરો તો એ લોકો આવીને ખાવાનું લઇ જઈ જરૂરિયાતમંદ સુધી પહોંચાડી દેશે .

આમ તો ડબ્બાવાળાઓ 125 વર્ષથી લોકોને ટીફીન પહોંચાડે છે પણ આ અનૂઠી સેવાથી વધુ લોકોને રાહત આપશે.

ઘણી બધી હોટેલ અને રેસ્ટોરન્ટ પણ વાસી ખાવાનું નથી રાખતા. ડબ્બાવાળાની આ યોજના સાથે ઘણીબધી હોટલ ને રેસ્ટોરાં તો જોડાયા છે પણ 30 જેટલાં કેટરર્સ અને વેડિંગ પ્લાનર્સ જોડાઈ ચુક્યા છે. મુંબઈ વાહતુક મંડળના નામ હેઠળ ચાલતી આ યોજનાને સામાન્ય લોકો દ્વારા પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. જેને પહોંચી વળવા અત્યારે તો 400 જેટલા ડબ્બાવાળાઓ સ્વૈછિક રીતે જોડાયા છે જેમને એક રીંગ કરવાથી રાતે જ ખાવાનું લઇ જાય છે.
આ પ્રયોગને હજી ગણતરીના દિવસ થયા છે પણ એને મળેલો પ્રતિસાદ જબરદસ્ત છે.

જો કોઈ મર્યાદા હોય તો તે છે ડબ્બાવાળા નેટવર્ક . આટલું ઉમદા કામ માત્ર ને માત્ર મુંબઈમાં થાય છે કારણકે ડબ્બાવાળા કલ્ચર માત્રને માત્ર મુંબઈમાં છે. એમને પોતાનું આ કામ અન્ય શહેરમાં શરુ થાય એવી ખ્વાહીશ તો છે પણ એ માટે એમની પાસે મેનપાવર કે નેટવર્ક નથી. જરૂરીયાતમંદ લોકોની ભૂખ ઠારતી યોજના હજી હમણાં જ શરુ થઇ છે ને એને રોજના સો સવાસો કોલ મળવા લાગ્યા છે. એમને બહારગામથી પણ હવે આ સેવા માટે કોલ આવે છે. એ માત્ર અન્ય સામાજિક સંસ્થાઓને અનુરોધ કરી શકે છે. બાકી વાત રહી મુંબઈની , ત્યાં તો આ સેવા જોરમાં ચાલી નીકળી છે.

મિશન રોટીબેંક , ભૂખની થાળીમાં ખુશી પીરસવાનો આ એક સામાન્ય અદના માણસનો પ્રયાસ કેટલો ઉમદા છે એ વિષે કંઈ કહેવાની જરૂર છે ખરી ?

છેલ્લે છેલ્લે : સાંઈ ઇતના દીજિયે , જામે કુટુંબ સમાય
મૈં ભી ભૂખા ના રહું , સાધુ ભૂખા ન જાય.

~કબીર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s