Being Indian, Mann Woman

આ આપણી હીરાકણીઓ !!

image

8 માર્ચ , આંતરરાષ્ટ્રીય મહિલા દિન. 

આ દિવસના ડીમડીમ ફેબ્રુઆરી મહિનો બેસે કે વાગવા શરુ થઇ જાય. એનું કારણ છે , માર્કેટિંગ વિશ્વ. જે પણ દિવસ , વાર તહેવાર , ઉત્સવ હાથે આવે કે એને રોકડા કરો , એ પછી ઉતરાણ હોય કે દિવાળી , અરે  વિદેશી હેલોવીન સાથે  લેવાદેવા નથી ને એ કાળી ચૌદશ જેવો વિદેશી તહેવાર આપણે ત્યાં  ઉજવાતો થઇ ગયો છે. 

એ જ લોજીક છે વિમેન્સ ડે નું , એ દિવસે અખબાર , ટીવી પર  બધું જ લેડીઝ સ્પેશીયલ  . 

અલબત્ત , એ વિષે કોઈ વાંધો વિરોધ કોઈને ન હોવો રહ્યો પણ બે વાત હમેશા ખટકે એવી એ હોય છે કે આ ડીમડીમમાં  સ્થાન મળે છે માત્રને માત્ર જાણીતી પ્રતિભાઓને  . જે લોકો મોઢામાં ચાંદીની ચમચી સાથે જન્મ્યા હોય તેવી સ્ત્રીઓને , એમને સારામાં સારું શિક્ષણ મળે , સારી સગવડ , તક બધું જ , એમાં એક ઉંચાઈ હાંસલ કરી તો શું ધાડ  મારી ?

પણ , એ સ્ત્રીઓનું શું જે કોઈક મકામ પર પોતાની મહેનત અને ધગશથી પહોંચી છે. 

એવી સ્ત્રીઓ હજારો છે જેમનું કામ બોલકું છે છતાં એમનું નામ ક્યારેય એ લોકો સુધી પહોંચતું નથી. આજે એવી  બેચાર નિષ્ઠાવાન પ્રતિભાઓની વાત કરવી જરૂરી લાગે છે. 

આપણે જયારે થ્રી ઈડિયટ્સમાં રાન્ચો ફન્સુક વાન્ગ્ડુંની સ્કુલ જોઇને આફરીન થઇ ગયા હતા પણ ખરેખર કોઈ એવી સ્કુલ ત્યાં ઉભી કરે તો ? એવો વિચાર પણ આવે ખરો ?

જે લોકો લેહ લદાખ ફરી આવ્યા હશે એમને ત્યાંની  ભૌગોલિક સ્થિતિ વિષે કહેવાની જરૂર નથી. વર્ષમાં છ થી આઠ મહિના માઈનસ 20 ડિગ્રી  ઠંડી અને વનરાજી વિનાનો સુક્કો પ્રદેશ  … અલબત્ત , એની સુંદરતા અલગ છે પણ ત્યાં જીવવું અતિશય દુષ્કર. છતાં ત્યાં જનજીવન છે , અને એ પણ એક કોચલામાં , ત્યાં સુધી નથી પહોંચતી આજની હવા. ન શિક્ષણ , ન વીજળી પાણી  … છતાં હવે એમને એક આશાની કિરણ દેખાઈ રહ્યું છે જેનું કારણ છે આપની આજની  નાયિકાઓમાંની એક એવી સુજાતા સાહુ. 

દરેક ટ્રેકર જાય એમ સુજાતા ગઈ હતી ટ્રેકિંગ માટે અને એવું કંઇક બન્યું કે એની જિંદગીની દશા ને દિશા બદલાઈ ગયા. થયું એવું કે સુજાતા ચાલી રહી હતી એકલી , આજુબાજુ પહાડોનું સામ્રાજ્ય અને સમ ખાવા પૂરતી પણ કોઈ જીવન નહીં . અચાનક એણે  બે સ્થાનિક સ્ત્રીઓને  જોઈ.  થોડી વાતચીત કરી તો ખબર પડી કે એ બે શિક્ષિકાઓ હતી. ચાલીને સૌથી નજીક એવા લેહ માટે નીકળી હતી.જ્યાં ચાલીને પહોંચતા લગભગ અડધો દિવસ લાગે છે કે નસીબદાર હોય તો બસ મળી જાય ને ચિક્કાર ભરેલી બસમાં લટકીને મુસાફરી કરે તો થોડાં કલાકમાં પહોંચી શકે. 

પણ  આ રીતે લેહ પહોંચવાનું પ્રયોજન શું ? સુજાતાના પ્રશ્નનો જે જવાબ મળ્યો એ જાણીને તો એ લગભગ ઠરી ગઈ. બંને શિક્ષિકા બહેનો એમના ગામની સ્કૂલના બાળકો માટે યુનિફોર્મ અને ભોજન માટે સીધુંસામાન મળે તે લેવા જઈ  રહી હતી. અલબત્ત , આ એમની ડ્યૂટીમાં આવતું કામ નહોતું  . પણ જો આ કામ કોઈ ન કરે તો શાળા જ બંધ થઇ જાય ને બાળકોનો અભ્યાસ  રઝળી પડે.

એ વાત જૂદી છે કે આપણે સ્માર્ટ  સિટીના સ્વપ્ન જોઈએ પણ  વીજળી , પાણી , શૌચાલય કે મોબાઈલ નેટવર્ક  જેવી કોઈ ચીજ ન હોય એવા આવા કેટલાય ગામ આજે આપણે ત્યાં છે. અને ત્યાં સ્કુલ , દવાખાનું જેવી પ્રાથમિક સેવાઓ ઉપલબ્ધ નથી. સુજાતાને વાતો દરમ્યાન ખ્યાલ આવ્યો કે આ બહેનોનું ગામ તો હજી નજીક કહેવાય એટલું થોડા કલાક દૂર હતું પણ ઘણા ગામ તો 14000થી  17000 ફૂટની ઉંચાઈ પર હતા  જ્યાં પહોંચવા માટે ત્રણ દિવસ ટ્રેકિંગ કરવું પડે. 

સુજાતા માટે ભણાવવાનું કામ નવું નહોતું , એ અમેરિકામાં ટેકનીશીયન રહી ચૂકી હતી. ઇન્ડિયા આવીને લવ ફોર ટીચિંગ એને એક સ્કૂલમાં જ ખેંચી ગયો હતો. પણ એ દિલ્હીની મોટી સ્કૂલ ને આ નાના ગામની નાનકડી સ્કૂલ જ્યાં ગણીને થોડા બાળકો આવતા પણ એક વાત હતી કે આ તમામ બાળકો અને એમનો પરિવાર શિક્ષણ માટે  હતો. એ વાતથી સુજાતાએ મનમાં નિશ્ચય કર્યો આ બાળકો માટે કામ કરવાનો. માઈનસ 15 ડિગ્રી ટેમ્પરેચરમાં એ ત્રણ દિવસ ટ્રેક કરીને જયારે 17000 ફૂટ ઉંચાઈએ આવેલા લિન્ગ્શેદ ગામ પહોંચ્યા ત્યારે બરફના ઢગ વચ્ચે બાળકો ચાર કલાકથી એમની રાહ જોઇને ઉભા હતા.વીસ  ખચ્ચર પર જેટલો બની શકે એટલો સામાન લાદીને એ લઇ ગઈ હતી.પુસ્તકો , કપડાં , રમત ગમતના સાધનો  … જોવાની ખૂબી એ હતી  કે આ બાળકો માટે પુસ્તકોમાં છપાયેલી માહિતી કોઈ અંતરીક્ષની વાત હોય તેવી અવનવી હતી. કારણકે એમને પોતાના ગામની બહારની દુનિયા જોઈ સુધ્ધાં નહોતી. 

બિલ્ડીંગ , ગાર્ડન , લીફ્ટ , સ્ટ્રીટ લાઈટ, ટીવી  , ટ્રેન  તો ઠીક એમને તો શાકભાજીના નામ  પણ ખબર નહોતા કારણ કે શાકભાજી જોયા હોય તો ખબર હોય ને ? આ પ્રદેશમાં કંદમૂળ ને ટામેટાં સિવાય કોઈ ચીજ જોઈ જ નહોતી. આ હતી પહેલી મંઝીલ , એ પછી તો સુજાતા શાહૂએ એક સંસ્થા સ્થાપી છે , જેનું નામ જ છે 17000 ફીટ , જે આ દુર્ગમ વિસ્તારોમાં બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે. એમાં જેને રસ હોય પોતપોતાની યથાશક્તિ મદદ કરીને જોડાઈ શકે છે. કોઈ માત્ર દાન આપીને જોડાય તો કોઈ સેવા આપવા તૈયાર થાય છે. 

સુજાતાએ એવું જબરદસ્ત કામ કર્યું છે પણ દુર્ભાગ્યે  એની નોંધ લેવાવી જોઈએ એવી લેવાઈ નથી. 

ગામ તૂટતાં જાય છે ને શહેરો પર ભારણ વધતું જાય છે એવી બૂમો મારનાર ગામડાં કેમ તૂટે છે એનો વિચાર જ કરતાં  નથી. જોવાની  ખૂબી તો એ છે કે જે સ્ત્રીઓ જેમની પાસે પૂરતું શિક્ષણ પણ નથી એ લોકો બહુ મોટું કામ કરી જાય છે.

એક એવો બીજો કિસ્સો છે એક આમ નારી સુશીલાદેવીનો. એ સુશીલા જેનું નામ ક્યાંય ચમકતું નથી પણ એના ગામમાં જઈને જુઓ તો ભલભલા ચકિત થઇ જાય. એવું તો શું કર્યું હશે સુશીલાએ  એવો પ્રશ્ન થાય. જો યાદ કરો તો છેલ્લા થોડાં સમયથી  શૌચાલયની રાજનીતિ બહુ થઇ. મંદિર બનવું જોઈએ કે શૌચાલય એવા વાદવિવાદ થતા રહ્યા. બીજી બાજુ વિદ્યા બાલન ટીવી પર આવી આવીને જાહેરખબર કરતી રહી કે શૌચાલય બનાવો શૌચાલય બનાવો  . 

એમાં પણ  ઉત્તરપ્રદેશ, હરિયાણા, બિહાર જેવાં રાજ્યોમાં બળાત્કારનો માહોલ ઊભો કરવા શૌચાલયની કમીએ બહુ મોટો ભાગ ભજવ્યો તે કારણ ખૂબ ચર્ચાયું. જો ઘરમાં જ શૌચાલય હોત તો આ બહેન દીકરીઓ હેવાનિયતનો શિકાર થવાથી બચી શકતે તેવી વાસ્તવિકતા પર પણ પ્રકાશ પડયો ત્યારે ખ્યાલ આવ્યો કે શહેરી, આધુનિક, સ્વતંત્ર, પગભર મહિલા જ પોતાના હક્ક માટે લડી શકે તેવું જરૂરી નથી. જરૂર પડે તો આ ગ્રામ્યનારી પણ પોતાના હક્ક માટે લડી શકે છે. ને આ લડાઈ શહેરી સ્ત્રીઓની લડાઈ કરતાં કંઈગણી વધુ મુશ્કેલ છે કારણ કે  ગામની બહેનોનો પનારો નખશિખ પરંપરાવાદી, રૂઢિચુસ્ત, જડ સમાજ અને તેનાં મૂલ્યો સામે અને સ્ત્રીને ઊતરતી જાતિ માનતાં જડભરત પુરુષો સાથે પડે છે. એ પછી તેમના પિતા, પતિ, ભાઈ, સસરા, જેઠ, દિયર કોઈ પણ હોઈ શકે. આ તમામ વિષમતા વચ્ચે  ઉદાહરણ બેસાડયું ઉત્તરપ્રદેશમાં લખનૌ પાસે આવેલા અહમદપુર ગામની બહેનોએ.  

એમના  ગામની વસ્તી ગણે તો કુલ ૮૨૫ વ્યક્તિઓની. તેમાં સ્ત્રી, પુરુષ, આબાલવૃદ્ધ બધાંનો સમાવેશ થઈ જાય. કુલ ઘરની સંખ્યા માત્ર ૧૨૫. આખા ગામમાં ૧૨૫ ઘરમાંથી માત્ર આઠ ઘર સુખી અને આધુનિક (?) કહી શકાય તેમ પોતીકા  શૌચાલયવાળાં. ઘરમાં બાથરૂમ અને ટોઇલેટ હોય તે વાત હજી યુ.પી. બિહારના ગામમાં ‘મલેચ્છવાળી’ લેખાય છે. એટલે આઠ ઘરના કુટુંબીજનોને છોડીને બાકીના તમામ ગામલોકોએ કુદરતી હાજતો માટે વનવગડા ને આંબાવાડિયાંનો જ ઉપયોગ કરવો પડે. વર્ષો સુધી ચાલતી રહેતી આ ‘પરંપરા’ આંબાવાડિયાના કોન્ટ્રાક્ટરોને કારણે તૂટી. કારણ એવું હતું કે કેરી ઉતારવાના ઠેકા અપાય પછી કોન્ટ્રાક્ટરો કેરી ન ચોરાય તે માટે ચોકીદારી-પહેરા ગોઠવતાં તેમાં પુરુષો તો ગમે તેમ કામ પતાવે પણ ગામની બહેનો શું કરે? ક્યાં જાય? 

આ બધી સમસ્યાને રડીને બેસી રહેવાને બદલે લડી લેવું જરૂરી હતું, પણ જોવાની ખૂબી તો એ હતી કે સમ ખાવા પૂરતો પણ એક મરદનો બચ્ચો આગળ ન આવ્યો. આગળ આવી ગામની એક આધેડ વયની મહિલા સુશીલા. ૫૦ વર્ષની સુશીલાએ ઘરે ઘરે જઈને પહેલાં તો બહેનોને વિશ્વાસમાં લેવાનું કામ કર્યું. અગવડ તો સૌને પડતી હતી પણ પહેલ કરે કોણ? એ ન્યાયે વાત અટકી પડી હતી એક, બે, પાંચ એમ કરીને સુશીલાએ પૂરી છત્રીસ બહેનોને સમજાવી એક ‘બહેનજી બ્રિગેડ’ તૈયાર કરી નાખી. હવે વાત હતી શૌચાલય માટે જમીન અને નિર્માણની. બહેનોએ ભેગાં થઈ ગામના સરપંચને વિનવણી કરી. સરપંચના બહેરાં કાન પર આ વાત પડી જ નહીં, હવે? 

આ બહેનોએ હાર ન માનવી એટલું નક્કી કરી રાખેલું. બહેનજી બ્રિગેડ ઊપડી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે. ડીએમના કાન તો સરપંચ જેવા જ બુઠ્ઠા નીકળ્યા. બહેનો ધક્કા ખાતી રહી. કોઈક વાર પગપાળા, ટ્રેક્ટરમાં, બળદગાડામાં… કાંઈ જ ન વળ્યું. ન શૌચાલય માટે જમીન ફાળવવામાં આવી , ન ફદિયાં. તેમાં વળી કહેવાતાં ‘મૂલ્યનિષ્ઠ’, પરંપરાવાદી ગામલોકોનો વિરોધ. આ તમામ અવરોધ હોવા છતાં સુશીલાદેવીએ હાર ન માની. આ બધા પ્રયાસો જોઈ રહેલાં સુશીલાદેવીના પતિએ જ આખરે પોતાની જમીનના ટુકડામાંથી ટુકડો ફાળવવો પડયો. એક એનજીઓ વાત્સલ્યે પણ મદદ કરી  . ત્રણ મહિનામાં જ આખો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો. જેમાં ચાર ટોઇલેટ્સ અને એક બાથરૂમનો સમાવેશ થતો હતો. સ્વાભાવિક છે કે જેણેેે આ આખા અભિયાનમાં પૈસા કે પરસેવો રેડયો હોય તે જ એનો ઉપયોગ કરી શકે, કારણ કે તમામ ગામલોકોની સમસ્યા માત્ર ચાર ટોઇલેટ્સથી એક બાથરૂમથી થોડી ઉકેલાઈ જાય? તે છતાં કુલ અઢાર પરિવાર આ શૌચાલયનો ઉપયોગ કરી શકે છે અને હવે રહી રહીને બાકીના ગામલોકોને પણ આ નિર્માણ પ્રેરણા આપી રહ્યું છે.

 એક કહાની બેંગ્લોરની યેલ્મ્માની પણ  છે. એ છે માત્ર 22 વર્ષની , 18 વર્ષે લગ્ન થઇ ગયા. પતિનું કામ હતું ફૂલ વેચવાનું ને નહીવત સમયમાં એ ગુજરી ગયો. ખોળામાં બે વર્ષનું બાળક ને ઘરમાં હાંલ્લા કુશ્તી કરે. દિયર રીક્ષા ચલાવતો હતો. યેલમ્મા એની પાસે રીક્ષા ચલાવતાં શીખી ને આજે હવે એ રીક્ષા ડ્રાઈવર છે. વાત ત્યાં પૂરી નથી થતી,  શરુ થાય છે. દિવસના નવસો હજાર કમાઈ લેતી આ છોકરી સવારના નવથી રાતના આઠ સુધી રીક્ષા ચલાવે છે પણ એ એને ગમતું કામ નથી. એને બનવું છે એને બનવું છે આઈએએસ ઓફિસર , સરકારી બાબુ બનવું છે , લોકોના ખાસ કરીને મહિલાઓ માટે કામ કરવું છે , એને માટે થઈને રોજ બાર કલાક રીક્ષા ચલાવ્યા પછી એ અભ્યાસ કરે છે. એને વિશ્વાસ છે કે એક દિવસ એની મહેનત રંગ લાવશે. 

આ તો માત્ર બે ત્રણ  દાખલારૂપ ઉદાહરણો છે સ્ત્રીશક્તિના. આવી કેટલીય પ્રતિભાઓ કામ કરે છે ને પ્રચાર માધ્યમોને એક નજર એમના કામ પર નાખી એને લોકોની  સુધી પહોંચાડવા જેવી વાત નથી લાગતી. 

કદાચ એટલે જ આ મહિલા દિન એક આમ માર્કેટિંગ ગીમિક થઈને રહી ગયો છે.

છેલ્લે છેલ્લે:

પરખ અગર કરની હૈ તો કભી અંધેરો મેં કરો.
વરના ધૂપ મેં તો કાંચ કે ટુકડે ભી ચમકા કરતે હૈ…

Advertisements

1 thought on “આ આપણી હીરાકણીઓ !!”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s