opinion

એક ભૂલાયેલો ચહેરો

ગુરુ દત્તની પ્યાસા જેવી ફિલ્મ આજની નવી પેઢીના વ્યૂઅર્સ માટે અનડાયટેજસ્ટેબલ લેખાય છે. જે વાત માત્ર કાલ્પનિક કહાની તરીકે ચાલી શકે તેવી , વાસ્તવિકતાથી જોજનો દૂર લાગતી કહાણી . પરંતુ વાસ્તવિકતા એ જ છે કે આવી વાર્તાઓ આજે પણ જીંદગીમાં બને છે છતાં એ લોકો સુધી પહોંચતી નથી.
બાકી એવું શક્ય બને કે ભદ્ર , સુશિક્ષિત , બૌધિક સમાજમાં કોઈ મહાન કલાકાર , લેખક , સાહિત્યકાર કે વિજ્ઞાની ગરીબી , મજબૂરી , હતાશાના દોરમાં મરવાને વાંકે જીવતાં જ મરી જાય ?

ન માનવામાં આવે પણ એવી એક નહીં અનેક કહાની આજે પણ જીવતી હોય છે ને એ પણ કોઈ ધમધમતાં શહેરના એક ખૂણે .
 

ફેબ્રુઆરી મહિનાનું મહત્વ હવે વેલેન્ટાઈન ડે પૂરતું જ સીમિત થઇ ગયું છે. અન્યથા વિશ્વ વિજ્ઞાની દિન પણ આ જ મહિનામાં આવે છે જેની નોંધ સુધ્ધાં લેવાતી નથી .આ વર્ષે એમ જ થયું પણ એમાં એક વાત બની . વિદેશી મીડિયાએ એક એવા ભારતીય વિજ્ઞાનીની વાત ઉજાગર કરી કે જે વિષે સરેરાશ ભારતીય નાગરિક જાણતા જ નહોતા.

જ્યાં વિજ્ઞાન ને વિજ્ઞાનીઓની વાત આવે એટલે સહુથી પહેલો ચહેરો કે નામ સ્મરણ પર ઝબકે એ છે આલ્બર્ટ આઈનસ્ટાઈનનું . સાપેક્ષતાના સિધ્ધાંત ઉપરાંત
જેને કારણે ત્રીજું વિશ્વયુદ્ધ જો થયું તો પૃથ્વી રસાતાળ જશે એવી ભયાનકતાથી વિશ્વ આખું જેના ખોફથી કંપે છે , એ અણુશસ્ત્રની ફોર્મ્યુલાનું મૂળભૂત સમીકરણના પ્રણેતા હોવા માટે પણ આ વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઇન સહુ કોઈને યાદ છે પણ ભાગ્યે જ કોઈ જાણે છે એક અદના ભારતીય ગણિતશાસ્ત્રીને , જેને આઈનસ્ટાઇનની થિયરી સામે પડકાર ફેંક્યો હતો અને એ હતી સહુથી સંહારક એવી માસ એનર્જી ઇકવીલન્સ થિયરીનું સમીકરણ E= MC2ને , અને એ હદે કે આજે અમેરિકાની નામાંકિત યુનિવર્સિટી માં આ સિધ્ધાંત આજે પણ ભણાવાય છે.

ફેબ્રુઆરીમાં વિશ્વ વિજ્ઞાન દિન આવે છે ત્યારે અચાનક આ ભારતીય વિજ્ઞાનીની યાદ વિદેશી મીડિયાને આવી ગઈ. જોવાની ખૂબી તો એ છે કે આપણાં પ્રચાર માધ્યમોને તો આવી કોઈ ખબર પણ નહોતી , જયારે વિદેશી મીડીયાએ આ ગુમનામીની ગર્તામાં ગૂમાયેલા વિજ્ઞાનીને યાદ કર્યા એટલે આપણે સફાળા જાગ્યા, પણ એ જાગૃતિ માત્ર એક દિવસ માટે રહી. ન તો એમને કોઈ મદદ મળી ને ન કોઈ માનપાન .
કોણ છે આ ગુમનામ પ્રતિભા ? એવો પ્રશ્ન થાય તો આંખ સામે આવે એક સામાન્ય વિજ્ઞાની જેવો પરિવેશ ધરાવતી કોઈ વ્યક્તિ. વિચારવંત , બૌધિકો પહેરે એવા સાદગીભર્યા વસ્ત્રો અને પુસ્તકો વચ્ચે ઘેરાયેલાં ઘરમાં વસતાં કોઈ વ્યક્તિ આંખ સામે તાદશ થાય , પણ આ વિજ્ઞાનીનો દેખાવ તદ્દન જુદો, જાણે મંદિરની બહાર ઉભેલાં દરિદ્રનારાયણ પૈકી એક, લઘરવઘર , મેલાઘેલાં કપડાં . પહેલી નજરે લાગે કે કોઈ માનસિકરીતે અસ્વસ્થ એવા ભિક્ષુક જ હશે. એ ભિક્ષુક તો નથી પણ માનસિકરીતે સ્વસ્થ પણ નથી.

કોણ છે આ વ્યક્તિ એ જાણવાનું મન જરૂર થાય પણ એમના નામનો સંદર્ભ તો નેટ સર્ચ કરવાથી પણ નથી મળતો .
આ વિજ્ઞાની એટલે બિહારના ભોજપુરના નિવાસી ડોક્ટર વશિષ્ઠ નારાયણ સિંહ. જે છેલ્લાં ચાળીસ વર્ષથી સ્કીઝોફ્રેનિયા નામની ગંભીર બીમારી સાથે લડી રહ્યા છે.
આ બીમારીના લક્ષણથી કોઈ અજાણ્યું હોય ન શકે , એટલે એક સમયના આ હોનહાર વિજ્ઞાની આજે અર્ધપાગલ અવસ્થામાં જીવન વિતાવી રહ્યા છે. પરિવારમાં એક ભાઈ છે, તેની આર્થિક પરિસ્થિતિ એવી નથી કે યોગ્ય ઉપચાર કરાવી શકે. સ્કીઝોફ્રેનિયા લાંબી , ખર્ચાળ અને કાયમી સારવાર માંગે એવી માનસિક બીમારી છે.

સામાન્યરીતે એવું મનાય છે કે જેને સમાજ જિનીયસ તરીકે ઓળખે છે તે લોકો મોટેભાગે તરંગી , અતરંગી , મૂડી કે પછી પાગલ લેખી શકાય એ કક્ષાના પણ હોય છે . પણ , આપણા આ વિજ્ઞાની તો એકદમ સામાન્ય હતા. એમનો જન્મ એકદમ ગરીબ પછાત કહી શકાય એવા પરિવારમાં થયેલો પણ એકનિષ્ઠાથી ભણ્યાં , એટલું જ નહીં શિક્ષણના વર્ષોમાં હમેશ ટોપર રહ્યા હતા. જે એમને ઓળખે છે તે લોકોના કહેવા પ્રમાણે 1965માં પ્રોફેસર વશિષ્ઠ પટનાની સાયન્સ કોલેજમાં ભણાવતાં હતા તે સમયે કેલીફોર્નિયા યુનિવર્સીટીના જ્હોન કેલી નામના પ્રોફેસરની નજરમાં આવ્યા. કેલીને લાગ્યું કે આવા હોનહાર વ્યક્તિને અહીં જોઈએ તેવી તક નહીં મળે એટલે એમને પોતાની સાથે અમેરિકા લઇ ગયા. 1969માં પ્રો. વશિષ્ઠ કેલીફોર્નિયા યુનિવર્સિટીમાંથી સાઈકલ વેક્ટર સ્પેસ થીયરી સાથે પીએચડી કરી વોશિંગટન યુનીવર્સીટીમાં અસોસિએટ પ્રોફેસર બની ગયા . આ દરમિયાન એમને અમેરિકાની પ્રસિદ્ધ સંસ્થા નાસામાં કામ કરવાની તક મળી. એ વખતે અપોલો યાન ચંદ્ર પર જઈ રહ્યુ હતું . કમ્પ્યુટરયુગની શરૂઆત થઇ ચૂકી હતી પણ સુપર અને પરફેક્ટ કમ્પ્યુટર નહોતા બન્યા . એક સમય એવો આવ્યો કે નાસામાં રહેલા 30 કમ્પ્યુટર એક સાથે એરર બતાડવા લાગ્યા , તે વખતે ડોક્ટર વશિષ્ઠે હાથે ગણતરી કરી હતી ને તે જોઇને વિદેશી વિજ્ઞાનીઓ આભા રહી ગયા હતા.

એ હતા ગૌરવશાળી વર્ષો પણ એ લાંબા ટક્યા નહીં . થોડો સમય ત્યાં કામ કર્યું ન કર્યું ને ડોક્ટરને લાગ્યું કે એમને કોઈ અજબ બેચેની પરેશાન કરી રહી છે. એટલે મન બેચેન કે પછી હોમસિક ફિલ કરી રહ્યું હોવાથી સ્વદેશ પાછા ફર્યા . 1971માં ભારત આવ્યા પછી એમને આઇઆઇટી કાનપુર , આઈઆઈટી મુંબઈ , આઇઆઇટી કલકત્તામાં સેવા આપી , આ દરમિયાન લગ્ન કર્યા .
જ્યાં સુધી લગ્ન નહોતા કર્યા ત્યાં સુધી સહુ કોઈને ડોક્ટર વશિષ્ઠ નોર્મલ , ધૂની , અતરંગી , મસ્તમૌલા લગતા હતા. લગ્ન થયા ને પત્નીનું આગમન થયું તે પછી ખ્યાલ આવ્યો કે આ તો બીમારી હતી , હોમસીકનેસ નહોતી , ગંભીર માનસિક કહી શકાય એવી બિમારી , ડોક્ટરનું માનસિક આરોગ્ય નોર્મલ નહોતું.
નાની નાની વાત પર ગુસ્સે ભરાઈને રૂમમાં બંધ થઇ જવું, દિવસો સુધી ન ખાવું ન પીવું , રાતની રાત જાગવું … પુસ્તકો વાંચ્યા કરવા , લખ્યા કરવું આ બધા લક્ષણો હવે એકદમ સાફ અને વારંવાર નજરે ચઢી રહ્યા હતા જે માનસિક બીમારીના હતા . આ સંજોગોમાં અન્ય કોઈ વિકલ્પ જ નહોતો ,એક જ વર્ષમાં ડિવોર્સ થઇ ગયા.. અને એ સાથે રોગે ઉછાળો માર્યો . 1974થી પેનિક એટેક આવવા લાગ્યા . ઉપચાર ચાલતો હતો પણ આર્થિક સ્થિતિ પ્રમાણે એમાં હાલત વધુ ને વધુ બગડતી ગઈ. બાકી આ એ જ વિજ્ઞાની હતા જેમને એક સમયે નાસામાં કામ કરતા હતા ત્યારે અપોલો યાનનું લોન્ચિંગ હતું તે જ વખતે એકએક ત્રીસ કમ્પ્યુટર બગડી ગયા, ને સહુના જીવ તાળવે ચોંટી ગયા હતા ત્યારે એમણે કરેલી ગણતરી કમ્પ્યુટર જેટલી સચોટ હતી.

સરકારી હોસ્પિટલ કહો કે આર્થિક સ્થિતિ જે ગણો તે પણ એક હોનહાર વિજ્ઞાનીની અવદશા થઈને જ રહી. ઈલાજ થતો હોવા છતાં હાલત ખરાબ હતી ને હોસ્પીટલમાંથી કહેવાયું કે બધું બરાબર છે , ઈલાજની જરૂર નથી. ઈલાજ બંધ થયો અને એક દેહ ભલે જીવિત રહ્યો પણ એમાં રહેલો વિજ્ઞાની મરી ગયો.

એમનો ઈલાજ ચાલુ બંધ થતો હતો અને માનસિક અસ્થિરતા વધતી ગઈ, એવા સંજોગોમાં એકવાર ઈલાજ માટે ભાઈ સાથે રાંચી ગયેલા વશિષ્ઠ ટ્રેનથી પાછા ફરી રહ્યા હતા. અચાનક શું સ્ફૂર્યું તે રસ્તામાં ખંડવા સ્ટેશન પર ટ્રેન થોભી ત્યારે ઉતરી ગયા ને ભીડમાં ગુમાઈ ગયા. ભાઈએ , પરિવારજનોએ એમને શોધ્યા પણ મળ્યા નહીં … ઠેઠ પાંચ વર્ષે એમનો ભેટો થયો છપરા ગામમાં . એમને ફરી ઘરે લઇ આવીને પરિવારજનોએ ઈલાજ ચાલુ કર્યો .

તે વખતે શત્રુઘ્ન સિંહા હેલ્થ મિનિસ્ટર હતા એમને પણ આખી વાતમાં ઊંડો રસ લઈને ડોક્ટર વશિષ્ઠને યોગ્ય સારવાર મળે એ માટે તમામ પ્રયત્ન કાર્ય હતા પણ થોડા જ મહિનામાં બાબુગીરીએ મંત્રી મહોદયની વાત પણ ઉડાવી દીધી . કહેવાયું કે હવે વધુ સારવારની જરૂર નથી અને ડોક્ટર વશિષ્ઠને ઘરે મોકલી દેવામાં આવ્યા . આ વાત છે 2002ની , એ પછી તો બિહાર સરકારે પણ થોડો રસ લીધોને 2009માં ફરી સારવાર કરાવી પણ પરિણામ જે આવવું જોઈએ એવું આવ્યું નથી.

આજે એક વિચક્ષણ પ્રતિભા ધરાવનાર વિજ્ઞાની અર્ધપાગલ અવસ્થામાં જીવન ગુજરી રહ્યા છે. આ શરમજનક વાત કદાચ ભારત કે પછી ગરીબ ,અભણ આફ્રિકન,એશિઆઇ દેશોમાં જ સંભવી શકે.

આજે પણ એમનો ઈલાજ ચાલુ છે પણ કહેવા ખાતર , જે યોગ્યરીતે થવો જોઈએ એ રીતે નહીં , પરિણામે એક વિજ્ઞાની પાગલ અવસ્થામાં જિંદગીની સાંજ વિતાવી રહ્યો છે.
આજે પણ ડોક્ટર વશિષ્ઠ આખો દિવસ , રાત કૈંક ને કૈંક લખતા રહે છે , વાંચતા રહે છે. પરિવારજનોને કોઈ આમ તો પરેશાની નથી પણ નાના બાળકની જેમ એમને રોજ કાગળ પેન્સિલ આપવા પડે છે. દવાનો ખર્ચ ખૂબ મોટો છે , જે ગરીબ પરિવાર ઉઠાવી શકવા અસમર્થ છે.

આજકાલ તો બાયોપિક ફિલ્મોનો ટ્રેન્ડ ચાલે છે , બાજીરાવ મસ્તાની હોય કે નીરજા કે પછી અલીગઢ , એમનું નામ એક વિજ્ઞાની તરીકે જનમાનસમાં હમેશા રહે એ માટે એમના જીવન ચરિત્ર પર આધારિત ફિલ્મનિર્માણની યોજના છે.પહેલા કહેવાતું રહ્યું કે અનુરાગ બાસુ એમની પર બાયોપિક ફિલ્મ બનાવવા માંગે છે. પણ હવે આ વાત કયા સ્ટેજમાં વાત છે એ કહેવું નકામું છે.
એમની પર ફિલ્મ બને અને લોકોના હૃદયમાં એમનું માન જળવાય એ તો સમજાય એવી વાત છે પણ સૌથી મોટી આશા સરકાર પાસે જ રાખવી પડે.
શક્ય છે આગળની સરકારોની જેમ ફરી કોઈ વ્યવસ્થિત મદદ મળી જાય તો કોઈ વાત બને, અન્યથા ડોક્ટર વશિષ્ઠનું નામ આમ પણ ભુલાઈ તો ચુક્યું છે પણ આમને આમ તો એમનું નામ સદાકાળ માટે તવારીખમાંથી પણ વિસરાઈ જવાનું છે.

છેલ્લે છેલ્લે :
આરામ સે તન્હા કટ રહી થી તો અચ્છી થી
જિંદગી તુ કહાં દિલ કી બાતોં મેં આ ગઈ …

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s