Opinion

છપ્પનની છાતી એટલે ?

unnamed (2)

હોલીવુડની ટોપ સ્ટાર અન્જેલીના જોલી અને 200 વર્ષ પહેલાં દક્ષિણ ભારતના ગરીબ દલિત પરિવારમાં જન્મેલી નાંગેલી નામની સ્ત્રી વચ્ચે કોઈ સામ્યતા હોય શકે ?
પ્રશ્ન જો વાહિયાત લાગ્યો હોય તો જે જવાબ મળે એ સાંભળનાર આભા રહી જાય.
એક પૂર્વની તો એક પશ્ચિમથી , એક ગઈકાલની ને એક આજની , એક આધુનિક સમાજનું પ્રતિનિધિત્વ કરતી ને બીજી કચડાયેલા , શોષિતવર્ગની પ્રતિનિધિ … આ સ્ત્રીમાં સામ્ય એટલું કે બંને સ્ત્રીઓએ સ્ત્રીત્વનું પ્રતિક એવું અંગ સ્તન સ્વેચ્છાએ કાપી કપાવી દૂર કર્યું . એ વાત અલગ છે કે બંનેના કારણ અને અભિયાન અલગ હતા પણ વાત ધ્યાન ખેંચે એવી છે.

જ્યાં વાત માત્ર દંભ, દેખાડા, ગ્લેમરની હોય. જ્યાં માત્ર ભરાવદાર હોઠ માટે, શાર્પ ચિબૂક માટે બોટોક્સથી સિલિકોન ઈમ્પ્લાન્ટની લાખો રૃપિયાની કોસ્મેટિક સર્જરી થતી હોય તેવા હોલિવૂડમાં સુપરસ્ટાર એન્જેલિના જોલીએ થોડા સમય પહેલા પોતાનાં બંને સ્તન કઢાવી નાખેલા ત્યારે દુનિયાભરમાં એ ન્યુઝ ગરમ બટાટાવડાંની જેમ ઉપડેલાં . એન્જેલિનાના આશિકો તો સ્તબ્ધ થાય જ પણ તેની આ હિંમત પર કેટલીય મહિલા પ્રશંસકો એન્જેલિના પર સમરકંદ બુખારા ઓવારી ગઈ હતી .

એન્જેલિના જોલીને કોણ ન જાણે ? ઓળખાણ એકમાત્ર ટોચની હોલિવૂડ સ્ટાર તરીકે આપીએ તો અધૂરપ લાગે. હોલિવૂડમાં સૌથી વધુ નાણાં કમાતી, અમેરિકાની યુદ્ધનીતિ વિરુદ્ધ સશક્ત ફિલ્મની ડિરેક્ટર, સ્ક્રીનપ્લે રાઇટર તો ખરી જ સાથે સાથે બ્રાડ પીટ જેવા મોસ્ટ હેન્ડસમ, સક્સેસફુલ સ્ટારની હમસફર પણ ખરી. આ પરણ્યા વિના સાથે રહેતાં દંપતીને કુલ છ સંતાન છે. આ આડવાત એટલા માટે કે એ જ ગુણે એન્જેલિનાને વેંત ઊંચી મૂકી છે. તેણે કુલ ત્રણ બાળકો વિયેટનામ, નામિબિયા, ઇથોપિયામાંથી દત્તક લીધાં છે અને ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. આ વાત બાળકો પૂરતી સીમિત નથી. પોતે કમાતાં અઢળક નાણાંનું ટ્રસ્ટ બનાવ્યું છે. જેના નેજા હેઠળ એન્જલ અફઘાનિસ્તાનમાં શાળા પણ ચલાવે છે.

આ બધી વાતો સર્વવિદિત છે. જો કોઈ ન જાણેલી વાત હોય તો તે હતી એન્જેલિનાએ જોયેલી પોતાની સગી માતાની મોત સાથેની ફાઇટ. એન્જેલિનાએ કેન્સર સાથે પોતાની માતાની લડાઈ ખૂબ નિકટથી જોઈ છે. દસ વર્ષ સુધી શ્રેષ્ઠત્તમ સારવાર પછી પણ કેન્સરના પંજામાંથી મા મુક્ત ન થઈ શકી અને ૫૬ વર્ષની ઉંમરે હથિયાર નાખી દીધાં. એ પછી કેન્સરનો ભય અણુએ અણુમાં વ્યાપી ગયો એટલે એન્જેલિનાએ ડીએનએ ટેસ્ટ કરાવી હતી. આજનું મોડર્ન સાયન્સ તો રંગસૂત્રનો અભ્યાસ કરી ભવિષ્યમાં થનારી બીમારી પણ ભાખી શકે છે. એવી જ ટેસ્ટમાં નિદાન થયું કે જીન્સમાં કેન્સરસ BRCA1 હોવાની સંભાવના છે. તેનો અર્થ એવો છે કે એન્જેલિનાને ભવિષ્યમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા ૮૭ ટકા જેટલી હતી અને ઓવરી (અંડાશય)નું કેન્સર થવાના ચાન્સીસ ૫૦ ટકા.

બસ, એક જ પળમાં એન્જેલિનાએ પોતાનાં બંને સ્તન કઢાવી નાખવાનો હિંમતવાન નિર્ણય લીધો હતો .આ વાતને પણ હવે બે ત્રણ વર્ષ વીતી ચૂક્યા છે. પણ મૂળ વાત તો છે નાંગેલીની .

આ નાંગલી ન તો કોઈ સ્ટાર હતી ન કોઈ રાણી મહારાણી , એ તો હતી એક આમ દલિત સ્ત્રી, ગરીબ, અભણ અને પછાત જાતિની એક સામાન્ય મહેનતકશ મહિલા . તે પણ આજથી બસો વર્ષ પહેલાં પ્રવર્તમાન રાજરજવાડા યુગમાં જન્મેલી અને અભાગી એટલી કે દલિત ,ગરીબ કુટુંબમાંથી આવતી હતી.

રાજારજવાડાંના સમયમાં ત્રાવણકોર સ્ટેટ કહેવાતું હતું એ કેરળના એક નાનકડા ગામમાં વસ્તી ગ્રામ્યનારી . એ સ્ત્રીએ પણ પોતાના સ્તન કાપી નાખ્યા હતા એન્જેલીના જોલીની જેમ , પણ કોઈક આવનાર રોગથી ભયભીત થઈને નહીં બલકે અન્યાયી કર સામે લડતરૂપે,

આજે કેરળમાં એ ગામ અસ્તિત્વમાં છે પણ નાંગેલીનું ન તો કોઈ નામોનિશાન છે ન કોઈ સ્મારક .

વાત છે 1803ની સાલની , ત્રાવણકોર સ્ટેટમાં નાંગલીનું ગામ હતું , એ વખતે ગામનું નામ શું હતું એ વાદવિવાદનો વિષય છે પણ નાંગલીનો બનાવ બન્યો પછી એ ગામ કેટલાય સમય સુધી મુલાચીપરામ્બુ નામે ઓળખાતું રહ્યું હતું , જેનો અર્થ થાય છે છાતીવાળી સ્ત્રીનું ગામ. સમય જતાં તવારીખના આ કાળાં પાનાનું અસ્તિત્વ મીટાવવા એનું નામ બદલી નાખ્યું ને અત્યારે એ ગામ ચેર્થલા નામે જાણીતું છે.

વાત હતી અમાનવીય ટેક્સની. રાજાશાહી અને ઉમરાવશાહીના દમનની .

દક્ષિણ ભારતીય ભાષાઓના ઘણાં પુસ્તકોમાં આ ઐતિહાસિક વાતનો ઉલ્લેખ મળે છે.

દલિત , આર્થિક રીતે પછાત વર્ગનું વધુ ને વધુ શોષણ કરવા શાશકો દ્વારા રચાયેલા કાયદાઓ કઈ હદે અમાનવીય હોય શકે એનું એક જીવતું ઉદાહરણ .

બસો વર્ષ પહેલા આ કાયદા બનાવનાર રાજવી કોણ હતો એનો સંદર્ભ તો નથી મળતો પણ કેવા કાયદા હતા તે જરૂર જાણવા મળે છે.

અસાધારણ, અદભૂત શિલ્પ સ્થાપત્યવાળા મંદિરો નિર્માણ કરનાર ધર્મિષ્ઠ રાજવીઓની ભૂખ માત્ર જમીન જાગીર કે ખેતીવાડીના કર સુધી સીમિત નહોતી , એટલે કચડાયેલો વર્ગ વધુને વધુ શોષિત રહે એ માટે ગરીબ માણસના આભૂષણો પહેરે તો એ પણ કરપાત્ર હતું .એટલું જ નહીં પુરુષો મૂછ રાખે તો એ પણ કરપાત્ર , પણ હદ તો ત્યાં હતી કે નવજાત શિશુને માતા દૂધ પીવડાવે એ પણ કરપાત્ર હતું , સ્ત્રીઓ માટે પોતાના ઉરોજ ઢાંકવા એ ગુનો લેખાતું , જો એ ગુનો કરવો હોય તો એને માટે દંડ એટલે કે ટેક્સ ભરવો પડતો અને હા, સ્તન વધુ ભરાવદાર હોય તો કરની રકમ એ પ્રમાણે વધુ વસૂલાતી. આ બધા કાયદા દલિત અને ગરીબ લોકો માટે હતા. અને આ બધો કર શેને માટે હતો ? જાણીને પગ નીચેની જમીન ખસી જશે , અબજો રૂપિયાના ખજાના માટે બહુ ગાજેલા એવા પદ્મનાભ સ્વામી મંદિર માટે .
આજે આ બહુ ગાજેલા મંદિરને તેમના બેશુમાર ખજાનાથી , તેના અદભૂત નિર્માણને કારણે ઓળખીએ છીએ પણ મોટાભાગના લોકોને ખબર નથી કે આ મંદિરોના નિર્માણમાં કેવું શોષણ ધરબાયેલું છે.

આ અમાનુષી વર્તન સામે કોઈ હરફ ન ઉચ્ચારી શકતું એવા સમયે જેને ઈતિહાસ નાંગલી તરીકે લેખે છે પણ સ્થાનિક લોકો ગૌરી અમ્મા તરીકે ઓળખે છે એવી એક મર્દાના મહિલા રાજ સામે જંગે ચઢી. ઈતિહાસકારોનું એક વર્ઝન કહે છે કે નાંગલીએ બાળકને જન્મ આપ્યો હતો અને એને પોતાના બાળકને સ્તનપાન કરાવ્યું . કર ભર્યા વિના બાળકને દૂધ પાવું એ ગુનો લેખાતો હતો. આ હરકતે કર ઉઘરાવનાર અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું એટલે આવી પહોંચ્યા . એ પોતાની વાત પર અટલ રહી , એની એક જ દલીલ હતી કે એક મા પોતાના બાળકને કેમ સ્તનપાન ન કરાવી શકે ? રાજ વહીવટના બધીર કાન આ વાત માનવા તૈયાર નહોતા. કાયદા એટલે કાયદા.unnamed (3)

એક મા પાસે કોઈ વિકલ્પ પણ નહોતો એટલે વસૂલી માટે રાજના અધિકારીઓ આવ્યા ત્યારે ગૌરીઅમ્માએ કર તો ચૂકવ્યો પણ અનોખી રીતે . એને ઓજાર લઈને પોતાના સ્તન કાપીને અધિકારીઓના હાથમાં મૂકી દીધા . નાંગલી લોહીલુહાણ અવસ્થામાં હતી એ જોઇને બેબાકળાં થઇ ગયેલા અધિકારીઓ તો ભાગી ગયા પણ નાંગલીની આ લડત જીવલેણ રહી. લોહીના ખાબોચિયામાં તરફડી રહેલી પત્નીને એનો પતિ કે ભગવાન કોઈ ન બચાવી શક્યા.

સતીપ્રથા માટે કુખ્યાત એવા મહાન ભારતના કોઈ ઇતિહાસમાં પુરુષ સતી થયો હોય એવો સંદર્ભ દેખાતો નથી પણ દક્ષિણના ઈતિહાસકારો નોંધે છે તેમ નાંગલીનો પતિ પોતાના પત્નીના બલિદાનની કરુણતા સહી શક્યો નહોતો. એને પત્નીની ભડભડતી ચિતામાં ઝંપલાવી દીધું હતું . જે સમાજમાં સ્ત્રીઓનું સતી થવું ગૌરવભર્યું લેખાતું હોય તે સમાજમાં પતિનું પત્ની પાછળ દહન થવું નોંધપાત્ર પણ લેખાયું નહોતું .

જો એમ ન હોત તો ત્રાવણકોર રાજવીને આ કરુણ ઘટનાએ ઝકઝોરી નાખ્યો હોત પણ એમ ન થયું … જોવાની ખૂબી તો એ છે કે તે વખતે ત્રાવણકોર સ્ટેટના સિંહાસન પર બિરાજમાન હતા રાજવી બાલારામ વર્મા , એમના તો પેટનું પાણી પણ નહોતું હલ્યું આ બલિદાનથી , આ પછી પણ પૂરાં નવ વર્ષ આ અમાનવીય કર અમલી જ રહ્યા। . હા, ક્યાંક ક્યાંક એવો ઉલ્લેખ મળે છે કે બસ એ દિવસથી આ અમાનવીય કર દૂર થઇ ગયા પણ જાણીતા ઇતિહાસકારો એ વાત સ્વીકારતા નથી.

એ માટે લડત આપી હતી દલિત સ્ત્રીઓએ . એક સ્ત્રીનું બલિદાન એળે નહોતું ગયું , એનું પરિણામ આવ્યું પણ નાંગલીના મૃત્યુના નવ વર્ષે . કર અને દંડમાંથી મુક્તિ મળી પણ ઉપર વસ્ત્ર પહેરવાની છૂટ તો નહોતી જ મળી.
જો કે આ ઘટનાએ એક ચિનગારી તો જરૂર ચાંપી દીધી હતી. તે સમયથી સમાજના ઉચ્ચ અને ભદ્ર કહી શકાય એવા વર્ણ સામે બળવાના બીજ રોપાઈ ગયા. વર્ગવિગ્રહ વકરતો ગયો.
દલિત સ્ત્રીઓ ખુલીને વિરોધમાં સામે આવી ગઈ. આ ઘટના પછી લગભગ પચાસ વર્ષે મદ્રાસના ગવર્નરના દબાણ સામે ત્રાવણકોરના રાજવીએ ઝૂકવું પડ્યું અને સ્ત્રીઓને ઉપલું વસ્ત્ર પહેરવાની છૂટ આપવી પડી , પણ એમાં પણ એક શરત હતી કે ભદ્ર ઉચ્ચ સમાજની સ્ત્રીઓ પહેરે એ રીતે વસ્ત્ર ન પહેરવું .આખરે એ કર નાબૂદ તો થયો પણ ઈ.સ 1812માં , એટલે કે નાન્ગ્લીના બલિદાનના પૂરા નવ વર્ષ પછી. ત્યારે રાજસિંહાસન પર કોઈ પુરુષ નહીં પણ મહિલા રાજવી આવી. નામ એનું ગૌરી લક્ષ્મી બાઈ , કર નાબૂદ કરવાનું શ્રેય એને આપી ન શકાય , કારણ કે આ કર નાબૂદ થયો હતો એક અંગ્રેજને કારણે , બ્રિટીશ ઇન્ડિયા દ્વારા નીમાયેલા મદ્રાસના ગવર્નરના હુકમથી, બાકી રાજવી સ્ત્રી હોત કે પુરુષ કોઈ ફર્ક પડ્યો ન હોત. જોવાની વાત તો એ છે કે દક્ષિણ ભારતમાં ખ્રિસ્તી ધર્મ કેમ આટલો વ્યાપ્યો , ફાલ્યો એના બીજ જ આ ઘટનામાં છે. જે નાદર અને ઇઝ્વાસ સ્ત્રીઓ માત્ર પોતાની લાજ ઢાંકવાને મુદ્દે બળવો પોકારી રહી હતી તેમની વ્હારે ત્રાવણકોર દરબારમાં દિવાન નીમાયેલા અંગ્રેજ અધિકારી કોલોનલ જ્હોન મુનરો આવ્યા તો ખરા પણ એક શરતે , એ શરત હતી કે આ દલિત સ્ત્રીઓ , પરિવાર સહિત ખ્રિસ્તી ધર્મ સ્વીકારે તો એમને ખ્રિસ્તી સ્ત્રીઓની જેમ ઉપલું અંગ ઢાંકવાનો અધિકાર મળી શકે.
હિંદુ પંડિતો અને રાજવીઓની બર્બરતાનું આથી ઉત્કૃષ્ટ પ્રતિક જોયું છે ?
અને મોટાભાગના લોકોએ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરી લીધો હતો.
તે વખતે ધર્મગુરુઓને ડર લાગ્યો કે આમ ને આમ તો હિંદુ વસ્તી ઓછી થઇ જશે તો ? એટલે પછી સહિયારો નિર્ણય લેવાયો કે દલિત સ્ત્રીઓ ઉપલું અંગ ઢાંકી શકે , હા પણ ઉચ્ચ વર્ણની સ્ત્રીઓની સ્ટાઈલથી તો નહીં જ .

જો કે આ પછી પણ લડત તો ચાલુ જ રહી પણ હળવી તો જરૂર થઇ ગઈ.
આ એક એવી વિગ્રહી સ્ત્રીની વાત છે જે ટૂંક સમયમાં ‘મૂચાલી’ ( છાતીવાળી) મલયાલમ ફિલ્મ તરીકે અવતરી રહી છે જેમાં નાંગલીની મુખ્ય ભૂમિકા એન્જેલીના જોલી કરશે એવી વાત છે.
એક સ્ત્રી શું કરી શકે એની બેમિસાલ કહાની આ ઘટના છે પણ એથી વધુ વરવી વાસ્તવિકતા છે રાજવીઓની ક્રૂરતા અને અમાનવીય વર્ણપ્રથા. હિંદુ ધર્મના પાયા હચમચાવી નાખનાર શઠ કર્મકાંડી પંડિતો અને ધર્મગુરુઓની બદમાશીની કથા.

શોષણ કરવા માટે માણસજાત કઈ હદે પશુતા આચરી શકે એનું એક ઉદાહરણ બીજું કયું હોવાનું ? એ નરપશુ રાજવી તો હોઈ જ શકે પણ ધર્મગુરુ પણ હોય શકે.

છેલ્લે છેલ્લે :

તુમ્હારી મિટ્ટી કી યે દીવાર કહીં ટૂટ ન જાયે

રોકો કી મેરે ખૂન કી રફતાર બહોત તેજ હૈ …

Advertisements

2 thoughts on “છપ્પનની છાતી એટલે ?”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s