gujarati, Novel

વેર વિરાસત 43

image

‘ગુડ મોર્નિંગ બાફનાજી  ….’ સવારની પહોરમાં ખુલ્લા પગે ભીની લોન પર ચાલવાના નિયમ જાળવી લીધા પછી માધવને સૌથી પહેલું કામ ફાઈનાન્સર બાફનાને ફોન લાગવાનું કર્યું  .
આખી રાત પડખાં ફેરવવામાં જ વીતી હતી છતાં નિર્ણય લેવો જરૂરી હતો. એકવાર નિર્ણય લેવાઈ ગયો પછી મનને રાહત લાગી રહી હતી.

‘ અરે બોલો બોલો માધવનજી  …સુનાઈયે , કૈસે યાદ કિયા ? ‘
‘ બાફનાજી , જો તમને યાદ હોય તો થોડો સમય પહેલાં આપણે એક વાત કરી હતી. તમે ત્યારે  રસ તો ઘણો દાખવ્યો  હતો….’
‘હા હા , બિલકુલ યાદ છે  …. પણ , પછી કોઈ કારણવશ એ પ્રોજેક્ટ તમે જ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધેલો  … બરાબર ને ? ‘
‘રાઈટ  …. ‘ માધવન ભારપૂર્વક બોલ્યો : ચાલો એટલું સારું છે કે બાફનાને એ વાત યાદ છે ,ફરી એકડે એકથી સમજાવવાની કવાયતમાંથી મુક્તિ તો ખરી.’
‘પણ મેં સાંભળ્યું હતું કે તમે તો એકદમ કમર્શિયલ ફિલ્મ કરી રહ્યા છો ? , એ માટે ફાઈનાન્સર પણ તૈયાર છે !! ‘
બાફનાનો ઈશારો લલિત સોઢી તરફ હતો એ સમજતાં માધવનને વાર ન લાગી  .
‘બાફના જી , તમે તો જાણો છો , આ ઇન્ડસ્ટ્રીના સમીકરણ   ….’ માધવને વાત ઘૂમાવી દીધી .
એના મગજ પર ફરી રાતની વાત તાજી થઇ ગઈ. મધરાત સુધી ચાલેલી વાતચીતમાં બાપદીકરા સોઢીઓનો સૂર એકદમ સ્પષ્ટ હતો. જો હિરોઈનપ્રધાન  થઇ જવાની હોય તો શા માટે રોકાણ કરવું ? સોઢી કાબેલ બિઝનેસમેન હતો. એનો  મકસદ સીધો હતો , દીકરાની કારકિર્દી માટે ફિલ્મમાં પૈસા રોકવા હતા, કોઈ  ડિરેક્ટરનું સપનું સાકાર કરવા માટે નહીં  .

‘પણ માધવનજી  , તમે થોડા મોડાં પડ્યા , એક બિગ બજેટ ફિલ્મ માટે મેં કમીટ કરી નાખ્યું છે ને તમે તો જાણો છો કે હવે ટેરીટરી માર્ક કર્યા વિના કોઈ રોકાણ કરતું નથી. ‘ બાફનાએ ખાસ રસ ન દાખવવો હોય તેમ ઠંડુ પાણી રેડ્યું.
હમેશ પડખે રહેનાર બાફના આવું કહી રહ્યો હતો ? એની વાત  સાંભળીને  માધવનને ઘડીભર તો લાગ્યું કે એના પગ હેઠળની જમીન સરકી ગઈ છે. હવે  સાવધાનીથી મામલો સંભાળ્યા  વિના છૂટકો નહોતો  .
આખરે નક્કી થયું કે આંશિક રોકાણ બાફના જરૂર કરશે પણ થોડુંઘણું  તો માધવને મેનેજ કરવાનું રહેશે  . એ વિષે વધુ વાતચીત પછીથી કરી લેવાશે  .
ફોન મુકીને માધવને રાહતનો શ્વાસ લીધો  .
આખરે ઘવાયેલા સ્વમાન પર થોડી મલમપટ્ટી થઇ હોય તેવી  રાહત લાગી રહી હતી.  મનોમન ગણતરી કરી લીધી  . ચારે ખૂણેથી મામલો બાંધ્યો હોય તો આ ફિલ્મ રળી જ આપવાની હતી તે વાત પણ નક્કી હતી. આ એક ફિલ્મ પર અવલંબતું હતું પોતાનું આર્થિક અને ભાવાત્મક સ્વમાન  .

ફરી એકવાર પોતે શું દાવ પર લગાવી શકે છે તેની ગણતરી માધવને મનોમન કરી લીધી  . મધુરિમા હજી યુએસમાં હતી એને વિશ્વાસમાં લીધા વિના છૂટકો પણ નહોતો .
મધુરિમા યાદ શું આવી એ જ સમયે ફોનની રીંગ વાગી  . સામે છેડે ડોક્ટર કોઠારી હતા. મધુરિમાની સારવાર માટે સાથે ગયા હતા પણ આમ અચાનક ફોન ? માધવનના મગજમાં ખતરાની ઘંટડી વાગી રહી. : ક્યાંક મધુરિમાની હાલત વધુ બગડી હશે ?
‘ હલો  ડોક્ટર  , કેમ અચાનક ફોન કરવો પડ્યો ? બધું બરાબર તો છે ? ત્યાં તો મધરાત થવા આવી હશે ને !! ‘
‘ મિ. માધવન , કમાલ છો તમે તો ? અરે , જરૂરી થોડું છે કે બેડ ન્યુઝ મધરાતે જ અપાય ? ગુડ ન્યુઝ પણ તો આપી જ શકાય ને ? ‘
‘ઓહ આઈ સી  …. શું છે ગુડ ન્યુઝ  ? સંભળાવો  …’
‘ન્યુઝ એ છે કે મધુરિમાનો પ્રોગ્રેસ ખૂબ સારો છે , ધાર્યાં કરતાં ઘણો સારો  , એટલે બસ ઇન્ડિયા આવીએ છીએ  …. ‘
‘ઓહ  …’ માધવનના મોઢે નીકળી ગયેલા ઉદગારનો અર્થ ન સમજી શકે એવો ભોટ ડોક્ટર કોઠારી નહોતા  . એની નજર સામે બેઠેલી મધુરિમા પર સ્થિર થઇ ને ફરી  વાતચીતનો દૌર  સંભાળી લીધો .
‘ખરેખર તો મધુરિમા તમને સરપ્રાઈઝ આપવા ચાહતી હતી પણ મેં એને કહ્યું  કે  ….’
માધવનના દાંત પીસાયા , એટલે આમ કહીને આ ડોકટરનો બચ્ચો શું સાબિત કરવા માંગતો હતો ? એમ જ ને કે  મનમાની કરવામાં માહેર મધુરિમા એનું જ કહ્યું સાંભળે  છે ?

ખરેખર તો માધવન સન્ન રહી ગયો હતો આ ગુડ ન્યુઝ સાંભળીને. ડોક્ટર કોઠારીની વાતનો પ્રતિસાદ શું આપવો એ પણ ન સમજાયું  .

ટૂંક સમયમાં ફરી મધુરિમા અહીં હશે , સામે  … એ વાત માધવનના કાળજામાં ફાંસની જેમ ચૂભાઈ. ફોન પર તો એને યેનકેન સમજાવી દેવાતે પણ સામે આવી ગઈ  ને ફાઈનાન્સની વાતો સાંભળીને ફરી એનું મગજ છટક્યું તો ? માધવનને તાજી થઇ આવી મધુરિમાની બેફામ વાણી , એને નોકરચાકરોની હાજરીની પણ ક્યારેય કોઈ શરમ નડતી નહીં , એમાં પણ પોતાના પિતાએ ખરીદેલો જમાઈ કહીને ટાણાં મારવામાં એને અનેરી લિજ્જત આવતી હોય એવું લાગતું  . માધવનનું મન ખારાશથી ભરાઈ ગયું .

એક પગલું ખોટું ને ખોટો આખો દાખલો , જિંદગી માટે કહેવાતી આ વાત કેટલી સાચી પૂરવાર થઇ રહી હતી. મધુરિમા સાથેનું લગ્નજીવન માધવીના સપનાની રાખ પર ચણાયેલો હવાઈ કિલ્લો હતું એ તો ટૂંક સમયમાં જ સમજાઈ ગયેલું પણ દિલની વાત સમજવા મગજ તૈયાર જ નહોતું ને ?

‘ગુડ મોર્નિંગ સર, મને બોલાવ્યો ? ‘ વિચારમાં ગરકાવ માધવનને ખલેલ પડી શમ્મીએ  .
‘ઓહ શમ્મી , આવ આવ, બેસ..શું લઈશ ?’ માધવને શમ્મીને ચાની ટ્રે તરફ સંજ્ઞા કરી  …
‘થેન્ક્સ સર, ઘરેથી જ આવ્યો  , મને રાજેશે ફોન કરીને કહ્યું સર મળવા માંગે છે , એટલે  …’ શમ્મી સામે પડેલી ચેર પર ગોઠવાયો  .

‘હા , મેં  કહ્યું હતું   … જો ને શમ્મી  ….’ માધવન શબ્દો ગોઠવી રહ્યો : આખી રાત વિચાર્યું , મને સોઢીની વાત ગળે નથી ઉતરતી  . બાપદીકરો જે વર્તન કરતાં હતા એ જોઇને મારું મન પાછું પડી ગયું . લાઈફ તો પેકેજ ડિલ છે શમ્મી, કોઈકવાર અપ કોઈવાર ડાઉન , પણ આ સોઢી બાપદીકરો તો એવી રીતે વર્તી રહ્યા હતા જાણે મને ખરીદી લીધો હોય  … તું જ કહે હું કંઈ ખોટું સમજ્યો ?’

‘હમ્મ  …’ શમ્મીએ હોંકારો પુરાવતો હોય તેમ માથું ધુણાવ્યું  : મને  આ વાત ખટકી  તો હતી જ , પણ હું ચૂપ રહ્યો  …. મને થયું કે કદાચ આ બધા પછી પણ તમે એમની સાથે કામ કરવાનું મન બનાવી લીધું લાગે છે !!
શમ્મીની વાત સાંભળી રહેલા માધવને સિગારનો  એક ઊંડો કશ ખેંચ્યો અને થોડીવાર વિચારમાં ગરકાવ હોય એમ ચૂપ રહ્યો  .
‘ તેં  સાંભળ્યું નથી  કે સિંહ કદીય ઘાસ નથી ખાતો ?’ સ્વગત બોલી રહ્યો હોય તેવા દબાયેલા સ્વરે માધવન બોલ્યો ,ને હળવેકથી ઉમેર્યું  : શમ્મી , એક વાત તો નિશ્ચિત છે , હું આ લોકોની શરત પર ફિલ્મ કરવા કરતા તો નિવૃત્તિ લઇ લેવી પસંદ કરું   ….

‘એટલે ? તો પછી હવે ??? ‘ શમ્મી વાત સાંભળીને ચમક્યો  હોય તેમ લાગ્યું  .

‘એટલે શું ? હજી હું જીવું છું શમ્મી, મારામાં રહેલો સર્જક કોઈના હાથે રહેંસાઈ જાય એવું મોત હું જ માંગું ?’

‘પણ સર, તો પછી વિકલ્પ શું ?’

‘એ જ પ્રશ્ન આખી રાત હું મારી જાતને પૂછતો રહ્યો  , ને એનો ઉત્તર મળી ગયો…’ માધવને પૂરી થવા આવેલી સિગાર એશ ટ્રેમાં બુઝાવી દીધી, ને ટટ્ટાર થઇ બેઠો, એને શમ્મીની આંખોમાં જોઇને પૂછ્યું  :  ઓછી કશ્મકશ જોઈ છે જિંદગીમાં  ?આટલી ફિલ્મો કરી , આટલીવાર ફાઈનાન્સ જાતે જ ઉભું કર્યું હતું ને ? આ વખતે પણ એમ જ કરીશું   …

‘પણ સર, એ સમય જુદો હતો ને  …આજે  ….’ શમ્મી આગળ વધુ ન બોલ્યો  . માધવનને ફરી નિષ્ફળતાનો એ ગાળો યાદ કરાવવાનો અર્થ નહોતો  .

‘ને આજે સમય જુદો છે  …. મારું નામ એનો જાદુ ગુમાવી બેઠું છે , એમ જ કહેવા માંગે છે ને તું પણ  ?’

‘ના ના , એવું કહેવાનો આશય નહોતો મારો પણ  …’ શમ્મી જરા થોથવાયો , પણ સાચી વાત છૂપાવવાનો પણ આ સમય ન હતો.

‘મારું એવું માનવું છે કે અત્યારે એક હિટ સાથે કમબેક કરવાનો સમય છે , તમે પણ મારી સાથે સહમત થશો એટલે એ વાત સાચી કે સોઢી ફાધર એન્ડ સન જરા તોરીલાં ભલે રહ્યા પણ  …’

‘ના શમ્મી , તો ત્યાં જ તું ભીંત ભૂલે છે….’ માધવન એના જૂના આક્રમક મિજાજમાં આવતો લાગ્યો : જે ઘડીએ આ સોઢીઓની વાતમાં આવીને એમની મરજી પ્રમાણે ફિલ્મ બનાવીશ ,  ને જો  ફ્લોપ ગઈ તો એ નિષ્ફળતા એમને કપાળે નહીં મારે માથે લખાશે  . એવા સંજોગમાં એમની સાથે એમની મરજીથી ફિલ્મ બનાવવી એ હારાકીરી હશે…’

‘તો પછી તો  ….’  શમ્મીનો અવાજ થોડો પોકળ થઇ ગયો.

‘તો પછી એ કે ફિલ્મ તો બનાવવી જ , પણ આપણે આપણી રીતે જ , જેમ પહેલા પ્લાન કરી હતી તેમ  ….એ મેં રાતે જ વિચારી લીધું હતું અને બાકી હોય તેમ સવારે બાફના સાથે વાત પણ કરી લીધી છે. ‘ માધવને એક નજર ગાર્ડનમાંથી નજરે ચઢી રહેલી  આલીશાન વિલા વ્હીસ્પરીંગ પામ પર નાખી લીધી  . જરૂર પડે તો  ….

‘અરે , વાહ એ હુઈ ના બાત !! ‘ શમ્મીનો ચહેરો મલકી ઉઠ્યો : તો એટલે તમે મને સવારમાં બોલાવી લીધો  ..

‘હા, સાચું સમજ્યો તું   …. આ બધી વાત તો થઇ પડશે , હવે તું પેલી મહેરવાળી વાત કરતો હતો ને , એને ગીયર અપ કર. ગમે એમ કરીને રિયાને સાઈન કરવી પડશે  . એને સામેથી ફીલર મોકલ્યું છે એનો એક અર્થ એ પણ છે કે રિયા પાસે સ્ટારડમ છે પણ એને મિનીંગફૂલ રોલ કરવામાં રસ છે, એ કદાચ સ્ટાર જેવી કિંમત ન માંગે  , પણ મને ફક્ત એક ચિંતા છે  …. માધવનના ચહેરા પર ચિંતાની લકીર અંકાઈ રહી.

‘શેની ચિંતા ? ‘ શમ્મીને નવાઈ લાગી  .
‘ કરણ સાથેની ઘનિષ્ટતાની. ક્યાંક એવું ન બને કે એ ના પાડે તો ફરી પછી નવેસરથી નવી વાત માંડવી પડશે  …’

‘આઈ ડોન્ટ થીંક સો , સર, એની ચિંતા કરવા જેવી નથી. મહેર જે રીતે મને કહી રહી હતી અને પછી તમારી સાથે જે ડેવલપમેન્ટ થયું એ પરથી હું એવા અંદાજ પર આવ્યો છું કે  કરણ ને રિયા વચ્ચે ઉભી કરાયેલી નજદીકી કદાચ ફિલ્મ પ્રોમોશનનો એક ભાગ પણ હોય શકે ને ? હવે આ ટ્રેન્ડની ક્યાં કોઈ નવાઈ રહી છે ? હું આજે જ એ મામલો ક્લીયર કરી નાખું છું એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ જાય. શું કહો છો ? ‘ શમ્મીએ પૂછ્યું  .
જવાબમાં માધવને માત્ર ડોકું ધુણાવ્યું  . જેનો અર્થ શમ્મીએ પોતાની રીતે મૂલવી ઉભો થયો. : તો હું રિયાવાળી વાત પતાવી લઉં છું.
શમ્મીને નજરથી ઓઝલ થતો માધવન જોઈ રહ્યો  .
કોઈક અજ્ઞાત ડર માધવનને ઘેરી વળતો લાગ્યો. જો રિયા ના પાડે તો ફરી પ્રોજેક્ટ ખાડામાં  … માધવને રિયા સિવાય આ રોલમાં અન્ય કોણ ફીટ થઇ શકે છે એ  વિષે વિચારવા માંડ્યું   . મનમાં કોઈ સંતોષકારક નામ ન આવ્યું  .માધવનને લાગ્યું કે અચાનક જ એનું શરીર ઠંડુ પડી રહ્યું છે. પગ પર  તો જાણે પથ્થર બાંધી દીધા હોય એટલાં ભારેખમ થઇ ગયા હતા. શરીરે પરસેવો વળી રહ્યો હતો. ઉભા થવાનો પ્રયાસ કરી રહેલા માધવને ચેરનો સહારો લઇ બેસી જવું પડ્યું  . બે ચાર ક્ષણો એમ જ વીતી ગઈ અને સ્વસ્થતા ફરી પછી આવી.

થોડો આરામ કરીને માધવન ઓફિસમાં પહોંચ્યો ત્યારે શમ્મીનો મલકાતો ચહેરો ઘણું બધું કહી દેતો હતો.

‘શું વાત છે ? સિંહ કે શિયાળ ?’
‘અરે સર, સિંહ જ હોય ને !! પહેલું કામ મેં રિયાને ફોન કરી નાખવાનું કર્યું  , મહેરને વચ્ચે રાખ્યા વિના ડાયરેક્ટ ડાયલિંગ શું કામ ન કરવું ? ને કામ થઇ ગયું  ….’
‘ અચ્છા ? ‘ માધવનને ઘડીભર થઇ રહેલા ડેવલપમેન્ટ પર શંકા થઇ આવી.
‘હા સર, મેં સાંજે મિટીંગ  પણ ગોઠવી દીધી છે. વાત પરથી એવું લાગ્યું કે રિયા મેડમ આપણાં  કરતાં વધુ રસ ધરાવે છે. મહેરે ફિલ્ડવર્ક જોરદાર કર્યું લાગે છે  …’
માધવનના ચહેરા પર એક ફિક્કું સ્મિત આવી ગયું  . જો આમ જ બધા પાસાં પડ્યા તો પોબાર  .
એ પછીના થોડાં દિવસો તો સારાં વીત્યા, પરંતુ રેશમી મોજામાં પાંચશેરી જેવો ભાર તોળાતો રહ્યો  .
દિવસો વીતી ગયા. બાફનાએ રાખીને માધવનને ચિંતામુક્ત કરી દીધો હતો પણ એક શરતે , દર વખતે જે વ્યાજદર હોય તેના કરતાં વધુ દરે.
‘બાફનાજી, વીસ ટકા તો સમજ્યા પણ સત્તાવીસ ટકા વ્યાજ ? એ જરા મારી નાખે એવો રેટ નથી લાગતો ?’
જવાબમાં બાફના લુચ્ચું હસ્યો : અરે માધવન જી , તમને આપેલા વચન માટે મેં બજારમાંથી હૂંડી ઉઠાવી છે. મને ખ્યાલ છે આપણાં જૂના સંબધો પણ બજારનો તો ખ્યાલ  તમને પણ હશે જ ને !!

પહેલીવાર કોઈક અજબ ગમગીની ઘેરી રહી હોય એવું લાગતું હતું  . નાસીપાસ થવાના પ્રસંગો તો ઘણાં જિંદગીમાં આવ્યા  હતા. એ વાત જૂદી હતી કે મહેરાના આલીશાન બેનર અને એની જંગી મિલકતોને કારણે આર્થિક સંકડામણ ક્યારેય જોવી નહોતી પડી પણ છતાંય છેલ્લાં થોડાં સમયથી મળેલી નિષ્ફળતાએ જિંદગીના એ સબક શીખવ્યા હતા જેના કારણે ન સમજાય તેવો અજંપો ઘર કરી જતો રહ્યો  .
પરંતુ સમય હવે આ પાર કે પેલે પારનો હતો.
દરિયા પર રેલાતી ચાંદની જે એક સમયે મનમાં શીતળતા આપી જતી આજકાલ દઝાડતી હોય એવું લાગતું.
ક્યાંક પાસાં સવળાં ન પડે તો ? એ વિચાર સાથે જ માધવનના રોમરોમ એક ઠંડી ધ્રુજારી ફરી વળતી  .
હજી તો મધુરિમા ઇન્ડિયા આવી નહોતી , આ વખતે તો એને પણ વિશ્વાસમાં લેવી જરૂરી બની જવાનું હતું  .
વધુ વિચારવું ન હોય તેમ માધવને સાઈડ ડ્રોઅરમાં રાખેલી સ્લીપિંગ પિલ લઈને પાણીનો એક ઘૂંટ ભર્યો  . મનની શાંતિ માટે એક જ શરણું હતું નિદ્રાદેવીનું  . આખરે આવનારી કાલ નિર્મિત નિયતિ સાથે જ પડવાની છે તો એની ચિંતામાં આજ શું કામ ખરાબ કરવી ?
ત્રણ રેસ્ટીલ લીધા પછી પણ ન આંખો ઘેરવા લાગી ન મનમાં જામેલા વાદળ દૂર થયા. અસલામતીનું કાળું ઘટ્ટ આવરણ વારે વારે મન પર સવાર થઇ ડરાવતું રહ્યું  . મનના છાને ખૂણે થઇ રહેલા  ચચરાટનું  કારણ પણ મળી ગયું  . બાફનાએ કરેલી રમત કદાચ આ ચચરાટનું મૂળ કારણ હતી. અને વાત રહી અસલામતીની , મધુરિમા ગણતરીના દિવસોમાં ઘરે આવી રહી હતી , એ કારણ હતું મનમાં જાગેલી અસલામતીનું  .

એવી લાગણી થઇ રહી હતી જેનો અનુભવ ક્યારેય કર્યો નહોતો  . એની તીણી ધાર મનને કેવું કોરી નાખી શકે એની પ્રતીતિ આ સમયમાં થતી અનુભવાઈ હતી અને ત્યારે રહી રહીને યાદ આવતી રહી  માધવીની  . પોતે અત્યારે જે અનુભવી રહ્યો છે તે પેટમાં રહેલા બાળક સાથે માધવીએ કઈ રીતે સહ્યું હશે ?   શું વાંક હતો એનો કે એને આવી ઉપેક્ષાનો ભોગ બનવું પડ્યું ? ને તે પણ કેવા સમયે ? જયારે એ પોતાના બાળકની મા બનવાની હતી.. શું થયું હશે એ બાળકનું ? માધવીનું ? …પોતે જે એની સાથે કર્યું એની માફી માંગી લેવાનો વિચાર તો કેટલીયવાર આવ્યો હતો. પણ મન પાછું પડી જતું રહ્યું  . એમાં પણ ખબર પડી કે માધવીનું નામ તો કળાજગતમાં ગિની જેવું છે એ પછી તો એની સામે જવાની રહી સહી હિંમત પણ ઓગળી ગઈ હતી.
માધવનને લાગ્યું કે અચાનક જ એનું શરીર ઠંડુ પડી રહ્યું છે. પગ પર  તો જાણે પથ્થર બાંધી દીધા હોય એટલાં ભારેખમ થઇ ગયા હતા. શરીરે પરસેવો વળી રહ્યો હતો. ઉભા થવાનો પ્રયાસ કરી રહેલા માધવને ચેરનો સહારો લઇ બેસી જવું પડ્યું  . બે ચાર ક્ષણો એમ જ વીતી ગઈ અને સ્વસ્થતા ફરી પછી આવી.
આવું કેમ થયું એનું કારણ તો માધવનને પણ ન સમજાયું પણ એ દિવસે ઓફિસ જવાની બદલે ઘરે રહી આરામ કરવાનો નિર્ણય પોતાને જ ભારે અકારો લાગ્યો હતો.

********************************

‘હાય ગુડમોર્નિંગ  ……’ સવારની પહોરમાં મધુરિમાનો અવાજ સાંભળીને માધવનની આંખો  સફાળી ખૂલી ગઈ. સામે રહેલી વોલકલોક અગિયારનો સુમાર દર્શાવતી હતી.
‘ઓહ , તું ક્યારે આવી ? ‘  બેઠાં થવાનો પ્રયત્ન કરતાં માધવને પૂછ્યું , એના અવાજમાં આશ્ચર્ય હતું  .
‘ રાત્રે , મધરાતે તારી ઊંઘ ક્યાં બગાડવી એટલે તને જગાડવો મુનાસીબ ન લાગ્યું  . ‘ મધુરિમાના અવાજમાં , વર્તનમાં ગજબની શાંતિ અને શાલીનતા હતી. ખરેખર અમેરિકાની ટ્રીટમેન્ટ વર્તાઈ તો રહી હતી. નહીતર સામાન્ય સંજોગોમાં આ જ મધુરિમા વાતની શરૂઆત કટુવચનોથી કરી ચૂકી હોત.
‘અગિયાર વાગવા આવ્યા ને તું રૂમમાંથી બહાર ન આવ્યો એટલે મને થયું કે જઈને જોવા દે , તબિયત તો બરાબર છે ને ? ‘
‘ તબિયત ને વળી શું થવાનું હતું પણ…. ‘ આગળ ન બોલતા માધવને વાક્ય અધૂરું મૂકી દીધું  .
બેડ સામે ઉભેલી મધુરિમાએ બારી પાસે જઈને કર્ટન્સ ખોલી નાખ્યા , એ સાથે જ થઇ રહેલા મધ્યાહ્નના સૂર્યપ્રકાશે રૂમ ભરી દીધો  .
માધવનને હવે મધુરિમાને સ્પષ્ટપણે જોઈ શક્યો .

ઉંચી, પાતળી મધુરિમા વિના કોઈ મેકઅપ સુંદર દેખાઈ  . એના રુક્ષ , કરમાયેલા ચહેરા પર થોડી ચરબી જામી હોય તેમ ગાલ ભરાયા હતા ને એના પર છવાયેલી રતાશ  .. આંખો નીચે હમેશા છવાયેલા રહેતા કાળાં કુંડાળા અને હમેશા ઘેનભરી આંખોને બદલે ચમકદાર નજર ને દમામદાર ચહેરો જુદી જ વાત કરતો હતો.
‘આર યુ શ્યોર યુ આર ઓકે ? ‘ મધુરિમાના અવાજમાં નરમાશ તો હતી પણ સાથે હળવી ચિંતા પણ હોવાનું માધવન અનુભવી રહ્યો  .
‘અરે હા હા  … કેમ એમ પૂછે છે ?’
‘ના આ તો રાજેશ કહેતો હતો કે તું આખો દિવસ સૂતો રહ્યો એટલે પૂછવું પડ્યું  ….’
‘ના ના એવી કોઈ વાત નથી…. હું હમણાં ફ્રેશનઅપ થઈને આવ્યો સમજ…’ માધવને બેડ પરથી ઉઠીને સ્લીપર્સ પહેરવા માંડ્યા  .
‘ઓકે , હું રાહ જોઉં છું  ….’ હળવું હસીને મધુરિમા બહાર નીકળી ગઈ.
વિના કારણે મન પર છવાયેલી ઉદાસીના ભૂખરા રંગની ઉપર ગુલાબી રંગની સેર ફરી વળી.
શાવર લઇ રહેલા માધવનને રહી રહીને વિચાર આવતો રહ્યો , માધુરીની મેન્ટલ હેલ્થ સારી થઇ છે ? કે પછી બુઝાતા દીપકની  જ્યોત છેલ્લીવાર પૂર્ણતાથી જલવાનો જે પ્રયત્ન કરે એવી કોઈ વાત થઇ રહી છે ?
તૈયાર થઈને માધવન બહાર આવ્યો ત્યારે મધુરિમા ટેબલ સેટ કરી રહી હતી.
‘વોટ અ સરપ્રાઈઝ !! ‘ માધવનના ચહેરા પર સ્મિત આવી ગયું  . એને વિશ્વાસ નહોતો આવી રહ્યો પોતાની કિસ્મત પર.
આ એજ મધુરિમા હતી જેના ચહેરા પર કદી સ્મિત જોયું નહોતું , માધવનને પીરસવાની વાત તો બાજુ પર , બંને કદી સાથે જમ્યા હોય એવું પણ યાદ નહોતું  . એ મધુરિમામાં આટલું પરિવર્તન ?
‘ સાચું કહું , મને હજી વિશ્વાસ નથી થતો કે તું  …..  ‘ માધવન આગળ બોલે એ પહેલા જ મધુરિમાએ એને અટકાવ્યો  .
‘વિશ્વાસ નથી થતો ને કે આ હું જ છું ? ‘ મધુરિમા સ્મિત કરી રહી હતી.
માધવન અવાચક થઇ ગયો હતો એનું આ રૂપ જોઇને , હસી ને બોલવાની વાત દૂર રહી છેલ્લાં કેટલાય સમયથી મધુરિમા એની સામે જોવાનું પણ ટાળતી હતી. એ મધુરિમા આટલો બદલાવ?
‘જે હોય તે પણ મારે ડોક્ટર કોઠારીને થેન્ક્સ કહેવું પડે…..’માધવન જરા હળવાશ અનુભવી રહ્યો હતો.
‘હા , તે કહેજે ને , હમણાં આવી જ રહ્યા છે.’
મધુરિમા વાત કરી રહી હતી પણ એનું ધ્યાન ટેબલ પર ગોઠવાયેલાં નેપકીન્સ પર હતું  . ઈસ્ત્રીટાઈટ નેપકીન્સની ગડી એને ફરી ચીવટથી કરીને પાછો મૂક્યો। 
‘ ડોક્ટર અત્યારે ? આ ટાઈમે ? કેમ ?’  માધવનના આશ્ચર્યનો પાર નહોતો  .
મધુરિમા જવાબ આપે એ પહેલા જ ડોક્ટર કોઠારી મેઈન ડોરથી પ્રવેશતાં દેખાયા , એ સાથે જ એમને આવકાર આપવા મધુરિમા ઝડપભેર આગળ વધી ગઈ.
ઔપચારિકતા પતાવ્યા પછી ડાઈનીંગ ટેબલ પર ગોઠવતાં ડોક્ટર કોઠારીએ માધવન સામે સ્મિત કર્યું :
‘તમને આ મૂડમાં જોયા પછી મને જરા રાહત લાગી , સાચું કહું તો મને હતું ન જાણે તમે કઈ રીતે રીએક્ટ કરશો !!’ ડોક્ટર કોઠારીએ બોલતી વખતે એક નજર મધુરિમા તરફ નાખી લીધી  .
‘વોટ ડુ યુ મીન ડોક્ટર ? હું કંઈ સમજ્યો નહીં  …’ માધવન પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
‘મધુરી, એટલે તેં કહ્યું નથી ? ‘ ડોક્ટર કોઠારીએ મધુરિમા સામે જોયું  .
‘ના , સમય જ ક્યાં મળ્યો  … પણ એમાં શું ? હવે કહી દઉં  …..’ મધુરિમાના અવાજમાં લોઢું કાપી નાખે એવી ઠંડક હતી.
‘ બાય ધ વે , મને ડિવોર્સ જોઈએ છે  …. હું ને ડોક્ટર કોઠારી લગ્ન કરવા માંગીએ છીએ.’ મધુરિમાએ માધવનની આંખમાં નજર મેળવી કહ્યું  .
માધવનના શરીરમાં એક લખલખું ફરી વળ્યું ,એના હાથમાં રહેલો પાણીનો ગ્લાસ છૂટી જતાં માંડ બચ્યો.

ક્રમશઃ
pinkidalal@gmail.com

Advertisements

2 thoughts on “વેર વિરાસત 43”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s