opinion

એકલવીર : અદના માણસનું ભગીરથ અભિયાન

image

ભાજપની વિજયપતાકા લહેરાઈ એટલે અચાનક લાઈમલાઈટમાં આવી ગયેલું આસામ એ સેવન સિસ્ટર્સ એટલે કે ભારતના સાત ઉત્તર પૂર્વીય રાજ્યો પૈકીનું એક રાજ્ય છે જેનું અસ્તિત્વ ભારતમાં હોવા છતાં નજરે ચડતું નથી , આ રાજ્યો પર કેન્દ્રમાં રહેલી સરકારનું તો ઠીક પણ  સરેરાશ ભારતીયની ન તો દ્રષ્ટિ જાય છે ન તો એમને કોઈ રસ છે. એવા આસામની આ વાત છે.

એક સામાન્ય માણસની અસામાન્ય વાત.

આમ તો મેઘરાજાની કૃપા આ તમામ રાજ્યો પર રહે છે પણ બદલાતાં જતાં પરિમાણો , પ્રદુષણની અસર પણ થાય સ્વાભાવિક છે. જંગલો તમિલનાડુ હોય કે આસામના , વન પર માનવીની લાલચનો પ્રભાવ પડ્યા વિના રહેતો જ નથી. એવું જ થયું આસામમાં  . વનનો સફાયો થાય એટલે એની અસર ઇકોલોજી પર પડે જ પડે. એક જંગલ કપાય એ સાથે પશુ , પક્ષી , કીટક , જંતુની કેટકેટલી જાતિઓનો સફાયો થઇ જાય છે એ કહેવાની વાત છે ?

આસામના ઉત્તર પૂર્વમાં આવેલા  જોરહટ જીલ્લાના નાનકડાં ગામના રહીશ એવા તરુણ  જાદવ પેયાન્ગને એક  વાતની નવાઈ એ લગતી હતી કે એ નાનો હતો ત્યારે જે સાપ , નાગ , કીટક , પંખીઓ જોતો હતો તે બધા ધીરે ધીરે ક્યાં અલોપ થઇ ગયા ?

એ વખતે પેયાંગની ઉંમર હતી સોળ વર્ષની. એનું હુલામણું નામ મુલોઈ. એને એટલું તો સમજાયું કે આ બધા પશુ પંખી જીવજંતુઓ  નષ્ટ થયા નદીમાં આવેલા પૂરને લીધે  . સખત ગરમી અને તેથી  બનેલા દબાણને કારણે મૂશળધાર વરસાદ અને પરિણામે નદીમાં પૂર. જેને કારણે આખી જમીન ધોવાઇ ગઈ, અને ત્યાં રહી ગયા હતા મરણ પામેલા સાપ , પશુ , પંખી  .

આસામમાં આવી તબાહી  દર થોડાં વર્ષે થાય છે પણ આ વાત ક્યારેય ભારતભરના લોકો સુધી નથી પહોંચતી.આ વર્ષે જુલાઈમાં પણ જે મૂશળધાર વર્ષા થઇ તેમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં  સેંકડો હાથી અને રહાયનોની જળસમાધી થઇ  હતી. એ વાત પણ ક્યારેય પ્રકાશમાં ન આવી.

એવું મુલોઈએ પણ જોયું  . સોળ વર્ષના છોકરાથી આ તબાહી ન જોવાઈ  . પશુ પંખી કીટકની અસ્તિત્વ જ ન રહ્યું અને ક્યાંથી રહે ? આ સૃષ્ટિની પાલનહાર એવી વનરાજીનો જ ખાત્મો બોલી ગયો હતો.

એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જોરહટ  જિલ્લામાં   વૃક્ષ વાવવાની ઝુંબેશ શરુ કરી. સંદબાર નામની જગ્યાથી આ પ્રવૃત્તિના શ્રી ગણેશ થયા. એમાં ઘણાં કામદારોની જરૂર પડી એટલે સરકારે હંગામી ધોરણે જે લોકોની ભરતી કરી તેમાં જાદવ પાયેંગ પણ જોડાઈ ગયો  . એ સમયે એની ઉંમર હતી માત્ર 16 વર્ષ  , હુલામણું નામ હતું મુલોઈ  .

આ યોજના શરુ થઇ કોકિલામુખ નામના ગામ  પાસે ,  જેમાં વાંસના  વાવવાના હતા. વાંસનું વન ઉભું કરવાની અવધી હતી પાંચ વર્ષ  . 200 હેકટરમાં આ કામ કરવાનું હતું  . પાંચ વર્ષની અવધિ પૂરી થઇ એટલે પ્રોજેક્ટ ઉંચો મૂકવામાં આવ્યો પણ  મુલોઈને એથી સંતોષ ન થયો.એને ખબર હતી કે કાગળ પર ટાર્ગેટ પૂરું થયું પણ હકીકતે જે કામ થવું જોઈએ એવું તો નથી જ થયું  . પ્રોજેક્ટ પૂરો થયો એટલે સહુ કામદારોએ ચાલતી પકડી પણ મુલોઇએ નહીં  . એક વાર વૃક્ષ વાવી દીધા પછી એની સંભાળ અને જતન પણ એટલા જ મહત્વના હોય છે એની ખેવના માત્ર મલોઈને હતી.

એ દિવસ અને આજનો દિવસ  . મલોઈની વૃક્ષોની જતનયાત્રા પૂરી નથી થઇ.

આ મુલોઈ કોઈ શ્રીમંત શેઠીઓ નહોતો કે એને કોઈ શોખ ઉપડે અને એ મંડી પડે. એ તો હતો એકદમ ગરીબ  કુટુંબનો દીકરો  . ઘરમાં થોડાં દૂધાળું ગાય ભેંસ ને એમનું કામ દૂધ વેચવાનું  . છતાં એનું સ્વપ્ન કોઈ રાજામહારાજાથી નાનું નહોતું  .

1979માં એક વેરણ જમીનને હરિયાળીમાં ફેરવવાનું અદના આદમીનું સ્વપ્ન આજે  ફળ્યું છે અને જન્મ્યું છે એક વન સ્વરૂપે. જયારે મુલોઈ આ કામ કરી રહ્યો હતો ત્યારે એને સ્વપ્ને અંદાજ નહોતો હતો કે એક દિવસ દુનિયા એને ફોરેસ્ટમેન તરીકે ઓળખશે  . એને તો માત્ર ઘર આપવું હતું નાના નાના પશુ પંખી કીટક , જીવ જંતુઓને.

સરકારી પ્રોજેક્ટ તો પૂરો થઇ ગયો પણ મુલોઈની જિંદગી બદલાઈ ગઈ. એને મન આ વાત પ્રોજેક્ટ નહોતી  . વન એનું જીવનધ્યેય બની ગયું , વન અને તેની પર નિર્ભર તમામ જીવોને ઘર મળે એ જ એક માત્ર ઉદ્દેશ બની ગયો જિંદગીનો  .

આ મુલોઈની ઓળખ હવે ફોરેસ્ટમેન તરીકે થઇ છે ,એ મૂળ તો છે મીશિંગ જાતિનો.આસામના ઉત્તર પૂર્વીય ભાગમાં વસતી આ જાતિ આમ પણ જનજાતિ જેવી કુદરતના ખોળામાં ઉછરતી રહે છે. મુલોઇએ એ સરકારી પ્રોજેક્ટવાળો ભાગ તો પૂરો કર્યો પણ એ પછી રોજ વૃક્ષ વાવવા એને માટે ઝનૂન થઇ ગયું હતું  .

એ કરવામાં એને કોઈ મુશ્કેલી ન પડી હોય એવું માનવાનું કોઈ કારણ નથી. બલકે મુલોઈ એ તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જે કોઈ પણ ચળવળકારોએ કરવો પડે છે. સરકારી પ્રોજેક્ટ હતો 200 હેક્ટર માટે  . મલોઇએ છેલ્લાં છત્રીસ વર્ષમાં 550 હેક્ટર  એરિયાને વનમાં તબદીલ કરી દીધો છે. એવું વન જે સેંકડો હાથી,  હરણાં , રહાઈનો, વાઘ  અને અસંખ્ય પક્ષી , કીટક , જીવ જંતુનું ઘર છે. એકલે હાથે આવું   મહાભગીરથ કામ કરનાર  માલોઈની પ્રવૃત્તિ  નથી. એને  હવે  પહેલા વન પાસેના વિસ્તારને સુધારવાનો પ્રોજેક્ટ હાથે ધર્યો છે.

આજે એ વિસ્તાર મુલાઈ કોઠાની બારી એટલે કે મુલાઈનું વન નામે ઓળખાય છે.

જયારે મુલોઈએ આ અભિયાન હાથે ધર્યું ત્યારે લોકોએ સાથ તો ન આપ્યો પણ બને એટલી મદદ કરવા માટે યથાશક્તિ રોપાં જરૂર આપ્યા હતા. સહુ કોઈ વાંસના બે રોપાં આપી દઈ જવાબદારી પૂરી સમજી લેતા રહ્યા  . મુલોઈ જતનથી એ રોપા વાવતો , પાણી પાતો , દેખભાળ કરતો  . સમસ્યા એ ઉભી થઇ કે વાંસનું વિસ્તરણ જબરદસ્ત ગતિએ થાય છે. વાંસ વધતા રહ્યા , આપોઆપ વન આકાર લેતું રહ્યું  . ઇકોલોજી વિકસિત થઇ રહી હતી. પશુ પંખી , કીટક , જીવ જંતુનું ઘર બનતું ચાલ્યું  .

સમસ્યા હવે ઉભી થવાની હતી. જંગલમાં વાંસના ઝાડ જ વધુ હતી , બાજુના ગામમાં ખેતી , ફળની વાડી આ પ્રાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેતા  . ઉપદ્રવની  શરુઆત થઇ.

ખેતરોમાં લહેરાતાં પાકથી આકર્ષાઈને હાથી અને હરણના ટોળાં ધસી આવતા થયા. કેળની વાડીમાં વાંદરાઓનો અડ્ડો જામી જતો.  હરણાંના શિકાર માટે વાઘની અવરજવર ખેતરો સુધી થઇ ગઈ. ગામલોકો ત્રાહિમામ પોકારી ગયા અને  મુલોઈ પર ગાજ પડી.

ગામલોકોની વાત પણ ખોટી નહોતી  . જાનમાલનો ખતરો તો ઉભો થયો જ હતો. મુલોઈ સામે આ વાત પડકાર હતી પણ હારી જાય એ મુલોઈ નહીં , એમાંથી રસ્તો કાઢવો જરૂરી હતો.

એ સમસ્યાનું નિરાકરણ પણ થઇ ગયું  . મુલોઇએ  વનમાં જ કેળ અને બંદરોને ભાવે એવા ફળફળાદીના ઝાડ રોપવા માંડ્યા  . નહીવત સમયમાં હરણ , બંદર , હાથી જંગલ બહાર આવતાં બંધ થઇ ગયા. એમને જંગલમાં જ  ખોરાક મળતો હોય તો બહાર શું કામ આવે? એટલે વાઘ પણ ફરકતાં બંધ થઇ ગયા.

એક સમસ્યાનું  સમાધાન થયું તો બીજી તો ઉભી જ હતી. આસામ , મેઘાલય જેવા રાજ્યોમાં મેઘરાજાની કૃપા ખરી પણ સીઝન દરમિયાન જ , બાકી ત્યાં પણ ઠંડી અને ગરમીમાં પાણીની સમસ્યા પજવે જ છે. આટલાં બધા વૃક્ષોને એકલો માણસ પાણી કેમ કરીને નાખે ? મુલોઇએ એને માટેનું સમાધાન ડ્રીપ ઈરીગેશનથી શોધ્યું  . અલબત્ત, હાઈફાઈ , આધુનિક પાઈપ કે ડ્રીપ લગાવીને નહીં , એને તો મોટા ,નાના માટલા એકઠા કર્યાં , અને નીચે એક છિદ્ર કર્યું  . દરેક ઝાડના મૂળ પાસે ગોઠવી દેવાયું,જેમાં ભરાયેલું પાણી દિવસો સુધી ઝાડને મળતું રહે.

ઇકોલોજીના નિયમો પ્રમાણે એક જીવનથી બીજું જીવન સિંચાતું રહે છે. જમીનમાં અળસિયા અને કીડી હળનું કામ કરે છે  .

મુલોઈનું સ્વપ્ન પૂરું થયું પણ  પગ વાળી બેસવું એના  સ્વભાવમાં નથી. એક પછી  બીજું બીજા પછી ત્રીજું , મુલોઈ માટે હવે વન સ્વપ્ન નહીં શ્વાસ બની ગયા છે.

આજે પણ મુલોઈ જીવનનિર્વાહ ચલાવવા દૂધ વેચવાનો વ્યવસાય કરે છે.  પરિવાર એને માટે સૌથી મોટો સહારો છે. મુલોઈને શિરે માત્ર એક જ જવાબદારી છે તે છે સવારે દૂધ વેચવાની અને બાકીના તમામ કામ કુટુંબ કરે છે. મુલોઈ એ પછીનો દિવસ પોતાના અભિયાન પાછળ વિતાવે છે.

ગ્લેમર અને છીછરી લોકપ્રિયતાની બોલબાલા હોય એવા સમયમાં જો કોઈએ મુલોઈની સરાહના કરી હોય તો એ હતા આપણાં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ  અને તે સમયે મુખ્યપ્રધાન હતા તે તરુણ ગોગોઈએ પણ તેમની પ્રવૃત્તિ  બિરદાવી હતી. આમ તો આવા ચિંથરે વીંટયા રત્નોની કદર ભાગ્યે જ થાય છે પણ 2015માં મુલોઈની આ સેવા બિરદાવીને પદ્મશ્રી એનાયત કરાયો ત્યારે લાગ્યું હતું કે પદ્મ પુરસ્કારો માટે હવે નાચગાનાવાળાઓની મેદનીને એક બાજુ હટાવી ને રાષ્ટ્રની મૂક સેવા કરનાર આવા હીરલાઓને શોધી શોધીને એમની કદર કરવાનો સમય પાકી ગયો છે. 

છેલ્લે છેલ્લે :

ઇસીલિયે તો યહાં અજનબી હું મૈં

તમામ લોગ ફરિશ્તે હૈ , આદમી હું મૈં

~બશીર બદ્ર

image

Advertisements

1 thought on “એકલવીર : અદના માણસનું ભગીરથ અભિયાન”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s