opinion

નયી ઉમ્ર કી નયી ફસલ

થોડા સમય પહેલા ગોસિપભૂખ્યા મીડિયાને એક નવી આઈટમ મળી , એ હતી સલમાનખાને  એક પ્રેસ કોન્ફરન્સમાં કરેલી વાત, રોજ નવી રમણીઓ સાથે નામ જોડતાં આ અભિનેતા એ જાહેરમાં કહ્યું કે એને  પિતા તો બેશક બનવું છે પણ એ માટે લગ્ન મંજૂર નથી. લોકોનું એટલે કે સામાન્ય સમજણ ધરાવતા લોકોનું પહેલું રિએક્શન એ હતું કે લગ્ન વિના બાળકનો  પિતા ? એમ પિતા બનવું કઈ રીતે શક્ય છે ?પણ એ બિલકુલ શક્ય છે એ વાત સાબિત કરી બતાવી તુષાર કપૂરે. એક અન્ય બૉલીવુડના હીરોએ. 

જિતેન્દ્રના દીકરાને નામે વધુ ઓળખાતા એવા બૉલીવુડ અભિનેતા નું પિતા બનવું. આમ તો પિતા બનવામાં કોઈ ધાડ મારવાની હોતી નથી પણ આ વાત સમાચાર બની કારણ કે તુષાર કપૂર પિતા બન્યો સરોગસી ટેક્નોલોજીથી. જે મુખ્યત્વે સંતાનવિહોણાં યુગલોને માટે જાણીતી સેવા છે. 
સંતાન પેદા કરવા અસમર્થ પતિ કે પત્ની એકમેકની સહમતિથી આ સિસ્ટમનો લાભ લે છે. એકલા , અપરિણીત પુરુષો પણ આ રીતે પિતા બનવાનું પસંદ કરે છે એ વાત ખાસ પ્રકાશમાં આવી નહોતી જે તુષાર કપૂરના કિસ્સા પછી આવી છે. 
વિદેશમાં આ આખી વાતને એક તંદુરસ્ત વિકલ્પ તરીકે જોવામાં આવે છે. લગ્ન જેવા બંધનમાં બંધાવું ન હોય પણ વાત્સલ્યથી વંચિત ન રહેવું હોય તો પોતાના અંશને આ ધરતી પર લઈ આવવાની વાત કોઈ ગુનો નથી. પણ , આટલી સહજ વાત આપણે ત્યાં એટલી સહજતાથી સ્વીકારાતી નથી. પછી એ સ્ત્રી માટે હોય કે પુરુષ માટે  . ભારતમાં કહેવાતાં સંસ્કાર ને સંસ્કૃતિને નામે જે વેવલાઈ ને દંભ પોષાય છે તેનો જોટો કદાચ દુનિયાભરમાં ન જોવા મળે. એટલે જ આપણે ત્યાં સારા કામ માટે પણ થતા પ્રયાસોને તંગ ભૃકુટિવાળી નાજારોનો સામનો કરવો પડે છે. સિંગલ મધર કે સિંગલ ફાધર બનવું જાણે કોઈ પાપ હોય તે રીતે જોવામાં આવે છે. જોવાની ખૂબી એ છે કે આ છતાં જો સિંગલ પેરેન્ટ બનવાની હિમ્મત કોઈએ દાખવી હોય તો એ પુરુષ નહીં સ્ત્રી છે.
કુંવારી માતા બનવાની હિમ્મત દાખવનાર નીના ગુપ્તા ને સારિકા કે પછી બાળકી દત્તક લેનાર સુષ્મિતા સેન , નામાંકિત પબ્લિકેશનના માલિક નરી હીરા સિવાય સમ ખાવા પૂરતો એક બનાવ નહોતો કે જેમાં પુરુષે સિંગલ પેરેન્ટ બનવાની આવી પહેલ કરી હોય.  
કારણ ગમે તે હોય વાસ્તવિકતા વરવી હોય છે. એમાં પણ ખાસ કરીને ઇન્ડિયામાં  . પણ, લાગે છે હવે એમાં પણ પરિવર્તન આવતું જાય છે. 
મુંબઈમાં તો ઇન્ફર્ટિલિટી સેન્ટર્સની કંઈ કમી નથી પણ ગુજરાતના આણંદે તો એમાં બાજી મારી લીધી હતી. વિદેશોમાં પણ સરોગસી સેન્ટર તરીકે આણંદનું નામ ભારે ગાજ્યું હતું. વિદેશમાં અને હવે મુંબઈમાં જે રીતે એકલા પુરુષોને પિતા બનવાના કોડ ઉપડ્યા છે એમ ગુજરાતમાં એકલવીર પિતા બનવાની ઈચ્છા પ્રગટ કરે છે કે નહીં એ તો જાણવા મળ્યું નથી પણ પચરંગી મુંબઈમાં એકલવીર પિતાઓની સંખ્યા વધતી જાય છે. 
મુંબઈની પ્રખ્યાત હોસ્પિટલ સાથે સંકળાયેલા એકે નામી ડોક્ટરે જણાવ્યું હતું કે એક સમય હતો કે અમારી પાસે નિઃસંતાન દંપતીઓ અને એકલી સ્ત્રીઓ સરોગસી ટેક્નિક દ્વારા આવતી હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ ચિત્ર ધરમૂળથી બદલાઈ રહ્યું છે. હવે દર વર્ષે લગભગ દસેક પુરુષો તો પિતા બનવાના હેતુથી આવતા જ હોય છે. જેમાંથી મોટાભાગના પુરુષો નિઃસંતાન , ડિવોર્સી હોય છે.હવે એમાં પણ એક નવું  ઉમેરાયું છે અને તે છે કુંવારા પુરુષો. અપરિણીત , લગ્નના બંધનથી પર રહેવા ઇચ્છુક પુરુષો પણ પિતા બનવાની ઈચ્છા તો ધરાવતા જ હોય છે. મોટાભાગના પુરુષો ક્યાં ડિવોર્સી હોય છે કે પછી લગ્નના નામથી દાઝેલા , એ લોકો પોતાના માતાપિતા સાથે આ છે. એમને ડોક્ટરને ખાતરી આપવાની હોય છે કે બાળકના ઉછેરમાં તેમને માતાપિતા કે કુટુંબીઓનો સહયોગ મળશે. એમની ઉંમર 30થી 35 વર્ષની વચ્ચે હોય છે. એકવાર ડોકટર પાસે આવે એટલે જોબ વર્ક કરી આપવાને બદલે નામાંકિત ડોક્ટરો આ લોકોની પ્રોફાઈલ ચેક કરે છે. એમની માસિકઆવક થી લઈ ઘરનું વાતાવરણ અને બાળકની સિક્યોરિટી સુધ્ધાં , અલબત્ત તમામ ફર્ટિલિટી સેન્ટર્સ આટલા ઊંડાણમાં ઉતરીને તપાસ કરતા હોય એ વાત જરા વધુ પડતી છે પણ દાવો તો એવો જ થાય છે. 
આ તમામ બાબતોને એટલે ધ્યાનમાં રાખવી પડે છે કારણ કે જો આ આખી વાત કાયદાકીય દાવપેચમાં ફસાય તો ડોકટરોનું તેમના સેન્ટર્સનું નામ ખરાબ થઈ જાય. એની પાછળનું મૂળ કારણ એ પણ ખરું કે ભારતમાં સરોગસી કે પછી આસિસ્ટેડ રીપ્રોડક્ટીવ ટેક્નોલોજી માટે કોઈ સખત કાયદા નિયમન અસ્તિત્વમાં નથી.  બાયોમેડિકલ રિસર્ચની સુપ્રીમ ગણાતી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ  રિસર્ચ (ICMR)ની માર્ગદર્શિકા પ્રમાણે સરોગસીનો આશરો માત્ર ને માત્ર નપુસંક પુરુષ કે વંધ્યા જ લઈ શકે છે. આ જ નિયમને કારણે ઘણાં સ્ત્રી પુરુષો સરોગસીના નામ વિશે વિચારતા સુદ્ધાં નથી.
પ્રશ્ન તો એ થઈ શકે કે વેલ સેટલ્ડ , તંદુરસ્ત , સુશિક્ષિત પુરુષો લગ્ન વિના પિતા બનવા ઈચ્છે એ પાછળ લોજીક શું હોય શકે ? જ્યારે પણ આ વાત નીકળે ત્યારે તંદુરસ્ત પુરુષની શારીરિક માનસિક હાલત સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગી જાય છે. સરેરાશ ભારતીય માનસ બીમાર છે. કુંવારી કન્યા માટે હજી થોડીઘણી સહિષ્ણુતા ખરી પણ પુરુષ માટે હરગિજ નહીં  . મોટી ઉંમર સુધી અપરિણીત રહેનાર પુરુષ સાથે સમલિંગી કે પછી નપુંસક જેવા અપમાનિત શબ્દ જોડાય જાય છે. હકીકતે તો આજકાલ યુવાનો લગ્નના નામે આટલા ગભરાય છે કેમ એ કારણ શોધવું જોઈએ  . 
એ પાછળના લોજીક , કારણો , તારણો સમજવા હોય તો ફેમિલી કોર્ટના આંકડા તપાસવા પડે. 
સ્ત્રી સશક્તિકરણની વાત સારી લાગે છે અને એ બદલાવ બિલકુલ માન્ય રાખવો રહ્યો પણ એ સાથે આવતી આડઅસર પણ મને કે ન ગમે સ્વીકારવી રહી. મોટાભાગના મોટા શહેરોમાં અને મહાનગરોમાં પતિ પત્ની બંને કમાતાં હોય કે ન હોય સુશિક્ષિત સ્ત્રી હવે પોતાની જવાબદારી અને હક્ક સુપેરે સમજે તો છે પણ બજાવે છે માત્ર ને માત્ર હક્ક  . આ તમામ  ફેમિલી કોર્ટની ફાઈલમાં રહેલી દાસ્તાનો છે. 

પતિના ઘરે આવ્યા પછી પોતાની આવક પોતાની અને પતિની આવક સહિયારી એવું લોજીક ભણીને આવેલી છોકરીઓ માત્ર હક્ક જતાવી જાણે અને ફરજ નહીં ત્યારે એનું પરિણામ કલ્પી લેવાનું હોય. વાત અહીં અટકતી નથી. વોટબેન્ક અંકે કરવા રાજકીય પક્ષો વચ્ચે પણ હોડ લાગે છે. એક પક્ષે તો નારી સુરક્ષા માટે એવી મોટી વાતો કરી દીધી કે છૂટાછેડા થાય તો પરણેતર દસ વર્ષની હોય કે દસ દિવસની, પતિની મિલ્કતની ભાગીદાર બની શકે  . અને આ માત્ર હિન્દુ માટેની જોગવાઈ હતી. જોવાની ખૂબી તો એ છે કે આ સાંભળીને  દીકરીના માબાપ તો ગેલમાં આવી ગયા પણ એ ભૂલી ગયા કે દીકરી સાથે ભગવાને દીકરો પણ તો આપ્યો છે   … એ વાત જૂદી છે કે આ વાત હવા પકડે એ પહેલા જ એ સરકારે જવું પડ્યું પણ એનાથી એક ખોટો સંદેશ દેશના યુવાનોમાં જરૂર ગયો છે. 

રખે ને આવા કોઈ તઘલખી કાયદા આવે તો ? વિદેશમાં લગ્ન પહેલા પ્રિ ન્યુપ એટલે કે કરાર કરવાની જોગવાઈ છે જેમાં પતિ પત્નીના બંનેના હિતનું રક્ષણ થઈ શકે  . દુર્ભાગ્યવશ  ભારતની ન્યાયિક પ્રક્રિયા  લગ્ન પહેલા થતાં કરારનને માન્ય રાખતી નથી.આ હવાએ ઘણાં યુવાનોના મગજમાં ડર પેદા કરી દીધો છે. પરિણામ નજર સામે છે કે દિનબદિન લગ્ન વિષે અનિર્ણાયકતા વધતી રહી છે પણ પિતા બનવા ઇચ્છુકોની સંખ્યામાં વધારો થતો જાય છે. 

માણસ અને સમાજ એકમેક માટે છે. સમયની સાથે માણસ ને સમાજ બંને એક ઉત્ક્રાંતિવાદના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગીદાર બનતા જાય છે. 

લગ્ન વિના પિતૃત્વ  , લગ્ન વિના માતૃત્વ  નવા કઈ પ્રકારના સમાજનું સર્જન કરી રહ્યું છે એના ફળ અઢી દાયકા પછી ખબર પડશે ને !!

છેલ્લે છેલ્લે :અકસે ખૂશ્બુ હું , બિખરને સે ન રોકે કોઈ 

ઔર બિખર જાઉં તો મુઝ કો ન સમેટે કોઈ  …

~ પરવીન શાકિર 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s